ધૂળમાંની પગલીઓ/૧૫
કવિ કાલિદાસના ‘ऋतुसंहार’ નો આરંભ થાય છે નિદાધકાળથી - ઉનાળાથી. કેવો ઉનાળો? : ‘प्रचण्ड्सूर्य: स्पृह्णीयचन्द्रमा:, सदावगाहक्षमवारिसंचय: दिनान्तरम्य: अभ्युपशान्तमन्मथ:’ — એવા મન્મથની વાત જવા દઈએ તો બાકીનાં ચારેય સામાસિક વિશેષણોની યથાર્થતાનું – ઔચિત્યનું પ્રમાણુ તો મારું બાળપણ નિશ્ચિતપણે આપી શકે. ‘फणी ‘मयूरस्य तले निषीदति’ સાપ મયૂરની છાયામાં આશ્રય કરે છે – એ વાતનો તો અનુભવ મને નથી પણ કોપાયમાન ચંડીના મુખ સમાં પ્રચંડ સૂર્યનો અનુભવ જરૂર છે. બપોરી વેળાએ ઘરનાં પગથિયાં આગળ એકલો બેઠેલો હોઉં, મોરીનું પાણી રસ્તા પર ઢોળાયું હોય, ત્યાં કોઈ ગાય આંખ મીંચીને નિદ્રા વાગોળતી બેઠી હોય, કોઈ અવગતિયા જીવ-શો કાગડો એને ક્યારેક ચાંચ મારતો પજવતો હોય. એકાદ કૂતરું સામેનાં કાશિફાઈના આંગણામાં ઊભા કરેલા ખાટલાની આડશે આડું પડયું હોય ને ત્યારે હું ખિસ્સામાં ભરેલ રાયણ કે ગોરસ-આમલી ખાતો મોઢામાંના ઠળિયાને વધુમાં વધુ દૂર કેટલે ફેંકી શકાય છે તેના ઓટલે બેઠો બેઠો પ્રયોગો કરતા હોઉં; અને ત્યારે રસ્તામાંથી કાગળ-કચરો ઘસડી લાવીને ચક્કર ચક્કર ઊંચે ચઢાવતા વળી વળીને ઊપડી આવતા ભૂતને જોઈ રહેતો હોઉં. ક્યારેક વળી ઊંચી આંખ કરી આકાશમાંના પેલા આગ વરસતા ગોળાને જોવાનેય મથતો. મને એ જોતાં જ અમારા લલ્લુ લુહારની કોઢ કે છગન સોનીની દુકાન યાદ આવી જતી. લલ્લુ લુહાર એની કોઢમાં જ્યારે ભઠ્ઠીમાંથી લોઢાનો તપેલો લાલચોળ ગોળો બહાર કાઢતો ત્યારે તે લગભગ આ સૂરજ જેવો લાગતો. ને એ રીતે અમારે છગન સોની સોનાનો કોઈ ગઠ્ઠો એની ભઠ્ઠીમાંથી ચીપિયા વડે બહાર ખેંચતો ત્યારે તેય આ સૂરજ જેવું જ તેજ કાઢતો. મને થાય: ‘આ આકાશમાં ભગવાનનીય કોઈ મસમોટી ભઠ્ઠી ભડભડતી હશે. તેમાંથી જ આ ગોળો નીકળ્યો લાગે છે. ભગવાનેય એ ભઠ્ઠીને ક્યાંક બેસીને ધમણથી ધમધમાવતા હશે ને? નહીંતર આગની સેડો સાથે આવા જોરદાર ગરમ ગરમ વાયરા વછૂટે?’ બપોરી વેળાએ તડકાનો તોરીલો સન્નાટો ગામ આખામાં ફરી વળતો. મારા કે પેલા કાગડા જેવા બહુ ઓછા જીવો ત્યારે સચેત બેઠેલા હોય. અમારો પેલો ગોરધન ગાંધી, પેલો લાલુ પાનવાળો, પેલી જાગતી હોય ત્યારે સદાય કચ કચ કરતી કમુ ડોશી — સૌ ચબૂતરાં પરની ઠીબમાંનાં જળની જેમ જંપી ગયાં હોય. ક્યાંક હીંચકો હીંચતો હોય તો એનો કચૂડાટ એવો તો ઘેનભર્યો લાગે! ...