નારીસંપદાઃ નાટક/આંખે પાટા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. આંખે પાટા

પાત્રો

ડાહ્યાભાઈ દેસાઈ–એની સ્ત્રી કાશીબહેન
વીરચંદ શાહ—એની સ્ત્રી કાન્તાબહેન
મદન મહેતા—ડાહ્યાભાઈનો કૉલેજ સહાધ્યાયી.
હાથીભાઈ પટેલ
મગનલાલ મોદી
એરચ મસ્કાવાલા
મિસ સીરીન બામ્બોટ
દીવેકર
તે ઉપરાંત અન્ય પુરુષો, દાક્તર વિદ્યાર્થીઓ વગેરે.

[ સમય : રાતના આઠ વાગ્યાનો.

સ્થળ : મોરારજી ગોકળદાસની ચાલ જેવી કોઈ ચાલની પહેલા માળની આગળની પરસાળ. એ લાંબી પરસાળ એટલે દરેકની એારડીમાં જવાનો સરિયામ રસ્તો, ચાલીમાં પાંચ-છ ખોલીઓ હશે. પ્રેક્ષકને તો માત્ર પાસે પાસેની બે ઓરડીનાં જ બારણાં દેખાય છે. ડાબી બાજુની ઓરડીમાંનો પ્રકાશ પુષ્કળ ઝાંખો છે. એ પ્રકાશમાંયે ઓરડીની અંદર બાળકનું ઘોડિયું દેખાય છે, એ ઓરડીના ઊમરા પર કાશીબહેન બેઠાં છે અને જરૂર પડે ઘોડિયાની દોરી ધીમે ધીમે ખેંચે છે. બે ઓરડીનાં બારણાં વચ્ચેની ભીંતને અઢેલી બે કેનવાસની આરામ ખુરશીઓ પડી છે. ખુરશીની વચ્ચે એક નાની ટિપાઈ છે. એક આરામ ખુરશી પર બેસી કાન્તાબહેન કંઈ ગૂંથતાં હોય છે અને વચમાં કાશીબહેન સાથે વાતો પણ કરે છે. જમણા હાથ પર ઓરડીમાં દીવાનો પ્રકાશ છે. તે પરથી ઓરડીનો થોડો ભાગ દેખાય છે. એક નાના ટેબલ આગળ બેસીને શાહ કંઈ લખતો માલૂમ પડે છે. ચાલીનો દાદર પણ જમણા હાથ પર છે. એટલે ઉપર આવનાર અને નીચે જનાર આ ઓરડીઓ આગળથી પસાર થાય છે. ચાલી કોઈ ગીચ લત્તામાં છે, એ દર્શાવતા જાતજાતના અવાજો રાત્રિની શાન્તિ ભંગ કરે છે. આ આખા અંક દરમ્યાન હાર્મોનિયમનો કર્કરા ધ્વનિ અને ગ્રામોફોનનો તીણો સૂર સંભળાયા જ કરે છે.]


કાશીબહેન : [ગામડામાં ઊછરેલાં પણ શહેરમાં પાંચ વર્ષના રહેવાશથી કંઈક કપડાં વગેરેમાં સુધરવાનો પ્રયત્ન કરતાં છતાંયે પ્રતિકૂળ વાતાવરણમાં હોય એમ જોનારને લાગે. અત્યારે તો એમનો ચહેરો ચિન્તાથી લેવાઈ ગયો છે. ઉજાગરો અને શ્રમ બંનેની અસર મોં પર અને બોલવામાં લાગે છે. વાળ પણ બરોબર ઓળેલા નથી અને કપડાં પણ જેમ તેમ પહેરેલાં છે. ઊંચાંનીચાં થઈ દાદર ભણી જોતાં] હજી એ આવ્યા નહિ!
કાન્તાબહેન : [ કાશીબહેન કરતાં કંઈક વધારે સંસ્કારી. સ્ત્રીસમાજોમાં જઈને કંઈક શીખેલાં હોય એમ લાગે. કપડામાં પણ વધારે સ્વચ્છતા.] ઑફિસમાં પાછું કામ નીકળ્યું હશે. બાકી આવે વખતે બહાર નકામા તો ના જ રહે.
[એકાએક નીચે વાગતા હાર્મોનિયમનો કર્કશ સૂર જોરથી કાને પડે છે]
કાશીબહેન: બળી આ પેટી! બિચારો કુમાર હમણાં જરા જંપીને સૂતો છે તેને જગાડશે.
[અંદર જોઈ આવે છે. કુમારને ઊંઘતો જોઈ પાછાં આવે છે.]
કાન્તાબહેન : કીકો પણ આજે ડાહ્યો થઈને વહેલો વહેલો ઊંઘી ગયો.
કાશીબહેન : મારું નસીબ તે આજે વહેલો સૂતો.
[એટલામાં નીચેથી ગાયન સંભળાય છે.]
બાગેશ્રીની ધૂન
મનડા ! કરીશ નહિ તું શોક—મનડા (ટેક )
જન્મ્યું તે તો નિશ્ચે જાશે
ફાંફાં મારે ફોક—મનડા.
રંકો જાશે જાશે રાયા
જોયા કો અમર લોક ?—મનડા.
કાશીબહેન : (ગાયન પૂરું થતાં અકળાઈ) આવાં ગાયનો તે શીદ ગાતાં હશે નાહક મનને દુઃખી કરવા?
કાન્તાબહેન : (સ્વગત) કમળોહોય તે પીળું જ દેખે. મન શોકાતુર હોય તો બધું જ દુઃખી લાગે. પેલો બાપડો આનંદમાં ગાય છે. એને શી ખબર કે એક નાનકડું બાળક અહીં જીવનમૃત્યુનો ખેલ રમી રહ્યું છે.
[પાસેની એકાદ એરડીમાં બે બૈરીઓ ઘાંટા પાડીને લડતી સંભળાય છે.]
કાશીબહેન : (ખૂબ જ અકળાઈ) આ સાસુવહુથી તો તોબા ! દરરોજના ઝઘડા ! અને (બે હાથ જોડી) તોબા આ તમારા મુંબઈ શહેરથી, જરા પણ શાન્તિ, જરા પણ નિરાંત મળે જ નહિ. કોણ જાણે લોકોને શહેરની શી મોહની લાગી છે! શહેર કહેવાય ત્યારે મોટું. પણ મારા જેવી ગામડામાં ખુલ્લામાં ઊછરેલીને તો અહીં સંકડાશ, બંધિયાર જેવું જ લાગે. છૂટથી હરવા ફરવાનું તો નામ જ નહિ. એક ઓરડીમાં પુરાઈ રહેવાનું.
કાન્તાબહેન : (હસીને) કાશીબહેન! શહેર એટલું ખરાબ છે? તમે મારી સાથે બહાર આવતાં તો છો નહિ; અહીંના ભગિની સમાજમાં ગરબા ગાવાં કે અમસ્તા પણ બેસવા ઊઠવા આવતાં હો તો તમારું મન છૂટું થાય.
કાશીબહેન : (નિસાસો નાખી) આ છોકરાઓમાંથી પરવારું ત્યારે બહાર આવું ને? અહીં ઓછાં રસ્તા પર છૂટાં મૂકી દેવાય? એમને પણ ક્યાં ઘડીનો પરવાર છે? સવારે નવ વાગે જમીને જાય તે સાંજના સાત–સાડાસાત વિના પત્તો જ નહિ. જુવો ને, આજે આઠ વાગી ગયા તોયે હજી ક્યાં ઠેકાણું છે?
