બાબુ સુથારની કવિતા/તમે વિચારો છો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૮. તમે વિચારો છો

તમે વિ ચારો છોઃ
શું કરું આ સફરજનનું?
તમે સાપને બરાબર જકડ્યો છેફેણથી
પણ એ તો પૂંછડેથી વીંટળાઈ રહ્યો છે
તમારા શરીર પર.
પ્રતિ પળ એ લાંબો થતો જાય છે.
તમને થાય છે
કે
તમારા કેશ પણ બચશે નહિ
કદાચ
મસ્તક પરના
તમે જુઓ છોઃ
ભીના ન થાય
એ માટે તરાપાઓને
પોતપોતાના માથે મૂકીને
સમંદર ઓળંગવાનો પ્રયાસ કરી રહી છે માનવજાત.
દીવેટને શબની જેમ લઈને જઈ રહ્યાં છે ફૂદાં.
અંગારાને બુઝાતો અટકાવવા રાજામહારાજાઓ ચણી રહ્યા છે કિલ્લા
એની આસપાસ,
તમે જુઓ છોઃ
તમારો રથ
અને
એ રથને જોડેલા પાંચ અશ્વો
ભોંયમાં તરી રહ્યા છે
મૃતદેહ તરે જમે જળમાં એમ
તમે બેઠા બેઠા નખ કાપો છો દાંતથી.
વિચારો છો : આ બધું શું થઈ રહ્યું છે?
તમે હાથમાં લઈ
પાછું મૂકી દો છેસફરજનને
ટેબલ પર
ડીશમાં
ડીશમાં ૐ
ડીશમાં તથાગતનાં અસ્તિ
ડીશમાં તીર્થંકરના ખાલી ખોળામાં તરતા એમના બે ખાલી હાથ
ડીશમાં બારાખડી
બારાખડી પર વરસે પંચભૂત
અનરાધાર.
ડીશમાં શબ્દો
શબ્દે શબ્દે ઐરાવત અને ઉચ્ચૈઃશ્રવા
કરે કળા મયૂર જમે
જમે તમને કશું સમજાતું નથી
તેમ મને પણ
હું સફરજનને ડીશમાં મૂકીને
નીકળી જાઉં છું કાગળની બહાર
તમે હજી અંદર છો
કાગળમાં
હું જોઉં છું :
એક નદી તમારી તરફ
આવી રહી છે
નાડાછડીના કટકે બાંધેલી
હું જોઉં છું :
એક સોપારી
એના પોતાના પડછાયામાં તરી રહી છે.
(‘નદીચાલીસા’ માંથી)