કાવ્યાસ્વાદ/૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૩

હંગેરીના એક કવિની કવિતા વાંચતો હતો. એમાં એ કહે છે : ‘આ દેવળો હવે પથ્થરની શબપેટી જેવાં બની ગયાં છે. ચારે બાજુ અસ્થિપુંજ, ખોપરીઓ-બસ, આ દૃશ્ય જોઈને મારી ઇન્દ્રિયો હજી જીવે છે – આ ભૂતાવળના તાણ્ડવ વચ્ચે? મારા શરીરમાં એવો કોઈ કોષ બચ્યો છે ખરો? એ વિભીષિકા મારા મગજના કોષ સુધી નથી પહોંચી ગઈ! એનો જ એ અંશ નથી બની રહી? કવિ, તારામાં રતિભાર શરમ બચી છે ખરી? – તું અહીં ધોળા બગલા જેવાં કપડાં પહેરીને ઊભો છે, આ પથ્થરની શબપેટી પર પગ મૂકીને! તને સહેજ સરખી શરમ આવે છે ખરી?’ હંગેરિયન કવિની બીજી રચના યાદ આવે છે. એ પોતાની માતાને કહે છે : ‘પછી તું મને મારા બાળપણના એ ઘરમાં લઈને સુવડાવજે, વૃદ્ધાવસ્થાને કારણે ઊપસી આવેલી નસવાળા તારા હાથથી મને નવડાવજે, મારી ખુલ્લી રહી ગયેલી આંખો ચૂમીને બંધ કરજે, મારી સૂઝી ગયેલી ગાંઠો પર હાથ પસારજે, અને પછી જ્યારે, મારા અસ્થિપિંજર પરથી ચામડી સુકાઈને ખરી પડશે, જે ગંધાતું શરીર હતું તે ફૂલોમાં મહેકી ઊઠશે ત્યારે હું ફરીથી ગર્ભપિણ્ડ બનીને તારું લોહી પીવા આવીશ. ફરીથી હું તારો નાનકડો કનૈયો બની રહીશ.’