મને ગમે તે કારણે પણ આંખમાં ઊંઘ જ ન અંજાતી. આંખ કોરાકટ પાણિયારા જેવી, ખાલીખમ, જાગતી. એશીકું ને કોથળો નાખું. ચારેય બાજુ ધોતિયાં પોતિયાં કે સાડલા-ચાદર બાંધી પાણીથી પલાળું. માથે બાપાજીનું રાતું મંગલિયું ભીનું કરીને માથે વીંટું. બાકી હોય તો પૂંઠાથી પંડને પંખોયે કરું... પણ પેલી જે વેરણ થયેલી નીંદડી તે મારાથી નવ ગજનું પવિત્ર અંતર તો પાળે જ પાળે, તસુપૂર પણ એછું કરવાની ખેલદિલી-ઉદારતા નહીં છેવટે હું થાકીને ઓટલે અડિંગો જમાવું. તેલ વગરનું માથું ફગફગતું હોય એમ રસ્તા પરનું ધૂળિયું વાતાવરણ ફગફગતું જોઉં; મારું આખુંય ગામ જાણે ઉનાળાની બપોરે બગાસું ખાતા પેલા કૃષ્ણના મોઢામાં ગોઠવાઈ ગયું ન હોય! સૂની વાંસળી, સૂકી યમુના, જર્જરિત કદંબ, ખાલીખમ ગોરસી, ઉજ્જડ મધુવન, ને મૃત્યુને વાગેળતી પ્રિયકાન્તે વર્ણવી છે તેવી ગાય. મને મારા મન સાથે આસપાસનું બધુંયે ભારે ભારે લાગે. આસપાસનાં માટે ને જાત માટે ઊંડો અભાવો જાગે. હું શું કરું? ચૂલામાંથી લાકડાના જે કોલસા પડયા હોય તે લાવી ઓટલાના પથ્થર પર આડાંઅવળાં ચિતરામણો કરું. એકલો એકલો નવકાંકરી રમું. એથી થાકું એટલે ઓસરીમાં ખૂણામાં ગારને ઢગલે લીંપેલો સાચવ્યો હોય તેમાંથી ગાર લઉં, પાણીનો કરવો લઈ આવું ને પછી શરૂ કરી દઉં મારી અશિક્ષિતપટુતા દાખવતી માટી-કલા! માટીમાંથી જાતભાતના રમકડાં બનાવું. એમાંથી પૂતળાંયે બનાવવા મથું. એકવારે તો મેં તળાવની કાળી માટી લાવી, એમાંથી શ્રીનાથજી બનાવવાનો કલાકો સુધી પુરુષાર્થ કરેલો, અને નોંધપાત્ર સફળતાયે મળી હતી; પરંતુ આવાં માટીનાં રમકડાં સુકાય ત્યારે તરડાઈ જતાં—એ એક યક્ષપ્રશ્ન હતો મારા માટે. પાછળથી ગરવી ગુજરાતી ભાષાના 'પ્રૌઢ' અધ્યાપક થયા પછીયે— છેક ગઈકાલ સુધી મેં મારો એ શોખ જતો કર્યો નહોતો. આજેય સમય હોય, માટી હોય તો એમાં આંગળાંને સર્જનાત્મક રીતે રમાડવાનું મને ગમે જ. હમણાં પાંચ-સાત વર્ષ પૂર્વે જ માટીના અભાવે, દાઉદખાની ઘઉંમાંના કાંકરામાંથી બુદ્ધ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવવાના પ્રયત્નો કરેલા; પરંતુ બહુ સફળ નહીં થયેલા, કેમ કે એ કાંકરા વસ્તુતઃ તો કાંપ કે કાદવના હતા અને એનું બંધારણ કુંભારની કાળી રેશમિયા માટી જેવું નહોતું. જોકે અત્રે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે માટી-કળાનું કોઈ વિધિપુરઃસરનું જ્ઞાન આ લખું છું ત્યાં સુધી મને નથી; તેમજ જે કંઈ હું કરતો એનો મહિમા રમતથી વધારે નહોતો; અલબત્ત, કોઈ કોઈ વાર એમાંથી સારા નમૂનાયે નીપજી આવતા. એકવાર માટીમાંથી નર્તકીની સુંદર પ્રતિમા બની આવેલી, પણ પિતાજીએ કોઈ કારણવશાત્ મારા પર ગુસ્સે થઈ પછાડતાં તૂટેલી અને ત્યારે મને એમના તરફ સોમનાથની મૂર્તિ તોડનાર મહમદ ગઝની તરફ થાય એવો ભાવ થયેલો, જોકે એમને ગુસ્સે થવા માટે વજૂદવાળું કારણ તો મેં જ આપેલું. કોણ જાણે શાથી પણ માણસોના ચહેરામાં, એમનાં વર્તન-વાણીમાં મને અત્યંત રસ પડે છે. માથે કરવાનાં કાર્યોની ઘેરી ગાજવીજ હોય તોયે હું આજેય ઠંડે કલેજે મારા ઘરના વરંડામાં બેઠો બેઠો આવતાં-જતાં માણસોને જોયા કરું—જોયા જ કરું. કંટાળાનું તો નામેય નહીં. સમય એમ જ શીળી મીઠી લહેરખીની સાથે સરતો જાય. ભાઈ રઘુવીર – મારા સાચદિલ દોસ્ત હોવાને કારણેસ્તો - સમયને વેડફવા બાબત ક્યારેક અણિયાળી રીતે ટપારેય ખરા! કહે : ‘સમય વિશે તમે જરાયે સભાન નથી.' ત્યારે મને પેલો શ્લોક યાદ આવી જાય: ‘अजरामरवत् प्राज्ञो विधामर्थ च चिन्तयेत् |’ હું વિદ્યા અને અર્થને બદલે આ સર્વ સૃષ્ટિને-લીલાને જોયા કરું છું. ‘सृष्टिम् लीलाम च दर्शयेत’ આવું મારું ‘ચરણ’ છે; અલબત્ત, આવા ચરણથી ચાલવા 'પ્રાજ્ઞ' થવું પડે તો તે થવામાં આપણા રામને જરાયે છોછ કે ક્ષોભ નથી! પણ મૂળ વાત તો પેલી મારી ગામઠી બપોરની. જ્યારે એકલા ઓટલે બેસીને બપોર ગાળવાથી થાકું ત્યારે હું સીધો અમારા વાડામાંના કૂવે – વરુણદેવતાના શરણે પહોંચું - દોરડું ને ઘડો લઈને સ્તો! જેમ જીવ ‘જીર્ણાની વાસાંસિ' (જૂનાં વસ્ત્રો)નો ત્યાગ કરે તેમ હું સિદ્ધાર્થના કરતાંયે વધુ ઉત્સાહસભર અનાસક્તિથી સર્વ વસ્ત્રો ઉતારીને કૂવાના થાળે જ ઘડા પર ઘડા પાણી ખેંચીને શ્રીઅંગ પર ઠાલવું. વીસ-પચીસ ઘડા તો ન્યૂનોક્તિ કહેવાય. કેટલીકવાર તો હમસાથી મળી જાય તો નાનકડા કૂવે વેદકાલીન રથસ્પર્ધાઓનેય પાછી પાડી દે એવી રસાકસીભરી ઘટ-ખેંચણ સ્પર્ધાઓ જામી જાય. કોણ વધુમાં વધુ ઘડા કૂવામાંથી ખેંચીને શરીર પર ઠાલવે છે તેનાં પારખાં થાય. ક્યારેક તો કૂવો એટલો ઉલેચાય કે એનું તળિયું આંખો કાઢે. અમારે ડરીને, અમારી આ દેવોનેય દુર્લભએવી જળક્રીડા કમને અટકાવી દેવી પડતી. ક્યારેક બપોરી વેળાએ અમારા હર્ષ-ચિત્કારે કોઈ વડીલનું નિદ્રાફળ જો કાચેકાચું જ વીંધાતું તો એ લૂના