[કોઈનાં પગલાં દાદર પર સંભળાય છે. કાશીબહેન વાંકાં વળીને કોણ આવ્યું તે જુએ છે. બીજા કોઈને જોતાં નિરાશ થાય છે. એક ગૃહસ્થ આવી કાશી બહેનની ઓરડી આગળ થોભે છે.]
ગૃહસ્થ : કેમ કાશીબહેન ! આજે બુચાની તબિયત કેમ છે?
કાશીબહેન : ઉધરસ જરા ઓછી છે. તમારાં ગંગાબહેન કેમ છે? મારાથી તો જોવાયે નથી અવાયું.
ગૃહસ્થ : તમે આમાંથી પરવારો ત્યારે આવી શકો ને? ચાલો, બિચારો જલદી હરતો-ફરતો થઈ જાય.
[પોતાની ઓરડી તરફ જાય છે.]
કાશીબહેન : (આંખો લૂછતાં) ભાઈ, ઈશ્વર કરે તે ખરું.
કાન્તાબહેન : (દયા ખાતાં) કાશીબહેન, આ ઉપરાછાપરી મંદવાડમાં ચાકરી કરી તમે અડધાં થઈ ગયાં છો. મેં તો ડાહ્યાભાઈને બહુ વાર કહ્યું કે કુમારને ઇસ્પિતાલમાં રાખો. હવે તો આપણા જેવા માટે ઇસ્પિતાલમાં ક્યાં ઓછી સગવડ છે? આ ગંગાબહેન પણ ત્યાં જ ગયાં છે ને? બાળકની બિચારાની બરોબર સંભાળ લેવાય અને તમારાથી પણ જરા નિરાંતે ઉંઘાય ને! ત્યારે મને કહે કે તમે ‘એને’ સમજાવો. હું આટલા દિવસ બોલી નહિ પણ હવે રહેવાતું નથી. આમ ને આમ તો તમારી તબિયત બગાડશો. એક છોકરો તો ગયો. આ બીજો માંદો અને ભોગજોગે તમે માંદાં પડશો તો બિચારા ડાહ્યાભાઈના તો ભોગ જ લાગશે.
કાશીબહેન : (પીગળતાં) પણ બહેન, છોકરાને ઈસ્પિતાલમાં મૂકતાં જીવ કેમ ચાલે? ત્યાં ગયા પછી તો કોઈ પાછું જ ના આવે !
કાન્તાબહેન : અરે, એમ શું બોલો છો? એ તો અજ્ઞાનની વાત. જુવો ને, એ ત્યાં હોય તો એની સારવાર કેવી સારી થાય! નર્સ–દાક્તરો ત્યાં હાજર જ હોય. દવાદારૂની પણ ફિકર નહિ. તમને પણ આરામ અને બિચારા ડાહ્યાભાઈને પણ દવાદાક્તર માટે દોડાદોડી કરવી ના પડે. એક તો ઑફિસ સંભાળવાની અને આ કામ. બે સાથે કેમ કરી શકે?
કાશીબહેન : (આંખો લૂછતાં) પણ બહેન હું શું કરું? કુમારને ઇસ્પિતાલમાં પણ મારા વિના ચાલે નહિ. વળી આ કીકો ઘેર એકલો શી રીતે રહે?
કાન્તાબહેન : બહેન, મેં કહ્યું હતું ને કે હું સંભાળીશ.
કાશીબહેન : બહેન, તમારો તો ઉપકાર નહિ ભુલાય. તમે અને વીરચંદભાઈએ અમારે માટે ઘણું કર્યું છે.
[અંદરથી બાળકની ઉધરસનો અવાજ આવે છે. કાશીબહેન એકદમ ઊઠીને અંદર જાય છે. શાહ બહાર આવે છે. કાંઈક વધારે દુનિયાદારીનું ભાન હોય એમ લાગે છે. ]
શાહ : ( કાન્તાબહેનને) હું જરા આ ટપાલ નાખી આવું. કેમ, હજી દેસાઈ આવ્યા નથી? આજ તો બહુ મોડું થયું, કુમારને કેમ છે?
[અંદરથી ખૂબ ઉધરસ અને બાળક દર્દથી રડતું હોય એેવો અવાજ આવે છે.]
કાન્તાબહેન : તમે જલદી આવો તો સારું. મંદવાડ વખતે કોઈ પુરુષ હાજર હોય તો ઠીક, દાક્તર બાક્તરની જરૂર પડે.
શાહ : આ હું હમણાં જ આવ્યો.
[જાય છે. નીચેથી કોઈ ધબધબ કરતું ગાતું ઉપર આવે છે.]
કાન્તાબહેન : (ખૂબ અવાજ થાય છે તેથી ચિડાઈ) કોઈ સાજુંમાદું આપણાં લોકોને જરાયે દરકાર નહિ. કેવા અણસમજુ લોક !
[પેલો ગૃહસ્થ શરમિંદો પડી મૂંગો મૂંગો ત્યાંથી પસાર થઈ જાય છે.]
કાશીબહેન : (પાછાં બારણા આગળ આવી) હજી આવ્યા નહિ ! અરે રામ! આજે કેટલું મોડું!
કાન્તાબહેન : કાશીબહેન ! આમ આકળાં શા માટે થાઓ છે. એક કામ કરો. તમે જમી લો. હું કુમાર પાસે બેસું છું. ડાહ્યાભાઈની વાટ જોશો ને વારાફરતી જમશો તો બહુ મોડું થશે.
કાશીબહેન : એમને મૂકીને ક્યાં જમવા બેસું?
કાન્તાબહેન : આવે વખતે એ વિચાર કરવાનો નહિ. તમે નિરાંતે જમી લો અને બન્ને બાળકો સૂતાં છે એટલો વખત તમે પણ આડાં પડો. હું બેઠી છું.
[કાશીબહેન, કાન્તાબહેન ઓરડીની અંદર જાય છે. દાદર પર પગલાં સંભળાય છે અને શાહ અને મહેતા ઉપર આવે છે. પગલાંનો અવાજ સાંભળતાં કાન્તાબહેન બહાર આવી ડોકિયું કરે છે. ડાહ્યાભાઈને ન જોતાં પાછાં અંદર જાય છે. મહેતા ખુરશી પર ગોઠવાય છે. શાહ પોતાની ઓરડીમાંથી સિગારેટનો ડબ્બો લાવે છે. અને એ પણ ખુરશી ઉપર ગોઠવાય છે. સિગારેટ સળગાવવાની ક્રિયા થાય છે]
શાહ: (મહેતાને કોટ, પાટલૂન, ટાઈ, કોલરવાળા વિલાયતી લેબાસમાં, તેમ જ શરીરે પણ પહેલાં કરતાં જરા મજબૂત જોઈ) તું ખરેખરો બદલાયો તો છે; પૂરો સાહેબ બન્યો છે. તેં મને ના ઓળખ્યો હોત તો હું તને જરાયે એાળખી શકત નહિ. તું હિંદુસ્તાન પાછો ફર્યો એ મેં પેપરમાં વાંચ્યું તો હતું, પણ તારા જેવો મોટો માણસ અમારે ગરીબને ઘેર આવે એ તો સ્વપ્ને પણ ખ્યાલ નહિ.
