ગિરીશ ભટ્ટની વાર્તાઓ/તૃપ્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તૃપ્તા

પલ્લવી રોજની જેમ જ ચર્ચગેટ સ્ટેશને ઊતરી હતી. હાથમાં પર્સ, ટિફિન પણ ખરાં જ. સમય પણ કાયમનો જ. સવારના તડકામાં હજી કુમાશ હતી એવું તેને થયું. વાતાવરણ ખુશનુમા હતું એમ પણ લાગ્યું. રોજ રોજ આવું ક્યાં અનુભવાતું હતું? તેના ચહેરા પર જરા રઘવાટ હતો, પરંતુ ચરણોમાં રોજની ઉતાવળ ક્યાં હતી? જમણા હાથમાં લગભગ ચોળાઈ ગયેલું, મેલું થયેલું વિઝિટિંગ-કાર્ડ હતું. જોકે હવે એ કાર્ડની પણ જરૂર ક્યાં રહી હતી? આખું સરનામું જ ગોખાઈ ગયું હતું. તુષાર ભાવસારનો ચહેરોય ઝાંખોપાંખો યાદ હતો. મળ્યાં હતાં જ સાવ અલપઝલપ જેવું; એમાં તે પૂરો યાદ રહે જ ક્યાંથી? યાદ રહેવા માટે પણ કશી ઘટના તો બનવી જોઈએ ને? પલ્લવીનો રોજનો ક્રમ. બરાબર આઠને ટકોરે... ઘરના ત્રણ દાદર સપાટાબંધ ઊતરી જાય. બે ગલીઓ ઓળંગીને રેલ્વેસ્ટેશને પહોંચે ત્યારે આઠ ને અગિયાર હોય. શ્વાસભેર પ્લોટફોર્મ પર પહોંચે ત્યારે આઠ ને પંદર હોય બેચાર શ્વાસો શાંતિથી લે, ત્યાં જ આઠ ને વીસની લોકલ ટ્રેન સડસડાટ પ્રવેશ કરે. પછી તો ભીડ, ધક્કા-મુક્કી અને ગાલિ-પ્રદાનો વચ્ચે... ચડી જાય. આઠમા નંબરની બોગીમાં માત્ર મહિલાઓ જ હોય. છેલ્લાં છ વર્ષોથી તે આમ જ સફર કરતી હતી. રવિવારે ખુશખુશ થઈ જતી. ચાલો... આજે... એ ભીડ વચ્ચે ભીંસાવાનું તો નથી! કેટલી રાહત અનુભવાતી હતી? ઑફિસે જવા માટે ચર્ચગેટ સ્ટેશને ઊતરી જવું પડે. ખાસ્સું ચાલવું પડે, લિફ્ટની લાઈનમાં ગોઠવાવું પડે. નજર તો કાંટે બાંધેલી ઘડિયાળના ડાયલમાં જ ચોંટી હોય! એ દિવસે, મીનાએ તેને બરાબર આઠ ને અઢારે ઢંઢોળી હતી. તે તો તૈયાર ઊભી હતી-આવતી ટ્રેનમાં ધસી જવા માટે. મીનાએ કહ્યું હતું. ‘પલ્લુ, આ તુષાર ભાવસાર. મોટા ચિત્રકાર છે. મુંબઈના. તેમને તારું ચિત્ર દોરવું છે. તને કેનવાસ પર મઢવી છે. મને કહે-પેલી ડાર્ક બ્યુટીને ઈન્ટ્રો કરાવ. લે, વાત કરી લે. અને પૈસાય મળશે લટકાના.’ તે એક શ્વાસે આટલાં વાક્યો બોલી ગઈ. છેલ્લું વાક્ય તો તેના કાનમાં જ કહ્યું, માત્ર પલ્લવી જ સાંભળે એ રીતે. તેની આંખોમાં-પલ્લવી આ વાત સ્વીકારી લે- એવો આગ્રહ હતો. બીજી પળે તુષાર ભાવસાર ખડો થયો. કૉફી કલરની ભરતવાળી કફની, ભૂખરા રંગનું પેન્ટ, હોઠો પર સ્મિત, આંખોમાં તેજ, કપાળ પર ઊડતી બેત્રણ લટો...! બસ, આ તુષાર. ‘તમે ખરેખર સરસ છો. મારે આવી ભાવવાહી છોકરીની જ તલાશ હતી. તમે આવશો ને, આ સોમવારે સવારે?’ કહેતા તેણે એક કાર્ડ થમાવી દીધું-પલ્લવીના હાથમાં. અને લોકલ ટ્રેન... પ્લેટફોર્મ પર પ્રવેશી. ઔપચારિક... બાય કરતી તે ભીડમાં ભળી ગઈ. એ કાર્ડ તો તેણે એક હાથની મુઠ્ઠીમાં જ... દબાવી દીધું હતું. અને પછી ભીતર પ્રવેશ્યા પછી બ્લાઉઝમાં સરકાવી દીધું હતું. ભીડ... ભીડ... પ્રસ્વેદની બદબૂ... ચડ-ઊતર વચ્ચે એક પછી એક સ્ટોપેજો સરતાં ગયાં. પેલું કાર્ડ પણ યાદ ના આવ્યું. ક્યું ગયું, ક્યું આવ્યું એ જ રટણા. કાર્ડ વંચાયું છેક ઑફિસમાં. તુષાર ભાવસાર, ચોથે માળે, રાજાવીર-મેન્શન. ઓહ! આ તો સાવ પાસે જ! દશ મિનિટને રસ્તે જ. ખુશ થઈ ગઈ પલ્લવી. કાર્ડ સાચવીને પર્સમાં મૂકી દીધું. મીનાએ કહ્યું હતું કે પૈસાય મળશે! અરે, પણ તે શું ભાળી ગયો હશે આ તોબડામાં? બરાબર જોઈ તો હશે ને? તે ખુદ જોઈ આવી ટોઈલેટના અરીસામાં. પેલાંની ભૂલ તો નહીં થતી હોય ને? વાનને ઘઉંવરણો પણ ના કહેવાય! કાળી... કાળી સાડી સત્તરવાળ કાળી! બહુ સારા શબ્દોમાં ભીનોવાન કહેવાય, શ્યામા કહેવાય! તેણે જ કહ્યું હતું ને ડાર્ક બ્યુટી! તે સભાન તો હતો જ. તે અવઢવમાં પડી ગઈ. એમ તો... તે ભલે શ્યામ... પણ નમણી તો હતી જ! પલ્લવીએ પોતાનો એક સારો મુદ્દો શોધી કાઢ્યો. પણ બીજી જ પળે છંછેડાઈ ગઈ. ‘અરે, કોને પડી છે-આ નમણાશની? સહુને ગોરી ચામડી ખપે છે!' બપોરે... વિચારની દિશા બદલાઈ હતી. મીનાએ કહ્યું હતું ને કે એ પૈસા પણ આપશે? ચીતરશે અને ઉપરથી પૈસા! કેટલા આપશે? પ્રશ્ન ટીંગાઈ ગયો-એના મસ્તિષ્કમાં. આ વિષયમાં તે સાવ અજાણી જ હતી. અચાનક... થયું, પંદરસો રૂપિયા આપશે? રૂપ-બહારના શોરૂમમાં તેને ગમેલી રેશમી સાડીનું મૂલ્ય પણ પંદરસો હતું. પૂરા પંદરસો-ફિક્સ ! પેલાએ ભાર દઈને કહ્યું હતું, ગયે મહિને તેણે હિસાબ ગણ્યો હતો. ના, એટલા પૈસાનો જોગ તો નહોતો જ. પગાર તો હતો પાંચ હજાર પણ માતાની દવા પાછળ ખર્ચ થતો હતો ને? ગયે મહિને જ ડૉક્ટરે દવા બદલી હતી જેના પૈસા પણ વધુ ચૂકવવા પડતા હતા. લોકલ ટ્રેનનો પાસ કઢાવવાનો હતો. જો પંદરસો મળી જાય-આ ચિતરાવાના... તો મેળ પડી જાય! ભલે ને ચીતરતો... જેવી ચીતરવી હોય એવી, પણ પંદરસો તો લઈશ જ! તેણે મનોમન નક્કી કરી નાખ્યું. એ રેશમી સાડી તો આવી જ સમજો. એકેય સારી સાડી ક્યાં હતી તેની પાસે? બહાર જવું હોય તો, કોઈ સારા પ્રસંગે તો શું, આ કાબર-ચિતરી પહેરીને જાય? કાળી ને ઉપરથી કાબરચિતરી સાડી! અને ઉપરતી તેનાં એકત્રીસ વર્ષ! ઘરડી જ લાગે કદાચ! અરે, કાળાંય મોઢું મચકોડીને ચાલ્યા જાય છે! નોકરી કરતી છોકરીને તો ચાટીને લઈ લે! પણ નનૈયો જ થાય છે, બધેયથી. પલ્લવીના ગ્રહો જ બરોબર નથી. પછી ક્યાંથી સરાણે ચડે? તે અકળાઈને ચીડમાં કહેતી-‘જા, મારે પરણવું જ નથી, રાજકુમાર આવે તોય? મારે શું દુઃખ છે? નોકરી કરું ને મજા કરું છું. છે કોઈની સાડીબાર?’ આમ તો ઓફિસમાં શાંતિ હતી. તેના અક્ષર સારા, મરોડદાર હતા. માલિક ખુશ હતા, તેના પર. અન્ય પુરુષોય તેની હાજરીમાં સરસ સરસ વાતો કરતા. પૂંઠ પાછળ તો બધાંયનું બોલાય. છો બોલે. છો રાજી થાય. લોકોએ કોને છોડ્યા હતા? પલ્લવી મન વાળી લેતી. એ રેશમી સાડી આવે પછી તે એ પહેરીને સર્વપ્રથમ... મંદિરે જશે, પછી નીલાકાકીને ત્યાં જશે. શું સમજતાં હતાં કાકી? ભિખારી ગણતા હશે? જુઓ લો... આ પૂરાં પંદરસોની સાડી! મહેનતના પૈસામાંથી... તેને એક રાત ઊંઘ જ ના આવી. મન લોકલની જેમ તુષાર ભાવસારથી રૂપ-બહાર શોરૂમ સુધી ભમતું રહ્યું. આમ તો તુષારે તેને બોલાવી એ તેની ઉપલબ્ધિ જ ગણાય. જોયું હશેને કાંઈક એનામાં? એમ ને એમ તો કોઈ પંદરસો રૂિપયા ના જ આપે ને? એમ કરશે તે; પહેલાં બે હજાર જ કહેશે. અને પછી પંદરસો માટે રાજી થઈ જશે! પલ્લવી હસી પડી-તેની યુક્તિ પર. આવું જ કરતી હતી તે, ચીજ-વસ્તના શોપિંગમાં. શો-રૂમમાં, શાકભાજીની દુકાનો પર, ફૂટપાથ પરના ફેરિયાઓ સાથે. જયા તેને કહેતી – ‘પલ્લવી તું તો ભારે પાક્કી!’ ‘ભઈ... પાકી જ છું. બસ... એક વાત સિવાય. ત્યાં જ...!’ તે રોજનો રસ્તો ચાતરીને નવા માર્ગ પર ચાલવા લાગી. રસ્તો નવો હતો પણ ભીડ તો એ જ હતી, વાહનોની અને માનવોની. ગોવા સ્ટ્રીટ આવી, ચબૂતરો આવ્યો. શિવાજી ટર્મિનલની ભીડ ભળી. તે ઊભી રહી ગઈ. રાજાવીર-મેન્શન શોધવા. અને મળી પણ ગયું. સામેની સ્ટ્રીટમાં બે ઊંચા મકાનોની વચ્ચે દબાઈને ઊભું હતું. એ પલ્લવીને છેક ત્યાંથી એ પાટિયા પરના અક્ષરો વંચાતા હતા. સાવ ખખડધજ મકાન. ઠેરઠેરથી રંગ ઊખડી ગયો હતો. ઉપર નળિયાંવાળું ઢળતું છાપરું હતું-દેશી ઘાટનું. છેક ચોથા માળ સુધીની બારીઓ ખુલ્લી હતી. પલ્લવી નિરાશ થઈ ગઈ. શું એ ત્યાં રહેતો હશે? ખખડધજ મકાનમાં? સ્ટુડિયો પણ હશે ત્યાં જ? તરત જ થયું કે મહાનગરમાં તો આમ જ હોય. કેટલી ભીડ હતી આ શહેરમાં? જાણે કીડિયારું ઉભરાણું! તે અને મા પણ એક જ ઓરડીમાં જ રહેતાં હતાં ને? અને પાસેવાળી જયા તો આડી આડશ કરીને, પતિ સાથે સૂતી પણ હતી. એક બાજુ... સાસુ, સસરા, દિયર અને બીજી તરફ...! પલ્લવીને બળ મળ્યું. અજાણ્યાં અંધારામાં દાદર શોધીને સડસડાટ પગથિયાં ચડી ગઈ. કઠોડો પણ મળી ગયો. પહેલો માળ, બીજો માળ... ત્રીજો...! ના, થાક ના