નારીસંપદા : ટૂંકી વાર્તા/ધુમ્મસનો જવાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધુમ્મસનો અવાજ

મીનાક્ષી ચંદારાણા

તા. ૧૨-૦૧-૯૫
પ્રિય કિરણ,

બહુ વખતે તારો પત્ર મળ્યો. એ પણ સાવ ટચૂકડો ! ખેર ! તારો મહાનિબંધ પીએચ.ડી. માટે યોગ્ય ઠર્યો એ જાણીને ખૂબ ખુશી થઈ. ડૉક્ટરેટ કરતા હોય એવા વ્યસ્ત લોકોને સમય ક્યાંથી હોય અમારા જેવાને પત્ર લખવા માટે, ખરુંને? ખેર, જવા દે. વાંધાવચકા તારી સાથેય પાડીશ તો-તો પછી આ દુનિયામાં મારું રહેશે કોણ? તારી દોસ્તી ગુમાવવી હવે મને બિલકુલ પાલવે તેમ નથી ! ખરું કહું તો એ મજાના દિવસોનાં સ્મરણો પકડી-પકડીને જ આ અંધારગલીમાં મારો રસ્તો શોધવા મથું છું. એ તાજગીભર્યા દિવસોનાં સ્મરણો જ મારા માટે ઇશ્વરે મને આપેલ ‘પ્રેમળ જ્યોતિ’ છે, જેનાથી મારી કાજળઘેરી રાતમાં મને કાંઈક અજવાળું દેખાય છે. ક્યારેક તો એવું લાગે છે કે આત્મહત્યા સિવાય મારા માટે કોઈ રસ્તો જ નથી. પણ શું આત્મહત્યાથી ખરેખર આત્મા હણાય છે ખરો? પુનર્જન્મ જેવું કશુંક હશે તો? તો-તો બાકીની લેણદેણ-અંજળ પૂરાં કર્યાં વિના ક્યાંથી છટકાશે? ફરી એની જોડે જ... કોઈ જુદા રૂપમાં ભલે... પણ પનારો પાડવાનો નહીં થાય એની શી ખાતરી? મરવાનું ગંભીરતાથી વિચારું છું ત્યારે મને ભૂત-પ્રેતના અસ્તિત્વની વાત પણ વધારે ને વધારે સાચી લાગતી જાય છે. જો હું જાતે જ, આપઘાત કરીને મરું...તો એક જરા-સરખા, જીવનજોગા સન્માનની ઇચ્છા શું આ હવાઓમાં તરવર્યા નહીં કરે? અને એ હાથ-પગ-મોં-માથા વગરની ભટકતી ઇચ્છાનું રણી-ધણી ત્યારે કોણ હોય ! કોણ હશે? કાશ ! દેહના અવસાન સાથે બધા હિસાબો સરભર થઈ જતા હોત ! કિરણ, મને લાગે છે કે તું મને અત્યારે કોઈક ગળેપડું પાગલ ગણતી હોઈશ. પણ હું તારા ગળે ન પડત... જો મને મરવાનું ગમતું હોત તો ! મને તો જીવવું ગમે છે. જીવતા જીવને મરવાનું તે ગમતું હશે? મને તો ખાવું-પીવું-પહેરવું-ઓઢવું-હરવું-ફરવું-પિક્ચર જોવાં-સંગીત સાંભળવું-પ્રવાસે જવું... બધું જ ખૂબ ગમે છે. પણ જાણું છું કે આ કંકાસ એક દિવસ મારો જીવ લઈને જ રહેશે... તારી અતિશય મુંઝાયેલી બહેનપણી નીતા. તા.ક. : આ પત્રના જવાબમાં મેં તને લખેલી આ બધી વાતોનો ઉલ્લેખ કરીશ નહીં. જરૂર પડશે તો હું તારી પાસે આવીશ પણ ખરી. અત્યારે તો તને લખવામાત્રથી મન હળવું થઈ ગયું છે.

