પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અણકલ્પ્યો ઉપકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અણકલ્પ્યો ઉપકાર

આનો અર્થ એવો તો નથી જ કે પ્લેટોની ચર્ચામાં કલાનાં તત્ત્વોની ઝાંખી આપણને થતી નથી. કવિતા કે કળાનું વિવેચન કરવું એ પ્લેટોનું સીધું લક્ષ્ય નહોતું. એ તો આદર્શ રાજ્યમાં કવિતાનું કેવું સ્થાન હોય એ નક્કી કરવા બેઠા હતા. પણ જાતે તત્ત્વચિંતક હોઈ કેવળ સપાટી ઉપરની ચર્ચાથી એમને સંતોષ ન થયો અને એ જરા ઊંડા પાણીમાં ઊતરી ગયા; અજાણ્યે, અનિચ્છાએ એ કલાવિવેચક બની બેઠા. કવિતાવિષયક બધા મુદ્દાઓને એમણે પોતાના પ્રતિપાદનના સમર્થનમાં વાળ્યા છતાં, જોવાની વાત એ છે કે એમાં એમની કલાતત્ત્વની ઊંડી સમજ આડકતરી રીતે વ્યક્ત થયા વિના રહેતી નથી. એમણે પ્રેરણા અને લાગણીને ભલે અનિષ્ટ ગણ્યાં પણ કવિતાના મૂળ તરફ તો એમણે સ્પષ્ટ રીતે આંગળી ચીંધી આપી. એમણે અનુકરણને ભલે એક હલકા પ્રકારનો વ્યાપાર ગણ્યો, પરંતુ કલા અને વાસ્તવજીવનના સંબંધોને વિચારવાની દિશા તો ખોલી આપી. એમણે પોતાના જમાનાની કવિતાનું ભલે ખોટું મૂલ્યાંકન કર્યું પરંતુ ભાવનાજગતનું દર્શન કરાવતી ઉચ્ચ કવિતાનો આદર્શ એમણે પરોક્ષ રીતે પ્રગટ કર્યો.[1] આકૃતિ, લય, સંવાદ એ બધાંને ભલે એમણે નીતિને અધીન ગણાવ્યાં, પરંતુ કલાના કલાપણાનાં આ લક્ષણોની સૂઝ તો એમણે બતાવી આપી. પ્લેટોની આ મીમાંસાનો સાહિત્યની દુનિયા પર ઘણો મોટો ઉપકાર છે. એમણે કેટલાક એવા પાયાના પ્રશ્નો ઊભા કર્યા કે જેની ચર્ચા એક યા બીજે રૂપે આજ સુધીના વિવેચકો કરતા રહ્યા છે. પ્લેટોના શિષ્ય અને અનુગામી ઍરિસ્ટૉટલે જ એમને પરોક્ષ રીતે પણ બહુ સમર્થ ઉત્તર વાળ્યો છે અને ઍરિસ્ટૉટલનો ગ્રંથ સાહિત્યજગતનો એક ઉત્તમ દસ્તાવેજ બની ગયો છે એમાં પણ પ્લેટોનું થોડું ઋણ સ્વીકારવું રહ્યું. પ્લેટોએ સાહિત્યવિચારના સ્થિર જળમાં એક કાંકરો ફેંક્યો અને એમાંથી કેટલાંયે તરંગો-વર્તુળો ઊઠ્યાં, સાહિત્યવિવેચનની દુનિયા જીવંત બની ઊઠી. સાહિત્યવિવેચનને પહેલી ગતિ આપનાર પ્લેટોનું મૂલ્ય આમ ઓછું નથી. વળી, પ્લેટોના સિદ્ધાંતોની મર્યાદા ગમે તેટલી બતાવીએ, સેઇન્ટ્‌સબરી કહે છે તેમ સાહિત્યનું સૌંદર્ય પિછાનવાને માટે કોઈ ને કોઈ પ્રકારનો ભાવનાત્મક અભિગમ જરૂરનો હોય છે અને ઓછે કે વત્તે અંશે પ્લેટોવાદી થયા વિના સાહિત્યનું સૌંદર્ય ભાગ્યે જ પામી શકાય. (એ હિસ્ટરી ઑવ્‌ ક્રિટિસિઝમ, ૧, પૃ.૧ ૮)

પાદટીપ:

  1. “Plato had already shown the way to a truer conception of fine arts, for greatly as he misjudged the poetry of his own country, yet he had in mind the vision of higher art which should reveal to sense the world of ideas.” – બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિયરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૨૦૮.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted