બાળ કાવ્ય સંપદા/તડકો (૨)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તડકો

લેખક : સોલિડ મહેતા
(મૂળ નામ : હરીશ મહેતા)
(1953)

અલકમલકમાં ફરતો તડકો
મીઠી વાતો કરતો તડકો

ચોક ગલી ને રસ્તા વચ્ચે
ધીમાં ડગલાં ભરતો તડકો

ધરતીમાનો લાડકવાયો
પડછાયાથી ડરતો તડકો

પંખી સાથે વાદ વદીને
નીલ ગગનમાં તરતો તડકો

સવાર બપોર ને સાંજ ઢળે
નોખા રંગો ધરતો તડકો

ઊંચા નીચા પરવત પાછળ
સૂરજને કરગરતો તડકો

ઊની ઊની લૂ વરસાવી
દશે દિશે ઝરમરતો તડકો