મહેતા : (એના બોલવાની રીત પરથી લાગે છે કે ગુજરાતી બોલવાની ટેવ ઘણા વખતથી નથી) અરે, એમ શું બોલે છે? એ ઇંગ્લંડ રીટર્ન્ડ એવા સ્નોબીશ હશે! અમે અમેરિકાના નહિ. હું તારું જ ઘર શોધતો આવતો હતો. તારો છેલ્લો કાગળ વર્ષેક પર મળ્યો હતો. એટલે એ જ ઠેકાણે હશે કે કેમ એ શંકા હતી. કેમ, દુનિયા કેમ ચાલે છે?
શાહ : ભલા, હિંદુસ્તાનની દુનિયા તો થંભી ગઈ છે. અમે તો છીએ ત્યાંના ત્યાં. પણ તું તો અમેરિકા જેવા દોડતા દેશમાંથી આવે છે. એટલે દુનિયાની ખબર તો તારે જ આપવાની.
મહેતા: ( હસીને) અરે! દુનિયા એટલે આપણે. હું ને તુંમાં જ બધું સમાયું છે ને ! હું તો બી. એ. થઈને સીધો જ અમેરિકા ગયો. વેઠ કરી ભણવા જેટલા પૈસા એકઠા કર્યા અને શીખ્યો. મારે તો બેન્કીન્ગનું શીખવું હતું. માત્ર પુસ્તકિયાં જ્ઞાન નહિ. મહામહેનતે મારી ઇચ્છા પાર પડી અને બેન્કમાં નોકરી મળી. પછી તો ત્યાં રહી જેટલું શીખાય એટલું શીખ્યો. આપણા દેશમાં એગ્રીકલચરલ બેન્ક કહાડવાના ઇરાદાથી થોડા દિવસની રજા લઈ આવ્યો છું. આ મારો પાંચ વર્ષનો ઇતિહાસ. પણ તારું શું ?
શાહ: બી. એ. થયા પછી મેં તો પત્રકાર થવાનો વિચાર કરેલો. પણ આજનું પ્રેસ તો તું જાણે છે ને, નમાલું. એટલે પહેલાં તો ફ્રીલેન્સ થવા માટે ફાંફાં માર્યાં. પણ આપણો દેશ! એ ધંધો તો ખોટનો જ. (કડવાશથી ખભો ચડાવી) લોકોને મફત લેખો જોઈએ. અને એ મળતા હોય ત્યાં મારા જેવાને કોણ પૈસા આપે? અને પૈસા આપવાની જ્યારે વાતો કરે ત્યારે લેખની કિંમત આંકીને નહિ પણ એ લેખનાં પાનાં ગણીને, કેટલાં પાનાં લખ્યાં છે તે પર ! મેં તો કહી દીધું કે પાનાંની ગણતરી પ્રમાણે તો કવિતાની કિંમત કોડીની પણ નહિ અંકાય !
મહેતા : (હસીને) તે તું કવિતા તો નથી લખતો ને? આ શુષ્ક નિર્દય જમાનામાં કવિતાને જરાયે સ્થાન નથી.
શાહ : ના રે, હું નથી લખતો. પણ જે બાપડો લખતો હશે તેની વાત કરું છું. આ સ્થિતિ હોય ત્યાં અભ્યાસી લેખો કોણ લખે? એટલે નાછૂટકે મારે છાપામાં નોકરી લેવી પડી.
મહેતા : એ પણ અનુભવ ખોટો નહિ. કોઈ દિવસ પ્રેસને પ્રજાનો અવાજ થવું પડશે. પ્રજાજીવનને ઘડવામાં એના જેવું કોઈ ઉપયોગી શસ્ત્ર નથી. પણ આપણા બીજા મિત્રોનું શું ?
શાહ : બીજા કોઈની તો મને ખબર નથી, પણ દેસાઈ બાપડો આ પાસેની જ ઓરડીમાં રહે છે.
મહેતા : ક્યાં, ક્યાં છે? એને બોલાવની.
શાહ : હજી આવ્યો નથી.
મહેતા : (વિચારમાં) બાપડો કેમ ?
શાહ : એને ઘર તો ખરે જ દશા બેઠી છે. પંદર દિવસ પર એનો એક છોકરો ગુજરી ગયો. બીજો માંદગીના બીછાના પર છે, તને યાદ છે ને એનો બા૫ એકાએક ગુજરી ગયો હતો? ત્યારનું એનું નસીબચક્કર ફેરવાઈ ગયું છે.
મહેતા : હા, પણ ત્યાર પછી તો એ બી. એ. થયો હતો ને?
શાહ : માંડ માંડ પાસ થયો. એનું મન વાંચવામાં ક્યાં લાગતું હતું? આખું વર્ષ મજા કરી છેલ્લી ઘડીએ વાંચવાનું રાખીએ ત્યાં એવું જ થાય. એને માટે તો સારી રીતે પાસ થશે એવી પ્રોફેસરોએ આશા બાંધેલી. તું તો પરીક્ષા આપી તરત ચાલ્યો ગયો એટલે પછી શું થયું તે ક્યાંથી ખબર હોય?
મહેતા : શું થયું?
શાહ : એને ભણાવવા પાછળ બાપે ઠીક દેવું કરેલું. એ બધું પતાવવા એણે જમીન વેચી નાંખી અને થોડા ઘણા પૈસા બચ્યા તે લઈ બૈરીને સાથે લઈ મુંબઈ નોકરી શોધવા આવ્યો.
મહેતા : એ પરણેલો હતો?
શાહ : ગામડાના એટલે તો નાનપણથી જ પરણેલા. અહીં આવ્યા પછી નોકરી માટે ખૂબ ફાંફાં માર્યાં. આજે તો તું જાણે છે, બી.એ.ની કશી કિંમત જ નથી. આખરે સરકારી દફતરમાં કારકુનની જગ્યા મળી.
મહેતા : તે કોઈ પ્રોફેસરે અથવા યુનિવર્સિટીએ સારી નોકરી મેળવી આપવામાં મદદ નહિ કરી?
શાહ : વળી આપણા દેશમાં એ રિવાજ ક્યાં છે? યુનિવર્સિટી માત્ર પૈસા લઈ એના નામની છાપ આપે એટલું જ. એકવાર છાપ આપ્યા પછી અહીંની યુનિવર્સિટી વિદ્યાર્થીના જીવનમાં કયે દહાડે રસ લે છે ?
મહેતા : (હસીને) હું ભૂલ્યો. બીજા દેશમાં એવું થાય છે. બિચારો દેસાઈ!
શાહ : ખરે જ બિચારો. તું એને એાળખી પણ નહિ શકે.
[દાદર પર ધીમાં પગલાંનો અવાજ આવે છે. એક સુક્કો, ફિક્કા ગમગીન ચહેરાનો પુરુષ કંઈક મેલા ધોતિયા અને લાંબા જૂના દેખાતા કોટમાં સજ્જ થયેલો ઉપર આવે છે.]
શાહ : (ધીમેથી) આ દેસાઈ.
[દેસાઈ સીધો જ આસપાસ જોયા વિના પોતાની ઓરડીમાં જાય છે. મહેતા તથા શાહ એની પાછળ જોઈ રહે છે.]
