નારીસંપદા : ટૂંકી વાર્તા/ભીની ક્ષણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીની ક્ષણો

નીતિ દવે

“ટ્રિન... ટ્રિન...” “ટ્રિન... ટ્રિન... ટ્રિન...” પૂર્વ દિશાની બારીમાંથી પ્રભાતનાં પહેલાં પહેલાં કિરણો બંધ આંખોનાં પોપચાં પર પડે અને સૂર્યપ્રકાશમાં સમાયેલા સાતેય રંગોની હળવી પીંછી પાંપણો પર ફરે ત્યારે અનિકેતની સવાર પડતી. પણ આજે સવાર થયાની જાણ આંખોને બદલે કાન દ્વારા થઈ અને તેય પાછી રંગોની પીંછી જેવી હળવાશથી નહીં ! “ઓહો ! કોણ છે આ સવારના પહોરમાં?” બબડીને એણે સૂતાં સૂતાં જ હાથ લંબાવીને ફોન ઉપાડ્યો. “હેલો !” ઊંઘરેટા અવાજે તે બોલ્યો. “ગુડ મોર્નિંગ, બેટા !” “ઓહ ડેડી !” “ફોન ઉઠાવતાં આટલી બધી વાર કેમ થઈ? કોઈ રોજકુમારીનાં સપનાં જોતો’તો કે શું? રંગીન મુલાકાત ચાલતી હોય તો પછીથી ફોન કરું?” ડેડીના ખડખડાટ હસવાના અવાજે અનિકેતને સંપૂર્ણપણે જાગ્રત કરી દીધો. એને ખ્યાલ આવી ગયો કે ડેડીએ ફોન શા માટે કર્યો છે. ‘ડેડીને બધી વાતે મજાક જ સૂઝે ! વાત કેવી ગંભીર છે !’ વાત યાદ આવતાં જ એને પરસેવો વળી ગયો. ‘હમણાં ડેડી પૂછશે, શું થયું?’ “હાં તો બેટા, કલ ચૌદહવી કી રાત થી...” ડેડીનો તોફાની અવાજ ખુલ્લું હસતો હતો. “ડેડી, ચૌદહવી કી રાતે હું કંઈ નથી કરી શક્યો.” “ડોન્ટ ટેલ મી ! બીજી સાંજ પણ તેં સાવ નકામી બગાડી નાખી !” “ડેડી, મને ગભરામણ થાય છે. શું કરું? કેવી રીતે કરું?” “અરે, મારો દીકરો થઈને આમ ગભરાય છે ! મેં તને બધું સમજાવ્યું હતું. યુ નો એવરીથિંગ ! પ્રોસેસ ઈઝ વેરી સિમ્પલ !” “ઇટ્સ નોટ ધેટ મચ સિમ્પલ, ડેડી !” “ઈટ ઈઝ, બેટા ઈટ ઈઝ ! કમ ઑન માય સન ! હવે આજે છેલ્લો ચાન્સ છે. આજની સાંજ છેલ્લી તક ! તેં કૉલેજમાં ખાલી ભણ્યા જ કર્યું ! કોઈ છોકરીને ક્યારેય પ્રેમના પાઠ ન ભણાવ્યા? તારી મમ્મી અહીં બાજુમાં ઊભી છે. નહીં તો હું તને મારી એક કહેતાં એકવીસ પ્રેમકહાણીઓ હમણાં ને હમણાં સંભળાવત ! હા... હા... હા...” વળી પાછી મજાક ! ડેડી હંમેશા આવા જ છે. મજાકિયા અને ઝિંદાદિલ ! એક સાઈકિયાટ્રિસ્ટ હોવા છતાં આટલા હસમુખ કેવી રીતે રહી શકતા હશે ! એમના પેશન્ટ્સનાં મનની ગૂંચવણો હાસ્યને ગૂંગળાવી નહીં નાખતી હોય ! “હું કાલે ફોન કરીશ. જો, કાલે મારે રિઝલ્ટ જોઈએ હા !” “ના ડેડી, કાલે હું જ તમને ફોન કરીને રિઝલ્ટ કહીશ બસ !” અનિકેતને