આમંત્રિત/૪. સચિન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૪. સચિન

ન્યૂયોર્ક શહેરમાં અમુક એરિયા એટલા સુંદર હોય છે - જેમકે જૅકિના અપાર્ટમેન્ટનો એરિયા, કે પાર્ક ઍવન્યૂ, ફિફ્થ ઍવન્યૂ વગેરે. તો એ જ રીતે શહેરમાં સાવ સાધારણથી માંડીને, ગીચ, ગંદા, અને ડરામણા જેવા એરિયા પણ હોય છે જ. એમાંનો એક છેક ઉત્તર મૅનહૅતનમાં આવેલો હાર્લેમ વિભાગ કહેવાય. ત્યાં જૂનાં મકાનોમાં ઘણા ગરીબ લોકો રહેતા હોય છે, અને દારૂની તેમજ માદક દ્રવ્યોની લતે ચઢેલાં હોય તેવાં જણ પણ ખરાં. હાર્લેમ એરિયામાંની વસ્તી મોટા ભાગે બ્લૅક-અમેરિકન અને કરીબિયન લોકોની હોય છે, ને એ લોકો સાધારણ રીતે ગણાય ગરીબ કક્ષાના. અલબત્ત, એમાં અપવાદ ખરા જ. અને હવે તો ત્યાંનાં ‘બ્રાઉનસ્ટોન’ કહેવાતાં લાક્ષણિક મકાનોમાં પૈસાદાર વ્હાઇટ લોકો રહેવા આવવા માંડ્યા છે, ને તેથી ત્યાં ભાવ અને ભાડાં ઘણાં વધી ગયાં છે. સુજીત હવે ન્યૂયોર્ક શહેરના આ હાર્લેમ વિભાગમાં રહેતા હતા, જોકે કોઈ મોંઘા ને ફૅન્સી મકાનમાં નહીં, બલ્કે સાવ સાધારણ કોઈ ભોંયતળિયાની કોટડીમાં. બ્લૅક અને બ્રાઉન લોકોની વસ્તીને કારણે, હાર્લેમ એરિયા ઘણાંને ખતરનાક લાગતો હોય છે, પણ સુજીતની હાલત તો હતી જ અછત ને અભાવમાં રહેનારા ત્યાંના બીજા લોકો જેવી. ત્યાં બધાંને એ પોતાનાં જેવા જ લાગવા માંડેલા. એમને જોઈને આસપાસનાં, પાડોશનાં બધાં સહજ ભાવે ‘હેઇ બ્રધર, હાઉ આર યુ?’, કહેવા માંડતાં. કેટલી મહત્ત્વાકાંક્ષા રાખેલી જિંદગીભર. એમાં જ પછી જિંદગીનો મારગ ક્યારે ક્યાં ફંટાઈ ગયો, એનો ખ્યાલ ના રહ્યો. હવે કશું નહતું જોઈતું સુજીતને, ફક્ત જીવે ત્યાં સુધી શાંતિ જોઈતી હતી. સાવ સાધારણ જિંદગીમાં ઘણી વાર વધારે સુખ ને શાંતિ હોય છે, તે એ હવે અનુભવી રહ્યા હતા. આથી જ, એક રાતે સચિનનો ફોન આવ્યો ત્યારે સુજીત ક્રોધ, ક્ષોભ, નાનમ કે અપમાન જેવું કશુંયે અનુભવી ના શક્યા. પોતાનો દીકરો હતો. ગમે તે બની ગયું, પણ સચિન એમનો વહાલો દીકરો તો રહ્યો જ હતો. કેટલાંક વર્ષો પહેલાં, લિમોઝિન કંપની પાસેથી સરનામું મેળવીને, સચિને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પણ વડીલ પ્રત્યેના વિવેક બાબતે અપૂરતું ધ્યાન આપવાને કારણે એ નિષ્ફળ ગયો હતો. પછી તો સુજીતના ઠેકાણાની કોઈને ખબર જ નહતી. હમણાં આઠેક મહિના પહેલાં જ સુજીતે રૉબર્ટને નંબર આપેલો, ને કોઈ એવા સંજોગો બન્યા હશે કે સચિન એ નંબર મેળવી શક્યો હતો. રખેને પાપા વાત ના કરે, ફોન પછાડીને મૂકી દે, ફરી ના ઉપાડે - જેવી આશંકાઓને લીધે સચિન જલદીથી બોલવા માંડેલો, “મને માફ કરો, પાપા. મને માફ કરી દો. ફરી એવી ભૂલ ક્યારેય નહીં કરું.” “અરે, આ શું બોલે છે, બાબા. માફી માગવાની ના હોય પાપાની. જો, ફોન