તા. ૧૩-૧-૯૫
વહાલી મમ્મી,

કેમ છે? આજે બસ મનમાં ઊગ્યું કે તને પત્ર લખું. ક્યારેક તું અને પપ્પા મને આમ જ બહુ યાદ આવી જાઓ છો. અમે સહુ અહીં મજામાં છીએ. પણ મમ્મી-પપ્પાની હૂંફ થોડી છે અહીં? ખેર, કામવાળી બાઈ હમણાં ઘણી સારી મળી ગઈ છે. કામ ચોખ્ખું કરે છે. બહુ રજા પણ નથી પાડતી. ડિંકુ-પિંકુની સ્કૂલ રેગ્યુલર ચાલે છે. અનિલને ઑફિસમાં હમણાં વર્કલોડ બહુ રહે છે, પણ ચાલ્યા કરે છે. બોલ, ત્યાં શું ચાલે છે? પપ્પાને નિયમિત શુગર ચેક કરાવતા રહેજો, જેથી તકલીફ પડવાનો વારો જ ન આવે. ચંદ્રામાસી મળે છે કે નહીં? અને તું? મને ખબર છે, તારો તો દરેક દિવસ તારા ટાઈમટેબલ અને તારા ધાર્યા મુજબ જ ઊગતો હશે. તબિયત સાચવજે. તારી દીકરી નીતાના પ્રણામ

તા. ૨૨-૧૧-૯૫
પ્રિય કિરણ,

તારું દિવાળી કાર્ડ મળ્યું. બહુ ગમ્યું. તું પરણી નથી એટલે તને સમયનો અવકાશ મળે અને તારા મનને પણ અવકાશ મળે. ચિત્રો દોરવાં, કાર્ડ લખવાં... એ બધાંમાંથી મળતો આનંદ તો જાણે ગયા જનમની વાત હોય એવું મને લાગે છે. કેવા સુંદર એ દિવસો હતા... નહીં ! શ્રાવણ બેસતાંની સાથે જ જાણે આપણા જલસા શરૂ થઈ જતા. અને તેની પહેલાં મોળાકાત વ્રત અને જયાપાર્વતીની મજાઓ... વાહ ! શું મજા હતી લાઈફમાં ! રોજ હોંશે-હોંશે વહેલાં ઊઠી, તૈયાર થઈને આપણે મંદિરે પૂજા કરવા જતાં... દોડા-દોડ ઘેર આવીને કપડાં બદલીને કૉલેજ જતાં. અને... જાગરણમાં કલાકો સુધી ચોપાટ લઈને બેસતાં...રાત ક્યાં વીતી જતી... ખડખડાટ હસવામાં... ખબર જ ન પડતી ! પછી, શ્રાવણના સોમવાર કરતાં... સાંજે બગીચે જતાં... બળેવ પર કૉલેજના એક-એક રોમિયોને શોધી-શોધીને રાખડી બાંધતાં... એ સાતમ-આઠમની તૈયારી... વાતો કરતાં જઈએ અને નાસ્તા બનાવતાં જઈએ... અને હા, નવરાત્રીમાં તો ચણિયાચોળીની અદલાબદલી કરતાં જ રહેતાં... રોજ નવાં-નવાં ચણિયાચોળી અને નવી રીતે તૈયાર થવું... કેવી મજા આવતી ત્યારે, નહીં? ત્યારે મનમાં ઘણી વાર વિચાર આવતો કે, “છોકરીઓને કેવી મજા ! અને છોકરાઓને કેવી સજા ! નહીં બંગડી, નહીં બુટ્ટી, નહીં તહેવાર, નહીં ગાયન કે નહીં નાચવાનું...” પણ હવે તો બધી જ મજા છોકરાઓને પણ મળતી થઈ ગઈ છે. બધા અત્યારે તો ખૂબ વરણાગિયા થઈ ગયા છે. અને છોકરીઓને તો... કમસે કમ નોકરી ન કરતી છોકરીઓને તો સજા છે, છે અને છે જ...! હવે તો રોજ ઊઠીને આજનો દિવસ કેવો જશે એની જ ચિંતા હોય છે. કાલે એ આવ્યો ત્યારે દરવાજો ખોલતાં જરીક વાર લાગી તો આવતાંવેંત બારણાના બહાને મને ધક્કો જ માર્યો. કંઈક વરામણું વાગ્યું હોત તો તો સારું થાત ! દિવાળી-બેસતું વર્ષ ઉજવવાના ખોટેખોટા દેખાવ તો ન કરવા પડત ! બહુ અઘરું લાગે છે મને આ... માર ખાતા જવું અને ઘૂઘરા તળતા જવું !? માર ખાતા જવું અને બાળકો સાથે હસી-હસીને ફટાકડાં ફોડતાં જવું !? બસ... એનું નામ રોશન કરો...! એના ઘરની રંગોળી વખણાવી જોઈએ, એનાં બાળકો વખણાવાં જોઈએ. પણ... ભૂલેચૂકેય એની પત્નીને જો યશ મળ્યો... તો પત્નીનું આવી જ બન્યું છાને ખૂણે ! તક મળે તો સાધીને એકાદ લપાટ પણ મારતો જશે. અને અદેખાઈ વધી જાય તો અજાણ્યો થઈને થૂંકતો પણ જશે...! ખેર, જવા દે એ બધી વાતો... બાય ધ વે, તારું દિવાળી કાર્ડ ખૂબ જ ગમ્યું અને તારો પત્ર આવે એ તો ગમે જ છે. શું ચાલે છે બીજું એ તો લખ ! તને જાતે ભરેલી સાડી પહેરવાનો બહુ શોખ હતો. હવે સમય રહે છે કે? તારી નીતા