ખબર હતી હવે આજે એ કામ કર્યા વગર છૂટકો જ નથી. “ધૅટ્સ લાઈક માય સન !” રિસીવર મૂકીને અનિકેત એમ જ આંખો બંધ કરીને પથારીમાં પડી રહ્યો. ખુલ્લી બારીમાંથી દરિયા પરથી વહેતી હવાની લહેરો આખા રૂમમાં ઘૂમી રહી હતી. ઘૂમરી લેતી હવા ઝૂલી રહેલા પડદા અને ફર્નિચરમાં અટવાઈને પોતાની દિશા જાણે ખોઈ બેઠી હતી. ‘શું કરું? આજે તો હવે કંઈક કરવું જ પડશે !’ બંધ આંખે અનિકેત વિચારતો હતો. “અમારા મૅનેજમેન્ટના ફ્લડમાં ઝડપી નિર્ણયશક્તિ બહુ અગત્યનો ભાગ ભજવે છે. નોકરીમાં ત્રણ વર્ષના અનુભવે હું ઝડપથી સાચા નિર્ણયો લેતાં શીખી ગઈ છું.” અનિકેતને કાલે જ શ્રુતિએ આત્મવિશ્વાસથી કહેલા શબ્દો યાદ આવ્યા. ‘શ્રુતિ, તું તો હોશિયાર છે. હું ક્યાં તારા જેટલો હોશિયાર છું !’ અનિકેત મનોમન બબડ્યો. ‘એટલે તો તું એમ.બી.એ. થઈને અત્યારે એક મલ્ટિનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર છે જ્યારે હું તો માંડ માંડ સિવિલ એન્જિનિયર થયો અને એ પણ ડોનેશન આપીને એડમિશન લીધું ત્યારે !’ અનિકેતે ઊંડા શ્વાસ લઈ આંખો ઉઘાડી. છત પર નજર પડી. બારીમાંથી આવતી હવાની ઝાપટથી પંખો ધીમે ધીમે ગોળ ફરી રહ્યો હતો. ‘શ્રુતિ તું હોશિયાર છે એ સાચું, ઝડપી નિર્ણયો પણ લઈ શકતી હોઈશ, પરંતુ હંમેશાં સાચા જ નિર્ણયો નથી લઈ શકતી. કમસે કમ એક નિર્ણય તો તે ખોટો જ લીધો છે !’ અને એના આ એક ખોટા નિર્ણયે જ અનિકેતની ઊંઘ બે દિવસથી ઉડાડી દીધી હતી. ઊઠતાં, બેસતાં, સૂતાં, જાગતાં શ્રુતિના જ વિચારો એના મન પર છવાઈ ગયા હતા. અનિકેત પલંગમાંથી ઊઠીને રાજની આદત મુજબ બારી પાસે જઈને ઊભો રહ્યો. સામે દરિયો ઊછળતો હતો. સૂર્ય હજી હમણાં જ ક્ષિતિજથી ઉપર ઉઠ્યો હતો. એના કૂમળાં સોનેરી કિરણો નાનાં બાળકોની જેમ સામે ફેલાયેલા રેતીના પટ પર રમી રહ્યાં હતાં. અનિકેત અને શ્રુતિ નાનાં હતાં ત્યારે આમ જ રેતીમાં રમતાં. મંદિર, સેન્ડમૅન, સેન્ડ કૅસલ બનાવતાં. બંનેના ડેડી લંગોટિયા મિત્રો હતા તેથી બંને પરિવારો વચ્ચે અંતરંગ સંબંધ હતો. ઘણી વાર બધા સાથે ફરવા જતા. દરિયા કિનારે. હિલ્સ સ્ટેશન પર. ત્યારે અનિકેત અને શ્રુતિ આમ જ સાથે રમતાં. બંને સ્કૂલમાં સાથે ભણ્યાં. અનિકેતને દરિયાની રેતી પર નાની નાની બે પોની વાળેલી રૂપકડી ઢીંગલી જેવી નાનકડી છોકરી દોડતી દેખાઈ. દોડતાં દોડતાં એણે નાનકડા અનિકેતનો હાથ પકડી