બાળ કાવ્ય સંપદા/જાનીવાલીપીનારા
જાનીવાલીપીનારા
લેખક : ક્લેરા ક્રિશ્ચિયન
(1949)
ગુરુએ ગોખાવ્યું એક દિ "જાનીવાલીપીનારા,"
સમજ્યા'તા અમે કે આતો ભાષાની છે કોઈ બલા....
ચોમાસાની એક સાંજે આકાશમાં રચાયું'તું,
સાતરંગી મેઘધનુષ્ય કેવું સુંદર દિસતુ'તુ....
મમ્મીએ કહ્યું'તુ મુજને ધ્યાનથી જોતો રહેજે,
સાત રંગની ગોઠવણીને તું બરાબર નીરખી લેજે...
જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો ને નારંગી,
લાગે કેવો રાતો રંગ જે સૌના દિલ લે લોભાવી....
રંગોની ગોઠવણીમાં તો કદીય ફેર ન પડતો,
કુદરતનો જે નિયમ છે તે કદી નથી બદલાતો....
ઘડીઘડી હું જોવા લાગ્યો, મેઘધનુષના રંગો,
રંગના ક્રમને ધ્યાનમાં રાખું બધાં રંગના નામો....
અર્થ સાચો સમજી ગ્યો'તો, ટળી ગઈ'તી એ બલા,
સરળતાથી યાદ રહી ગયું, "જાનીવાલીપીનારા."