કથાલોક/ખાલી શીશીમાં તડકો ભરવાનો ખેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૭
ખાલી શીશીમાં તડકો ભરવાનો ખેલ

જીવનનાં અસુંદર, અળખામણાં કુત્સિત પાસાંઓનાં આલેખનો આપણા સાહિત્યમાં સારા પ્રમાણમાં થયાં છે. પણ કમનસીબે, જૂજ અપવાદો સિવાય, અસુંદરતાનાં એ ઘણાંખરાં ચિત્રણો પોતે જ અસુંદર અને અણગમો પ્રેરે એવાં બની રહ્યાં છે. આજ સુધી અંધારી ચાલ, પાછલી ગલી, ગટરની દુનિયા વગેરેનાં ફોટુચિતરામણો એવાં તો બીબાંઢાળ, ઉછીઉધારિયાં, નકલિયાં ને કંટાળાજનક બનતાં કે વાંચનારને સૌન્દર્યનો અનુભવ જ થઈ શકતો નહિ. આપણા નવીન વાર્તાકારામાં ચન્દ્રકાન્ત બક્ષી માનવજીવનના આવા અણગમતા અંશો એમની કૃતિઓમાં ઉપસાવે છે. એમની તાજી નવલકથા ‘આકાર’ આવા અસુંદરતાના આલેખનનો એક સુંદર અને પ્રશસ્ય પ્રયત્ન છે. લેખકની પોતાની આગલી નવલકથાઓ કરતાં ‘આકાર’ની વશેકાઈ એ છે કે એમાં આઘાત ખાતર આઘાત આપવાનો એમણે પ્રયત્ન કર્યો નથી. આગલી કથાઓમાં દેખાતી જિન્સી તત્ત્વની વધારે પડતી આળપંપાળ પણ આ કથામાં બહુ દેખાતી નથી. જોકે કલકત્તાના કાશીપુરની પણ્યાંગનાઓનાં ઘેરાં જીવનચિત્રો અહીં જોવા મળે છે ખરાં. પણ કથાનો પ્રધાન સૂર કશી સસ્તી જિન્સી સમસ્યા નહિ પણ જીવન અને મૃત્યુની રહસ્યમયતા ચીંધતી એક વિચારપ્રેરક ફિલસૂફી છે. આ ફિલસૂફીને ‘અસ્તિત્વવાદ’ કે ‘નિષેધવાદ’ કે ‘નૈરાશ્યવાદ’ કે એવી કોઈ ઓળખચિઠ્ઠી ચોટાડવાની જરૂર નથી. એમ કર્યા વિના પણ કથાનો આસ્વાદ કરી શકાય છે. કથાનાયક યશ ન. શાહના જીવનની આ કહાણી પોતે જ એવી તો રસભરપૂર છે કે કૅમ્યુ કે સાર્ત્રની સહાય વિના પણ એનો કથારસ માણી શકાય છે. કથાના ઉત્તરાર્ધમાં પ્રોફેસર હર્ષ કાર્લ જેસ્પર્સકૃત ‘ટ્રેજેડી ઈઝ નોટ ઇનફ’ વાંચતાં જણાય છે. કાફકાએ વર્ણવેલા ‘ઇવિલ ગોડ’–દુષ્ટ ઈશ્વરનો પણ લેખક અહીં એકાદ વાર ઉલ્લેખ કરે છે. પણ આ વિચારો કથામાં લેખકે મારીમચડીને ઠાંસેલા નથી. એ વિચારકણિકાઓ પ્રથાપ્રવાહમાં દૂધ–માખણની જેમ મિશ્રિત બની રહે છે. યશ ન. શાહને નસીબે જીપ્સી જેવું જીવન જીવવાનું લખાયું છે. માબાપ ને મોટાભાઈના મૃત્યુ પછી એ કારાવાસથી માંડીને કોલસાની કૉલિયરી સુધીના અનુભવો લઈ રહે