ગિરીશ ભટ્ટની વાર્તાઓ/તુંહિ તુંહિ
રામપ્રસાદજી વૃદ્ધ જરૂર હતા પરંતુ તેમની શ્રવણશક્તિ હજી સારી હતી. તેમણે પચીસ વર્ષની જાનકીને પ્રથમ સારી રીતે સાંભળી લીધી ઃ ઈન્ટરવ્યૂ હતો દૂરની એક આદર્શ સંસ્થામાં, શિક્ષિકાનો જ તો. અહીં પાર્ટટાઈમ હતી ને ત્યાં... ફૂલટાઈમ. નામ થાય, સારો પગાર મળે, ગમતું વાતાવરણ મળે. અહીં ક્યાં આવું હતું? ક્યારેક તેડાગર પણ બની જવું પડે. જાનકી, પાંચ બાળકો લઈ આવ. ને આટલી ચીજો પણ લેતી આવજે. નથી આવી પેલી. જાહેર ખબર વાંચીને તરત અરજી કરી નાખી હતી, સારા અક્ષરે. ને અત્યારે રામપ્રસાદજી પાસે આવી હતી. મા ખુશ નહોતી. દીકરીને દૂર મોકલવી? પછી તો મોકલવાની હતી પણ અત્યારથી? ને જાનકીએ સાંત્વના આપી હતી ઃ માડી હજી તો ઈન્ટરવ્યૂ જ છે. ક્યાં પસંદ થઈ ગઈ? રામપ્રસાદજી બોલ્યા હતા ઃ સરસ સંસ્થા છે. અને તું તો તેજસ્વી છું. બરાબર જવાબો આપજે. ત્યાં છે ને દત્તાત્રેય? મારો શિષ્ય. મેં જ તેને છંદો શીખવ્યા છે. પાંચ વર્ષ પહેલા ઉપાચાર્ય હતો. અત્યારે તો આચાર્ય હશે. લખી આપું ચિઠ્ઠી. તારા ઉતારા-ભોજનની ગોઠવણ કરી આપશે. નચિંત થઈ જા ને જાનકીએ ચરણસ્પર્શ કરીને વૃદ્ધજનના આશીર્વાદ મેળવ્યા હતા ઃ સફળ થા. માને સંતોષ થયો હતો ઃ વાહ સારું થયું. શું નામ કહ્યું - દત્તાત્રેય? ને તે હસી હતી ઃ માડી એ એકતાળીસના છે. કદાચ, આચાર્ય હશે. સાહેબના શિષ્ય! ને છેક છેલ્લી ઘડીએ બીજો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો હતો. મેડી પરથી સરયુ બનીઠનીને ઊતરી હતીઃ માસી... હું સાથે જાઉં છું. જાનકીને એકલી નથી મોકલવી. મારે પ્રવાસ થશે, ને જાનકી શાન્ત ચિત્તે ઇન્ટરવ્યૂ આપી શકશે. માએ ખુશી વ્યક્ત કરી હતીઃ સરયુ, તેં તો મને નચિંત કરી દીધી. ને પછી સહજ પ્રશંસા કરી હતીઃ તું તો ત્રીસની લાગે છે. કોણ કહે ચાલીશની? પછી ઉપસંહારઃ તું છું તો કેટલું સારું? બસ યાત્રા દરમિયાન જાનકી તેની નોંધપોથીઓ વાંચતી હતી ને સહપ્રવાસીના અવલોકનમાં પડી હતી. વચ્ચે સંવાદોઃ ગભરાતી નહીં. સરસ જવાબો આપજે. જાનકીએ માહિતી આપીઃ આન્ટી, ચિઠ્ઠી લખાવી હતી. ભોજન-ઉતારાની ગોઠવણ થઈ જશે. સરયુએ હસીને ઉત્તર વાળ્યો, સારું કર્યું. પણ તારી આન્ટી બધી વ્યવસ્થા કરી શકવા સક્ષમ હતી. જાનકી ખુશ થઈ હતીઃ તેમ તો.. બસની ગતિ ધીમી થઈ ને હાશકારો થયો હતોઃ લો આવી ગયું. ગામ તો નાનું હતું. સંસ્થાને કારણે પ્રખ્યાતિ મળી હતી. બસ સ્ટેશનથી