નારીસંપદા : ટૂંકી વાર્તા/કવિતાઓના રસ્તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિતાઓના રસ્તે

અશ્વિની બાપટ

એક શાળાના બીજા માળે આવેલા નાનકડા અભ્યાસખંડમાં બારી પાસેના ટેબલ પર એક નવી જોડાયેલી શિક્ષક પોતાના તાસમાં શીખવવાના પાઠની તૈયારી કરી રહી છે. આઠમા-નવમા ધોરણમાં ભણાવવા જતાં પહેલાં તૈયારી કરવી જ પડે એવી એને નોકરીની શરૂઆતમાં જ જાણ થઈ ગઈ છે. પોતે પણ કેવી હતી હાઈસ્કૂલમાં! અત્યારે છે તેમાંની ઘણી કવિતાઓ એના એ વખતના પાઠયપુસ્તકમાં પણ હતી. એના પપ્પાએ એને બહુ જ સરસ રીતે શીખવી હતી એ કવિતાઓ. પ્રાથમિકમાં તો સ્કૂલે જતાં—આવતાં પાઠબહારની પણ અનેક કવિતાઓ શીખવી દેતા. પોતે કવિ હતા. એના પપ્પાની જેમ ક્યારેક એ પણ કવિતા લખી નાખતી. અચાનક વરસાદ પડવા માંડયો છે અને છાંટા ટેબલ પર રાખેલી એની નોટબૂકનાં ખુલ્લાં પાનાં પર પડી રહ્યા છે. ઝટઝટ બારી બંધ કરવા એ બારીની બહારની બાજુએ હાથ લંબાવે છે. વાછંટથી એના ગાલ—કપાળ પર થોડું આહ્લાદક લાગે છે, પણ અત્યારે એ આનંદને વધુ માણવા માટે નથી સમય કે નથી સ્થળ. અનાયાસે એની નજર સ્કૂલના મુખ્ય દરવાજે જાય છે અને એ ચોંકી જાય છે. સિક્યોરિટીવાળા સાથે એ જ છે તેવી ખાતરી એમના ચોકડીવાળા શર્ટ પરથી થઈ જાય છે. શર્ટ કધોણિયું અને જૂનું હોવા છતાં ઓળખાઈ ગયું છે. ચહેરા પર પડેલા વરસાદના છાંટા ટીપાં બની જાય છે અને પછી તો પાણીના રેલા જ બની જાય છે. એ રેલામાં માત્ર વરસાદ નહીં, પણ ગોરંભાયેલું મન પણ છે જે આંખેથી વહી રહ્યું છે. ક્રોધ અને પીડા બંનેને કારણે થોડીવાર પહેલાંના શીતળ આહ્લાદક છાંટાનું ઉષ્ણ રેલામાં રૂપાંતર થઈ ગયું છે, પણ આ લાગણીઓને માટે પણ અત્યારે સમય કે સ્થળ યોગ્ય નથી એ વિચારથી એ ઝટ દઈને બારીઓ વાસી દે છે. એમને અહીંયાં આવવાની શી જરૂર હતી? અહીં પણ એવું જ થશે કે? આ નોકરીમાં હજી માંડ તાર મળવા માંડ્યા છે અને એક આ એના પપ્પા! થોડીવાર પહેલાં જ જેને પ્રેમથી સ્મરી રહી હતી એ વ્યક્તિ પર એને ક્રોધ આવી રહ્યો છે. એના હાઈસ્કૂલના દિવસોથી માંડીને અત્યાર સુધી એની સાથે અનેકવાર આમ બન્યું