ગિરીશ ભટ્ટની વાર્તાઓ/પલંગનું સ્થાનાંતર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પલંગનું સ્થાનાંતર

સરિતાએ ફરી વાંચ્યો એ પત્ર; ના, તેણે બરાબર જ વાંચ્યું હતું. તે જ આવી રહી હતી. હા, તે, જેણે તેને સાવ અકારણ પીડી હતી. એક પળ પણ અજંપા સિવાય ગુજરી નહોતી. શો દોષ હતો તેનો? વામન કદના સ્થૂળ પુરુષને પરણીને આ ઘરમાં આવી હતી એ? કોઈ પણ સ્ત્રીએ આમ જ કરવાનું હોય. કાયમ પડી રહેવાય ત્યાં? તેની આંખો સામે એક પછી એક દૃશ્યો સરી રહ્યાં હતાં. સંસ્થાની ઑફિસ, વિલાસબેન, મદદનીશ હર્ષભાઈ, રવજી બાપા, અધખુલ્લા બારણામાંથી ડોકાં કાઢતી કન્યાઓ ને તે અમે દમું બેય ઊભા હતાં, એ પુરુષની સામે. કન્યા અનાથાલયની ઑફિસને વળી પરદાઓ હતાં જે ફગ ફગ થતાં હતાં કારણ કે પંખો પણ પાંચ નંબર પર ફરતો હતો. પચીસે પહોંચેલી આ બે જ હતી. વિલાસબેનને થયું - ‘ચાલો, એકનું તો પતી જશે.' સરિતાએ ધારીને એ પુરુષને જોઈ લીધો. ના ગમ્યો. અરે, દીઠેય ગમતો નથી તેની સાથે કાયમ કહેવાનું! રાત ને દિવસ...! તે થથરી ગઈ હતી. આધેડ વય ગણાય. આગલી મરી ગઈ'તી બે વરસ કેડે. ને નવી શોધવા અહીં આવ્યો હતો. વિલાસબેને પૂર્વભૂમિકા બાંધી હતી સવારે. ‘તે તમારા માટે રાજકુંવરો થોડા આવે? આ માસ્તર છે. બાંધ્યો પગાર, ટ્યુશનો હોય. રોટલે દુઃખી નહીં થાવ. છે બે આગલીની, હોય એ તો. સ્ત્રી-પુરુષ પરણે એટલે વસ્તાર તો થવાનો! તમનેય થશે! ને તમેય ઝંખો છો ને પુરુષ? લો, આ પુરુષ. સંસ્થા ક્યાં સુધી તમારો ભાર ઝીલે? બીજી તો પરણી ગઈ. એય ટેસથી ફરતી હશે.’ પછી સખત અવાજે ઉમેર્યું હતું: ‘જેને પસંદ કરે તેણે... તૈયાર થઈ જવાનું. કોઈ અવાજ નહીં કરવાનો!’ વિલાસબેને કહ્યું: ‘પરેશભાઈ, એકને પસંદ કરી લો એટલે લખાણ કરીએ.’ હર્ષભાઈએ સૂચના આપી: ‘સરિતા, સીધું જો.’ સરિતાને થયું કે દમું પસંદ થાય તો સારું. કદાચ દમું પણ એવું જ વિચારતી હશે. પણ તરત જ નિર્ણય લેવાઈ ગયો: ‘બેન, સરિતા ચાલશે!’ ને દમયંતી ધીમે પગલે અંદર ચાલી ગઈ હતી. લખાણ થયું: છોકરીને દુઃખી નહીં કરવાની. સંસ્થા હિસાબ માગશે. મળવા આવશે. માસ્તરે મત્તું માર્યું હતું! કહ્યું પણ ખરું: ‘સુખી કરવા જ લઈ જવી છે. નહીં તો અહીં આવું ખરો!’ ને સરિતાને એ પુરુષ ગમવા લાગ્યો હતો. વાત તો સરસ કરે છે. ઘર તો મળશે. પચીસમે વર્ષે! તે ઘર કેવું હશે એ કલ્પનામાં ડૂબી ગઈ હતી. ઘર હોવું જ કેવડું મોટું સુખ હતું. સમજણ પડી ત્યારથી સંસ્થામાં જ હતી. શૈશવ, કૌમાર્ય, યૌવન- બધું અહીં જ વીત્યું હતું. રાતે સંસ્થાનાં બારણાં વસાતાં ને ભીતરનાં દ્વાર ખૂલી જતાં હતાં. કેવા કેવા વિચારો આવે? કોણ મૂકી ગયું હશે? મા હશે? કેવી હશે? હશે ને લાચારી? કદાચ...! કેટલું કામ કરતી હતી સંસ્થાનું? ચાલીસેય કન્યાઓનું ધ્યાન રાખવાનું; કોણ માંદી? કંઈ તોફાની? કઈ ચોર? કઈ ખાઉધરી? કોનાં વસ્ત્રો સાંધવાનાં? કોને નવાં આપવાનાં? ખરીદી દમું કરતી હતી. હિસાબો તે રાખતી હતી. છેલ્લી રાત દમું સાથે એક પથારીમાં સહજાગરણ કરીને પસાર કરી. ‘આવજે ક્યારેક, માસ્તરને સાચવજે. કહે છે ને કે બીજવર લડાવે લાડ. બે વર્ષનો ભૂખ્યો હશે. ચાલ, તને પુરુષ તો મળ્યો.’ દમુંએ સલાહો આપી. પાનેતરમાં સારી લાગતી હતી. સંસ્થાની પરસાળમાં લગ્ન સંપન્ન થઈ ગયાં હતાં. પુરોહિતે આવડ્યા એટલા શ્લોકો ઉચાર્યા હતા. ચાલીસેક કન્યાઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને આ લગ્ન જોયાં હતાં. સમાંતરે સહીસિક્કા થયા ને તેણે સંસ્થાની ભીંતો પર થાપાં કરીને વિદાય લીધી હતી. વિચારતી હતી: ‘ભલા માણસો. પચ્ચીસ વર્ષ સંઘરી તો ખરી. પાળી પોષીને આ માસ્તર સાથે વળાવીયે ખરી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (ર)

એ સાંજે તેને ઘર મળ્યું. પડોશની સ્ત્રીએ તેને પોંખી હતી. કુતૂહલવશ સ્ત્રીઓ ટોળે મળી હતી. ‘સારું કર્યું પરેશ ભૈ. એક બોલી હતી, પેલી બેય તો સાસરે જવાની. પછી તેમનું કોણ?’ બીજીએ ટકોર કરી હતી: ‘ભૈ...વારસનુંય વિચારવું પડે ને?’ ગૃહપ્રવેશ કર્યો, પેલી સ્ત્રીઓ હળવે હળવે ચાલી ગઈ. રહ્યાં માસ્તર ને તે. અવલોકન થયું ઘરનું. બે પડખોપડખ ઓરડા, આગળ પરસાળ, રસોડું ઓટલો, ફળી અને બાથરૂમ. એક ખંડમાં ભીંત અડોઅડ એક પાટ ને બીજો પલંગ. ડબલ બેડ જ ગણી શકાય. અણઘડ ઢબે પાથરેલાં ગાદલાં, ઓછાડ. ભીંત પર આગલીનો ફોટો, પેલી બેયનો ફોટો. ને સરિતાને થયું કે ક્યાં હશે એ બેય, એક પંદરની અને બીજી સત્તરની. સરિતા પચીસની હતી લગભગ. આબુના પ્રવાસે મોકલી છે. આવશે બે દિવસ પછી. નથી જાણતી કશું. બરાબર કર્યું ને રાણી? બે રાત તો કોઈ જ ના જોઈએ. બસ... તું અને હું. ભલી છે બિચારી. સમજી જશે. નાહકની શીદને ભડકાવવી? આગલી પણ ભલી હતી. બે દિવસની સામાન્ય માંદગી. દવાય લીધી'તી ને અચાનક ત્રીજી રાતે...! નામ શાલું, શાલિની. બે વર્ષ કાઢ્યાં. પછી થયું કે...! થોડી ગંભીર વાતો પણ થઈ હતી એ રાતે. બે વાતો સંસ્થાની ને બાકી માસ્તરની રસિકતા. અનુભવ પણ ખરો ને? સાવ સવારે સંસ્થાનું મકાન યાદ આવી ગયું હતું. ગયું જ ને કાયમ માટે? બે હારમાં પથરાતી પાતળી પથારીઓ, ઘંટ વાગે ત્યારે બત્તી બંધ થઈ જાય. એ પછી થોડી ઘૂસપૂસો, થોડું ખીંખીંખીં, ચોકીદારનો ખોંખાપો. પછી શાંતિ, નસકોરાં