લીધો. બંને સાથે દોડવા લાગ્યાં. નાની છોકરીનો હસતો ગોળમટોળ ચહેરો અચાનક યુવાન, છટાદાર અને પ્રભાવશાળી ચહેરામાં ફેરવાઈ ગયો. એ ચહેરાને જોઈને અનિકેતનો હાથ આપોઆપ તેના હાથમાંથી છૂટી ગયો અને પેલી છોકરી અનિકેતથી આગળ દૂર દૂર દોડી ગઈ. દૂર દોડી ગયેલી યુવાન છોકરીની આંખોમાં જૂદું જ વિશ્વ હતું, જુદાં જ સપનાં હતાં. એ વિશ્વ અને એ સપનાં ન તો અનિકેતને સમજાયાં, ન એના ઘરનાને. છવ્વીસ વર્ષની યુવાન વયે પ્રતિષ્ઠિત કંપનીના સિનિયર મૅનેજરનો મોભો અને સધ્ધર પગાર મેળવતી શ્રુતિએ જ્યારે કહ્યું કે એને લગ્ન નથી કરવાં. હજી પહેલાં તો પોતાની કારકિર્દી બનાવવી છે, ત્યારે ઘરમાં તો સોપો પડી ગયો ! છેલ્લા છ મહિનાથી બધા શ્રુતિને લગ્ન કરવા માટે સમજાવી રહ્યા છે પણ... અનિકેત હમણાં ઘરે ગયો ત્યારે એને આ બધી વાતની ખબર પડી. બે વર્ષ પહેલાં દરિયાકિનારે આવેલા આ નાનકડા શહેરમાં એ નોકરીએ લાગ્યો ત્યાર પછી શ્રુતિ સાથે ફોન પર વાત થતી પણ મળવાનું બનતું નહીં, કારણ કે શ્રુતિ પાસે સમય જ ન હોય ! અઠવાડિયા પહેલાં અચાનક રાત્રે શ્રુતિનો ફોન આવ્યો. “અનિકેત આપણે મળી રહ્યાં છીએ ! હું તારે ત્યાં આવું છું. અમારી કંપનીએ દરિયાકિનારાના તારા સુંદર ટાઉનમાં એક કોન્ફરન્સ રાખી છે. ત્રણ દિવસ માટે. દિવસ આખો તો મારે કામ રહેશે પણ રોજ સાંજે આપણે મળીશું. ઓહ ! કેટલા સમયે આપણે નિરાંતે મળીશું !” અને તરત બીજે દિવસે ડેડીનો ફોન આવ્યો હતો. ડેડીની વાત સાંભળીને અનિકેત સડક થઈ ગયો ! એમણે કહ્યું, “જો અનિકેત, શ્રુતિ તારે ત્યાં આવવાની છે. એના માટે મેં એક પ્લાન બનાવ્યો છે. લગ્ન માટેની શ્રુતિની માનસિકતા બદલવી પડશે. એનાં મમ્મી-ડેડી એને સમજાવી સમજાવીને થાક્યાં ! હવે કંઈક જુદી જ રીતે આ વાત એના ગળે ઉતારવી પડશે. મેં એના માનસનો પૂરો અભ્યાસ કર્યો છે. એને નાનપણથી મારી નજર સામે મોટી થતાં જોઈ છે. આટલાં વર્ષોના મારા સાઈકિયાટ્રિસ્ટ તરીકેના અનુભવના આધારે કહી શકું છું કે આ ‘કેસ’ ખાસ અઘરો નથી !” અનિકેતના ડેડી એક સફળ સાઈકિયાટ્રિસ્ટ હતા. ‘ડેડી માટે શ્રુતિ હવે એક ‘કેસ’ હતી.’ અનિકેતને કંઈક ખૂંચ્યું. “એ છોકરી બહુ મહત્ત્વાકાંક્ષી છે. કંઈક બનવાની દોડમાં એ જીવનનાં મૂળભૂત સત્યોને, કુદરતી જરૂરિયાતોને અવગણે છે. અત્યારે એનું મનોજગત ચોવીસે કલાક ઑફિસના કામ અને કારકિર્દીના વિચારોથી છવાયેલું રહે છે. એના મનમાં પ્રેમ, લગ્ન કે પુરુષ પ્રત્યેનાં આકર્ષણ જેવા ઋજુ વિચારો આવતા જ નથી. આપણે એના મનમાં આ ઋજુ વિચારો પેદા થાય એવું કંઈક કરવાનું છે. એનામાં રહેલી સ્ત્રીને જગાડવાની છે. અને એ કામ તારે કરવાનું છે !” “મારે !” અનિકેત આશ્ચર્યચકિત હતો, “પણ હું કંઈ રીતે...?” “તું જ આ કામ માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે ! શ્રુતિ તારી સાથે હોય ત્યારે તારે એને એવી અનુભૂતિ કરાવવાની છે કે તું એક પુરુષ છે અને એ એક સ્ત્રી !” “પણ ડેડી, અમે ખૂબ સારાં મિત્રો છીએ, પરંતુ એકબીજા માટે ક્યારેય એવું નથી અનુભવ્યું !” “હું ક્યાં કહું છું કે તું અનુભવ ! તારે તો ખાલી નાટક કરવાનું છે. એક પુરુષ હોવાની અનુભૂતિ કરાવવાની છે જેથી એનામાં સ્ત્રીસહજ લાગણીઓ જાગે ! એને થોડી લાગણીભીની ક્ષણો આપવા માટે નાટક કરવાનું છે.” આદત મુજબ પાછી મજાક કરતાં બોલ્યા, “નાટક કરતાં કરતાં તમે બંને પ્રેમમાં પડી જાઓ તો અમે વરકન્યાને કંકુચોખાથી વધાવીશું !” “ના હોં ! મારે આવી વહુ ન જોઈએ.” પાછળથી મમ્મીનો અવાજ ફોનમાં સંભળાતો હતો. “જો અનિકેત, હું તો તારા ડેડીને આવાં નાટકો કરવાની ના પાડું છું, પણ એ માનતા નથી !” મમ્મીએ કદાચ ડેડીના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો. “આ નાટક બહુ જોખમી છે ! મારે તો ઘર અને બાળકો સંભાળી શકે એવી વહુ જોઈએ ! આખો વખત કેરિયર બનાવવામાં જ મશગૂલ હોય એવી વહુ શું કામની ! જોજે અનિકેત, તું ક્યાંક એના પ્રેમમાં ના પડી જતો !” મમ્મીના અવાજમાં ચિંતા અને ઉશ્કેરાટ સ્પષ્ટ સંભળાતાં હતાં. “તુંય શું મમ્મી ! એવું કંઈ નહીં થાય !” પછી ડેડી આ પ્લાન કઈ રીતે પાર પાડવો એ લંબાણપૂર્વક ક્યાંય સુધી સમજાવતા રહ્યા. અનિકેતને આ બધું ખૂબ અટપટું લાગતું હતું અને ગભરામણ પણ થતી હતી. “ડેડી, આ બધું બહુ જોખમી છે. તમારું સાઈકોલોજીનું જ્ઞાન અહીંયાં અજમાવવા જેવું નથી. મારા અને શ્રુતિના સંબંધમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનાં આકર્ષણ જેવું તત્ત્વ નથી. અને હું એવું કંઈ નાટક કરું તો શ્રુતિને ન પણ ગમે. એ મારા પર ગુસ્સે થાય, મારું અપમાન કરે તો? વળી એનાં મમ્મી-ડેડીને આ વાતની ખબર પડે તો એમને કેવું લાગે?” “અરે ભાઈ, મેં આ બધો વિચાર કરી લીધો છે. શ્રુતિ તારી સાથે અપમાનજનક વર્તન