સંસ્થાના સંકુલે પહોંચતા માંડ પાંચ મિનિટ લાગી હતી. ગામ... અન્ય ગામ જેવું હતું. જાનકીને માતાનું સ્મરણ થયું હતું ‘તારી' સંસ્થા તો સારી જણાય છે. હા, જૂની છે. જો... આ પ્રવેશદ્વાર; કલાત્મક છે, નરસિંહ, મારી, શારદા બધાં છે. અને નટરાજ શિવ પણ...! સાતમી મિનિટે તેઓ કાર્યાલયમાં હતાં. જાનકી અંદર ગઈ ને તે અવલોકનમાં. અલગ અલગ ભવનો, વૃક્ષો, રસ્તાઓ, માર્ગસૂચક પાટિયાઓ... છાત્રોની અવરજવર.., બત્તીના થાંભલાઓ, મેદાનો. સરયુ બોલી હતીઃ સરસ છે સંકુલ. તને ગમશે. કયો વિષય છે તારો? મેઈન કયો? ને ગૌણ..? અહીં નાટકો ભજવાતાં હશે? જાનકીએ વ્યવસ્થાપકને ચિઠ્ઠી આપી હતી. ને પંડ્યા બોલ્યા હતાઃ ઇન્ટરવ્યૂ માટે આવ્યા છો? સરસ..ઃ સાહેબ પ્રવાસમાં છે. કાલે આવી જશે. ‘સાહેબ... કમિટીમાં હશે.' વિશેષ માહિતી મળી, ‘અને બહેન.. દત્તાત્રેયજી સંસ્થાના આચાર્ય પદે છે. તમારો ઉતારો તેમના નિવાસસ્થાને ફાવશે ને? બધી સગવડ છે. ભોજન પણ ત્યાં.’ તે ખુશ થઈ ગઈ. પ્રવેશી રહેલી સરયુને જાણ કરીઃ માસી, બધી વ્યવસ્થા કરી આપી. ખુદ આચાર્ય છે સંસ્થાના – દત્તાત્રેયજી. ને સરયું ચોંકી હતીઃ દત્તાત્રેયજી..? શું તે... હશે? એક નામવાળી વ્યક્તિઓ અનેક હોય! ને આચાર્યપદે તો વયોવૃદ્ધ મહાનુભાવ જ હોય. હાથમાં જેષ્ટિકા, શ્વેત રૂપેરી કેશ, જો બચ્ચાં હોય તો અને એક પટ્ટીવાળા સાદા ચપ્પલ. તેમના ઘરમાં ઉતારો? આગળ કુંચીઓ લઈને જમની, પાછળ જાનકી ને છેલ્લે સંશયવતી સરયુ. બધાં અવલોકનો. બંધ થયાં, તે લીન હતી દત્તાત્રેયમાં. તે ક્યાંથી હોય? તે તો? તે ઇચ્છતી હતી કે એ ના હોય. ક્યાં ભૂલી શકી હતી? ક્યારેક જાગી જતો હતો પ્રેમ સ્વરૂપે કે ઘૃણા સ્વરૂપે. તેને ભૂલી જવા કાજે તો અનુરાગને પરણી ગઈ હતી. માએ ડરતાં ડરતાં કહ્યું હતું. સરયુ, છોકરો સારો છે, ભલો છે. બિચારી... તેનું ભાગ્ય ખૂટી ગયું હશે. બે દિવસના તાવમાં કાંઈ આવું થાય? બોલતી.. ચાલતી આવી ગઈ. બે વરસ થયાં. ક્યાં માનતો હતો તે? માંડ માન્યો. તેની ભાભી કહેતી હતી. મળી લેજે તેને. સાંજે આવવાનો છે. તેની ભાભી આવશે નામ-અનુરાગ, એક છોકરો છે સાત આઠનો. સરયુ, સ્ત્રી જાતને છત્તર તો જોઈએ. આખો જન્મારો એમ નો જાય. તે મૌન રહી હતી. પછી માએ બે હાથ જોડીને આજીજી કરી હતીઃ એને તો યાદ ના કરતી. નાટકિયાનો શો ભરોસો? ક્યાં જવાબ આપ્યો હતો એકેય કાગળનો? મને તો દીઠોય ગમતો નહોતો. નામય ના લેતી, આની પાસે. સરયુએ માતાનું વિવરણ સાંભળ્યું હતું. અરે, આ ના કહ્યું હોય તો પણ તે તૈયાર થઈને બેઠી હતી. તેણે હા પાડી હતી. અનુરાગને પૂછ્યું હતું શું નામ છે દીકરાનું? અને તમારી આગલીનું? આઠ દિવસમાં તો પરણીને અનુરાગના ઘરે પહોંચી ગઈ હતી. મા ખુશ હતી ને ચકિત પણ. રંજ પણ થયો હતોઃ શું આ યોગ્ય તો હશે ને? કે પછી..? મનને ક્યાં વાર લાગવાની હતી, વીસ વર્ષ નીચે જવામાં? તેને તરત થનગનતી, કિલ્લોલતી, થોડી જિદ્દી, તરંગી છોકરી મળી જતી હતી. આજે પણ મળીઃ તે... બાણભટ્ટના એક નાટકની કાદમ્બરી હતી. રાવલ સરને ધૂન હતી કે સંસ્કૃત નાટિકા જ ભજવવી વાર્ષિકોત્સવમાં. એ તો આપણી પ્રાચીન ભાષા હતી. સંસ્કારનો ગૌરવશાળી વારસો. કેમ ભૂલાય? ને સરયુ પર કળશ ઢોળાયોઃ તું જ કાદમ્બરી. તને એ પાત્રમાં ઢાળી શકશે. સંસ્કૃત સંભાષણ કરવા લાગી. તને તાપસી શીખવશે. મારી જીવનસંગિનીઃ અરે, જ્ઞાતા છે - નાટકની. તેય ભજવતી હતી તેના કૉલેજકાળમાં. મળી લેજે તાપસીને. અને પુરુષપાત્ર... દત્તાત્રેયને મળ્યું હતું. તે ઓળખતી હતી એ યુવકને. પૂછ્યું હતું સરે કે તને કશો વાંધો નથી ને, આ નાટકનો. નાયિકાને રાજી રાખવી પડે, એવો સમય હતો. પ્રારંભ... થયો હતો રિહર્સલનો. તે રોમાંચિત હતી. કાદમ્બરી નાયિકા મીન્સ કોઈની પત્ની, પ્રેયસી, પિતાએ રાજીપો વ્યક્ત કર્યો હતો ઃ ગુડ.. ગો અહેડ.. હું જોવા આવીશ. પણ મા નાખુશઃ નથી નાચવા જાવું, અરે, કૉલેજ જ નથી જાવું. બસ, પરણાવી દેવી છે. એ સંઘર્ષ ઠેઠ લગી ચાલતો રહ્યો હતો. મા પૂછતાં, છે એકેય છોકરો? દત્તાત્રેય...? નામ તો સારું છે. કેવોક છે? ક્યાં રહે છે? હવેલી શેરીમાં? મા ચમકી હતીઃ અરે, તે તો ગોદાવરીનો દીકરો? ક્યાં આપણી નાતનો હતો? તેના દાદાને તો નાતબા'ર મેલ્યા'તા! કલંકિત ખોરડું. તેની એક ફોઈએ નાતરું કર્યું'તું, હલકા વરણના મરદ સાથે. ચકચાર ફેલાઈ હતી. ને માએ કહ્યું હતું આવીને નાહી લે જે. કહી દેજે કે...! માબાપ વચ્ચે કલશ થતો હતો. ને સરયુ વિચારવા લાગી હતી કે શું ખરાબી હતી દત્તાત્રેયમાં? શુદ્ધ ઉચ્ચારો કરતો હતો સંવાદોમાં. સર અને તાપસી મેડમ તેના પર ઓળઘોળ હતાં. વાહ... કેવું સરસ પરફોર્મન્સ હતું. થોડી તકલીફ કાદમ્બરીને પડતી હતી. નાટ્ય વિશારદ કેશવબાબુએ તે-બંનેને અનેક આશીર્વાદ આપ્યા હતા. જુઓ, નાટકને ભૂલી જતાં નહીં; આ તો આરંભ છે. એક શહેરમાં જ છો ને? કોઈ સંસ્થા છે નાટ્ય મંચનની? અને, તાપસી સ્થાપી શકે. બાણ ભટ્ટની તમારા પર કૃપા હજો. સરયુ સ્પંદિત થઈ ગઈ હતી; નવું વિશ્વ આ તો. તે નહીં ભૂલે, આ સમયને. બધું ભૂલીને તે બંને પ્રેમમાં પડ્યાં હતાં. મા થાકી હતીઃ નથી માનતી પેટની જણી. ને આ પુરુષ પણ ક્યાં કશું કાને ધરે છે? શું કામ હતું તેનું કે તે ગોદાવરી પાસે ગઈ હતી? જીર્ણ ઘર હતું. ચોમાસામાં છતમાંથી પાણી ચૂતું હતું. ને સરયુએ દત્તાત્રેયને કહ્યું હતુંઃ સરસ છે મેડી. આપણે શ્રાવણમાં સમૂહસ્થાનનું પુણ્ય મેળવીશું. અને દત્તાત્રેયે કહ્યું હતું એક વાર જોબ મળે ને, તને તરત આ ઘરમાં લઈ આવીશ. કેશવબાબુ તેને કલકત્તા લઈ જવાના હતા, એ રાતે તે છેલ્લી મળી હતી. સરનામાંની આપલે થઈ હતી, વચન અપાયાં હતાં, જીવનમરણ લગીના સંબંધોના. ક્યાં મળવાં દેતાં ક્યારેય? પત્રો લખે પણ ઉત્તરો ક્યાં મળ્યાં હતાં? માના ઠપકા, પિતાના પ્રેમભર્યા આગ્રહો તો પણ તે પરણવાનું વિચારતી નહોતી. અરે, જૂનું ઘર પણ ક્યાં હતું? ગોદાવરી જ ક્યાં હતી? નવો માલિક એ મકાનનું મરામત કામ કરાવી રહ્યો હતો. તેની વય પર વર્ષોની થપ્પી થતી હતી ને એક દિવસે તેણે મમતાને કહ્યું કે તે અનુરાગને પરણશે. હોઠ પર ક્યારેય એ પુરુષનું નામ નહીં લે. જમનીએ તાળું ખોલતાં કહ્યું, સાહેબ કાલે સાંજે આવશે. આખું ઘર તમારું. કરો આરામ. લક્ષ્મી... રસોઈ બનાવશે. દત્તાત્રેય સરના મે'માન છે. સરયુને જાત પર ચીડ ચડતી હતીઃ કેવી મૂરખી હતી? દોડી આવી આ છોકરીની સાથે. ના લેવા, ના દેવા. તે ના આવી હોત તો શું જાનકી અહીં ના પહોંચત? બસ... અહીં લઈ આવત, તે અહીં જ આવત, લક્ષ્મી કે જમની, તેને સાવચતા જોબ મળી જાત ને તે યુનિફોર્મ પહેરીને અહીં અધ્યાપન પણ કરત. દરેકને માર્ગ શોધવા પડે છે. પણ તે શું પામી? શું કર્યું તેણે? મૂરખી તો ખરી. આ બીજી.. મૂરખાઈ હતી. હવે... દત્તાત્રેયના ભેદ શોધ્યા કરવાના એ હશે કે બીજો કોઈક...? ને જાનકી અહોભાવપૂર્વક કહી રહી હતીઃ માસી તમને ભગવાને મોકલ્યાં. શું કરત અહીં એકલી એકલી? તે ધબ લઈને ખુરશી પર બેસી ગઈ હતી. પેલી કન્યાએ બાથરૂમ શોધી હતી. લક્ષ્મી આવીને પૂછી રહી હતીઃ બેન, શાક ને ભાખરી બનાયું છે. ફાવશે ને? બહુ તીખું નથી બનાવતી. સાહેબ તો મોળું જમે. મસાલો નહીં જેવો. ને સરયુ વિચારી રહી હતીઃ એ મહાશય તો કાલે સાંજે આવવાના હતા. બસ, એ પહેલાં જ અહીંથી નીકળી જવું. જાનકીનો ઈન્ટરવ્યુ તો આટોપાઈ ગયો હોય. શી પંચાત, તે ગમે તે હોય. ના બજેગા બાંસ, ના બજેગી