તા. ૨૨-૧૧-૯૫
વહાલાં મમ્મી-પપ્પા,

કેમ છો? તમારું સરસ મજાનું દિવાળી કાર્ડ અને એથીયે સરસ એવા આશીર્વાદ મળ્યા. તમારા અક્ષરો જોઉં છું ત્યારે ઊડીને તમારી પાસે આવી જવાનું મન થાય છે. પણ આટલે દૂર આવવાનું ! કેટલું પ્લાનિંગ કરવું પડે ! અને આમેય ક્યાં સહેલું છે નીકળવું ! અમે બધા અહીં મજામાં છીએ. અનિલ કહેતો’તો કે એ બધાને કાર્ડ લખી નાખશે. તમને પણ કદાચ મળ્યું હશે. તમારી તબિયત સાચવશો. તમારી દીકરી નીતાના પ્રણામ.

તા. ૩-૫-૯૭
પ્રિય કિરણ,

ખરું કહું તો તારા ત્રણેય પત્રો મળી ગયા હતા. પણ અહીં મારે ત્યાં વાતાવરણ એવું તંગ હોય છે કે હું જો પત્ર લખવા બેસું, તો મારી રામાયણ શરૂ થઈ જ જાય. તેથી ફોનમાં પણ મારે ખોટું બોલવું પડ્યું, કે ‘પત્રો નથી મળ્યાં !’ તને મારી ચિંતા છે એ જાણું છું, પણ મેં મારા મનની શાંતિ કેળવી લીધી છે. અનિલ પાસેથી હવે મારા મનને કોઈ અપેક્ષા છે જ નહીં, જેથી નિરાશ થવાનો કે હેરાન થવાનો વારો આવે. એના સ્વભાવ અને એની ‘ડિમાન્ડ’ પ્રમાણે વર્તું છું, જેથી એને પણ ગુસ્સો ન આવે. અને છતાં, એને છટકવું હોય છે ત્યારે એ અર્થના અનર્થ કરે છે અને છટકે છે. એ વખતે મનમાં ‘ઓમ, શાંતિ’ના જાપ સાથે જે ભોગવવું પડે તે ભોગવી લઉં છું. મેં હવે સમયના બે ભાગ કરી નાખ્યા છે. એના ઘરમાં હોવાનો સમય, અને એના ઘરમાં ન હોવાનો સમય ! એ ન હોય ત્યારે ખુશ થઈ લઉં છું... હસી લઉં છું.. ગાઈ લઉં છું... અને ક્યારેક રડી પણ લઉં છું, જેથી હળવા થવાય. અને એ આવે પછી તો રોજ ‘પડશે એવા દેવાશે’ના મહામંત્ર સાથે ખુશ રહું છું. બાકી... પૈસો એ મન ફાવે તેમ વાપરે છે, ઉડાડે છે... હું ધ્યાન નથી આપતી. હમણાં પીવાનું પણ શરૂ કર્યું છે. એને એમ છે કે હું નથી જાણતી. પણ વાસ તો છાપરે ચડીને બોલે જ ને ! એ પણ દિવસો હતા, જ્યારે એના પાનની સુગંધની મોહિની મને મદહોશ કરી દેતી હતી અને હું ઝીણું-ઝીણું ગણગણ્યા કરતી હતી... ‘પાન ખાય સૈંયા હમારો...!’ આજે એ મલમલના કુરતા, લાલ છીંટ, સાંવરી સુરત કે લાલ હોઠ... કશું જ... સ્પર્શતું તો નથી જ, પણ ક્યારેક ઉબાઈ જવાય છે. એનો ઊંચો પગાર, હોદ્દો અને એના કારણે અમને બધાને મળતું સ્ટેટસ... સ્ટેટસના કારણે મળતી સગવડો... કશાનું હવે મને મહત્ત્વ જ નથી રહ્યું. દેખાય છે, તો બસ એની બદમિજાજી... ક્યારેક વિચાર આવે છે કે મારાં મમ્મી-પપ્પાને બધું કહી દઉં. પણ એથી વાત કદાચ વધારે બગડે તો? મને લાગે છે કે મમ્મી તો ઘણું બધું જાણે છે જ. કદાચ અમારા પાડોશી કે પછી બીજું કોઈ માહિતી આપતું હોય. મમ્મીને ‘બિટવીન લાઈન્સ’ વંચાતું હશે? ચાલ, છોડ આ બધું. તને એક ખુશખબર આપું? હું ફરીથી મા બનવાની છું ! બે દીકરા તો છે. હવે એક દીકરીની આશા છે. કહે છે કે દીકરી આવતાં બાપ બહુ બદલાય છે, પીગળે છે. કદાચ અમારી વચ્ચે મેળ કરાવવા જ એક મજાની દીકરી આવી જાય... કાશ !