મહેતા : ખરે જ ઓળખાય એવો રહ્યો નથી. ક્યાં હસમુખો તન્દુરસ્ત બાંધાનો દેસાઈ અને ક્યાં આ સુક્કોફિક્કો, જર્જરિત દેસાઈ! કાળનો ફટકો એને જબરો પડ્યો લાગે છે.
[દેસાઈ કોટ-ટોપી ઉતારી બહાર આવે છે; મહેતાને પહેલી જ વાર જુએ છે. એક અજાણ્યા માણસને શાહ સાથે જોઈ અંદર જવા જાય છે ત્યાં શાહ અટકાવે છે.]
શાહ : દેસાઈ! આ મહેતા. હમણાં જ અમેરિકાથી પાછા ફર્યાં, ઓળખ્યા કે નહિ?
દેસાઈ : (મહેતાનું નામ સાંભળી ચમકે છે. પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી) ઓહો, મહેતા તમે ક્યાંથી? મેં તો એાળખ્યા જ નહિ.
[કાશી તથા કાન્તા દેસાઈને જમવાનું કહેવા બહાર આવે છે.]
કાશી : હવે મોડું ન કરો. જમીને વાતો કરો.
કાન્તા : ડાહ્યાભાઈ! તમે જમી લો, પછી વાતો કરજો.
દેસાઈ : મને તો જરાયે ભૂખ નથી. કાશી! મારે માટે ચા કરી લાવ. મારે બીજું કંઈ નહિ જોઈએ.
કાશી : (બબડતાં) બળ્યું, જમવું નહિ ને ચા પીવી. એમ જ તબિયત બગડે.
કાન્તા : ડાહ્યાભાઈ! તમે ખરેખર જ નહિ જમો? (ડાહ્યાભાઈ માથું ધુણાવે છે) તો કાશીબહેન, તમે સૂઈ જાવ, હું ચા બનાવી લાવું છું.
[બન્ને અંદરજાય છે. આ વાર્તાલાપ દરમ્યાન શાહ અંદરથી એક ત્રીજી ખુરશી લાવે છે અને બેસે છે. થોડી વાર લગી કોઈને શું બોલવું તે સૂઝતું નથી. આખરે કંઈક શરૂઆત કરવાની ખાતર મહેતા સિગારેટનો ડબ્બો દેસાઈ આગળ ધરે છે.]
દેસાઈ : (ડોકું ધુણાવી ના પાડતાં) હું તો પીતો નથી. એ પૈસાદારોની લત મારા જેવા ગરીબને ન શોભે.
[મહેતા શાહને ઘરે છે. એ લે છે. પછી પોતે લે છે. બન્ને જણા સળગાવાની ક્રિયા કરે છે.]
મહેતાઃ (હસીને) સિગારેટ તો સુખદુઃખની સોબતી અને એકલાઅટૂલાની સંગાથી છે એને તે કેમ છોડાય ?
[દેસાઈ મૌન જ રહે છે. થોડીવારે એને ફરી બોલાવવા]
દેસાઈ! તારા બાળક વિષે શાહે વાત કરી, એ સાંભળી બહુ દિલગીરી થઈ.
દેસાઈ : thanks. એ શિષ્ટાચારની કશી જરૂર નથી.
[પાછો મૌન રહે છે. મહેતા કે શાહને શું બોલવું તે સૂઝતું નથી. એટલામાં દાદર પર પગલાં સંભળાય છે અને દાક્તર આવે છે. દાક્તરને આવતા જોઈ દેસાઈ ઊઠે છે. ]
દેસાઈ : ઓહો દાક્તર! તમે અત્યારે ક્યાંથી?
દાક્તર : આ બાજુ બીજા દર્દીને તપાસવા આવેલો તે થયું કે લાવ આંટો મારી જાઉં. કેમ છે કુમારને?
દેસાઈ : હમણાં તો ઊંઘે છે.
[બન્ને જણા બોલતા બોલતા ઓરડીમાં જાય છે.]
મહેતા : હું અહીં આવ્યો છું તે દેસાઈને બહુ પરવડ્યું હોય એમ લાગતું નથી.
શાહ : એ તો કોણ જાણે, પણ આજકાલ એ બહુ જ ઓછાબોલો થઈ ગયો છે.
મહેતા : અત્યારે તો હું જઈશ. વળી પાછો એ સારા moodમાં હશે ત્યારે આવીશ. કંઈ ખાસ મારાથી થઈ શકતું હોય તો મને જરૂર કહેવડાવજે.
[મહેતા ઊઠે છે. શાહ એને દાદર લગી વળાવે છે. દાક્તર તથા દેસાઈ બહાર આવે છે.]
દેસાઈ : કેમ દાક્તર ! તમને કેમ લાગે છે?
દાક્તર : સવાર કરતાં તો સારું. નિરાંતે ઊંઘે છે એ જ સારી નિશાની. પછી તો ઈશ્વર જાણે.
દેસાઈ : ઈશ્વર ! ઈશ્વર ! ઈશ્વર ! ઈશ્વર છે ખરો કે માત્ર ભ્રમણા જ? (કડવાશથી હસે છે.) દાક્તર! તમે ખરેખર ઈશ્વરમાં માનો છો કે માત્ર જવાબદારીનો ટોપલો એને માથે મૂકવા ખાતર જ બોલો છો?
દાક્તર : અરે દેસાઈ ! એમ શું બોલો છો? અમે દાક્તરો તો જરૂર ઈશ્વરમાં માનીએ.
દેસાઈ : કેમ?
દાક્તર : કારણ, અમે હજી લગી જીવને ઉત્પન્ન કરી શકતા નથી કે નથી એને મરણમુક્ત કરી શકતા. જે શક્તિ એ કરે છે તેને જ અમે ઈશ્વરી શક્તિ ગણીએ છીએ. (હસે છે.) દેસાઈ, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો શ્રદ્ધા. સૌ સારાં વાનાં થશે.
[દાક્તર જાય છે.]
દેસાઈ : (દાક્તરને પાછા વળાવી આવતાં આમથી તેમ આંટા મારતાં) કેમ, મહેતા ગયો?
શાહ : (આરામખુરશી પર બેઠો બેઠો) મોડું થઈ ગયું એટલે ગયો. પાછું આવવાનું કહી ગયો છે.
દેસાઈ : એને અહીં આવવાનું શું પ્રેયોજન ?
શાહ : આપણને મળવા, વળી બીજું શું કામ હોય? પણ તું આમ કેમ બોલે છે?
દેસાઈ : આપણા જેવા ગરીબ માણસના જીવનમાં એને હવે શું રસ પડે ?
શાહ : શા માટે નહિ? કૉલેજની દોસ્તી ભુલાય?
