ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

Cite error: Invalid <ref> tag; refs with no name must have content

I.
વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

૧.
‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર

પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે. પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે. એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે. કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે. આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ. વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨.
ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો

આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે. અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે. આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી. આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે. નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે. આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે. નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે. વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે. અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે. પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.