ને થોડા અવાજો. મચ્છરોનો ગણગણાટ ને છોકરીઓની અર્ધચીસો. ને છેક મધરાતે... મોરી તરફની આવ-જાઓ. વાસ, તીવ્ર વાસ અને સીસકારા. ચોકીદારનો દંડુકો પછાડવાનો અવાજ ને ફરી શાંતિ. સવારે... મચ્છરોમા ડંખ ખંજવાળતાં કરાતી પ્રાર્થનાઓ. બસ... એક નવો દિવસ જીવી લેવાનો. ના, આ કશું જ નહોતું. કેટલું સુખ મળ્યું હતું. ને માસ્તર સાથે જે મળ્યું એ તો... સાવ નવું જ સુખ. તરત દમયંતી સાંભરી. શું કરતી હશે? શું કહ્યું હતું વિલાસબેને: ‘દમું હવેથી સરિતા કરતી હતી એ તું કરજે.’ એ બિચારી તો આ અનુભૂતિઓથી દૂર જ છે ને? અને આ પુરુષ? કેવો ઉતાવળો થઈ ગયો હતો? તેનો વિયોગકાળ મેં જ પૂરો કરાવ્યો. સરિતા હસી પડી હતી. નવી ભીંતો, નવી છત બધું જ નવું હતું. સારું કર્યું માસ્તરે તેને પસંદ કરી હતી. નહીં તો હોય ને એ જ મેલાં પાથરણામાં? આગલીની જગાએ તે હતી, માસ્તરને તો આગલી યાદ પણ નહીં આવી હોય! બે વરસમાં તો કેટલું બધું ઝાંખુંપાંખું થઈ ગયું હોય? ફોટો હતો ને, એટલે કદાચ ચહેરો તો નહીં ભુલાયો હોય. છેલ્લે પેલી બેય-ખરું કર્યું આ પુરુષે? બેયને પ્રવાસે મોકલી! આવશે ત્યારે...? બીજી રાતે ઘણી વાતો થઈ હતી, પ્રેમની અને એ સિવાયની મોટી નંદા સત્તરની, નાની સુનંદા પંદરની, બેયની પ્રકૃતિ ભિન્ન. નામ શાલિનીએ પાડ્યાં હતાં. એક નવલકથામાં આવતાં હતાં. શાલિની વાંચનની શોખીન, અક્ષરો પણ મરોડદાર. નોટબુકમાં સૂત્રો, બોધવાક્યો, સુવિચારો તે જ લખી આપે. તે મને શું કહેતી હતી, ખબર છે? માસ્તર! સરિતાએ રંગમાં ભળી કહ્યું - તે પણ માસ્તર કરીને જ બોલાવશે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૩)

બેય દીકરીઓ આવી એવી જ થીજી ગઈ હતી; ઘરમાં સ્ત્રી? નવી સ્ત્રી! મમ્મીનાં વસ્ત્રોમાં? સાડી મમ્મીની જ હતી. કોણ હશે? થાક હતો પણ આનંદ હતો. પ્રવાસની થોકબંધ વાતો કહેવાની હતી પપ્પાને, અનુભૂતિઓ ને અવલોકનો વર્ણવવાનાં હતાં. ‘પપ્પા... અમારી બસ ચાલે વાદળોમાંથી. ને પછી તો અમેય ભીનાંભચ્ચ થઈ ગયા હતા. એક તરફ આબુ પર્વત, બીજી તરફ ખીણ ને વચ્ચે ચકરાવા લે અમારી બસ.’ શું સરસ ઉતારો? લાલ બાપુના આશ્રમનો એક આખો ફ્લેટ અમારો, સામેના ફ્લેટમાં ગોરી મેમો. વચ્ચે આંબાનું વૃક્ષ. કેરીઓની લૂમેલૂમો. ‘અને પપ્પા, કેવી સરસ કોતરણી દેલવાડાનાં મંદિરોની? ને નખી લેખ સામેનો આશ્રમ! અરે, કેટલાં વાંદરાઓ લાલ બાપુના આશ્રમમાં?' એકેય વાત ક્યાં કહી શકાઈ હતી? આઘાત લાગ્યો હતો કે આ શું? ચાર દિવસમાં શું થઈ ગયું? માંડ બેયને સમજ પડી ગઈ હતી કે શું બની ગયું હતું. પરેશભાઈ ક્ષુબ્ધ બની ગયા હતા. સાવ સરળ દાખલો ખોટો પડ્યા જેવું લાગતું હતું. ને સરિતા જડવત્. ક્યાં તૈયાર હતી આ સ્થિતિ માટે? પછી પરેશભાઈએ બાજી સંભાળવા માંડી: ‘સરિતા, આ મારી બેય દીકરીઓ. નંદા મોટી ને આ નાની સુનંદા. બેય હોશિયાર છે અભ્યાસમાં. પાંચમાં નંબર આવે. પ્રવાસમાં ગઈ હતી. અને... આ તમારી મમ્મી, નવી મમ્મી. તમારે ઘરકામ કરવું પડતું હતું ને અભ્યાસને અસર થતી હતી ને? હવે... તમને પૂરતો સમય મળશે. બસ, નવી મમ્મીને સહાય કરવાની. તે તમને સહાય કરશે. નવું નવું શીખવશે ખરું ને સરિતા?' એક બે વાર અછડતું સામસામે જોવાયું. મુખભાવોમાં પરિવર્તન ના આવ્યું. નાની તો લગભગ નતમસ્તક જ રહી હતી. મોટી બોલી હતીઃ ‘ભલે પપ્પા.’ એ નાજુક પળે પરેશભાઈને સાયં પ્રાર્થના યાદ આવી હતી. સરિતા, તું પણ ગાજે, તારી આશ્રમની પ્રાર્થના. ચોથી રાત ઉદ્વેગમાં વીતી. બારણું બંધ હતું તો પણ સોંસરવું સંભળાતું હતું. ‘મોટીબેન, ક્યાં ગયો આપણો પલંગ?' નાની બોલી હતી. ને પલંગમાં પડેલી સરિતા ચોંકી હતી: ‘શું આ તેનો-એ છોકરીઓને પલંગ?' ત્યાં બીજો ધમાકો થયો હતો: ‘મોટી, આપણા ટાઈમટેબલ, અરધીપરધી ચોપડીઓ, કંપાસ તો ત્યાં છે?' સરિતા બેઠી થઈ ગઈ પલંગમાં ; ‘કહ્યું - માસ્તર આપી દો પલંગ કાલે છોકરીઓને. હું તો પથારી પર જ સૂતી છું કાયમ. મને ચાલશે.’ પરેશભાઈ પસ્તાતા હતા કે દીકરીઓને પહેલેથી વિશ્વાસમાં લીધી હોત તો આ બધું ટાળી શકાત. સાવ અચાનક સાવે આવે પછી આઘાત જ લાગે. વળી કાચી ઉંમર, ત્રીજો અવાજ પણ કાને પડ્યો હતો: ‘ને તેં જોયું'તું મોટી, તેણે સાડી પણ મમ્મીની જ... પેરી'તી!’ ને સરિતા ઊભી થઈ હતી હતી, પલંગમાંથી. ‘માસ્તર નથી સૂવું પલંગમાં. હું અહીં ભોંય પર પડી છું. સવારે મૂકી જજો સંસ્થામાં. એ લોક પાછી નહીં કાઢે.’ એ અવાજ પણ બીજા ખંડમાં પહોંચ્યો જ હોય ને. આખી રાત મનામણાંમાં જ પસાર થઈ હતી. ‘સરિતા... ઊછળતાં જળ શાન્ત થઈ જશે. થોડી ધીરજ રાખ. મને વિશ્વાસ છે. આમાં તારું કે મારું કોઈનું ભલું નહીં થાય. કેવળ હાંસી થશે. નાની નાની મુશ્કેલીઓ તો બધાંને આવે. સમજી જશે, દીકરીઓ. પ્રેમથી તો જનાવર પણ જીતાય જ્યારે આ તો...!’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૪)

નાની તો હોબાળો કરીને ભોંયપથારી પર જંપી ગઈ હતી પણ નંદા જાગતી હતી. તેવું વયસહજ મંથન ચાલતું હતું. કેવી હતી નાની? ડાહી ખરી પણ ખરા સમયે ના કરવાનું કરી બેઠી. શું કરતી હતી પ્રવાસમાં? ભોંયપથારીમાં જ પડી રહેતી હતી ને? ને શું કરે નવી મમ્મી? પપ્પા... પરણે પછી તે અહીં જ આવે ને? દરેક સ્ત્રી આમ કરે. ટાઈમટેબલ તો આ ખંડમાં પણ ચોંટાડી શકાય, ચોપડાં પણ લાવી શકાય. અને દિવસે એ ખંડમાં જવામાં શો વાંધો હોય? આવું વર્તન ના જ કરાય. પપ્પાને ના ગમે, નારાજ થાય. કે સમજાવવી નાનીને? ને રાતે ત્યાં વળી શું કામ પડે? તે જરા રાત શબ્દ પાસે અટકી હતી. પરસેવો લૂછ્યો હતો ચહેરા પરનો. રાતે એ ખંડનું બારણું વસાયું હતું. દરરોજ વસાવાનું પણ ખરું. શું કહેતી હતી ઈલાની મમ્મી? આટલું ઉઘાડું તો તે જ બોલી શકે. નંદાના ચક્ષુપટ પર કલ્પનાચિત્રો વિહરતાં હતાં. તે હતી, પલંગ હતો, બંધ કમરો હતો. હા-તે જ હતી! શ્વાસોની ત્વરા વધી હતી. ‘ક્યારેક આમાંથી પણ પસાર થવું જ પડશે ને?' તે વિચારતી હતી. ‘કોણ હશે સાથે, ઘુંઘટ ઉઠાવવાવાળો?' થયું કે સુનંદાને સમજાવશે. કેમ નહીં માને તેનું? મોટીબેન હતી! ગણિતના સમીકરણો ઉકેલવાનું તેણે તેને શીખવ્યું હતું. સાઈકલ કોની પાસે શીખી હતી? તે જ ગુરુપદે હતી. વળી મન સળવળતું હતું. પડખેના ખંડમાં કશો સંવાદ થતો હોય તેમ લાગ્યું. બાપુ પણ કદાચ નવી માને સમજાવતા હશે. એ સ્ત્રીને પણ સમજાવવી પડે. ઘરમાં એ તો સાવ નવી જ હતી. ક્યાં જાણતી હતી કે બાપુ કેટલા ભલા હતા? ઇતિહાસ કેવી સરસ રીતે ભણાવતા હતા? એમ જ લાગે કે પાણીપતનું યુદ્ધ અહીં જ ખેલાઈ રહ્યું હતું. સિદ્ધાંતવાદી હતા. આચાર્ય રજા પર જાય ત્યારે ચાર્જ તેમને સોંપીને જતા હતા. ક્યાંથી આવી હશે નવી મા? હશે ને કોઈ મકાન, પરિવાર? શું કહેતા હતા-આશ્રમ ! લાગે છે તો સારી સ્ત્રી પણ આ સુનંદાના વર્તનથી શું થાય-એ ક્યાં નક્કી હતું? તે સમજાવશે તેને. બાપુ પણ સમજાવશે કાંઈ બીજા લગ્ન કરવા એ કાંઈ ગુનો નથી. ઘણાંય કરે છે. ને નંદાએ તેને સમજાવી પણ ખરી. સુનંદાએ સાંભળ્યા કર્યું. કશો ઉત્તર ના વાળ્યો, નાનીનો મૂંગો વિરાધ ચાલુ જ રહ્યો હતો. પરેશભાઈએ અનશન આદર્યા તો તે પણ સામે અનશન પર બેસી ગઈ. અંતે નંદાએ સરિતાને સમજાવી હતી: ‘જુઓ, નવી મા... આનો જીવ ના બાળવો. ક્યારેક સમજશે વળી. ને આ પ્રશ્ન... આખા પરિવારનો છે. બાપુનું પણ ક્યાં માને છે? હું તો છું ને તમારી સાથે!’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૫)

દિવસ પછી દિવસ સરતા ગયા. નાની અકળ જ રહી હતી. નંદા સાથે પણ ક્યાં વાત કરતી હતી? ક્યારેક પરેશભાઈ સાથે નાનકડો સંવાદ થતો. એ વર્ષની પરીક્ષામાં માંડ માંડ ઉત્તીર્ણ થઈ હતી. ને એનું જરા પણ દુઃખ ન હતું. સરિતાનો અપરાધભાવ વધ્યો હતો. શા માટે અહીં આવી? પણ એય ક્યાં તેના હાથમાં હતું? માસ્તરે પસંદ કરી ને તેણે પરણી લેવાનું હતું. તે એક વાર કન્યા અનાથાશ્રમમાં પણ જઈ આવી. થયું કે વિલાસબેનને મળે, દમયંતી