તા. ૧૩-૩-૦૫
પ્રિય કિરણ,

એક ખૂબ જ લાંબા ગાળા પછી તને પત્ર લખું છું. કદાચ છ... કે સાત વર્ષો પછી, નહીં? એ સમય એવો હતો કે મારી પાસે બિલકુલ અવકાશ જ ન હતો. અને આજે? આજે નર્યો અવકાશ જ અવકાશ છે, બધ્ધે જ... અને માત્ર અવકાશ જ છે... બીજું કશું જ રહ્યું નથી ! નાકમાં ચૂની નથી, હાથમાં કંકણ નથી, કપાળે ચાંદલો નથી, ગળામાં મંગળસૂત્ર નથી, મનમાં કોઈ ધાક નથી, હૃદયમાં ફફડાટ નથી... અનિલ... રાતની કાળી ભીંતે શ્વેત બગલા જેવો, લિસોટા જેવો, સફેદ ઓછાયો થઈને આખ્ખે-આખ્ખો પથરાય છે... બસ, એ સિવાય નર્યો અવકાશ જ છે. અનિલના અવસાનને, એના આપઘાતને આજે ત્રણ મહિના થયા. જુલીના જન્મ પછી એના જીવને ક્યાંયે ચેન ન હતું. એનું કહેવું હતું કે એના કુટુંબમાં ત્રણ પેઢીથી કોઈ છોકરી જન્મી નથી... એને મન જુલી કોઈક બીજાનું જ ફરજંદ હતી. એના વહેમને કારણે અમારું જીવન બરાબર ખોરંભે ચડ્યું હતું. આમ જુઓ તો એના બરછટ સ્વભાવને કારણે એ સગાંવહાલાંમાં અળખામણો હતો જ. અને આ વખતના અમારા ઝઘડાને કારણે એ બધામાં વધારે અળખામણો થઈ પડ્યો. ધીમે ધીમે બધા એનાથી દૂર રહેવા લાગ્યા. જુલી ત્રણેક વરસની હતી ત્યારે એ ખૂબ રડતી હતી, ત્યારે એણે જુલીને ઢોરમાર માર્યો હતો. જુલીને માથે સાત ટાંકા લેવા પડ્યા. એ પછી પસ્તાવામાં દારૂ ઢીંચ્યે રાખતો. પણ એનો વહેમ કેમે કરીને ટળતો ન હતો. એક વખત તો મેં જ કંટાળીને ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનું કહી દીધું. પણ એણે બૂમો પાડવાનું શરૂ કરી દીધું કે જો ટેસ્ટનું રિઝલ્ટ એણે ધારેલું આવશે તો અમને મા-દીકરીને મારી નાખશે. મારે તો આ પાર કે ઓ પાર કરવું હતું, એટલે મેં પણ એને કહી દીધું કે મારી નાખજે, મને કોઈ વાંધો નથી... ત્યારે એ પોક મૂકીને રડવા લાગ્યો. ઘરની આજુબાજુ ટોળું એકઠું થઈ ગયું હતું. તમાશાને તેડું હોય છે કાંઈ !? એ પછી તો એણે મારાં મમ્મી-પપ્પાને બોલાવ્યાં, મારા પપ્પા હાર્ટ પેશન્ટ હોવા છતાં એમની સાથે એણે તોછડું વર્તન કર્યું. બેફામ ગાળો બોલીને એણે કહી દીધું કે જુલી જ્યાં સુધી ઘરમાં હશે ત્યાં