બાંસુરી. તંતુ લંબાયો હતોઃ તે છે ને? ને પણ ક્યાંક હશે જ. કેટલાં જીવો હશે પૃથ્વી પર? ને તેમાં જાનકી સ્નાન આટોપીને આવી હતી. સારી લાગતી હતી એ છોકરી. સદ્યસ્નાના દરેકનો સમય હોય. તે પણ આવી હતી. અરે કાદમ્બરી હતી. આનંદથી તરબોળ! હવે તે પ્રૌઢા પણ બની જશે. શું કહેતો હતો અનુરાગ? સરયુ તેં મારો સંસાર તાર્યો હતો. ક્યાં જાત, એક સંતાનને લઈને. સાવ સપાટ. સાવ સાચી વાત હતી. હા... તેની સ્ત્રી માટેની ભૂખ સંતોષાતી હતી, ઘર ચાલતું હતું. ઘરે મા ખુશ હતી. તેણે દીકરીના હાથ પીળા કર્યા હતા. સરયુ સ્નાન કરવા સંચરી હતી. ને ત્યાં જાનકી બોલી હતીઃ માસી શું આ ઘરમાં કોઈ સ્ત્રી વસતી નહીં હોય? બાથરૂમમાં તો એક પુરાવો ના મળ્યો. સરયુ દંગ થઈ હતીઃ આ છોકરીને આ શું સૂજ્યું? ને તેણે ય શોધ આદરી હતીઃ ગોખમાં પુરુષનાં વસ્ત્રો હતા, સ્ત્રીનાં નહીં, કાંસકી, પીન, બકલ-બોરિયાં, રિબીન, બો પટ્ટી, અરીસો વગેરેની ગેરહાજરી. નેઈલ પેઈન્ટ, પફ-પાઉડર, સ્પ્રે... કશું નહીં. વિચાર્યું હતું કે ગૃહિણી કશેક...! દરમિયાન જાનકીએ રમત લંબાવી હતીઃ લેડીઝ ચપ્પલ... ભીંત પર અંબામાતા, જલારામ કે સીતા રામ એવાં ફોટા નહોતા. અરે, એ સ્ત્રીનો સોલો કે ગ્રુપ... એકેય..? ના નહીં. ફોટાઓ તો કોઈ પણ વયના હોય શકે. કોને ના ગમે નિજ દર્શન, કોઈ પણ સમયના? જાનકી અટકી હતી. તેણે તો નોંધપોથી વાંચવી શરૂ કરી હતી. એક બારી પાસે ખુરશી નાખીને બેસી ગઈ હતી. લક્ષ્મી રસોઈ બનાવી રહી હતી. એક પળ થઈ આવ્યું કે આ પ્રશ્ન તેને પૂછી શકાય તેવો હતો. બધી શોધનો કશો અર્થ ન હતો. બીજી પળે વાંચનમાં લીન થઈ ગઈ હતી. તે શું એ માટે અહીં આવી હતી? હસી પડી હતી. છો સરયુમાશી એ રમત કરે. તે તેની સામગ્રીમાં લીન થઈ હતી. ને સરયુનું મન હજી એમાં હતું, આ તે હશે? છેલ્લી મુલાકાત વખતે તેને વળગીને રડી હતી. રાતે થાકેલી-પાકેલી જાનકી તો પલંગમાં પડી. કહ્યું માસી, વહેલી જગાડજો. સવારે વાંચન થાય એ લાભદાયી. ને પછી તે... દત્તાત્રેયના ખંડમાં પ્રવેશી. રોમાંચ થયોઃ એક ભીંતને અડોઅડ પલંગ, પાસેની ટિપાય પર પુસ્તકોની થપ્પી-ઓશો, સરસ્વતીચંદ્રની ચારેય ભાગ. સાત્વિક વાંચન, શાક-ભાખરીના ભોજન જેવું. ભીંતો પર રાધાકૃષ્ણન્, ગીજુભાઈ બધેકા અને સ્વ. ગોદાવરીબા. પડી ઓળખાણ? આ તો એ જ દત્તાત્રેય. થયું. હવે શેની શોધ કરવાની હતી? ગણી નાખ્યાં વર્ષો. બસ, એકતાલીસ? સમવયસ્ક. સારું થયું કે એ મહાશય કાલે