કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/આરાધ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯. આરાધ્ય

આકાશ-પુષ્પ સુરભિભર, ચારુ, એવી
બાલે સરી જીવનના પથમાં અજાણ;
ચિત્તે વસી વરદ વાક્ મુજ, ઓ કુમારી
તું પ્રેર, પ્રેર, જીવને કવિતા ફરીથી.
તારા વીણારવ સમા વચને જગાડી
ચિત્તે વહાવ વચનો રવનાદથી એ;
આલેખવા પ્રકૃતિ રંગ; અનેકરંગી
ઊકેલવા જીવન-મૃત્યુની ચિત્રલિપિ.
છે પૂજવી દૂરથી નેનજલે તને તો
એ જાણી અર્ચન તું પાછું નહીં જ ઠેલે.
તારાં ઉઘાડ નયનો, જલમાંહી એનાં
સૃષ્ટિજૂનું જીવન-ઘેન ફરીથી પીવું.
આરાધ્ય! જીવનની જે ક્ષણમાં નિહાળું
ધોઈશ અશ્રુ જલથી તુજ મૂર્તિને હું.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૫૮)