કરીને તું હમણાં ભૂલ સુધારી જ રહ્યો છુંને.” પાપા સાથે વાત થયા પછી સવાર સુધી સચિને મુશ્કેલીથી રાહ જોયેલી. એને તો ત્યારે જ સુજીતને મળવા જવું હતું, પણ એટલી રાતે હાર્લેમમાં ના આવવું, એમ સુજીતનું કહેવું હતું. બહુ ડર જેવું નહતું, પણ જે ત્યાંની ગલીઓથી માહિતગાર ના હોય તેણે સાચવવું સારું, એમ સુજીતનું માનવું હતું. પછી સવારે જ્યારે, બસ્તી જેવા લાગતા એ એરિયામાં સચિન પહોંચ્યો ત્યારે સુજીત એની રાહ જોતા રસ્તાની ફૂટપાથ પર ઊભેલા. કેવા સૂકાઈ ગયા હતા પાપા. જાણે ઓળખાય પણ નહીં. કદાચ બે દિવસથી દાઢી પણ નહતી કરી. કપડાં ધોયેલાં હશે, પણ ઈસ્ત્રી કરેલાં નહતાં. એ ઘડીએ વિચારમાં અટકવાને બદલે, અને લોકોની અવરજવરની પરવા કર્યા વગર, દોડીને સચિન સુજીતને પગે લાગ્યો. એમના પગ પકડી રાખીને ‘સૉરિ, પાપા, સૉરિ, પાપા’, બોલતો રહ્યો. એ બંનેને ખ્યાલ નહતો કે ત્યાં સુધીમાં રહેવાસી લોકો એમની આસપાસ ઊભા રહી ગયા હતા. પિતા-પુત્ર ભેટ્યા ત્યારે તાળીઓ પડી; ‘હેઈ બ્રધર, ધિસ ઈઝ નાઈસ, માય મૅન’, જેવું બોલતાં બોલતાં અમુક જણ ભાવપૂર્વક અંદર અંદર પણ ભેટ્યાં, અને કેટલાંક જણ સુજીત ને સચિન બંનેને પણ ભેટ્યાં. સચિન જરા આભો બની ગયો હતો. એના પાપાને હાર્લેમ જેવી જગ્યામાં પણ મિત્રો, કે જાણે સ્વજનો, થઈ ગયા હતા. સુજીતને પોતાની નાની, અંધારી જેવી કોટડીમાં સચિનને લઈ જવાની ઈચ્છા નહતી, પણ સચિન બેસીને વાત કરવા માગતો હતો. સુજીતે બાજુના કાફેમાં જવાનું કહ્યું, પણ સચિને નરમાશથી આગ્રહ કર્યો કે “મને તમારા રૂમમાં આવવા દો, પાપા.” એને વાત તો કરવી જ હતી, પણ ખાસ તો પાપાનો સામાન લઈને, ત્યારે જ એમને પોતાના અપાર્ટમેન્ટ પર લઈ જવા હતા. સુજીતની આવી કોઈ ધારણા હતી નહીં. સચિનના આગ્રહભર્યા આમંત્રણથી એ સ્તબ્ધ થઈ ગયા. “બાબા, હું અહીં બરાબર છું. તેં જોયું ને, લોકો કેવા મિત્ર બની ગયા છે મારા. ને મારી પાસે નોકરી પણ છે. મારું બરાબર ચાલે છે. તારે મારે માટે આવી કોઈ તકલીફ લેવાની જરૂર નથી”, એમણે કહ્યું. સચિનને મા-બાપ “બાબા” કહે તે જરા પણ પસંદ હતું, ને એ કેવો ગુસ્સો કરતો, તે સુજીતને યાદ આવ્યું. એ બોલ્યા, “જો સચિન, હવેથી આપણે સંપર્કમાં રહીશું. ફોનમાં વાત કરતા રહીશું, ને તારી સગવડ-ફુરસદ પ્રમાણે ક્યારેક ક્યારેક મળીશું. હું હવે ન્યૂયોર્ક છોડીને નહીં જતો રહું, તને ખાતરી આપું છું.” પણ સચિને એ કોઈ વાત સાંભળી નહીં. બંનેની દલીલો ચાલતી રહી. છેવટે સચિને એક વચલો માર્ગ સૂચવ્યો. “પાપા, હમણાં તમે મારી સાથે ઘેર ચાલો જ. થોડા દિવસ રહો, ને જુઓ કે તમને ગમે છે, ફાવે છે કે નહીં. આ જગ્યા હમણાં છોડીશું નહીં, બસ? આપણે ભાડું આપતાં રહીશું. પછી તમે જે કહેશો તે કરીશ. બરાબર ને, પાપા?” સચિન