પરમ સમીપે/૪૬
૪૬
રોજેરાજ હું પ્રાર્થના કરું છું —
હે ભગવાન,
જે કામ કરવાની મારી ઇચ્છા ન હોય, તે કામ
કરવા માટે મને ફરી શક્તિ આપો.
‘શા માટે?’ — એમ પૂછ્યા વિના આજ્ઞાધીનપણે નમવાની,
સત્યને ચાહવા ને સ્વીકારવાની
અને જૂઠાણાને ધુત્કારી કાઢવાની
આ ટાઢીહિમ દુનિયા સામે
આંખમાં આંખ માંડીને જોવાની
સ્પર્ધામાં જેઓ મારાથી આગળ નીકળી જાય
તેમને માટે આનંદ મનાવવાની
મારો બોજો આનંદથી, ભય વિના ઉપાડવાની
અને જેમને મારી મદદની જરૂર હોય
તેમના ભણી હાથ લંબાવવાની,
હું શું છું — તેનું માપ
હું શું આપું છું તેના પરથી કાઢવાની
મને શક્તિ આપો, ભગવાન!
જેથી હું સાચી રીતે જીવી શકું.
અજ્ઞાત