દેસાઈ : શા માટે નહિ? કૉલેજની દોસ્તીનો પાયો શો? સામાન્યવિચારો, સામાન્ય ભાવનાઓ, સરખાં કાર્યો કરવાનો ઉમંગ. એ પાયો જ જ્યાં ભાંગી પડે ત્યાં દોસ્તી શી રીતે રહી શકે? (વર્ષોનો ઊભરો કહાડતો હોય તેમ) શાહ! હું તો મારી વાત જ કરું કે આજનું મારું એક ચીલે ચાલતું, દિવસભર ગધ્ધાવૈતરું કરતું ગર્દભજીવન ક્યાં અને ક્યાં તે વખતનું મોટાં મોટાં કામ કરવાની આશા રાખતું વિદ્યાર્થીજીવન? તે વખત નહોતો આગળપાછળનો વિચાર. આંખે પાટા બાંધી જ આપણે ફરતા. સ્વપ્નેયે ખ્યાલ હતો કે આવા હાલ થશે? (કડવાશથી હસે છે.) આવા શુષ્ક જીવનમાં કોને રસ પડે? મહેતા હંમેશાં મને ટોકતો. મારા આ હાલ જોઈ એને મજા તો પડી હશે.
શાહ : અરે ભલા માણસ, એમ શું બોલે છે? એને તો ઊલટું બહુ ખરાબ લાગ્યું.
દેસાઈ: (શાહનું સાંભળ્યું જ ન હોય તેમ) Back to Land. Back to Land એના શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે. હું કેવો મૂર્ખો! (કડવાશથી હસે છે.) ઘણીવાર થાય છે કે આ બધું છોડી ગામડે જઈ વસું.
શાહ : તને કોણ અટકાવે છે?
દેસાઈ: કોણ અટકાવે છે? આ સંસારની શૃંખલાઓ. એકલવાયા જીવને જીવન પર પ્રયોગો કરવાની છૂટ છે. મારા જેવાને—સંસારની બેડીમાં જકડાયલાને—એવા પ્રયોગો કરવાનો જરાયે હક નથી. આમ કરીશ, તેમ કરીશ એ બધું મારે માટે તો સ્વપ્નવત્.
[ખુરશી પર બેસે છે. બે હાથમાં માથું રાખી થોડીવાર આંખ વીંચીને ખુરશી પર પડે છે. ભૂતકાળ એની આંખ આગળ તરી આવે છે. એ બતાવવા રંગપીઠ પર અંધારું થાય છે અને થોડીવારમાં પ્રકાશ થાય છે. ભૂતકાળનું દૃશ્ય નજરે પડે છે. ]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : ૨ :

[સમય : બપોરના ત્રણેક વાગ્યાનો.

સ્થળ : કૉલેજના વિદ્યાર્થીઓનો ‘કૉમન રૂમ’ (સામાન્ય ઓરડો)

પડદો ઊઘડતાં ઓરડાની વચ્ચોવચ એક લાંબું ટેબલ, તેના ઉપર સામયિકો વગેરે. એક છેડે ખુરશી પર બેસી લાંબા પગ ટેબલ પર નાખી મહેતા બેઠો છે. તેની પાસે ટેબલ પર જ શાહ બેઠો છે, માસિકનાં પાનાં આમતેમ ઉથલાવે છે અને મોદીનું ગાયન સાંભળે છે. વચમાં 'વાહ ઉસ્તાદ વાહ' કરે છે. ટેબલને બીજે છેડે એરચ મસ્કાવાળા બેઠો છે. એણે ચશ્માં પહેર્યાં છે. એ પણ કોઈ માસિક વાંચવામાં મશગૂલ છે. સાથે સાથે ગાયનને પણ તાલ આપતો જાય છે. મોદી સાધુના વેશમાં છે— ભગવા રંગની કફનીમાં, અને એ જ ટેબલ પર બેસી ગીત ગાતો હોય છે. ઓરડાને એક છેડે કેટલાએક વિદ્યાર્થીઓ કૅરમ રમતાં દૃષ્ટિએ પડે છે. પરંતુ ગાયન દરમ્યાન રમત બંધ રાખી ગાયન સાંભળે છે અને ‘વાહ ઉસ્તાદ વાહ' કહેવામાં સામેલ થાય છે. બીજી બાજુ બે વિદ્યાર્થીઓ શેતરંજ-ચૅસ-રમતા દેખાય છે. કેટલાએક વિદ્યાર્થીઓ આરામખુરશી પર સિગારેટના ધુમાડા કાઢતા પડ્યા છે. આખું વાતાવરણ બિનજવાબદારીપૂર્ણ છે. વિદ્યાર્થીઓનો પોષાક પણ એમના માનસનું પ્રદર્શન કરતો, ઢંગધડા વિનાનો છે. માત્ર એરચનો પોષાક જૂની પારસી રીતને અનુસરતો છે.]

મોદી : (ગાય છે.)
(રાગ–ભૈરવી)
મૂરખ તું છોડ હવે નાદાની—મૂરખ તું—ટેક
કરવાનું તે કંઈયે ના કીધું, વહી જતી આ યુવાની;
તન મન ધન તું ખરચી ચાલ્યો, શી ચિન્તા ભાવિની ? —મૂરખ તું
માયા કેરા મંદિરીયામાં, ભમ્યો સારી જિંદગાની;
સત્ય જ્યારે મૂર્ત થશે ત્યાં, કરશે શું અજ્ઞાની? —મૂરખ તું
[ગાયન પૂરું થતાં બઘા તાળીઓ પાડે છે. અને 'વન્સમોર વન્સમોર’ની બૂમો પાડે છે. મોદી માથું ધુણાવી ના પાડે છે અને ટેબલ પરથી કૂદી પડે છે.]
મોદી : ના રે, હવે અમારા રીહર્સલનો વખત થઈ ગયો, હજી મારે ત્યાં ગાવાનું છે.
શાહ : (એક ખુશમિજાજી યુવક ) શેનું રીહર્સલ?
મોદી : આ સ્વદેશી લીગ માટે કૉન્સર્ટ કરવાના છીએ તેનું જ તો.
[કહેતો કહેતો બહાર જાય છે. એ બહાર જાય છે અને દેસાઈ ધૂંધવાતો અંદર દાખલ થાય છે. કૅરમ તથા ચૅસ રમનારા પોતપોતાની રમતમાં પડે છે.]
દેસાઈ : (એક ભાવનાવાહી યુવક. ખાદીના હાફ કોટ, પાટલૂન અને ઉઘાડા કોલરના ખમીસમાં સજ્જ, 'સ્માર્ટ’ હોવાનો ખ્યાલ આપે છે. અંદર આવી મહેતા અને શાહ આગળ બખાળે છે.) આપણાં તે કંઈ પ્રોફેસરો છે?
શાહ : એ કોલંબસના જેવી મહાન શોધ આજે ક્યાંથી કરી?
દેસાઈ : (હાથના ચાળાઓ સાથે જ્યાં પ્રોફેસરના શબ્દો વાપરે છે ત્યાં તેનું અનુકરણ કરતો હોય તેમ) અરે દોસ્ત ! આપણા પ્રોફેસર સાહેબને કેટલીક મુશ્કેલીઓ પૂછવા ગયો. પછી વાતમાં ને વાતમાં યુરોપની હાલની પોલિટિકો—ઈકોનોમિકો–સોશિયલ થીઅરી પર એમનો અભિપ્રાય પૂછ્યો. ત્યારે પ્રોફેસર સાહેબ મને સામે પૂછે છે કે ‘મારો અભિપ્રાય જાણીને શું કામ છે?' મેં કહ્યું, સાહેબ, પરીક્ષા પાસે આવી અને એ વિષય એટલો મહત્ત્વનો છે કે પરીક્ષક પૂછ્યા વિના રહેશે જ નહિ. ત્યારે મને જવાબ મળ્યો કે ‘પરીક્ષા પૂરતું મારી નોટમાંથી મળી રહેશે.’ મેં કહ્યું, સાહેબ, નોટ્સમાં તો માત્ર પ્રાચીન અને અર્વાચીન પંડિતોએ એ વિષે શું કહ્યું તે જ છે. એમનો અભિપ્રાય તો અમને એમનાં જ પુસ્તકોમાંથી મળી શકે. મારે તો આપનો મત જાણવો છે. ત્યારે મને કહે કે ‘D’ont be Cheeky. પરીક્ષામાં મારો કે તારો અભિપ્રાય કામ નહિ લાગે.’ મેં તો ત્યાંથી ચાલતી જ પકડી. મને થયું કે આ કહેવાતા પ્રોફેસરો બેઠા બેઠા પગાર ખાય છે. શીખવે છે શું?