સપાટા જેવી ગાળો દેતા, હાથ ઉગામતા બહાર ધસી આવતા ને અમારે અમારા ઘડા-દોરડાં કૂવાના થાળા પર જેમનાં તેમ નિરાધાર અવસ્થામાં જ છોડી મુદ્દામાલ સમાં કપડાં હાથમાં ઉઠાવીને જળ નીતરતા દિગંબર દેહે જ વાડામાં શ્વાસભેર ધાવન્તિ કરવું પડતું. ક્યાંક સલામત જગાએ જઈ, શ્વાસ ખાઈ શરીર સુકાય ત્યારે અમે પેલાં કપડાં ચડાવી લેતા અને તે પછી સબ સલામતીની પ્રતીતિ પ્રગાઢતર થતાં કૂવાના થાળા પર નિરાધાર રહેલા ઘડા-દોરડાની ફિકરચિંતા શરૂ કરતા અને તેને થાળે પાડીને કન્યાને યોગ્ય ઠેકાણે વરાવીને બેઠેલા કોઈ વત્સલ પિતાની જેમ નિરાંતજીવ થતા. ઉનાળાની બપોરનો એક રમણીય કાર્યક્રમ તે ગામની આસપાસનાં ખેતરોમાં, ઢોરઢાંખરની સાથે રવડતાં-રખડતાં, રાયણ, ગોરસ આમલી, કેરીઓ વગેરે પાડવા-આરોગવાનો રહેતો. ઘરે કપડાં સૂકવવા માટેની વળગણી તરીકે જે વાંસ બાંધેલો હોય તે ઘરનાં સૂતેલાં ન જાગે એમ આસ્તેથી છોડી લઈએ. એની સાથે ચીંથરાં, સૂતળી વગેરેની મદદથી છત્રીના તારની અંકોડી બાંધીએ. ગિલ્લી માટેનો દંડો હોય તો તેય જોડે લઈએ અને નીકળી પડીએ હળવેકથી ઘરની બહાર. ખેતરાઉ વાટમાં રખડીએ. ઢેફાં, પથરાં વગેરેથી રાયણો ઝંઝેડીએ. અંકોડીથી ગોરસ-આમલી ઉતારીએ. ક્યાંક કેરીઓવાળો આંબો હોય અને એનો રખેવાળ જો આમતેમ આઘોપાછો હોય તો એ ઈસુ ખ્રિસ્ત જેવા આંબાનેય પથ્થર મારીને ખંખેરીએ. ઘેરથી મીઠા- મરચાનો પુરવઠો પડીકામાં ઉઠાવી લાવ્યા હોઈએ, એ સાથે પછી ક્યાંક કોઈ ઝાડની છાયામાં સુરક્ષિતપણે અમારી આ વનેચર (કે સીમ-ચર?) મંડળી વિરાજે. રાયણ, ગોરસ-આમલી, કેરી વગેરેની જ્યાફત ચાલે. બળદ વિનાનો કોસ હોય તો અમે ખેંચીને પાણી કાઢીએ. કોસનો કિચૂડ કિચૂડ અવાજ થાય. એવો અવાજ, જેમાં ધરતીના લીલાછમ હૈયાનો કોઈ નિગૂઢ મધુર-સ્નિગ્ધ ધબકાર પણ ભળેલો હોય. અમે પોશે પોશે કોપરા જેવું મીઠું પાણી પીએ, દાવ આવે તો કપડાં કાઢીને - અચૈલ કે કપડાં સાથે – સચૈલ સ્નાન કરીએ અને તાજામાજા થઈ પછી જે કંઈ હુતશેષ દ્રવ્ય – રાયણ, ગોરસ-આમલી, કેરીઓ વગેરેનું રહ્યું હોય તેના ભાગ પાડીએ. અંકોડીના માલિકના તાતે મને બે ભાગ મળવા જોઈએ; બાકીનાને એકેક. પરંતુ મને પથ્થર મારતાં ફાવે નહીં; મારું કામ માત્ર રાયણ, કેરીઓ વગેરે નીચે ખેરવાય તે વીણું લેવાનું; તેથી મારી વિનીત કામગીરીને ધ્યાનમાં લઈને મારા ભાગમાં થોડો કાપ મુકાતો; પરિણામે મને દોઢ ભાગ ફાળવવામાં આવતો