બાબુ સુથારની કવિતા/જેમ જળાશયમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૭. જેમ જળાશયમાં

જેમ
જળાશયમાં
એમ
સફરજનમાં
ટમટમી રહ્યા છે
તારા
હું ઝંપલાવું છું
સફરજનમાં.
જેમ
ઝંપલાવતો હતો
ઉમરા[1] પરથી
સાત માથોડું ઊંડા ધરામાં
તેમ
એ તારા લેવા
પણ, હું જળની સપાટી પર જ
એક કરોળિયાના થૂંકમાં
અટવાઈ ગયો.
હું જોડણીદોષયુક્ત શબ્દોની વચ્ચે
ગૂંચવાઈ ગયો
હું એ જળની સપાટીને તોડીને અંદર
જવા પ્રયાસો કરી રહ્યો હતો ત્યાં જ
કોઈકે મને પૂછ્યું :
- શું કરે છે તું?
- હું સપાટી તોડું છું જળની,
- શા માટે?
- મારે તારા જોઈએ છે.
- શું કરીશ તું એ તારાઓનું?
- કવિતા લખીશ એના અજવાળાથી
- શા માટે?
- ઈશ્વરે સર્જેલા જગતમાં રહી ગયેલા દોષોને સુધારવા [2]
- માણસને ફરી એક વાર માણસના મોઢામોઢ મૂકવા.
- ઈશ્વરની શોધમાં ચાલી ચાલીને લંગડી થઈ ગયેલી
કીડીઓના પગે પાટા બાંધવા
એ આગળ કંઈ પૂછે
તે પહેલાં જ હું બોલ્યો :
હું જે મૂંગા છે તેમના વતી બોલીશ
હું કાચંડા પાટલાઘો ગરોળીઓની પીડાઓનાં ગીત ગાઈશ
હું ધૂળની ડમરીઓનો ઇતિહાસ લખીશ.
હું પહેલા વરસાદની સુગંધના બારમાસા રચીશ.
હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ[3]
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ[4]
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
તથાસ્થુ કહીને
એક નદીની શોધમાં નીકળેલો
હું
સફરજનના તળિયે તો
પહોંચી ગયો છું હવે.
મારા હાથથી
પેલા તારા
મારી આંગળીથી
મારા નખ
જટેલા જ
વેગળા છે
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
(‘નદીચાલીસા’ માંથી)


  1. એક વૃક્ષ
  2. વાલેરી : મૂળ વિધાન યાદ નથી.
  3. નીત્સે
  4. હોલ્ડરલીન : Language of lovers now/Be the language our lands speaks/And their
    soul be the people’s lift.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted