પરમ સમીપે/૭૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭૪

પરમપિતા,
તને પ્રણામ કરીને હું આજના દિવસમાં પ્રવેશ કરું છું.
મારું મન ચંચળ છે, અને
મારાં સાંસારિક કામોની જાળ અટપટી છે
આ જાળમાં સાંગોપાંગ ફસાઈ જવાથી મને બચાવજે.

નકામી વસ્તુઓની ઇચ્છા કરવામાંથી
તુચ્છ બાબતોમાં શક્તિ ને સમય વેડફવામાંથી
અર્થહીન પ્રાપ્તિ પાછળ દોટ મૂકવામાંથી
મહેનત કર્યા વિના ધન મેળવવાની લાલસામાંથી મને બચાવજે.

કોઈ જોતું નથી - એ કારણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાની દુર્બળતામાંથી
પૈસા કે સ્થાનના જોરે કોઈની અસહાયતાનો લાભ લેવાની કઠોરતામાંથી
જેમાં સહેલાઈથી સરી પડાય તેવાં અયોગ્ય કૃત્યોના રસ્તે
                                                      પહેલું પગલું ભરવામાંથી મને બચાવજે.

હું જે કરી શકું તેમ નથી, તે કરવા ઇચ્છતો નથી તેમ કહેવાના દંભમાંથી
જેમાં હું ઊણો ઊતરતો હોઉં તે ધોરણોની બીજા પાસે અપેક્ષા રાખવામાંથી
બીજામાં જેને હું તિરસ્કારું તે જ દોષો મારામાં હોય ત્યારે
એ માટે બહાનાં કાઢવામાંથી
બીજાના દોષ પહોળી આંખે જોવામાંથી અને મારી ભૂલો પ્રત્યે
                                                  આંખો બંધ કરી દેવામાંથી મને બચાવજે.

કાંઈ અવળું બને કે મુશ્કેલી આવી પડે
ત્યારે બીજા પર એની જવાબદારી ઢોળી દેવામાંથી
ચડિયાતા લોકો સમક્ષ ઝાંખપ અનુભવવામાંથી
અને નીચેના લોકો આગળ મોટાઈ હાંકવામાંથી મને બચાવજે.

નાના લોકોને તે નાના છે તે કારણે જ અવગણવામાંથી
જેઓ મારા પર આધારિત છે, તેમના પર વર્ચસ્ ચલાવવાની ઇચ્છામાંથી
પોતા પ્રત્યે ઉદાર ને બીજા પ્રત્યે કડક દૃષ્ટિબિંદુના બેવડા ધોરણમાંથી
પ્રિયજનો કેટલું કરે છે તેની જાણ વિના
અને હું કેટલું માગું છે તેના ભાન વિના
તેમની સાથેના સંબંધમાં જડ અને સ્થગિત રહેવામાંથી મને બચાવજે.

જેમાં હૃદયનો ભાવ નથી તેવા ઠાલા શબ્દો બોલવામાંથી
અને નજર સામે કોઈને અન્યાય થતો હોય ત્યારે
ચુપ રહેવામાંથી, મને બચાવજે.
ન ગમે કે ન સમજાય તેવી બાબતને ઝટ દઈને
બાજુ પર હડસેલી દેવાની ઉતાવળમાંથી મને બચાવજે
ક્ષુદ્ર સંતોષ અને મૂર્ખ અસંતોષથી મને બચાવજે.

હે પરમાત્મા,
મારી જ વાત સાચી એવી જીદમાંથી મને બચાવજે.
હું બધું જ જાણું છું એવા અહંકારમાંથી મને બચાવજે.

કામકાજનો એક આનંદ છે, સફળતાનો એક નશો છે
રોજનાં સામાન્ય નાનાં કામોમાં જાતને ભુલાવી દેતી એક વિસ્મૃતિ છે
આ આનંદ, આ નશો, આ વિસ્મૃતિમાંથી મને બચાવજે.

સવારે કામ પર જઈ સાંજે ક્ષેમકુશળ પાછો ફરું ત્યારે,
તારો આભાર માની
આ બધાંમાંથી જાતને ખંખેરી
બધી કટુતા, ઈર્ષ્યા, રંજ, ચિંતામાંથી જાતને અળગી કરીને
તારી શાંત પ્રેમાળ ગોદમાં પોઢી જાઉં
ને બીજી સવારે નવું તાજું મન લઈને ઊઠું તેવું કરજે.