લાગ્યો. જેમ જેમ ઉપર જતી ગઈ તેમ તેમ અંધારું ઓગળતું જતું હતું. ચોથો દાદાર ચડી ત્યાં તો આકાશ પણ દેખાયું. દરેક માળે... તેના પર નિર્લેપ દૃષ્ટિપાતો થતાં હતાં અને સંકેલાતા હતા. આકાશ, અજવાશ અને તુષાર ત્રણેયનાં દર્શન થયાં. ચોથે માળે. એજ કૉફી કલરની કફની, એ જ... મને હતું કે તમે આવશો જ. સરસ રૂપ આપ્યું છે તમને ઈશ્વરે. અસલ કાષ્ઠ-શિલ્પ શાં લાગો છો. તમને જોયાં ને મને થયું કે બસ... આ જ..! પ્રશંસાની છોળ ઊઠી. પલ્લવી ખુશખુશાલ થઈ ગઈ. તેની રહીસહી શંકા પણ ઓગળી ગઈ હતી. તેણે ખંડનું દ્વાર ખોલ્યું હતું. વાગ્ધારા તો ચાલુ જ... મારો નાનકડો સ્ટુડિયો છે, છેલ્લા દશેક વર્ષથી. અનેક ચિત્રો દોરાયાં. પ્રદર્શનો પણ થયાં- બેંગ્લોરમાં, અમદાવાદમાં, મુંબઈમાં પણ બસ.. હવે એક સરસ પોટ્રેટ બનાવવું છે તમારું. લોકો જરૂર પૂછવાના-તમારા વિશે. કોણ છે આ ચિત્ર-સુંદરી? પૃચ્છા તો થાય જ ને પછી? મારી કળા... પણ એ માટેય તમે તો હોવાં જરૂરી કે નહીં? ઓહ ! તરબોળ થઈ ગઈ પલ્લવી. ઝવેરી જોઈએ ને પારખનારો? સહુએ... કાળી કાળી... કહીને તરછોડી નાખઈ. એ લોકોય ચાલ્યાં ગયાં-કાળી સ્ત્રી કહીને! કેટલું વીત્યું હતું મારા પર? પળે પળે હથોડા પછડાતાં હતાં-મારા મર્મસ્થાન પર. બસ, આ તુષારે જ... પલ્લવી ભાવવિભોર બની ગઈ. અવલોકન થયું એ ખંડનું. ચિત્રો દોરવા માટે એક લાકડાની ઘોડી, એક શરીર સમાય એટલા પનાનો એક કોટ, બે ફોલ્ડિંગ ખુરશીઓ, થોડાં સૂકાતાં, થોડાં થપ્પીવાળાં વસ્ત્રો. એક ટિપોય-એ ખંડમાં અવ્યવસ્થિત રીતે પડ્યાં હતાં. કોઈ સ્ત્રી તો અહીં નહીં જ હોય-તેણે અનુમાન બાંધ્યું હતું. વાતાવરણ... રંગોની ચમક અને ગંધ-બંને હતાં. ભીંતો પર રંગોનાં ધાબાં હતાં. એક ખૂણામાં લંબચોરસ અરીસો હતો. ત્યાં આડશ જેવો એક પરદો પણ હતો. કલાકાર કામે લાગી ગયો. લાકડાની ઘોડી એક સ્થાને ગોઠવાઈ. એકબે બત્તીઓ પ્રગટી. ઓલવાઈ. એકબે વાર પલ્લવી પર નજર સ્થિર થઈ. ‘બરાબર...’ એમ બોલાયું પણ ખરું-પ્રસન્નતાથી. તે એ દરમિયાન... આસપાસ તાકતી જ રહી. એક કંપન પણ ફરી ગયું-તેના દેહમાંથી. ‘હં... આ વસ્ત્રો.’ તેણે પેટીમાંથી કશુંક કાઢ્યું. નવા વસ્ત્રોમાંથી પ્રગટે એવી જ વિશિષ્ટ ગંધ પલ્લવીની નાસિકામાં આવી. તેણે સંકેત કર્યો-અરીસા તરફ જવાનો. સમજી ગઈ પલ્લવી. થયું કે આમ વસ્ત્રો બદલવાનાં? પણ ક્ષણિક જ. તરત જ પ્રશસ્તિ યાદ આવી ગઈ. એ તો કરવું પડે-આમ પણ. ઘરે પણ ક્યારેક આ રીતે જ... કરતી હોય છે ને? જયાનો દિયર, ખાસ્સો પંદર વરસનો હાજર હોય ત્યારે! જરા પરદો