પણ તેય કંઈ ઓછો નહોતો. ચડ્ડી-ખમીસનાં બધાંયે ખિસ્સાં રાયણ, ગોરસ-આમલી વગેરેથી ફાટફાટ થતાં હોય. બાકી હોય તો ખમીસની ફાંટમાં રાખીને ઘેર લાવીએ. ઘેર બધાં ગુસ્સામાં હોય. વળગણીનો વાંસ છોડીને હું લઈ ગયેલો તે કારણે; પરંતુ હું વિનીત રીતે હસતો હસતો, ઓટલા પર પગ મૂકતાં જ માને મોટેથી કહું : ' બા, ઠાકોરજી માટે રાયણ ને ગોરસ-આમલી લાવ્યો છું.' માનો ગુસ્સે થયેલ ચહેરો હસુહસુ થઈ જાય. એ પૂછે : 'તે ઠાકોરજીનો મેવો તેં ચાખ્યો તો નથી ને?' ને હું ધરાર જૂઠું બોલતાં કહું, 'ના ના, આમાંથી એ કાઢી લે, પછી હું લઈશ.' પનોતા પુત્ર પરદેશથી રત્નોની ફાંટ ભરી લાવીને માના ચરણમાં પાથરે એમ આ રાયણ, ગોરસ-આમલી વગેરે માના ચરણમાં હું ઠાલવતો. મનમાં ભગવાનને આવા ભાવની વિનંતી કરતો : 'શબરીનાં એઠાં બોર ખાધાં તો આયે ખાજો, ને જૂઠું કહેવા બદલ પાછા મારા પર માઠું ના લગાડશો.' વળી હું કેટલીકવાર ઠાકોરજી માટે કેસૂડોય વીણી લાવતો. વળી ઘેર મા-બહેન સેંકડોના હિસાબે પતરાળાં-પડિયા બનાવતાં. એમના માટે ક્યારેક વણકહ્યે જ હું ઉમળકાથી ખાખરાનાં પાનનો નાનો-શો ભારોયે તોડી લાવી આપતો ને ત્યારે માનો ચહેરો આનંદનાં કેસૂડાંએ જાણે લચી પડતો; પરંતુ કમભાગ્યે, એ ઉંમરે ઘરનાંને ઉપયોગી થવાય એવાં કામ મને સરવાળે તો ઓછાં જ સૂઝતાં! ઉનાળાની લાંબી લાગતી બપોરો કોઈ ઠંડકવાળી જગામાં ગાળવાની આ યોજનાયે અમે કરતા. ક્યારેક તો ઘરનાં ન જાણે એમ તળાવે જઈ, ત્યાં પાણીમાં મગરની જેમ પડી રહેતા. મને તરતાં આવડે નહીં એટલે મારે ઓવારાની આણમાં જ ફરજિયાતપણે રહેવું પડતું. કેટલાક હિંમતબાજ મિત્રો કાચબાની જેમ તરતા તરતા આગળ જાય; કમળો સુધી પહોંચે; ને એ તરફ આવવા મારા જેવાને લલચાવેય ખરા. પણ ઊંડા પાણીમાં ડૂબવાનો ભય મને અટકાવતો. કેટલીકવાર તો અમારી મંડળી કોઈ ગીચ ઝાડી શોધી ત્યાં ડાળાંપાંખડાંથી જગા સાફ કરીને, પાણી છાંટીને નિરાંતે બપોરના ત્રણચાર કલાક ખાણીપાણી સાથે ગાળતી. દરમિયાન ત્યાં અંતકડી અને શાકાહારી-બિનશાકાહારી ટુચકાઓ-વાતો ચાલે, ‘મિમિક્રી’ ચાલે. કેટલાક મારા પિતાશ્રી જે રાતે કીર્તન કરતા તેની આબાદ નકલ - ' મિમિક્રી' કરે. હું શરમાઈ જતો, પણ મારાથી બોલાતું નહીં. ક્યારેક મને 'મિમિક્રી ' કરવાનું ભારે મન થતું, પણ મને ખૂબ ક્ષોભ થતો; મનની મારી મનમાં જ રહી જતી. આજેય આવી ક્ષોભની પરિસ્થિતિમાંથી હું