પાસેથી માર્ગદર્શન મેળવે. ક્યારેક હર્ષભાઈ પણ સારી સલાહ આપતા હતા. કોઈને કહ્યા વિના જ ગઈ હતી. નંદ-સુનંદા-માસ્તર સ્કૂલે હતા. ચાવી તુલસીક્યારાના ગોખમાં મૂકી હતી. ગદ્ગદ્ થઈ જવાયું-પ્રવેશદ્વારને જોતાં, અહીં જ સચવાઈ હતી ને પચીસ પચીસ વર્ષ? રેકોર્ડમાં નોંધ હતી. તેને અહીં મૂકી ગયાની તારીખ હતી. ત્યારે જ નામકરણ થયું હતું. કન્યાનું નામ સરિતા રાખ્યું હતું. જમણા હાથ પર કાળી દોરી બાંધી હતી. અલગ પડવી જોઈએ ને બીજીઓથી! શું જોયું સરિતાએ? દમું નહોતી. બીજે જ મહિને તેને પરણનાર મળી ગયો હતો. વિલાસબેને આ જોબ છોડી હતી. કોઈ નવી સ્ત્રી ઠસ્સાથી ઑફિસમાં બેઠી હતી. રવજી દાદાનો સ્વર્ગવાસ થયો હતો. હર્ષભાઈ કામસર બહાર ગયા હતા. કેટલીક કન્યાઓ ભાવથી મળી હતી. પથારીની થપ્પીઓ, જાજમો, વળગણીઓ પર સુકાતાં વસ્ત્રો, છજામાં ઘૂઘવતાં કબૂતરો, ચકરાવા લેતા કાગડાઓ- બધું જ યથાવત્ હતું. સંસ્થાનું મકાન વધુ જીર્ણ થયું હતું એમ લાગ્યું. હતાશ થતી પાછી ફરી હતી. પળે પળે થતું હતું કે તે જ્યાં હતી ત્યાં જ ઠીક હતી. સંભાળી લેવાશે સુનંદાને. અથવા તેને જેમ ઠીક લાગે તેમ કરે. તે ઘર નહીં જ છોડે. ક્યાં એમ જ આવી હતી, માસ્તરને પરણીને આવી હતી. બીજું વર્ષ પસાર થયું હતું. સુનંદા... આ વર્ષે પણ સામાન્ય જ રહી. માંડ માંડ ઉપરના ધોરણમાં પહોંચી હતી. પિતાએ પુત્રી સાથે આત્મીયતાભરી વાતો કરી હતી. સુનંદા રડી પડી હતી. ક્યાં સમજ પડતી કે તેના મનમાં શું હતું? કદાચ કે એ વ્યક્ત થઈ શકતી નહોતી. પિતાએ ક્યાંય સુધી પંપાળી હતી. ત્રીજા વર્ષે તેણે ખુદ જ કહ્યું-‘પપ્પા... હું મનોજ સાથે પરણીશ. મને પસંદ છે.’ નંદા પરણી એ જ માંડવે તે પણ પરણી હતી. માના ફોટાને વળગીને રડી લીધું હતું. સરિતા ભણી જોયું પણ ક્યાં હતું. ને પછી સરિતા રડી હતી. પરેશભાઈએ સાંત્વના આપતા કહ્યું, ‘હવે ક્યાં છે તે?’ સંબંધો ઋણાનુંબધ જ હોય. સરિતાને તો તેનોય અભાવ લાગ્યો હતો. છો ને ઘૃણા કરતી'તી. પણ વસતી તો હતી! રાતે પતિને પૂછ્યું: ‘તો આનું કારણ પલંગ જ ને? શું માનવું?’ પતિએ મનુષ્ય સ્વભાવની વિચિત્રતાને કારણ ગણાવ્યું હતું: ના, તે આવી નહોતી. તેજસ્વી હતી. સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં ઈનામ જીતી લાવી હતી. સરિતા... મનુષ્ય મન ખરેખર અકળ છે! ને છેલ્લે સાવ સપાટીની વાત ઉચ્ચારી હતી: ‘હવે તો તે નથી ને! બસ, મોજ કર રાણી!' તે રાતે પલંગ પર સૂવે ને સુનંદા યાદ આવી જતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૬)

બે વર્ષ પછી એ નાનીનો પત્ર આવ્યો હતો. લખ્યું હતું: પપ્પા, નવી મા... આવું છું ઘરે. બે દિવસ રોકાવું છે. પછી તારીખ, ટ્રેન, સમયનો ઉલ્લેખ. પત્ર વિલંબથી મળ્યો હતો. તે લગભગ કલાક પછી જ આવવાની હતી. દસ-બાર મિનિટ વધારે ગણવાની. રિક્ષાને કારણે. સરિતા ઢીલી પડી ગઈ હતી. ઓહ ભગવાન, તે આવી રહી હતી! બે દિવસમાં તો ઊથલપાથલ મચાવી દેશે. જૂનાં દૃશ્યો આંખ સામે તગતગતાં હતાં. ને માસ્તર પણ નહોતા. ને પલંગ જોશે તો શુંનું શું કરી બેસશે! એવી દૃષ્ટિ ફેંકશે ને બળીને રાખ થઈ જવાય! ક્યાં અજાણ્યું હતું? સરિતા વ્યગ્ર બની ગઈ હતી. જૂનાં જખમો તાજાં થયાં હતાં. શું કરવું? પલંગ જ મૂળ સ્થાને ગોઠવી દેવો? તે પ્રયત્ન થઈ જાય ને તેના ખોફમાંથી બચી શકાય. બસ... એ જ ઉપાય. પાણી આવે તે પહેલાં પાળ બાંધી નાખવી. મૂળનો જ નાશ. પણ ક્યાં હતી કામ કરવાવાળી છોકરી? નહોતી આવવાની. કાલે આગોતરા જ કહી રાખ્યું હતું કે તે નહીં આવે. તો શું કરવું? પલંગને તો ખસેડવો જ હતો. આ ખંડમાંથી પેલા ખંડમાં! યથાવત્ સ્થિતિમાં, જેથી પેલી જોગમાયા શાન્ત રહે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૭)

બે વર્ષે આવતી હતી. આ કામ માટે પાડોશીઓને ના બોલાવાય. સરિતાને ચોથો મહિનો જતો હતો. પીડા શરૂ થઈ હતી. પેટનો આકાર જરા બદલાયો હતો. લેડી ડૉક્ટરે સૂચનાઓ આપી હતી: આમ કરવું, તેમ ના કરવું. ત્રીસમે વર્ષે પ્રથમ પ્રસૂતિ એટલે... ખ્યાલ રાખવાનો. વજન ના ઊંચકવું...! પાડોશીની સ્ત્રીઓ કેટલીય પંચાત કરે. પલંગ ખસેડવો છે? માસ્તર હજીય તારી સાથે...! પુરુષ તો ક્યારેય તેમનાં લાગાં છોડવાનો નૈ. એ બધું જ આપણે સંભાળવાનું. જો સાંભળ, બીજા ઓરડામાં એકલી જ સૂવે. ફરકવા નો દેતી માસ્તરને. શું કીધું દાગતરે? ભારે હોશિયાર છે માનસીબેન. લે હાઉં ફેરવી દો પલંગ. તેણે નક્કી કર્યું કે પલંગને તે જ હળવે હળવે બીજા ઓરડામાં ફેરવશે. કન્યા અનાથાશ્રમમાં આવાં કામો કરતી જ હતી. હજી પચાસ મિનિટ તો હતી જ. ઓછાડ, ઓશીકાં ખસેડ્યાં, ગાદલું પણ થોડા વધુ પ્રયાસે ઊંચક્યું. પછી સ્પર્શ કર્યો પલંગને. જૂના સમયનો હતો, વજનદાર હતો. તેણે પ્રસ્વેદ લૂછ્યો ને એ જ પાલવને કેડમાં કસ્યો. બેય હાથ પલંગની કોર પર ગોઠવ્યા. જરા જોર કર્યું ને પલંગ ખસ્યો પણ ખરો. થયું-કરી શકશે. બીજો ધક્કો, ના ખસ્યો પલંગ. ત્રીજો ધક્કો ને જરાક આગેકૂચ થઈ પણ પેટમાં પીડા થઈ. ડૉક્ટરની સૂચના, ડૉક્ટરનો ચહેરો યાદ આવ્યો. વળી થોડી આગેકૂચ. સાચી દિશામાં જવાતું હતું. સામે જ બારણું હતું. બસ, એ વળોટે પછી તો... ભીંત લગી જવાનું હતું. વળી નવો ધક્કો, બીજો હળવો ધક્કો. પરસેવો લૂછાયો, સમય