ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/આમુખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આમુખ

ડૉ. પ્રમોદકુમાર પટેલ ગુજરાતી ભાષા-સાહિત્યના એક તેજસ્વી અધ્યાપક છે. અભ્યાસી વિવેચક તરીકે પણ તે જાણીતા છે. તેમનો અધ્યયનગ્રંથ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, તે જોઈ મને આનંદ થાય છે. ગુજરાતીમાં વિવેચક-વિવેચનલક્ષી તત્ત્વચર્ચા કરતા લેખો બહુ ઓછા લખાયા છે. તદ્વિષયક કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિમાં તેમની પાસેથી વિવેચનતત્ત્વવિચારવિષયક એક પૂરો ગ્રંથ મળે, તે આવકાર્ય જ લેખાય. તેમણે તેમના આ ગ્રંથમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તત્ત્વવિચારની વિગતવાર, તલસ્પર્શી, વિશદ સમીક્ષા કરી છે. તેમાં તેમણે વિવેચનના ઊગમકાળથી માંડી આજસુધીના વિવેચનસાહિત્યને આવરી લીધું છે. વિવેચ્ય વિષયનાં પરિચય, વર્ણન, વિવરણ, પૃથક્કરણ, તુલના, મૂલ્યાંકન – બધું તેમાં સાથોસાથ સુબદ્ધ રૂપમાં પ્રાપ્ત થાય છે. વિષય-વસ્તુની તર્કબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, ચર્ચા-વિચારણાના સમર્થનમાં અપાતાં ઉચિત અવતરણ-ઉદાહરણ, તટસ્થ-વસ્તુલક્ષી-પ્રામાણિક આલેખન, શિષ્ટ-સાહિત્યિક છતાં સરલ-વિશદ શૈલી વગેરેને લઈ વિવેચ્ય વિષયનું સમગ્ર અધ્યયન સાદ્યંત આકર્ષક બન્યું છે. લેખક તે માટે અભિનંદનને પાત્ર છે. આવા ગંભીર વિચારપ્રેરક પુસ્તકનું આ પ્રકાશન યુ. જી. સી. દ્વારા – અધ્યાપકોએ કરેલ અભ્યાસોના પ્રકાશન અર્થે – મળતી આર્થિક સહાયથી શક્ય બન્યું છે; તે માટે હું યુ. જી. સી.નો અને પુસ્તકપ્રકાશનમાં પ્રાપ્ત અનેકવિધ ઉપયોગી સલાહ-સહાય માટે પ્રો. જશવંત શેખડીવાળાનો હાર્દિક આભાર માનું છું. મને આશા છે કે આ પુસ્તક ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારના અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી થઈ પડશે.

વલ્લભ વિદ્યાનગર
તા. ૧ ઑગસ્ટ, ૧૯૮૫

પ્રો. કૃષ્ણાલાલ એન. શાહ
કુલપતિ, સરદાર પટેલ યુનિવસિટી