છે. આ સ્કૂલના લોકો સામે પણ બધું આ રીતે છતું થઈ જશે કે? છ મહિના પહેલાં જ લગ્ન કરીને નવા વિસ્તારમાં તેનાથી દૂર ઘર લીધું, ફોન નંબર બદલી નાખ્યો અને સોશિયલ મીડિયામાંથી પણ ખાતાં ભૂંસી નાખ્યાં હતાં. એમને કઈ રીતે ભાળ મળી? નજીકની બહેનપણીઓ તો ક્યારની દૂર થઈ ગઈ છે. એક નિર્ણય લઈને એ પોતાનાં પુસ્તકો, રજિસ્ટર અને નોટબૂક પોતાના લોકરમાં રાખી દે છે. બૅગ ઊંચકી પ્રિન્સિપાલની ઑફિસ પહોંચે છે. 'સર, અચાનક મારી તબિયત બગડી ગઈ છે. હમણાં સ્ટડીરૂમમાં હતી ત્યારે પંદરેક મિનિટ સુધી મેં રિલેક્સ થવા કોશિશ કરી, પણ મને લાગે છે મારે હવે ઘરે જ જવું પડશે. આઈ એમ સોરી. “ઓકે, તમે રજા માટે ચિઠ્ઠી લખી નાખો.’ પોતાના લેપટોપ સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના પ્રિન્સિપાલ એને રજા આપી દે છે. એ ચિઠ્ઠી લખે છે. એના અક્ષર મરોડદાર છે. બરાબર પપ્પાના અક્ષર જેવા. એકેએક અક્ષરનો મરોડ એના ચહેરાની રેખાઓની જેમ જ પપ્પાના અક્ષર સાથે મેળ ખાય છે. એને ફરી ગુસ્સો આવે છે. ગુસ્સાથી એના હાથ કાંપવા માંડે છે. એ ટેબલ પર ચિઠ્ઠી મૂકી રહી છે ત્યારે જ બરાબર પ્રિન્સિપાલની નજર એના કાંપતા હાથ પર પડે છે. ‘કામ ડાઉન. તમારે એમાં ડરવાની જરૂર નથી. આમ રજા લેવાથી કંઈ આભ તૂટી પડવાનું નથી અને કાળજી રાખો. ડૉક્ટરને બતાવો.' ચિઠ્ઠી ટેબલ પર મૂકી એ રિસેસનો ઘંટ વાગે તે પહેલાં જ નીકળી જવા માગે છે, પણ પ્રિન્સિપાલના સવાલોમાં એક-એક મિનિટો ગૂંચવાઈ રહી છે. એ પ્રયત્નપૂર્વક તબિયત બગડેલી હોવાનો અભિનય કરે છે. પ્રિન્સિપાલ પોતે હાંફળા- ફાંફળા થઈને ખુરશીમાંથી ઊઠે છે. એક સ્વચ્છ ગ્લાસમાં ટેબલ પર પડેલા જગમાંથી પાણી કાઢીને એની સામે ધરે છે. એ ગટાગટ પાણી પી જાય છે. ‘કોફી મંગાવું. યુ વિલ ફીલ બેટર.’ “ના, સર. મને હવે થોડું સારું લાગે છે.” ‘કોઈને તમારી સાથે મોકલું?” કહેતાં જ પ્રિન્સિપાલ પટાવાળાને બોલાવવા ઘંટી દબાવે છે. પટાવાળો તરત જ હાજર થાય છે. “થેન્ક્સ સર, યુ આર સો કાઇન્ડ, પણ હું રિક્ષામાં બેસીને ઘરે પહોંચી જઈશ.” ડર હતો કે વળી પૂછશે કે ઘરમાં કોણ કોણ છે. સવાલો રોકવા એ ફરી થોડી અસ્વસ્થતાનો ઢોંગ કરી કૅબિનના દરવાજે પહોંચે છે. ‘થૅન્ક્સ વન્સ અગેઈન, સર.' નીચેના સ્ટાફરૂમ પાસેથી કોઈને ધ્યાનમાં ન આવે તેમ પસાર થવાની કોશિશ કરે છે. પણ મિસિસ હર્ડિકર એને ભટકાઈ જાય છે. એ ઉતાવળે નીકળી જાય છે. કોઈ અર્જન્સી હોય તેમ નીકળી જઈને હાશ થાય છે. અત્યારની ઘડી સાચવી લઈને આવતી કાલે બધું સંભાળી લેવાશે. એને સંભળાય છે : ‘અરે, વાત તો સાંભળ. એક મિનિટ.’ એ રોકાતી નથી. પાછું વળીને પણ જોતી નથી, પણ એને ફાળ તો પડી કે ક્યાંક એના પપ્પાએ સ્ટાફરૂમમાં જઈને પૂછ્યું તો નહીં હોય ને? જોકે, સિક્યોરિટી કોઈ પણ અજાણ્યા મુલાકાતીને પ્રવેશ આપતાં પહેલાં અંદર નામ અને મળવાનું કારણ એની પાસે લખાવીને કાપલી મોકલે. શાળાની પોર્ચમાં ઊભા રહીને છત્રી ખોલે છે, બહાર નીકળી જાય છે. એને મન તો થાય છે કે બીજા દરવાજેથી નીકળી જાય જેથી એના પપ્પાનો સામનો પણ નહીં થાય, પણ પછી જો એ એને ન મળે તો અંદર જશે. એના વિશે પૃચ્છા કરશે. સીધા પ્રિન્સિપાલ પાસે જતાં પણ એને કોઈ અચકામણ નહીં થાય કે એની નામોશીનો વિચાર નહીં આવે. એ ફરી ગુસ્સામાં તમતમી રહી છે. ત્રણ વર્ષ પહેલાં એની પહેલવહેલી નોકરી હતી તે શાળાના સરનામે એના નામનું પોસ્ટકાર્ડ મોકલ્યું હતું. પરબીડિયામાં પત્ર મોકલ્યો હોત તો હજી સાંખી લેવાત, પણ ઉઘાડું પોસ્ટકાર્ડ અનેક લોકોના હાથમાં થઈને ફરતું ફરતું એની પાસે પહોંચ્યું હતું. એક જ વાક્ય લખ્યું હતું કવિબાપે : બાપ એટલે જે રડી ન શકે તે મા જ હોય. આવા ધજાગરા પછી તો ત્યાં બધા પંચાત કરવા માંડ્યા હતા. શું, કેમ, ક્યારથી વગેરેની વણજાર લાગી ગઈ હતી. એની કાર્યદક્ષતા પર સવાલ થવા માંડ્યા. એના આત્મવિશ્વાસ પર તડ પડવા માંડી હતી. એ મુખ્ય દરવાજે પહોંચે છે અને જુએ છે તો એક હાશકારો થાય છે કે એ ત્યાંથી જતા રહ્યા હતા. સિક્યોરિટીનો માણસ એને કશું પૂછે નહીં તો પોતે કંઈ પૂછવું નથી એમ વિચારી એ ઓટો માટે રસ્તાની બેય બાજુએથી વહેતાં વાહનો જોઈ રહી છે. બપોરનો લંચ સમય હોવાથી રિક્ષા મળવી મુશ્કેલ લાગે છે. સિક્યોરિટીવાળો એની પાછળ બહાર આવે છે.