ખસેડ્યો. જરા જોઈ લીધું. તુષાર ભણી. અરે, એ તો કૅન્વાસ ગોઠવતો હતો સ્ટેન્ડ પર. આ તરફ તો તેની પીઠ હતી. તે સરસ તૈયાર થઈ અરીસામાં જોઈને. ચોળી-ચણિયામાં જાતને જોવી ગમી પલ્લવીને. મમ્મી હોય તો કેવી ગુસ્સે થાય? આમ ઊભું રહેવાય-પરપુરુષની હાજરીમાં? આ તો કલાકોનો સવાલ હતો. પણ મમ્મીને કહ્યું હતું જ કોણે? તે તો ઑફિસે ગઈ હતી ને? તે હસી પડી. ‘વાહ... સરસ, પલ્લું. મારે જોઈએ છે એવી જ!’ તે સામે આવીને ઊભો. બારીકીથી જોઈ લીધી પલ્લવીને. પલ્લવીને પલ્લુનું સંબોધન ગમ્યું. એમ લાગતું હતું કે જાણે વર્ષો ઊતરી રહ્યાં હતાં-તેની ઉંમરમાંથી! તેને પૂછવું હતું– ‘કેવી લાગું છું-તુષાર?’ શબ્દો હોઠો પર ગોઠવી પણ ચૂકી હતી. પણ એ પહેલાં તો મનગમતો જવાબ પણ મળી ગયો. થયું હતું ક્યારેક આવું? પછી તો... શિષ્યાની માફક બેસી ગઈ-તુષારની સૂચના મુજબ. જો પલ્લુ... આમ જરા ઢળવાનું. માથું જરા આ તરફ..., કેશલતા ખભાઓ પર પથરાયેલી. આંખોમાં તૃપ્તિના ભાવ. જાણે દુનિયા આખીની ઇચ્છાઓ તૃપ્ત થઈ હોય! તું બધું જ પામી ચૂકી હોય! પરિતોષા..., કશોય અભાવ જ ના હોય. જાણે સમસ્ત સૃષ્ટિની... તુષારે તેનાં ગાલ, હડપચી, ખભા, કટિ... સ્પર્શ્યાં હતાં, સજ્યાં હતાં, અનુકૂળતા મુજબ ગોઠવી હતી પલ્લવીને. સાથસાથ... કવિતા સરખું ભાષ્ય પણ ખરું જ. ખળખળ વહેતા શબ્દો... સ્પર્શો...! તે એ ભાવમાં તણાતી જતી હતી. તુષાર... ના શબ્દોય તેને સ્પર્શ જેવા મુલાયમ લાગતા હતા. ‘વાહ પલ્લુ, તું તો અદ્ભુત છે. આ કાંઈ ખાલી પ્રશંસા નથી. સત્ય છે પલ્લવી. સૂર્ય ઊગે છે એવું સત્ય.’ એ સમય અલૌકિક બની ગયો. બધાં જ ભુલાઈ ગયાં. મમ્મી, જયા, જયાનો પંદર વર્ષનો દિયર, તેની નોકરી, આઠ ને વીસની લોકલ ટ્રેન, મીના..., રૂપબહારના કાઉન્ટરના હૅંગર પર લટકતી રેશમી સાડી. તે એકાકાર થઈ ગઈ, નવી દુનિયામાં. માત્ર ને માત્ર તે જ હતી. આખો દિવસ એ જ ઉપચારો ચાલુ રહ્યા. સાંજે ચિત્ર પૂરું થયું. તુષારની સાથે પલ્લવી પણ મુગ્ધ બની ગઈ. ‘પલ્લુ. હજી થોડા લસરકા આવશે, પણ ચિત્ર તો પૂરું થયું.’ તે ધીમેથી બોલ્યો. પલ્લવી કશું જ બોલી ના શકી. તે હવે તે ક્યાં હતી? જતી વખતે, તુષારે લીલી વીસ નોટોથી ભરેલું પરબીડિયું તેના હાથમાં મૂક્યું. લખ્યું હતું-પ્રિય પલ્લુને-જેણે મારી તૃપ્તાને સજીવન કરી. ‘ના-તુષાર... આની જરૂર નથી’ કહેતા પલ્લવીએ પરબીડિયું પરત કર્યું, છેલ્લી મીટ માંડી લખાણ પર, ચિત્ર પર, તુષાર પર અને ચાલતી થઈ દરવાજા ભણી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