સુધી એને ચેન નહીં પડે...! બિચ્ચારી જુલી...! બીજે દિવસે મારાં મમ્મી-પપ્પા જુલીને પોતાની સાથે લઈને જવા નીકળ્યાં, તો હિંમત કરીને સ્ટેશન મૂકવા પણ ગયો ! મારી તો એ દૃશ્ય જોવાની ઇચ્છા કે હિંમત જ ન ચાલી. મેં તો અનિલને કેટલીય વખત કહેલું કે જુલી થોડી મોટી થશે ત્યારે એના કુમળા મન પર શી અસર થશે... ! પણ એના ગુસ્સા કે ગેરવર્તન સામે લાચાર થઈને મેં જુલીને મમ્મી-પપ્પા સાથે જવા તૈયાર કરી હતી. મારી લાગણીઓનું તો જાણે કોઈ અસ્તિત્વ જ ન હતું ! ‘જેવાં મારાં નસીબ...’ માનીને એ લોકો રવાના થયાં પછી હું તો કામે વળગી ગઈ હતી; તો બે કલાક પછી મમ્મી-પપ્પાને બસમાં બેસાડીને જુલીને લઈને પાછો આવ્યો ! જુલીનો હાથ પકડીને મારા તરફ ધકેલતા બોલ્યો, ‘મારાં નસીબ હું જ ભોગવીશ. તારે કે જુલીએ શું કામ ભોગવવું પડે...’ મેં જમવા કહ્યું, તો પણ સડસડાટ દાદરો ચડીને બારણું પછાડીને બંધ કરી દીધું. અડધાએક કલાક પછી હું કંઈક કામનું બહાનું કાઢીને ઉપર ગઈ. બેડરૂમનું બારણું હડસેલ્યું, તો રૂમમાં પંખા સાથે એ લટકતો હતો...! ઝઘડા-અણગમા અલગ વાત છે, પણ એનાથી આ રીતે છુટ્ટા પડવું... અને એ આઘાતની કળ વળે એ પહેલાં જ બીજો ઘા આવી પડ્યો. મારા પરની એની શંકાની વાત મેં તો મારાં મમ્મી-પપ્પાથી પણ છુપાવી હતી. પણ એના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠીએ મારાં બારે વહાણ ડુબાડી દીધાં છે. એની શંકા, એની હતાશા, એની લાચારી... અમારી વચ્ચે ધૂંધળું રહેલું કેટલું બધું, એ ચિઠ્ઠીમાં સ્પષ્ટ થઈને ઊઘડી આવ્યું છે. પોલીસ અને એનાં સગાંવહાલાં... કોઈ મને છોડવા માગતાં નથી. અનિલને આપઘાતની પ્રેરણા આપવાનો કેસ ચાલી રહ્યો છે મારા પર ! ખબર નથી અનિલથી છૂટ્યા પછી પણ હજુ કેવી કેવી વિટંબણાઓમાંથી પસાર થવાનું રહેશે...! વકીલ તો કહે છે કે પુરાવાઓ જોતાં મને સજા ન પણ થાય, તોયે... તોયે જીવવું કેવી રીતે? આવડો મોટો ભૂતકાળ ભેગો બાંધીને? કેટલાક માણસોનાં જન્મ કે મરણ આપણને હેરાન કરવા માટેના નિમિત્ત જ હોય છે ! કાશ, આ બધું જ એક દુઃસ્વપ્ન પૂરવાર થાય...! તારી નીતા

