કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/રતિનું સાન્ત્વન
Jump to navigation
Jump to search
૨૮. રતિનું સાન્ત્વન
નહિ, નહિ, નહિ, જુઠ્ઠું; બાળ્યો અનંગ શિવે નહિ.
‘પણે નવવસંતમાં તરુણ કેસૂડે ફૂટતી
કળી અધૂકડી ખીલે; અરુણરંગી એ ડાંખળી
પરે કબૂતરાં રમે કુહૂરવે; તળાવે અહીં
નહીં જલ, સૂકું બધું નીરખતાં ઊડી સારસાં
જતાં યુગલમાં ભમે; ઊતરતી નિશા ગ્રીષ્મની.
અષાઢ વરસે, અને ગરજતાં ઘને નાચતો
મયૂર મદમત્ત આ, અરર – એકલો? ના, નહીં,
સમીપ નિજ પ્રેમની મૂરત મુગ્ધ છે ઢેલડી.
અને પ્રકૃતિમૉડશી નૃયુગલી બની જોડલી
રમે, શરદ ઉત્સવે, ગગનમાં ઢળે ચંદિરા.
નવાંકુરિત, તપ્ત, વા
શરન્નભ સુધાભર્યાં.
બધે પુરુષ-પ્રકૃતિ શિવ અને સતી શાં રમે,
મનોજ-રતિ જીવતાં અહીં અભિન્ન આ વિશ્વમાં.’
(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૧૮)