‘મૅડમ, આપ હી મિસ કાપડિયા હો? એણે કહ્યું, 'ના, ક્યોં? “એક આદમી પૂછ રહા થા. બોલા નયા ટિચર હૈ.' ‘નહીં, ઐસા તો કોઈ યહાં નહીં હૈ. કુછ ગલતી હો ગઈ હોગી. એ આગળ ચાલવા માંડે છે. સારું થયું કે એણે બીજી છોકરીઓની જેમ લગ્ન પછી પણ મા-બાપની અટક ન રાખી. ભલે ઓલ્ડ ફેશનમાં ગણાયું પણ અત્યારે કામ આવ્યું એ પણ સારું થયું કે એના પપ્પાને એના લગ્નની જાણ જ ન હતી. એક પ્રશ્ન એને ચોંકાવી ગયો : એને શી રીતે ખબર પડી કે આ શાળામાં હું કામ કરું છું? અહીં તો કોઈ જૂનું ઓળખીતું નથી. ક્યાંયથી પણ શોધી કાઢ્યું હશે. એના પપ્પા ભલે કવિ હૃદયના, પણ છેલ્લાં દસ વર્ષથી કેવી અંતરંગી સોબતમાં રહેતા? એકવાર એ જ્યારે કૉલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે એમને પહેલીવાર જુદા જ રૂપમાં જોયા હતા. સ્ટેશન નજીકના કેરીવાળા સાથે એ અને એની મમ્મી જરા ભાવતાલ કરી રહ્યાં હતાં, કારણ કે ફળવાળાએ બહુ ગેરવાજબી ભાવ કહ્યો હતો. સિઝનમાં ભરપૂર પાક હતો છતાં, એ માનતો જ ન હતો. આ રકઝકમાં અચાનક જ એ ફળવાળો મમ્મીને કહેવા લાગ્યો, 'ભાભીજી, આપકે ઘર પહોંચા દેતા હૂં.' 'હા, પણ તારો ભાવ મને પરવડશે નહીં. રહેવા દે.” ‘નહીં. મુઝે કુછ નહીં ચાહિએ. સા'બ કા બડા અહેસાન હૈ હમ વૅન્ડર્સ પર.’ એ ફેરિયો ડરનો માર્યો બોલી રહ્યો હતો એ સમજાતું હતું. પાછળ એના પપ્પા અચાનક જ આવીને ઊભા હતા તે ધ્યાનમાં આવ્યું હતું. એ પછી ઘરમાં મા- બાપના અવાજો છુટ્ટા ફેંકાવા માંડ્યા હતા. એને વાગતા એ અવાજ. એ અવાજો ઘરમાં જ ઠરી જતા હોત તો પણ એને બહુ નુકસાન ન થયું હોત. ઘર બહાર બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં, સ્કૂલમાં અને કોઈપણ તહેવાર પ્રસંગે મેળાવડાઓમાં એ અવાજના પડઘા દસગણા બુલંદ થઈ એના માથે ઠોકાતા. આ પડઘાઓ માંડ હમણાં હમણાં ખાળી શકી હતી. વાંક તો એના પપ્પાનો જ હતો. લોકોની જાસૂસી કરવી, ન્યૂસન્સ વેલ્યુવાલા લોકલ એક્ટિવિસ્ટ્સ સાથે મળીને હપ્તા વસૂલ કરવા અને હપ્તાના બદલામાં ફેરિયાઓનું રક્ષણ કરવું..… ઉફ્ફ. સીધીસાદી બૅન્કની નોકરી અને કવિતાઓ કરતો એક માણસ નોકરી છોડીને ક્યાં પહોંચી ગયો હતો! નોકરી પણ મૅનેજર સાથે ઝઘડો કરીને છોડી અને પછી બેકારીમાં મવાલી જેવા લોકોની સંગતમાં આવી ગયો હતો. સ્કૂલના રસ્તાને નાકે પાનવાળાની દુકાન પર એને પપ્પા દેખાય છે. એને પહેલાં તો થયું કે એની નજર ચૂકવીને ચાલી નીકળે, પણ આ વાતનો અંત જ લાવવો ઘટે. એને ત્રણેક વર્ષ પહેલાં પણ પીછો છોડી દેવા સમજાવ્યું હતું. એ અને એની મમ્મી એમના ઘરમાંથી નીકળી ગયાંને વર્ષો થઈ ગયાં હતાં, છતાં એ કેડો મૂકતા નથી. ગમે ત્યારે, ગમે ત્યાં એની મમ્મીનો રસ્તો આંતરીને ઊભા રહી જતા. એની મમ્મીએ ગજબની લડત આપી હતી. એને હવે આ વાતનો અંત જ લાવવો છે. એ પાનવાળાની દુકાને જઈ એના પપ્પાની બાજુમાં ઊભી રહી જાય છે. એના પપ્પાના શર્ટમાંથી ગંધ આવે છે. વરસાદથી ભીની થયેલી ગંધ વધારે તીવ્ર બની છે. દાઢી વધી ગઈ છે. 'બોલો, શું છે?’

