ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રાક્‌કથન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રાક્‌કથન

૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી ‘વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. નિયત સમયમાં એ કામ પૂરું કરેલું, પણ એ અધ્યયન અપ્રગટ રહ્યું હતું. દરમ્યાન એની ગૌણ નીપજ જેવા બેત્રણ છૂટક લેખો પ્રગટ થયેલા. હવે યુ.જી.સી.ની સંશોધન નિબંધ/રિસર્ચ પેપર્સ પ્રકાશન યોજના અન્વયે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા એ અધ્યયન પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે સહજ સંતોષની લાગણી અનુભવી રહું છું. અહીં મારે નોંધવું જોઈએ કે ગુજરાતીમાં વિવેચનતત્ત્વ વિશે છેલ્લાં ત્રણેક વર્ષોમાં ઠીક ઠીક નવાં લખાણો પ્રગટ થયાં છે. આ અધ્યયનમાં એ નવાં લખાણોની તપાસ પણ આમેજ કરી લીધી છે. આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.

વલ્લભ વિદ્યાનગર,
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫

પ્રમોદકુમાર પટેલ