જોવાયો, ગન્તવ્ય સુધીનું અંતર વિચારાયું. મોટી યાદ આવી, ક્યારેય જોઈ નહોતી એ, પોતાની સાથે સ્મરણ થયું, વિલાસબેન ને દમું યાદ આવ્યાં, નાનીને ગાળ દેવાય. માસ્તર પ્રતિ વૈરાગ જાગ્યોઃ શું આમ જ દળ્યા કરવાનું માસ્તરના સંસારમાં? ને હવે તો પાંચ મહિના પછી નવો જીવ આવશે. બેસી જવાયું એ જ પલંગ પર. ના જોયો સમય. ના લૂછ્યો પરસેવો, બસ... હાંફતી રહી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૮)

પ્રથમ, ફળિયામાંથી સુનંદાનો સાદ સંભળાયો હતો: ‘નવી મા...!’ ને પછી ધસમસતાં પગલાં. ત્રીજી પળે... તે સરિતાની સામે હતી. નજરો મળી. સુનંદા થીજી ગઈ. આખું દૃશ્ય દયામણું હતું. તરત સમજ પડી કે આ તો તેની બાલિશતાનું પરિણામ. નવી માની અવસ્થા. ઉપસેલું પેટ, ચહેરો, છાતીની પણ સ્થિતિ-બધું ઉકેલાયું. નવી મા સગર્ભા હતી. પણ અર્ધ ખસેડાયેલો, અર્ધ રસ્તે પડેલો પલંગ, ભીની આંખો, પ્રસ્વેદ ભીંજાયેલાં વસ્ત્રો તો બીજું જ સૂચવતું હતું. તે અપરાધી હતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૯)

નવી મા પલંગને બીજા ખંડમાં ખસેડતાં હતાં પણ ક્યાં પહોંચી શક્યાં હતાં? સગર્ભા સ્ત્રીને આવો શ્રમ? તેણે કલ્પના કરી કે કદાચ ચોથો કે પાંચમો હશે. તે રડી પડી હતી. બેસી ગઈ સરિતા પાસે, શબ્દો ફૂટ્યા: ‘નવી મા. આમ શા માટે કરી રહ્યાં હતાં? મને ખુશ કરવા? આ મૂર્ખ છોકરીએ તમને, બાપુને કેટલાં દુઃખી કર્યાં? મારી નરી મૂર્ખતા’ ‘મેં કેવું કરાવ્યું તમારી પાસે? અહીં સુધી પલંગ ખસેડ્યો તો ખરો ને? હા, મને પલંગ ખસ્યો એ જ ડંખ્યું હતું. નવી મા, હું ને મા- બેય સૂતાં હતાં આ જ પલંગમાં. ને એ પણ હું ને નંદા. હું તો બેયમાં ખરી જ. જડતા કેવી કે પલંગ મારો જ.’ એક મા ખોઈ તો બીજી આવતી હતી. એ ના સમજાયું છેક સુધી. બીજું ચોમાસું મારા પર વરસવા તત્પર હતું પણ મેં મૂર્ખીએ તેને પાછું ઠેલ્યું! નવી મા, તમે આ નાદાન દીકરીને માફ નહીં કરો? એ માટે તો આવી છું. જ્યારે જગાયું એ પરોઢ. બેય દેહ વળગ્યા હતા. આંસુ, પ્રસ્વેદ એકરસ હતાં. ઘડીભર સરિતાને લાગ્યું કે આ મોટી હતી. આ ભાષા નાનીની ના હોય. હૈયાનો ભાર એકાએક ઓગળી ગયો હતો. નાનીએ કહ્યું, ‘નવી મા. ચિંતા ના કરશો. તમારી સુવાવડ હું કરીશ. મને બધી જ ખબર પડે છે. નણંદની દીકરીની કરી ને?'

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૧૦)

દશ મિનિટ પછી સ્થાનાંતર પામેલો પલંગ મૂળ સ્થાને ગોઠવાઈ ગયો હતો. સુનંદા ડબલ બેડનો ઓછાડ પાથરતી હતી. સરિતા ઓશીકું ઝાલીને ઊભી હતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