વરસાદ ઓછો થયો છે. સિગારેટ પેટાવીને પપ્પા દુકાનેથી ચાલવા માંડે છે. ‘કેમ, હું રસ્તામાં બરાડીશ અને તમને નીચાજોણું થશે એનો ડર લાગે છે ને? એના પપ્પા એની સામે જોઈ રહે છે. હાથમાંની સિગારેટ એક પણ પફ લીધા વિના ફેંકી દે છે. વરસાદ વધી ગયો છે. એ છત્રી નીચે ઊભી છે. પપ્પા પલળી રહ્યા છે. વર્ષો પહેલાં સ્કૂલે લેવા-મૂકવા આવતા ત્યારે જે રીતે એમની આંખેથી વહાલ વરસતું તેવું આજે વરસી રહ્યું છે. કદાચ વરસાદનો લાભ એમના આંસુને પણ મળી રહ્યો છે. ‘કંઈ નહીં દીકરા, શું કહેવાનું હોય.’ 'તમે કેમ અમને શાંતિથી જીવવા દેતા નથી? શું બગાડ્યું છે મેં?’ ગુસ્સા સાથે એ રડવા જેવી થઈ જાય છે. ‘આજે તારી વર્ષગાંઠ છે… છેલ્લાં ત્રણ વર્ષથી તને મળી શક્યો ન હતો એટલે આ વખતે તને મળવું જ એમ નક્કી કરેલું.' એના વરે પણ એને જન્મદિવસનું વિશ કર્યું ન હતું. સવારથી એ સ્કૂલમાં જ હતી. મોબાઇલ નંબર બદલવાને લીધે કોઈનાય મૅસેજ પણ ન હતા. મમ્મી સાથે પણ વાત થઈ ન હતી. મમ્મીને આજકાલ કશું યાદ નથી રહેતું. બીમાર રહે છે. એકલી એકલી ઘરમાં આથડ્યા કરતી હોય છે. 'હેપ્પી બર્થડે, બેટા!’ એ કશું બોલતી નથી. 'તારા ઘરે આવું?' ‘તમને ખબર છે હું ક્યાં રહું છું?" ‘ના. હું પોતે ક્યાં રહું છું એનીય મને ખબર નથી.’ 'ડાયલોગ! આના કરતાં તમે ખરેખર કવિતાઓ લખી હોત.’ એ હંમેશ પ્રમાણે એના પપ્પાને ઝાટકવાનું શરૂ કરી રહી છે, પણ એને થાય છે કે એના પપ્પાને આજના દિવસે કશું ન કહેવું જોઈએ. ‘પ્લીઝ, ન આવતા. મારાં લગ્ન થઈ ગયાં છે, મને સુખેથી જીવવા દો. જન્મદિવસની આ એક ભેટ આપો પપ્પા. અમારો વિચાર કરવાનું પણ છોડી દ્યો.’ એના પપ્પા ફિક્કું હસે છે. ‘તમારા લોકોનો વિચાર કરવો એ જ તો એક મારું પોતાનું મારી પાસે રહ્યું છે, પણ ચાલ, તું માગે છે તો એ પણ આપી દઉં. હવેથી તમારી નજરે કદી નહીં પડું.' એના પપ્પા તરત જ ચાલતા થાય છે. વરસાદ જોરથી પડી રહ્યો છે. એ છત્રીમાં સુરક્ષિત છે. એના પપ્પા છત્રી વિનાના છે. કદાચ ઘર વિનાના છે અને ખાતરીથી કોઈપણ પોતાનું કહેવાય તેવા માણસો વિનાના છે. વરસતા વરસાદમાં એ મેલોઘેલો અકાળે વૃદ્ધ થયેલો માણસ ધીમે ધીમે ચાલીને જઈ રહ્યો છે તેને જતાં જોઈ રહેલી બે આંખો સામે સ્કૂલના દિવસોમાં કવિતાઓ સંભળાવતા અને શીખવતા પપ્પા આવી જાય છે. એ કવિતાઓ એને અઘરા પ્રસંગોની પેલે પાર ઊભેલા એના પપ્પા પાસે લઈ જાય છે. કવિતાઓ જ સાચી હોય છે. બાકી બધું જૂઠ. કવિતાઓના રસ્તે એ દોડીને એમની પાસે પહોંચી જાય છે. એના પપ્પાની પીઠ ફરે છે. કવિતાઓનો રસ્તો અહીં પૂરો થાય છે. એ એના પપ્પાના હાથમાં એની છત્રીનો દાંડો પકડાવે છે. 'આ છત્રી રાખો, પપ્પા' કહીને વરસતા વરસાદમાં નીકળી જાય છે પોતાની દિશાએ.