સાંજે આવવાના હતા. હશે ભાગ્યમાં, આ રીતે સાવ સમીપે... તેના ઘરમાં રાતવાસો કરવાનું? ને તેની સ્ત્રી? ગઈ હશે કશે પરગામ કે પછી આને છોડીને... કુતૂહલવશ ડાયરીઓ પર હાથ મુકાયો. ત્રણ ચાર હતી. ઓહ! ડાયરીઓ પણ લખાતી હતી. જરૂર તેની સ્ત્રીના પુરાવાઓ મળવાના. નથી ખોલાઈઃ વર્તમાનકાળ હતો એમાં સંસ્થાની વાતો, શું કરવાનું, શું થયું, કોને મળ્યા? આ તો આખે આખો માણસ બદલાઈ ગયો હતો. બીજી ડાયરીમાં હતું મોતીભાઈ મળ્યા. સરળ અને નિખાલસ વ્યક્તિત્વ. આજના શિક્ષણનો વિષય ચર્ચાયો. સ્પષ્ટ ખયાલો. પણ છેલ્લે પૂછ્યું દત્તાત્રેય કેમ ના પરણ્યો? હું તો બે વાર..? સરયું ચોંકીઃ તો શું નથી પરણ્યો? મોતીભાઈ ખડખડાટ હસી પડ્યા હતા. ને હું મૌન. એ ડાયરીમાંથી અતીત પ્રગટ્યો હતો. તે લખતો હતોઃ કોલકત્તાથી કેટલા પત્રો લખ્યા? બધાંય નિરુત્તર. એક બે તો પરત થયા હતા. સૂચના સાથે - માલિક લેવાની ના પાડે છે. ને મા શું કહેતી હતી? એકેય પત્ર આવ્યો એ છોકરાનો? તું નાહકની... મરે છે તેની પાછળ. ઓહ, કોણ લખતું હશે આ બધું? કોલકત્તાનું તેનું એડ્રેસ અધૂરું હતું. તેના પત્રો પણ ક્યાં મળતા હતા? સરયુને સમજ પડી હતીઃ મા કરતી હતી આ પ્રપંચ. ક્યાં ગમતી હતી ગોદાવરી કે તેનો પુત્ર. લખાણ વંચાયું શું તેની ઇચ્છા નહીં હોય? સંબંધ શું નાટિકા પૂરતો જ હશે? હું તો તેને સાચોસાચ ચાહતો હતો. મા... સરયુના સપનાં જોતી હતી. પછીની તારીખોમાં આજ વાત પુનરાવર્તિત થતી હતી. ‘ના હવે હું કોઈ સ્ત્રીને એ સ્થાન ના આપી શકું, જીવનભર. આ તો હૃદયની વાત હતી. મા એ... સ્વાતિની વાત કહી. શું કહું? મારો નકાર માને કેટલી નિરાશા આપી શકે. છેવટે સ્વાતિને સમજાવી.’ ‘મા ગઈ.. દુઃખી થતી. ક્યાં હશે સરયું? તે હજી મારી ભીતર છે. કદાચ, તેના માટે જીવું છું. સંસ્થા મળી. સરસ સ્થાન છે, પ્રાચીન આશ્રમ જેવું. સમય કપાય છે. કેવી ભેટી હતી છેલ્લી સાંજે? રઘવાટ હતો, જાણે છોડવાની પીડા હતી. ના ગયો હોત તો? ને હોત મારી પાસે, હું ઓળખું છું. એ સરયુ આમ ના વર્તે. કદાપિ નહીં.’ તે રડી પડી. ચોધાર. સારું થયું, આ છોકરી મને અહીં લાવી. પકડી લઈશ ચરણોને. મારાં અશ્રુઓથી ભીંજાવીશ, વંચાતું હતું મારી નસ નસમાં એ જ છે. મૂકો હાથ હૃદય પરને સંભળાશેઃ તુંહિ... તુંહિ... અચાનક જાગીને આવેલી જાનકીને સરયુનું રટણ સંભળાયું તુંહિ... તુંહિ.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ⚬❖⚬❖⚬❖⚬❖⚬