દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/સમયની સોય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમયની સોય

સાચું કહું, મને લાગે છે કે અટાણે ભગવાનને જરા ય ટાઈમ નથી.
આ ગંજના ગંજ ખડકાયલા સકળ સચરાચરમાં સંભાળીને સાચવેલા
સમયની સોય ખોવાઈ ગઈ છે.
અને કોનો કાળ આવ્યો છે કે ભગવાનને વતાવવા, બતાવવા,
સંભારવા, સંભળાવવા, સાથ દેવા જાય?

ઘડીભર શ્વાસ લો, દિલને ધડકવા દો, ખાવ, પીઓ, હંગો, મૂતરો, તેવડ હોય તો ઘર-ઘર રમો નહીં તો પથારીમાં ઊંઘી જાવ અને વળી કૂકડા ભેળા વેળાસર ઊઠો. પલ પલ પડપૂછ કરવાની છોડો કે પાંદડી યા પહાડને એક ક્ષણમાં હલાવી દેનારની ઇચ્છા ક્યારે જાગશે.

પડછાયામાં સમય હતો, પાણીના ટીપામાં, લટકતા લોલકમાં, ચાવીમાં, સ્પ્રિંગમાં, બટણમાં, સૂરજ ચંદર અરે ભરતીનાં મોજાંમાં પણ સમય વસતો હતો. આકાશના તારા કરતાં ય અધિક રેતના કણકણમાં કે રેતના એક કણમાં બાઝેલા આભલિયાં ટપકાંથી ય ઝાઝા અણુ અણુમાં એની ઓળખ.

આ બધું જાણનાર બાહોશ અને કામઢો ભગવાન એક સાથે સકળમાં ફરી વળે અને હાથવેંતમાં ચપટી વગાડી કે સંભળાય એ પહેલાં સમયને પકડી લે. શિશુવયના સમયને તો જાણ પણ નથી કે ફુરસદ હોય તો ભગવાન ટેસથી મનગમતી નિહારિકાનો આંટો ફરી ડાઘાળા કરમાયલા ઢંગધડા વિનાના પૂંછડિયા તારાની કાપકૂપ કરી જરા આઘે જઈ સજાવટ જોઈને હાશકારો કરી પાછા ફરે. અને પછી અણુનાં બારણાં ખોલી ઝીણવટથી દેખે ન્યુટ્રોનની પલાંઠી, પ્રોટોન-ઈલેક્ટ્રોનની ફેરફુદરડી, ફોટોનની ફલાંગ, ગ્રેવિટોનની પકડ અને બીજા અનેક બાળકણોની આ તો સમય જ નથી અને એને ગોતતા ભગવાન ભૂલી જ જાય છે કે એમને જ રાજી રાખવા અણુપરમાણુ આ બધું અવિરત કરતા જ આવ્યા છે. આરતીઓ થાય છે. ઘંટ વાગે છે. ભજનો ગવાય છે. દીવા-મીણબત્તી-લાકડાં બળે છે. ધુમાડામાં સુગંધ ભેળવાય છે. પરસાદ રંધાય છે. ઘેટાંબકરાંગાયબેલનારિયેળ વધેરાય છે. વાવટા ફરકે છે. વાવટાની હેઠળ ટોળાં સામસામે ગરજે છે. આવા ખૂંખાર ઘોંઘાટમાં ય સૂનકાર શોધી ચોપડાના ચોપડા ભગવાનનાં રૂપ તેજ તાકાત ચમત્કાર સંદેશા હુકમ કાયદા કાનૂન કોર્ટ સૌની વિગતો લખાય છે.

પણ ભગવાનને ફુરસદ ક્યાં છે? સમયની સોય!

જો તમને નિરાંત મળે તો ફળિયામાં ખુરશી મુકાવી, સામે શેતરંજી પથરાવી, પાંદડાં ફરકતાં હોય ને પંખી ચિકચિક કરતાં હોય ને તડકા લાંબા થતા હોય ને હવામાં ટાઢક અને ભેજ ભળ્યાં હોય ને કથરોટમાં બાજરાના લોટ પર પાણી રેડાતું હોય ને મીઠું ભભરાઈ જવા આતુર હોય ને છોકરાં ફરાકપાટલૂન ખંખેરી ગજવાનાં પાંચીકાગોટી ગણી લઈ ચાળથી શેડા લુંછી સામે પલાંઠી વાળીને બેસે ને કહે આજે નવી વારતા સંભળાવો. નરબંકાની, હીરરાંજાની, રાજારાણીની, ભૂતપ્રેતની, બગલા-કાગડાની નહીં. અસલી ભગવાનની.

ત્યારે તો તમારી પાસે સમય જ સમય હોય ને!