તા. ૨૨-૮-૦૭ પ્રિય કિરણ,

ખબર નથી આ કેસનું શું પરિણામ આવશે ! આ યાતનાનો ક્યારે અને કેવી રીતે અંત આવશે! પણ હું હારી ગઈ છું આ જીવનથી, જીવનના આ વળાંકોથી, આ ખેલથી, આ બદનામીથી અને આ ગુસ્સાથી... અને... અને... સ્ત્રીજીવનની આ લાચારીથી. કિરણ,... કિરણ, મારે બળ જોઈએ છે... કોની પાસે માગું!? આકાશ પાસે? સીતાને માર્ગ આપતી ધરતી પાસે...?

તા. ૧૫-૯-૦૭ પ્રિય કિરણ,

ખારા સમંદરમાં મીઠી વીરડી જેવો તારો પત્ર મળ્યો. તારી વાત સાચી છે. મારે જલ્દીમાં જલ્દી આ બધામાંથી બહાર નીકળી જવું જોઈએ. અને હું જલદીથી નીકળીશ જ. હવે ડિંકુ-પિંકુ અને જુલીની જવાબદારી મારા એક પર જ છે. અને આ કોર્ટના ખરચા... જોકે પૈસાનું આયોજન અનિલે બહુ કરેલું છે, એટલી રાહત છે. પણ અનિલે મારા નામે મૂકેલા પૈસા જ આજે, મેં એને આપઘાતની પ્રેરણા આપવાના કેસમાં હું વાપરી રહી છું. જીવનની કરુણતા જુએ છેને તું ! આ વાત તને બહુ સરળતાથી કહી શકાય છે, કારણ કે અત્યારે મને સમજી શકે તેવું કોઈ હોય, તો એ એક તું જ છે. મમ્મી મને સમજી શકે છે, પણ હું એને મારી મુશ્કેલીઓ કહી શકતી નથી. અમારી વચ્ચેનો ‘મને કંઈ ખબર નથી’નો પરદો હજુ આટલાં વર્ષે પણ અકબંધ છે ! એની આંખમાં, એના વર્તનમાં હું મારી પરિસ્થિતિ પ્રતિબિંબિત થતી જોઉં છું, તો મમ્મીની ચિંતા થાય છે. તારી વાત જુદી છે. તું આટલી દૂર હોવા છતાં મારી અત્યંત નજીક છે, અને આમાં સીધી રીતે સંડાવાયેલી ન હોવાથી જ તું કદાચ મને સારી રીતે સમજી શકે છે, સમભાવપૂર્ણ દ્રષ્ટાભાવથી બધું જોઈ શકે છે. અને આટલા વખત પછી ઘણું બધું સ્પષ્ટપણે હું પણ જોઈ શકું છું. સ્વીકારું છું કે અનિલમાં પણ ઘણા ગુણો હતા. અમારી વચ્ચેના ટેન્શન વચ્ચે પણ, ડિંકુ-પિંકુ અભ્યાસ કે ઇતર પ્રવૃત્તિઓમાં પાછળ ન રહ્યા, એ એને જ આભારી ! શોર્ટકટથી અને ભાર વગર ભણાવતાં એને બહુ સરસ આવડતું હતું. ઘરમાં ઝીણી ઝીણી વ્યવસ્થા ઊભી કરવામાં પણ એ બહુ જ રસ દાખવતો. મિત્રોને-સગાંમાં કોઈને પણ પૈસાની જરૂરિયાત હોય તો એ આસાનીથી હાથ છુટ્ટો રાખી શકતો. હું માનતી હતી કે એ પૈસા ઊડાડે છે, એ વખતે ખરેખર તો એણે એ પૈસાથી બે-ત્રણ ગરીબ બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી...! આવી વાતો છેક હમણાં જાણવા મળે છે મને...! પણ કાશ... આમાંનું કંઈ પણ મને સ્પર્શી શકે એટલો મૃદુ વ્યવહાર એણે મારી અને જુલી સાથે રાખ્યો હોત તો...! તારી એ વાત પણ સાચી છે કે કોઈના સાથમાં નઠારો નીવડેલો આદમી, કોઈક બીજાની સંગતમાં ઝળહળી પણ ઊઠે. જે કંઈ વાત છે, તેનો ફક્ત ‘મેળ મળવા’ પર આધાર છે... ખેર ! અમારો મેળ તો ન ખાધો. અમે સુખી તો ન જ થયાં, પણ એક પાત્રે પોતાની જીવનલીલા સંકેલી લેવી પડી એનું આજે બહુ દુઃખ લાગે છે ! હું એનાથી ત્રાસી ગઈ હતી. અને એ મારાથી ઉબાઈ ગયો હતો. અનિલનો વહેમ.... હું કોઈ અન્ય પુરુષ સાથે સંકળાઈ હોવાનો વહેમ... કિરણ... કિરણ, આજે એક કબૂલાત કરવી છે...! તને થશે કે મેં આટલાં વરસો સુધી બનાવટ કરી? પણ મારી વાત પૂરે-પૂરી જાણી લેતાં પહેલાં મારા વિશે કોઈ અભિપ્રાય ન બાંધી બેસતી. સાંભળ. અનિલનો વહેમ સાવ વહેમ પણ ન હતો; હું કબૂલું છું. મારા જીવનમાં અનિલ સિવાય પણ એક પુરુષ હતો, કિરણ... હા, એક પુરુષ હતો જ. હું એ પણ કબૂલું છું કે મારા મનોવિશ્વમાં અનિલનું કોઈ સ્થાન જ ન હતું. અનિલનું રૂક્ષ વર્તન જ્યારે પણ મને વધારે પડતી ચોટ પહોંચાડતું, ત્યારે હું મનોમન એને જ યાદ કરતી રહેતી. અને અનિલની ગેરહાજરીમાં એને ઘરમાં બોલાવતી... અને... અને અનિલ કદાચ આ બધું જ જાણતો હતો... બધું જ સમજતો હતો... એ એને, એની હાજરીને, અમારા પ્રેમને જાણતો હતો ! પણ અનિલ ક્યાંય એ પુરુષને પકડી શકે એમ ન હતો કે કોઈને આંગળી ચીંધીને બતાવી શકે તેમ ન હતો... કારણ કે એ પુરુષનું અમારાં બેનાં મનોજગત સિવાય કોઈ અસ્તિત્વ જ ન હતું. હા કિરણ, એ મારો સ્વપ્નપુરુષ માત્ર હતો. એનું વાસ્તવિક દુનિયા માટે કોઈ અસ્તિત્વ જ ન હતું. ખરેખર તો અનિલ માટે પણ એનું અસ્તિત્વ ન હતું, પણ અનિલ... અનિલ મારા અસ્તિત્વ સાથે યેનકેન પ્રકારે જોડાતો રહેતો હોવાથી એને મારા એ સ્વપ્નપુરુષની હાજરીનો શરૂઆતમાં વહેમ પડતો. પછી અણસાર, અને પછી ખાતરી... અમારી વચ્ચે જુલીના જન્મ સુધી તો આ બાબતે ખૂલીને કોઈ વાત થઈ ન હતી. પણ જુલીના જન્મ સાથે જ એના મનોજગતમાં એ પુરુષે પ્રવેશ લીધો અને બહુ થોડા જ સમયમાં બેડરૂમમાં અમારી વચ્ચે દીવાલ બનીને એ રહેવા લાગ્યો. અનિલના પુરુષાતન પર આ બહુ મોટો ઘા બની ગયો હતો. એ બળજબરીથી એ પુરુષના અસ્તિત્વ સામે લડી લેવા મથતો, ક્યારેક હારી જતો. ક્યારેક