ધ્વનિ/વનભૂમિને મારગે રાધા આવતી તળાવ-તીરે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૫. વનભૂમિને મારગે રાધા આવતી તળાવ-તીરે

વનભૂમિને મારગે રાધા આવતી તળાવ-તીરે,
લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.
કેશ તો કાળી મેહુલી રાત, ને
અરુણ મુખની લાલી,
ઝાંઝરનો ઝણકાર ઝરી જાય
મનમાં મીઠું મ્હાલી,
વાયરો રમે રંગમાં એનાં અંગનાં ઓઢણ-ચીરે,
લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.

પાળનો પારસ પીપળો, એની પાસ મા’દેવની દેરી,
છાંયમાં બેસી, સોનલ તેજે રોજ રહું છું હેરી;
ઘૂંટણ ઘેરાં જલની ઉપર
નમતી કોમલ કાયા,
લ્હેરની લહર ઉછળે, મારા
ઉરની જાણે માયા :
પાગલ સૂરે સીમને ભરી ડાળનાં કોકિલ કીરે,
લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.

કમલનાં શત દલ ખીલ્યાં ને આસન રે તો ય ખાલી,
આંહીંની અમલ મધુરતા કોઈ ભમરે અધિક ભાળી.
રમતો એના વદન આગળ
ભ્રમણને ગુંજન,
પરશે નહિ તો ય રે પામે
સુરભિનું ચુંબન!
કોઈ રે અમૂંઝણમાં રાધા ઓઢતી ઓઢણ શિરે,
લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.

વાયરો વહી જાય ના એનાં નેણની અબોલ વાણી,
નેણથી ઝીલી મોરલીને સૂર ગાઈ રહું મનમાની.
લજ્જા કેરી લાલીએ જોયું
હરખ્યું એનું મન,
ક્ષણની પાળે ઊછળી રહ્યું
આખું ય તે જીવન;
આવતી હરણ-ચરણે ધાઈ, એ જ મરાલ શી ધીરે,
લાલ માટીનું બેડલું ભરી જાય બિલોરી નીરે.
૨૯-૬-૫૦