ધાર્યા પ્રમાણે ઊગર્યો નથી. મનમાં અનેક રંગોની બહાર ચાલે તે છતાંય હેમ્લેટિયન ખ્યાલે એકેય રંગ અંદરથી કાઢીને મૂકી ન શકાય. આથી મેં કેટલુંક ગુમાવ્યું છે, તો કેટલુંક ખોટું થતાં અટક્યુંયે છે. ઉનાળાની સ્વચ્છ રાત્રિઓનો વળી સ્વાદ જ જુદો. વાડામાં કે છાપરાં પર પથારીઓમાં સૂવાનું. માખણભરેલી ગોરસી કે શીતળ જળભરેલી માટલી જેવા ગોળ ચંદ્રમાને નીરખવાનો, આકાશી વેલ પરના મોગરાનાં ફૂલ જેવા તારાઓનાં અને નક્ષત્રોનાં ફૂલ અને એમની સાથેનું સગપણ પામવા મથવાનું, ક્યારેક અલપઝલપ કોઈ સફેદ વાદળી દેખાય, તો તેની આકારગતિનો તાગ મેળવતા જવાનો, ક્યારેક આંબાવાડિયામાંથી કે લીમડાઓમાંથી ગળાઈચળાઈને મીઠો માદક પવન આવે, ત્યારે શ્વાસે શ્વાસે પીને એનાથી પંડની માટીને મઘમઘતી કરવાની. આનો તો વળી સ્વાદ જ અનેરો! વળી જાતજાતની પરીકથાઓ કે જાદુઈ કથાઓ વાંચી હોય, તેનાંયે સંસ્મરણો રણઝણતાં જાગે; જાણે ચિદાકાશમાં એકસામટાં ઝુમ્મરોનાં ઝુમ્મરો ઝળહળી ઊઠે! એમ થાય કે કોઈક દિશામાંથી હમણા એક જાદુઈ શેતરંજી ઊડીને આવશે. પેલી બાજુથી કદાચ ઊડી આવશે પેલા રાજકુમારનો સફેદ ઘોડો. ક્યારેક કોઈ સોનેરી વાળવાળી રાજકુમારીયે આ ભણી આવે અને એ આવે તો તેનું સ્વાગત કર્યા વિના મારાથી કંઈ ચાલશે? હું તે રાજકુમારી આવે તો તેનું કેમ સ્વાગત કરવું તેના ગંભીરમીઠા વિચારે ચઢી જતો, અને નીંદર વાટે સપનાંની અટપટી ગલીઓમાં ઊતરી પડતો. એ દુનિયા વળી ઓર તિલસ્મી! તેની વાતે ગાડાંનાં ગાડાં ભરાય. પણ આજે તે ગાડાં અહીં નથી છોડવાં, અહીં નથી ઉતારવાં. આજે તો અહીં જ અટકું - અમારા ગામડાના ઉનાળા આગળ. શહેરી નાગર ઉનાળાની વાત વળી અલગ છે અને વળી અંદરના બારમાસી ઉનાળાની વાત તો એથીચે અલગ. અંદર નિભાડો ભડભડતો હોય અને છતાંય સુંદરમ્-ની બાની જેમ ફોટોગ્રાફરની પ્લેટ ન બગડે તે માટે મોં હસતું રાખવાનું. અંદર ભારેની ડમરીઓ ચઢતી હોય, અને હોઠ પર હાસ્યનાં ઝાંઝવાં રમાડવાં પડતાં હોય, અંદરનું તળ પાણી વિનાના તળાવની જેમ તરડાતું હોય ને તોયે ઉદ્દગારવાનું હોય: ‘રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો!' ભલા ભાઈ, અંદરના ઉનાળા વેઠવા, એના ભેદ કળવા એ કાચાપોચાનું કામ નથી. એ ભેદના કળનારા પાણીકળા-શા આદમી તો કોઈક જ. બાકીના તો શરબતસ્નેહી મિષ્ટાન્નપ્રેમી ઇતરજનો. એ શું જાણે અંદરનાં મારાં તેજ ને અંદરના મારા તીખારા!