જીતી પણ જતો... પણ છેવટે મારા હોઠ પર છલકતો પરિતોષ એના વહેમને બમણો કરી મૂકતો, એ બેડરૂમની દીવાલો પર એને શોધવા મથતો, ફાંફાં મારતો... અને આ આખી પ્રક્રિયા દરમિયાન મારો સ્વપ્નપુરુષ તો મારી સાથે ને સાથે, મારી સામે ને સામે... મારી અંદર જ સમાયેલો રહેતો... અનિલ જીતીને પણ હારી જતો, અને હું હારીને પણ જીતી જતી... એ મારી દરેક જરૂરિયાતના સમયે મારી સામે, મારી સાથે, મારી અંદર રહેતો. મને જીવવાનું બળ પૂરું પાડતો. ક્યારેક એ એક લાંબી કારમાંથી ઉતરતો અને કોઈ ફ્રેંચમેનની અદાથી કારનો દરવાજો ખોલી, હાથ લંબાવી મારો હાથ એના હાથમાં ગ્રહી માનભેર કારમાંથી ઉતારતો. તો ક્યારેક એ હળવેથી પોતાના માથામાંથી મોરપીંછું કાઢીને મારી આંખો પર, મારા ચહેરા પર ફેરવીને મને જગાડતો. ઝાડની ડાળીઓ વચ્ચે ઝૂલો બાંધીને મને ઝુલાવતો... ક્યારેક મારા વિરહમાં વાયોલિનના તીણા સૂરો બજાવી એ મને પાસે બોલાવતો... કદાચ એક ઉપેક્ષા, જીવનભરની અને તદ્દન ગરજ વગરની ઉપેક્ષાથી અનિલનું અંતરમન કડવું ઝેર થયું હોય. જીવતર કદાચ એને એટલે જ અગરાજ થયું હોય ! કદાચ...! કદાચ એ ન કહેવાય-ન સહેવાય એવી પરિસ્થિતિમાં પિસાતો રહ્યો હોય...! કોર્ટમાંથી તો હું નિર્દોષ છૂટી ગઈ. પણ અનિલનો આરોપ કદાચ સાવ ખોટો ન હતો... મેં પરપુરુષને સેવ્યો હતો... છે... પળેપળ... અને વર્ષોથી. અનિલ સાથેના સાંનિધ્યની ચરમક્ષણોમાં પણ મેં તો મારા એ અનામી, નિરાકાર સ્વપ્નપુરુષના આશ્લેષને જ પીધા કર્યો છે. અને હું, મારું સમગ્ર વ્યક્તિત્વ, એ અદૃશ્ય સ્વપ્નપુરુષના અસ્તિત્વની સાક્ષીએ પોષણ પામતાં રહ્યાં. કિરણ... જુલી ભલે અનિલનું જ શરીર-સંતાન હોય, એ મારા સ્વપ્નપુરુષનું પણ માનસસંતાન હતી જ, છે જ...! કાલે રાત્રે અગાસીમાં ગઈ, તો અનપેક્ષિતપણે સપ્ટેમ્બરના આ મધ્યમાં પણ આકાશ ચોખ્ખું હતું. તારા ચમકતા હતા. ત્રીજ...? કે પછી ચોથનો ચાંદો...? ઝીણું ઝીણું અજવાળું પથરાયેલું હતું. અને ફરી મારી આંખ સામે અચાનક, સાવ અચાનક, ધુમ્મસ છવાયું. વાદળ હોય તો ક્યારેક વરસેય ખરાં ! આ તો ધુમ્મસ ! ધુમ્મસનો કોઈ જવાબ ખરો?

વાર્તા અને વાર્તાકાર :

મીનાક્ષી ચંદારાણા

એક વાર્તાસંગ્રહ :

1. નવલા યુગે (2021) 15 વાર્તા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ❖