શાહ : Second hand–બીજાના વિચારો. બાપડાનો પોતાનો અભિપ્રાય નહિ હોય. (હસે છે.) હા હા હા હા.
[એ બોલતો હોય છે એ દરમ્યાન પટેલ અને મિસ બામ્બોટ હસતાં હસતાં ઓરડામાં દાખલ થાય છે. બન્નેને હાથમાં ટેનીસના રૅકેટ છે. પટેલ ખૂબ 'સ્માર્ટ' દેખાવાનો પ્રયાસ કરતો હોય એમ લાગે છે. ફલેનલના પાટલૂન, બ્લેઝર અને ક્રીમ કલરના રેશમી ખમીસમાં સજ્જ છે. મિસ બામ્બોટે પણ સફેદ સાડી પહેરી, છે. બન્ને જણ વચ્ચેના ટેબલ આગળ આવી સ્પોર્ટસ મેગેઝિનનાં ચિત્રો જુએ છે.]
ચેસ રમતો એક વિદ્યાર્થી : તું ગમે તેટલો વિચાર કર ની,આ કાપાબ્લેન્કાને તું હરાવી શકવાનો નથી.
બીજો રમનારો : અરે જોજે ને હમણાં હરાવું છું.
પટેલ : (માસિકનાં પાનાં ઉથલાવતો) મિસ બામ્બોટ! વેસ્ટર્ન ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટ જોવા આજે જરૂર જજો. બહુ જ exciting રમત થવાની છે. કાલે કેમ નહોતાં ગયાં ?
બામ્બોટ : ગઈ કાલે મારે બીજું એન્ગેજમેન્ટ હતું. આજે તો જરૂર જરૂર જવસ.
[ એરચ અત્યાર લગણ વાંચવામાં મશગૂલ હતો તે આ બેના આવ્યા પછી ઊંચું જુએ છે અને બન્ને સામે ડોળા કકડાવીને જોતો બેસે છે ]
શાહ : (એરચને ડોળા કાઢતો જોઈને) એઈ એરચ! ડોળા કેમ કહાડે છે ?
દેસાઈ : એરચ ! તમે લોકો બહુ funny-વિચિત્ર છો. વિલાયતી મડમોને પરણી આવો છો ત્યારે કોઈ ચૂં કે ચાં બોલતું નથી ને પારસી છોકરી હિન્દુ છોકરા સાથે દોસ્તી પણ કરે તેમાં તમારું પાકી આવે છે.
એરચ : પાકી નહિ આવે તો શું કરે? આજકાલ તો પારસી છોકરીઓ હિન્દુને પન્ને એ ફૅશન થઈ પરી છ.
બામ્બોટ : ફૅશન શાનો કહેચ? તમે પારસી પોર્યાઓ પૈસા લઈને પન્નોચ તે હવે તમને કોન ડામ આપવાનુંચ. તમારા જેવા પૈસાને પન્નારને તો પગની જૂતી બતાવવી જોઈએ જૂતી !
ચેસ રમનાર : (એની રમતની ધૂનમાં જ) ચેકમેટ ચેકમેટ.
[બધાં હસી પડે છે.]
શાહ : (વાત ઉડાવવા) મિસ બામ્બોટ ! એરચ! તમારું ભાષણ બંધ કરો. આ તમારું ઢેઢ ગુજરાતી—અરે, ભૂલ્યો હરિજન ગુજરાતી-સાંભળી મારા તો પેટમાં ચૂંથઈ આવ્યું. તમને લોકોને શુદ્ધ ગુજરાતી બોલતાં શું થાય છે ? અંગ્રેજી બોલવાની બાબતમાં ઉચ્ચાર અને એકસેન્ટ વગેરેમાં તો બહુ Particular છો !
એરચ : એ સુધબુધ હું સમચતો નથી. એ બધું મને સમજાવવા નીકલીઓચ તે આય તમારું જ house ઓર્ડરમાં કાંય નથી મૂકતો?
દેસાઈ : એટલે?
એરચ : એટલે એટલે ઓટલો. આય હરિજનનું નામ દીધું તે હરિજન માટે શું કરોચ ?
દેસાઈ : એ તો મારા જેવો કોઈ મુઝોલીની થઈ બેસે કે કમાલપાશા થાય તો એ સવાલ હિન્દુસ્તાનમાં રહે જ નહિ. આજે તો divide and rule નું રાજ્ય છે. જેટલી કોમો, સબ–કોમો અને સબ-સબ-સબ-સબ લગી હોય તેટલી આજે તો સારી.
એરચ : (મશ્કરીમાં) અરે, પણ તું મુઝોલીની માંગેચ. પેલા દાધીવાલાને પૂચ, એને તો લેનીન જોઈએચ તેનું કેમ ?
[એક દાઢીવાળો વિદ્યાર્થી આરામખુરશી પર પડ્યો પડ્યો વાંચે છે તેની તરફ આંગળી બતાવી.]
દેસાઈ : લેનીન કે મુઝોલીની જે આવશે તે બચ્ચા ! તમે નહિ સમજો તો તમને ભારી પડશે અને દેશ છોડી નાસી જવું પડશે.
શાહ : એમને ક્યાં નવાઈ છે? એક વખત છોડીને આવ્યા. હવે બીજી વખત.
[આ રસાકસીની વાત સાંભળવા કૅરમ રમનારા તેમ જ ચેસ રમનારા અને બીજા પણ આવીને બંન્ને પક્ષની આસપાસ ગોઠવાઈ જાય છે. ]
પટેલ : નાસીને બાપડા જશે ક્યાં ?
શાહ : (મશ્કરીમાં) કેમ ક્યાં જશે? અત્યારથી જ જે દેશની માતૃભાષાને પોતાની માતૃભાષા કરી બેઠા છે, જે દેશના આચારવિચાર પોતાના કરવા માંડ્યા છે, ત્યાં વળી ઇંગ્લંડમાં !
પટેલ : અરે. ઇંગ્લંડમાં તો આજે પુષ્કળ બેકારી છે. એ કંઈ આપણા જેવો હૈયાફૂટો દેશ નથી કે જે જાય તેને રાખે.
શાહ : (મશ્કરીમાં જ) ત્યારે ઑસ્ટ્રેલિયા જશે; ત્યાંની ભાષા પણ અંગ્રેજી; ત્યાં જગ્યા પણ પુષ્કળ અને વળી એમ્પાયરનું એ અંગ. આવા એમ્પાયરના નિમકહલાલ ભક્તોને જરૂર રાખશે.