છે. ફૂટબોલની જેમ એ અહીંથી તહીં ફંગોળાતો જાય છે. એના જીવનમાં ત્રણ સ્ત્રીઓ પ્રવેશે છે : સરના, રેખા અને બુલબુલ. વત્તેઓછે અંશે આ ત્રણેય યુવતીઓ શિષ્ટ સમાજ જેને અસુંદર કહે છે એવાં સ્તરોમાંથી આવે છે. રેખા અને બુલબુલ તો બસ્તીની બજારબેસુ ઓરતો જ છે. આમાંની બુલબુલ જોડે કથાનાયકને આત્મીયતા બંધાય છે. બસ્તીમાંથી ‘ખાનકીઓના પાડા’માં આવી પડેલી બુલબુલ સાચે જ કાદવમાં ઊગેલા કમળની યાદ આપે છે. પણ એનો અને યશનો કિરસો રાજેશ્વરી અને અવિનાશના કિસ્સા જેવો સરલ કે ભાવુક કે સુષ્ઠુ સુષ્ઠુ નથી. એમની સમસ્યાનો ઉકેલ પણ ‘પૂર્ણિમા’માંના ઉકેલ જેવો સમન્વયવાદી કે સુધારવાદી કે સીધો–સુતરો નથી. બુલબુલ–યશનું મિલન તો અત્યંત વિષમ વિયોગમાં, કરુણતામાં પરિણમે છે. કથાનાં બધાં જ પાત્રોની સુખની શોધનો અંજામ એકસરખો કરુણ આવે છે. જીવનમાં કરુણતા જ બસ નથી, કરુણતા જ પૂરતી નથી, એ જાણે કે કથાનો કેન્દ્રવર્તી સૂર બની રહે છે. યશનો મિત્ર દીપ પુષ્કળ પૈસો કમાવા છતાં—બલકે, કદાચ એ કારણે જ–દુઃખી દુઃખી થઈ જાય છે. પ્રોફેસર હર્ષ એક ભયંકર ભેદ છુપાવીને શેષ જીવન વ્યતિત કરતો હોય છે. એ તો, મૃત્યુની નિયત સમયની પ્રતીક્ષામાં જ દિવસો ગુજારતો હોય છે. આખરે, એ અવધ કરતાં વહેલેરો આત્મઘાત કરીને જીવનમુક્ત બને છે. રાની જેવી મોટેરી બજાર–બેસુના સકંજામાંથી માંડ કરીને છૂટેલી બુલબુલ આખરે એ જ ખાનકીઓના પાડામાં પાછી જઈ પહોંચે છે. દેશની નામાંકિત નર્તકી બનવાનું સરનાનું સપનું ભાંગી પડે છે. અને કથાને અંતે આવી ડઝનેક જિંદગીઓના ભંગારના ટુકડાઓ જેવો આકાર ઊપસી રહે છે. યશની ભત્રીજી રીમા એક રમત રમતી હોય છે : ખાલી શીશીમાં તડકો ભરવાની. વાસ્તવમાં કથાનાં બધાં જ પાત્રોને આ વર્ણન લાગુ પડતું જણાય છે. એમની સુખની શોધ, ખાલી શીશીમાં તડકો ભરવા જેટલી જ મોહક છતાં વિફલ બની રહે છે. બક્ષીએ ઊપસાવેલો માનવજીવનનો આ આકાર રુચિભેદ ધરાવનાર કોઈ વાચકને અણગમો પ્રેરનારો લાગશે, છતાં એ અસુંદર તો નહિ જ જણાય. જીવનના અસુંદર અંશોનું આલેખન પણ એવું તો સુંદર બન્યું છે, કે આ કથા આર્થિક–સામાજિક અહેવાલ મટીને એક કલાકૃતિની કક્ષાએ પહોંચી શકે છે.

માર્ચ, ૧૯૬૩