(પૂર્વપ્રકાશન : એતદ્, ૨૦૨૨)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ❖

વાર્તા અને વાર્તાકાર :

અશ્વિની બાપટ (૦૬-૦૪-૧૯૬૨)

બે વાર્તાસંગ્રહ :

1. દૂરથી નજીક સુધી (2014) 21 વાર્તા
2. કવિતાઓના રસ્તે (2022) 13 વાર્તા

‘કવિતાઓના રસ્તે’ વાર્તા વિશે :

અવળે માર્ગે ચડી ગયેલા પિતાએ જ નાનપણમાં કવિતાઓ શીખવી હતી. નવી નવી શિક્ષિકા બનેલી દીકરીએ પિતા સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. માએ પણ પિતાને એમના અપલક્ષણોને કારણે છોડી દીધા છે. દીકરીએ તો લગ્ન પછી સરનામું, ફોન નંબર બધું બદલી નાખ્યું છે, નામ સાથેની અટક પણ બદલી નાખી છે. તોય પિતાએ નિશાળ કેવી રીતે શોધી? શાળામાં તમાશો ન ઇચ્છતી દીકરી રજી લઈને નીકળી જાય છે પણ માથા પર લટકતી તલવારનો કાયમી ધોરણે અંત લાવવા એ સીધી બાપ પાસે જ જાય છે. ‘શું છે? કેમ શાંતિથી જીવવા નથી દેતા?’ વગેરેના જવાબમાં પિતા એને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. દીકરી વિચારે છે : મા તો હવે ભૂલી જાય છે પણ નવા નવા પરણેલા પતિએ પણ ક્યાં વિશ કર્યું હતું? ફોન નંબર બદલી નાખેલો એટલે કોઈએ જ એને વિશ નથી કર્યું. પિતા જ સૌથી પહેલાં હતા શુભેચ્છા આપનારા. તોય એ પિતાને કહે છે : મારો રસ્તો છોડી દો. વરસતા વરસાદમાં પલળતા પિતા હવે કશે નથી રહેતા. કપડાં ગંધાય છે ને તોય એ દીકરીની ઇચ્છા પૂરી કરવા હા પાડે છે. નાનપણમાં આ જ બાપ એને કવિતા શીખવતો. દીકરી વિચારે છે : કવિતાઓ જ સાચી હોય છે. બાકી બધું જૂઠ. એ કવિતાઓના રસ્તે દોડીને પિતા પાસે જાય છે. પિતાના હાથમાં છત્રીનો દાંડો પકડાવી એ પોતાના રસ્તે નીકળી જાય છે.

મહત્ત્વની વાર્તાઓ :

પ્લેસ્ટેશન, બાયલો, ફિકર