નહીં કરે. તારી પસંદગી મેં એટલા માટે જ કરી છે, કારણ કે તમે બંને ખૂબ સારાં મિત્રો છો ! રહી એનાં મમ્મી-ડેડીની વાત, તો બેટા, સૌથી પહેલાં આ પ્લાન મેં એમની પાસે જ રજૂ કર્યો હતો. આમાં એમની સંપૂર્ણ સહમતી પછી જ હું તને આ કહી રહ્યો છું.” અનિકેત ગૅસ ઉપર ચા માટેનું પાણી મૂકીને બ્રશ કરવા ગયો. ‘આજે બહુ કામ પતાવવાનાં છે. ઝડપ કરવી પડશે.’ હાથમાં ચાનો મગ લઈને વરંડામાં આવ્યો ત્યારે દરિયા પરનો સૂરજ રતૂમડો રંગ ગુમાવી ચૂક્યો હતો. સોનાનો દરિયો હવે રૂપાનો બની ગયો હતો. પાણી પર સૂરજનું રૂપું ચમકી રહ્યું હતું. રોજ બહાર વરંડામાં બેસીને ચા પીતાં પીતાં ઘરની કમ્પાઉન્ડ વૉલની બહાર ફેલાયેલા રેતીના પટને જોયા કરતો. પટ પૂરો થાય ત્યાં પાણીનાં મોજાંની છાલકો વાગ્યા કરતી. દરિયો હાલકડોલક હતો. “શ્રુતિના બે દિવસ તો એમ ને એમ પૂરા થઈ ગયા ! અમે મળ્યાં પણ ડેડીએ કહ્યું એવું હું કંઈ કરી શક્યો નથી. આજે છેલ્લો દિવસ છે. આજે તો કંઈક કરવું જ પડશે. પણ શું કરું?” શ્રુતિ સામે આવતી અને એને ગભરામણ થઈ જતી. અનિકેત ક્યાંય સુધી વિચારતો રહ્યો. ધીરે ધીરે ચાની ચુસ્કી ભરતો બેસી રહ્યો. કંઈક નિશ્ચયાત્મક ભાવ સાથે ફોન ઉઠાવ્યો. “હાય શ્રુતિ !” “હેલો અનિકેત, બોલ ! આજે સાંજે પણ આપણે મળીએ છીએ !” “આજ સાંજના ખાસ પ્રોગ્રામની વાત કરવા જ તને ફોન કર્યો. આજે તને ખાસ ટ્રીટ આપવાની છે. ફેરવેલ ટ્રીટ ! સાંજે તું સીધી ઘરે આવ.” “વાહ ! કોઈ ખાસ પ્રોગ્રામ છે?” “તારા માટે સરપ્રાઈઝ છે. બધું કંઈ તને અત્યારથી કહી ન દેવાય !” મોડી બપોરથી જ અનિકેતની સાથે એનું આખું ઘર શ્રુતિની રાહ જોતું હતું. આડીઅવળી પડેલી બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી. ફર્નિચર પરની ધૂળ ઝપટાઈ ગઈ હતી. ઘર ચોખ્ખુંચણાક અને આંગણું લીલુંછમ ! બધી તૈયારી સંપૂર્ણ હોવા છતાં શ્રુતિએ ડોરબેલ વગાડી ત્યારે અનિકેતનું હૃદય ગભરામણમાં જોરથી ધડકી રહ્યું હતું. બારણું ખોલ્યું તો આંખોમાં ગુલાબી રંગ છવાઈ ગયો. ગુલાબી સલવાર-કુરતામાં શોભતી સુંદર અને સોહામણી શ્રુતિ ! આજે એ કોઈ કોર્પોરેટ ઑફિસની એક્ઝિક્યુટિવ નહોતી લાગતી. “શ્રુતિ, આજે તું ખૂબ સુંદર લાગે છે !” આંખોમાં પ્રશંસાના ભાવ સાથે અનિકેતે શ્રુતિની આંખોમાં જોયું. ‘અવાજ જરા વધુ પડતો કોમળ તો નથી ગયોને !’ અનિકેત આશંકિત હતો. શ્રુતિ આંખોથી ધીમું હસી, “આજે તારા ઘરે આવવું હતું એટલે મન થયું ઑફિસ જેવો નહીં પણ ઘરમાં શોભે એવો ડ્રેસ પહેરું !” અનિકેત એને વરંડામાં દોરી ગયો. “આ મારી પ્રિય જગ્યા છે. અહીં બેસીને દરિયાને જોયા કરવો ગમે છે.” હવાની લહેર શ્રુતિને સ્પર્શી ગઈ. સામે દરિયો ઘૂઘવી રહ્યો હતો. સિંદૂરી આકાશમાં પંખીઓની એક હાર ઊડી રહી હતી. ઢળતા સૂરજનાં છેલ્લાં કિરણો એમની વીંઝાતી પાંખો પર ચમકી રહ્યાં હતાં. શ્રુતિ આ દૃશ્ય મુગ્ધતાપૂર્વક જોઈ રહી. “તારું ઘર તો બહુ સુંદર સ્થળે છેને !” “હજી તું જોજે તો ખરી ! આજે પૂનમ છે અને સામે પૂર્વ દિશા. હમણાં થોડી વાર પછી સામેના દરિયામાંથી ચંદ્રોદય થશે. એ દૃશ્ય નયનરમ્ય હોય છે.” શ્રુતિ ધીમાં ડગલાં ભરતી દરિયા તરફ ચાલી. કમ્પાઉન્ડ વૉલના ટેકે ઊભી રહી ગઈ. સામે ફેલાયેલા અફાટ સાગરને જોઈ રહી. કેસરી આકાશ, ઊડતાં પંખીની હાર, ઉછળતો દરિયો, ચમકતો રેતીનો પટ, એના તરફ તાકી રહેલી શ્રુતિ, હવામાં ઊડતા એના ખુલ્લા વાળ, વહેતી હવામાં લહેરાતી એની ગુલાબી ઓઢણી. વરંડામાંથી ઊભા રહીને જોતાં એક સંપૂર્ણ કલાત્મક ચિત્ર ઊપસતું હતું. “દરિયાનું દૃશ્ય તો હું રોજ જોઉં છું પણ આજે એમાં શ્રુતિની ઉપસ્થિતિને લીધે હવે સમજાય છે કે પહેલાં એમાં શું ખૂટતું હતું !” અનિકેતે નજર શ્રુતિ પર ઠેરવી. એ હતી સાગર સન્મુખ, એકલી, કંઈક ખોવાયેલી, કંઈક મુગ્ધ, એક હાથ પાળી પર ટેકવીને સામેના દૃશ્યને આંખોથી પી રહી હતી. અનિકેતે એને એમ જ એકલી રહેવા દીધી. ચૂપચાપ અંધારું ઊતરી આવ્યું હતું. સાગરના જળમાંથી જ ઉદિત થયેલો પૂનમનો ચંદ્ર એ ઉછળતાં જળ પર ઝલમલ ઝલમલ થઈ રહ્યો હતો. શ્રુતિ હજી ત્યાં જ હતી. અત્યારે એ પાળી પર બેઠી હતી, ઘૂંટણ પર માથું ટેકવીને ચંદ્રને જોઈ રહી હતી. ‘એ શું વિચારી રહી હશે?’ અનિકેતને પ્રશ્ન થયો. એ દબાતે પગલે ત્યાં જઈને ઊભો રહ્યો. શ્રુતિની એકદમ નજીક. ‘એના ખભે હાથ મૂકીને કહું કે પરીકથામાં ચંદ્ર પરથી ઊતરી આવતી પરી આજે મારા આંગણે આવી છે !’ પણ એ હાથ લંબાવી શક્યો નહીં. હાથ ધ્રૂજવા લાગ્યા હતા. શબ્દો મોંમાથી નીકળ્યા નહીં. ગભરામણ થવા લાગી. ‘ડેડી કહે છે એવું નાટક મારાથી નહીં થઈ શકે.’ હતાશા ઘેરી વળી. એનાથી સપાટ અવાજમાં એટલું જ બોલાયું, “ડિનર તૈયાર છે.” એના અવાજથી શ્રુતિએ ઝબકીને પાછળ જોયું. એની સમાધિ તૂટી. “ઓહ અનિકેત, આ બધું કેટલું સુંદર છે ! મેં તો કેટલાય સમયથી સાંજ જોઈ જ નથી ! ઑફિસથી આવતાં જ રાત પડી જાય.” અનિકેતને થયું કે કહું જિંદગીમાં, બીજું ઘણું સુંદર છે ! પણ ચૂપ રહ્યો. પાળી પરથી ઉતરવા માટે સાવ સહજપણે શ્રુતિએ અનિકેતનો ટેકો લીધો. અનિકેતના ખભે હાથ મૂકીને એ નીચે ઊતરી. અનિકેતે હિંમત એકઠી કરીને જાણે એને ટેકો આપતો હોય તેમ હાથ લંબાવ્યો. એનો હાથ પકડી નીચે ઉતાર્યા પછી પણ એ હાથ છોડ્યો નહીં. વરંડા તરફ એને લઈ ચાલ્યો. બંને લગોલગ ચાલતાં હતાં. ડિનર માટે અનિકેતે વરંડામાં જ ટેબલ સજાવ્યું હતું. ટેબલની મધ્યમાં ફ્લાવરવાઝમાં રજનીગંધાનાં ફૂલો મહેકતાં હતાં. એની બંને બાજુ કૅન્ડલ સ્ટેન્ડમાં જ્યોતિ ઝગમગી રહી હતી. “હાઉ રોમેન્ટિક ! પૂનમનો ચંદ્ર, ઘૂઘવતો દરિયો અને એના કિનારે કૅન્ડલ લાઈટ ડિનર ! ઈટ્સ વન્ડરફુલ ઇવનિંગ !” શ્રુતિની આંખો ખુશીથી ચમકતી હતી. “ભોજન પણ વન્ડરફુલ જ હશે, કારણ કે મેં બનાવ્યું છે !” “હોય નહીં ! તું કુકિંગ ક્યારથી શીખી ગયો?” “બસ, અહીંયાં એકલો રહ્યો ત્યારથી. રોજ બહારનું જમવાનું ફાવતું નહોતું એટલે ધીરે ધીરે કરતાં શીખી ગયો.” “યુ આર એ ગુડ હસબન્ડ મટીરિયલ હં ! તારી પત્નીને ચિંતા નહીં. તેં ઘર પણ વ્યવસ્થિત રાખ્યું છે.” અનિકેત ખાતાં ખાતાં અટકી ગયો. શ્રુતિ સામે જોયું. ‘ગાડી ક્યાંક આડે પાટે ન ચડી જાય !’ જમ્યા પછી શ્રુતિનું જ સૂચન હતું કે દરિયાકિનારે થોડું ચાલીએ. ચાંદનીએ અજવાળેલી રાતમાં, સમુદ્રનાં મોજાંની ગર્જના સાથે રેતીના પટમાં ચાલવું અજબ અનુભવ હતો. બંને મૂંગાં મૂંગાં ચાલ્યાં જતાં હતાં. અચાનક અનિકેત બોલ્યો, “યાદ છે શ્રુતિ, આપણે નાનાં હતાં ત્યારે એકબીજાનો હાથ પકડીને રેતીમાં દોડતાં !” “હા, ત્યારે તો આપણે રેતીમાં ખૂબ રમતાં !” “ચાલ, અત્યારે એ રીતે દોડીએ !” અનિકેતની વાત શ્રુતિને રોમાંચક લાગી. અનિકેતે શ્રુતિનો હાથ પકડ્યો. બંને સાથે દોડવાં લાગ્યાં. શ્રુતિ ખડખડાટ હસતી હતી. એને મજા પડી રહી હતી. પણ જમ્યા પછી તરત લાંબું દોડી શકાયું નહીં. બંને હાંફવા લાગ્યાં હતાં. શ્રુતિ ધીમી પડી ગઈ. અનિકેતે એની ચાલ સાથે તાલ મિલાવ્યો. સાથે સાથે ચાલવા લાગ્યાં. અનિકેત શ્રુતિની વધુ નજીક ગયો. પોતાના હાથમાં રહેલો શ્રુતિનો હાથ હળવેથી દબાવ્યો અને શ્રુતિ સામે જોયું. એ ચૂપ હતી. એમ જ હાથમાં હાથ રાખીને મૌન ચાલતી રહી. હવે રેતીને બદલે ખડકાળ ભાગ શરૂ થયો એટલે બંને એક ખડક પર રોકાઈ ગયાં. સાગર અહીં તોફાની હતો. ખડકો જોડે અથડાઈને મોજાં ઊંચાં ઉછળતાં હતાં. ઊંચે ઉછળીને પાણીની છાલકો ચારેબાજુ વેરાઈ જતી હતી. મોજાંનું ફીણ ફીણ પ્રસરી જતું હતું. એક પ્રચંડ મોજું જોરથી ઉછળ્યું. એની છાલક દૂર સુધી ઊડી. એ છાલકથી બચવા શ્રુતિ ઝડપથી પાછળ ખસી. પાછળ ઊભેલા અનિકેત સાથે અથડાઈ. અનિકેતે એને સંભાળપૂર્વક પકડી લીધી. પણ જોરદાર છાલકથી ભીંજાયા વગર રહી શકાય એમ ક્યાં હતું? પૂનમની ભરતી શરૂ થઈ ગઈ હતી. મૌનના દરિયામાં મોજાં ઉછળતાં રહ્યાં. દૂર રેતીમાં શ્રુતિ બેઠી હતી. હાથ પાછળ ટેકવીને; મોં આકાશ તરફ ઊંચું રાખીને. એના ચહેરા પાછળ દેખાતા આકાશમાં ચહેરાથી થોડે જ ઉપર ચંદ્ર ચમકી રહ્યો હતો. આખું આકાશ જાણે એ ચહેરા પર ઝળૂંબી રહ્યું હતું. “શ્રુતિ શું વિચારી રહી છે?” “હં?” “શું વિચારી રહી છે?” “બસ, કંઈ નહીં. આ આકાશ જોતી હતી. અસંખ્ય તારા. બધા પોતપોતાની જગ્યાએ સ્થિત. આટલા મોટા સમૂહમાં છતાં બધા સાવ એકલા ! કોઈ બે તારા પોતાની વચ્ચેનું અંતર ઘટાડીને નજીક આવ્યા હોય એવું કદી સાંભળ્યું છે?” “તારાની વાત છોડ ! આપણે તારી વાત કરીએ. તેં કોઈની નજીક જવાનું વિચાર્યું કે નહીં? મારો મતલબ છે તું હવે ક્યારે લગ્ન કરે છે?” શ્રુતિએ સ્થિર નજરે સીધું અનિકેતની આંખોમાં જોયું. “મારી સાથે લગ્ન કરવા કોણ તૈયાર થાય ! મારું કામ એવું છે કે દિવસનો મોટા ભાગનો સમય હું ઑફિસમાં હોઉં. વળી વારંવાર બહારગામ જવાનું પણ થાય. બધા પુરુષોને ઘર અને બાળકો સંભાળે એવી પત્ની જોઈએ. એ લોકો એવું કેમ નહીં સમજી શકતા હોય કે સ્ત્રીને ઘર અને બાળકો સિવાય બીજી પણ કોઈ ઇચ્છા હોઈ શકે છે ! બીજી કોઈ ઇચ્છા રાખે તો એ સ્ત્રીને ‘મહત્ત્વાકાંક્ષી’ એવું લેબલ લગાડી દેવામાં આવે. મારી જ જગ્યાએ જો કોઈ પુરુષ હોય તો લગ્નની માર્કેટમાં એના બહુ ઊંચા ભાવ બોલાય ! આવું કેમ?” આ ‘કેમ?’નો ઉત્તર નહોતો અનિકેત પાસે. પણ પ્રશ્નના મારથી એ ઘવાયો હતો. અનિકેતને લાગ્યું જાણે આ પ્રશ્ન સીધેસીધો એને જ પૂછવામાં આવ્યો છે. શ્રુતિ સામે જોવાની હિંમત નહોતી. એણે મોં ફેરવીને આકાશ તરફ જોવા માંડ્યું. તારાથી ભરેલું આકાશ ઝૂકેલું હતું. તારાઓ એકબીજા વચ્ચેનું અંતર અકબંધ રાખીને પોતપોતાની જગ્યાએ ટમટમતા રહ્યા.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