દેસાઈ : કૉન્વીક્ટ પ્રજા સાથે આ લોકો ખૂબ શોભશે!
[બધા એરચ સામે જોઈ હસે છે.]
એરચ : (ખૂબ ચિડાઈ, બાંહ્ય ચડાવી કુસ્તી લડવા ઊભો થયો હોય તેમ) તે તમે ભાજીખાઉઓ જ અમને અહીંથી કહાડવાનાચ ! ( દેસાઈ તરફ જોઈ) અને કોન તું મુઝોલીની થવા માગેચ? મુઝોલીનીની મ્હોડી તો જોવા દે.
દેસાઈ : (એ પણ બાંહ્ય ચઢાવી જાણે લડવા જતો હોય તેમ) તે ઘાંટો સાંભળી કાછડી છૂટી જાય એેવો ‘વાનિયો’ ના જોયો હોં. (મૂછે તાલ દેતો હોય તેમ) હું તો નવયુગનો હિન્દુ.
એરચ : નવયુગનો કે બાર યુગનો, જોઈ તારી મ્હોડી.
શાહ : બાપડાને નવયુગ શું છે તે ખબર નથી.
[બધા હસે છે.]
એરચ : એ તમારી જડબાતોડ ભાષા હું સમજતો નથી.
દેસાઈ : ના રે, તું શેનો સમજે ! New Era: New Age એમાં તું સમજે. નવયુગ એ જડબાતોડુ.
એરચ : તે તમે એમ સમજોચ કે અમે સુધ ગુજરાતી નથી બોલતા માટે અમુને દેસને માટે લાગણી નથી ? આ તમે સવદેસી સવદેસી કરોચ તે કોન્ને સીખવીયું? ડાડાભાઈ નવરોજજીએ જ ને? અને પીરેાજશાહ મહેતાને કેમ ભૂલોચ?
શાહ : બે નામ; દીકરા, ત્રીજું તો બોલ?
મહેતા : (બબડતો હોય તેમ) वरमेको गुणी पुत्रो-
શાહ : (મહેતાને ) ઓ શટ અપ— (બંધ કર)
એરચ : (ખૂબ આવેશમાં આવી જઈ, ઊભો થઈ ત્યાંથી જતાં જતાં હાથના ચાળા સાથે) આજકાલના પોર્યાઓ, જાતે કાંઈ કરવું નહિ, મ્હોતી મ્હોતી વાતો જ કરવી, બધા જ અક્કલ વિનાના, બધા જ ખોભા. પોતે જ ડહાપણના ભંડાર. આર્મચેર પોલિટિશિયનની કાની અહીં ખુરસી પર પડ્યા પડ્યા સારા ગામની ટીકા કર્યા કરોચ. (ઉશ્કેરાઈ હાથ લાંબા કરી) તમે સું કરોચ? એક ઘાંતા પાડી જાણોચ ઘાંતા. (ચાળા પાડીને) ઇન્કિલાબ ઝિંદાબાદ, ઇન્કિલાબ ઝિંદાબાદ.
[આ સાંભળી બધા છોકરાઓ ઇન્કિલાબ ઝિંદાબાદ કરવા મંડી પડે છે. એરચ વધારે ચિડાઈને ત્યાંથી ચાલ્યો જાય છે, તેની પાછળ દેહ્યુભાઈ, મહેતા, શાહ, પટેલ અને મિસ બામ્બોટ સિવાયના બધા વિદ્યાર્થીઓ બહાર જાય છે.]
મિસ બામ્બોટ : તમે બાપરાને બહુ સતાવોચ.
દેસાઈ : પણ એ તમારી સામે ડોળા કાઢે જ કેમ ?
બામ્બોટ : પારસીઓ કપરાંની ટાપટીપ અને બોલવાની સફઈમાં સુધરેલા હશે, પણ બીજી ઘણી બાબતમાં હજી જૂના વિચાર ધરાવેચ.
પટેલ : (હાથ પરની ઘડિયાળ જોતાં) ચાલો, રમવાનો વખત થયો લાગે છે.
[મિસ બામ્બોટ અને પટેલ જાય છે.]
મહેતા : ( સિગારેટના ધુમાડા કહાડતો) આપણી યુનિવર્સિટી બીજી રીતે ગમે તેવી હશે, એક રીતે તો બહુ જ સારી છે.
દેસાઈ : (એરચની ખાલી પડેલી ખુરશી પર લાંબા પગ ટેબલ પર નાખી બેઠેલો ) કેવી રીતે ?
મહેતા : આ પટેલ જેવાને એ નિભાવે છે. બાપડો પાંચ વખત નાપાસ થયો હશે તોયે એનો પ્રયત્ન ચાલુ જ છે. ટેનિસ અને ક્રિકેટમાં સારો છે એટલે પ્રૉફેસરો પણ કોઈ બોલતા નથી. છોકરીઓને બતાવવા ઈશ્કી થઈને ફરવું, ટેનિસ અને ક્રિકેટ રમવાં એ જ જીવનનું ધ્યેય લાગે છે.
[દીવેકર ઓરડામાં દાખલ થાય છે. દક્ષિણી વિદ્યાર્થી અભ્યાસની બાબતમાં બહુ વધારે પડતી કાળજીવાળા હોય છે. પરીક્ષાને એ સર્વસ્વ માને છે. દીવેકર એ વર્ગનો છે.]
શાહ : (મરાઠી બોલવાનો પ્રયત્ન કરતાં) કાય તાત્યા સ્હાબ, આતા પરીક્ષા આલી. તુમાલા ઈકડે યાલા ટાઈમ કસે મિળાલે?
દીવેકર : (ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરતાં) મેં તો વિચારવા આવ્યો કે કોણની પાસે પ્રૉ. ટીનપાટની નોટ્સ છે?
દેસાઈ : પ્રૉ. ટીનપાટની નોટ્સનું શું કામ પડ્યું ?
દીવેકર : મને આતાચ ખબર પડી કે પ્રૉ. ટીનપાટ હે પરીક્ષક થવાના છે.
શાહ : પ્રૉ. ટીનપાટ મ્હણજે કોણચી કૉલેજ ચા?
દીવેકર : પ્રૉ. ટીનપાટ એ નામ ખબર નથી ? બાબા, જગાત જીવતાત કે નહિ? ગુજરાત કૉલેજચે પ્રૉફેસર. વિદ્યાર્થીને સ્ટ્રાઈક કરી હતી તે વખતે એમણે અગત્યાચે ભાગ ભજવેલે હોતે.
શાહ : અસા કા ? તે કાય ચાંદ બાંદ મિળાલે કા?
દીવેકર : અરે નહિ રે, ચાંદ શું? પરીક્ષક થયા હે જ મોઠા ઇનામ.
દેસાઈ : ગુજરાત કૉલેજના તો ઘણા છોકરાઓ સાથે મારે ઓળખાણ છે. દીવેકર! હું તમને નોટ્સ મંગાવી આપીશ.
દીવેકર : (જતાં જતાં) Thanks.
શાહ : બસ એટલું જ. જરા બસા તો ખરા.
દીવેકર : અરે, પરીક્ષાનું વાંચવાનું છે.
[જાય છે.]
મહેતા : (ઉપલી વાતચીત દરમ્યાન અકળાયેલો લાગે છે. દીવેકરના જતાં આળસ મરડીને ઊભો થાય છે. ટેબલ આગળ વચ્ચે આવી, ટેબલ પર હાથ મૂકી દેસાઈ સામે જોઈ) ગઈ કાલે પેલા ‘Back to Land’ના ભાષણમાં ભાષણકર્તા બોલ્યા હતા તે અક્ષરેઅક્ષર સાચું છે. આપણી કેળવણી એટલે પાસ થવા પરીક્ષક પ્રૉફેસરની નોટ્સ ગોખવી. યુનિવર્સિટી છાપને માટે જ જાણે આપણે ભણતાં હોઈએ. દેસાઈ! વિચાર કર, આ ઓરડામાં આટલા વિદ્યાર્થી હતા તેમાંથી કેટલાને શેને માટે ભણીએ છીએ તેનું ભાન છે? કેટલાને આવતી કાલનું ભાન છે? પૈસા હશે તો બી. એ. થઈ વિલાયત જશે. નસીબ જોર પર હશે તો સિવિલિયન થઈ આવશે. નહિતર ‘બાર'નું લફરું લાવશે. તે ઉપરાંત કોઈ જાતની મહત્ત્વાકાંક્ષા લાગે છે? દેશમાં બેકારી પુષ્કળ છે તે જાણી કોઈ નવીન ધંધો લેવાનો વિચાર સરખોયે કરે છે? પરદેશ જવાનું નસીબમાં નહિ હોય તે એલ.એલ. બી. પાછળ કે એમ. એ. પાછળ વખત બગાડશે અને છેવટે નસીબમાં કારકુની જ. Back to Land, Back to Land ખેડૂત બનો, ખેડૂત બનો. આ ગુલામ દેશમાં સ્વમાન જાળવવું હોય તો એ જ રસ્તો છે.
(આમથી તેમ આંટા મારતાં) દેસાઈ ! તારા બાપ પાસે તો થોડીઘણી જમીન છે, નહિ?
દેસાઈ: હા, થોડીઘણી ખરી. અમારું નિભાવી શકાય તેટલી. પણ તું કહેવા શું માંગે છે? તું એમ ધારતો હોય કે હું ખેડૂત બની ગામડે જઈ વસું તો તારી ભૂલ જ. ત્યાંનું વાતાવરણ જ કેવું બૂઠું. ગામડામાં રહેવું એટલે જાણે Back of beyond માં રહેતા હોઈએ એવું જ લાગે. ન મળે છાપાં કે દુનિયાની ખબર પડે. ન મળે નાટક કે ન મળે સિનેમા. અને સૌથી ખરાબ તો ત્યાં કોઈ મિત્રો ન મળે કે જેની સાથે બે ઘડી ગપ્પાં મારીએ કે વિચારની આપ લે કરીએ. હું તો રજામાં બે દિવસ મારે ગામ જાઉં છું તો મને જીવ પર આવે છે.
મહેતા: તમારા વિચારોની આપ-લે એટલે (Second hand) વિચારોની આપ—લે. ટૉલસ્ટૉયે આમ કહ્યું ને ટ્રૉટસ્કીએ આમ કહ્યું, લેનીને આમ કહ્યું ને માકર્સે આમ કહ્યું. એ તમારા વિચારોની આપ લે-એમાં એક પણ મૂળ (Original) વિચાર હોય છે ખરો? (હસે છે.) અને હવે તો પાશ્ચાત્યની દેખાદેખીમાં આપણે પણ ‘સેક્સ’ વિષે બેધડક વાતો કરતાં શીખ્યા છીએ. યુવકોને આજકાલ બીજો ધંધો જ નથી. દેસાઈ! તું વિચાર કર. આપણું જીવન કેટલું કૃત્રિમ બની ગયું છે! જીવનનાં સત્યો (reality)-સાથે આપણને કશો સંબંધ જ નથી. આંખે પાટા બાંધીને જ આપણે જીવન વિતાવીએ છીએ. આ આપણી કેળવણી જ એવી છે. ખાવું, પીવું, નાટકૉ જોવાં, સિનેમા જોવાં, માત્ર બતાવવા ખાતર કે આગળ આવવા ખાતર—ખરા હૃદયથી નહિ—આમાં ભાગ લેવો અને તેમાં ભાગ લેવો. આજે તો આપણે મૂર્ખોના સ્વર્ગમાં—fools' paradise—માં રહીએ છીએ. એ ભ્રમમાંથી કોઈ દિવસ જાગવું પડશે, હોં. કોઈ દિવસ તો પૃથ્વી પર આવવું જ પડશે. જીવનનાં નગ્ન સત્યો નિહાળવાં પડશે તે વખતે આપણી દશા કેવી થશે તે જોજે.
[એક વિદ્યાર્થી દોડતો દોડતો અંદર આવે છે. એના હાથમાં તાર છે.]
વિદ્યાર્થી : દેસાઈ! દેસાઈ! આ તારા નામનો તાર હમણાં આવ્યો. તારવાળાના કહેવાથી લાગે છે કે બહુ જરૂરનો છે.
[તાર દેસાઈને આપે છે.]
[દેસાઈ વહેલો વહેલો તાર લે છે, અને ફોડીને વાંચે છે. વાંચતાં જ એનો ચહેરો એકદમ ઊતરી જાય છે. મહેતા, શાહ એકદમ એની પાસે જાય છે.]
મહેતા /શાહ : (સાથે જ) શું છે? શું છે?
[દેસાઈ મહેતાના હાથમાં તાર મૂકે છે અને બે હાથે મોં સંતાડી ખુરશી પર બેસી જાય છે.]
મહેતા  : (તાર વાંચે છે.) 'Your father expired this morning, heart failure,'
મહેતા / શાહ : બિચારો !
[મહેતા દેસાઈના ખભા પર હાથ મૂકે છે. તે જ પળે મોદી એનું રિહર્સલ પૂરું થતાં ગાતો ગાતો આવે છે.]
મોદી : 'સત્ય જ્યારે મૂર્ત થશે ત્યાં, કરશે શું અજ્ઞાની ?’
[ઓરડાની અંદરનું દૃશ્ય જોતાં જ ગાતો બંધ પડી જાય છે અને જ્યાંનો ત્યાં ઊભો રહી જાય છે. રંગપીઠ પર અંધારું થાય છે અને ધીમે ધીમે પ્રકાશ થતાં પૂર્વનું દૃશ્ય ખડું થાય છે. દેસાઈ ખુરશી પર પડેલો ઝબકીને ઊઠે છે. અને એક અટ્ટહાસ્ય કરે છે. ]
દેસાઈ : હા ! હા ! હા ! હા ! ક્યાં મુશ્કેલીની પરવા ન કરનાર નચિંત મનનો વિદ્યાર્થી હું અને ક્યાં આજનો સવારથી રાત સુધી કામની ઘરેડમાં પડેલો ગર્દભનો પૂરો અવતાર કારકુન હું ! હા ! હા ! હા ! હા !
[એનું અટ્ટહાસ્ય સાંભળી કાન્તાબહેન ચાનો પ્યાલો લાવતાં બારણામાં જ થંભી જાય છે. કાશીબહેન ગભરાટમાં બહાર આવે છે અને શાહ પણ સફાળો ઊઠે છે. દેસાઈનું અટ્ટહાસ્ય ચાલુ રહે છે અને પડદો પડે છે.]