શું વકીલ થયો હતો?, સુજીતે વિચાર્યું. એણે એવી દલીલ કરી, કે એની વાત માનવી જ પડે. દીકરાનું મગજ સાચે જ પોતાના જેવું જ અણીદાર હતું, તે જોઈને સુજીતનું ગળું ભરાઈ આવ્યું. બંને બહાર નીકળીને ઉપર રસ્તા પર આવ્યા ત્યારે રસ્તા પર હવે કોઈ લોકો ભેગા થયેલા નહતા. ફક્ત લિરૉય અને ફ્રાન્કો જ ઊભા હતા. જાણે સુજીતની રાહ જોઈને. સચિને એક નજરમાં જોઈ લીધું કે લિરૉય બ્લૅક હતો, એનાં કપડાં સુઘડ હતાં, પણ વાળ થોડા સફેદ થવા લાગ્યા હતા. અને ફ્રાન્કો કૅરીબિયનનો હશે એમ એના જટિયા જેવા, લાંબા વાળ પરથી લાગ્યું. ત્યાંના ટાપુઓ પર ‘રાસ્તાફારી’ નામના પંથના લોકો આવા વાળ રાખતા હોય છે. એ વધારે ચૂપ રહેતો હતો, અને વર્તનમાં પણ લિરૉયને અનુસરતો લાગ્યો. બંને હતા ઊંચા અને કદાવર. જોઈને કોઈ પણ અજાણ્યાને જરા ડર લાગી જાય. પણ એ બંને હતા કેટલા નરમ અને સ્નેહાળ, તે જરા ધ્યાન આપો તો તરત દેખાઈ આવે. સુજીતના હાથમાં નાની બૅગ જોઈને બંને એક સાથે બોલ્યા, “વ્હેર આર યુ ગોઈન્ગ, માય મૅન?” સુજીતની બધી વાત સાંભળ્યા પછી લિરૉયે કહ્યું, કે “તો ભલે, પણ થોડા દિવસ દીકરાને ત્યાં આરામ કરીને પછી અહીં પાછો આવી જ જજે. શું ખોટું છે અહિંયાં? અમે છીએને તારી સંભાળ રાખવા. ખરું કે નહીં, ફ્રાન્કો?” ફ્રાન્કોએ હા પાડતાં માથું હલાવ્યું. સુજીતે પણ હા પાડી, અને બંનેને ફરી ભેટ્યા. પાપાની સંભાળ રાખવા બદલ એમનો આભાર સચિને સાચા દિલથી માન્યો, અને એક ટૅક્સી ઊભી રખાવી. પાપાને એ શહેરની વૅસ્ટ સાઈડ પરના સારા એરિયામાં લઈ જતો હતો. પણ આવા મિત્રોને છોડશે, તેથી ત્યાં પાપાને ગમશે તો ખરું ને? સચિને બંને તરફની તૈયારી રાખી હતી. જો પાપા ઘેર આવશે તો એ બે અઠવાડિયાંની રજા લઈ લેશે, એમ નક્કી કરેલું. ઑફીસમાં વાત કરી પણ રાખેલી. આમ તો સુજીત ઠીક લાગતા હતા, પણ સચિને જોયું કે જરામાં એમને શ્વાસ ચઢી જતો હતો, ભૂખ પણ જાણે મરી ગઈ હતી. હવેથી એ જ પાપાની પૂરી કાળજી કરવાનો હતો. એણે મુખ્ય બેડરૂમ પાપા માટે રાખ્યો હતો. પોતે બાજુનો નાનો રૂમ વાપરી લઈ શકશે. સુજીતની આનાકાની એ સાંભળે ખરો? “જુઓ, પાપા, આ પથારીમાં તમને સરસ આરામ મળશે, સરસ ઊંઘ આવશે. બારીમાંથી આકાશ અને ઝાડપાન દેખાય છે, એટલે ગમશે. જોજોને, સવારે પંખીઓના ટહુકા પણ સંભળાશે. તમે માનશો જ નહીં કે ન્યૂયોર્ક જેવા શહેરમાં આમ બને !” બે અઠવાડિયાં સચિન ઘેર જ રહ્યો. પાપાને કંપની આપી, પોતાની ઑફીસ વિષે વાતો કરી, સારું સંગીત સંભળાવ્યું, રસોઈ કરીને ખવડાવ્યું પણ ખરું. એક-બે વાર જૅકિને ફોન કરીને ઇટાલિયન પાસ્તાની અને ફ્રેન્ચ ક્રૅપની રેસિપિ પણ લીધેલી. “અરે, જુઓ તો ખરા, મને આવડે છે કે નહીં.” જોકે બહુ આવડતું તો નહતું જ, એટલે ક્યારેક ગોટાળા પણ થતા. ત્યારે બાપ-દીકરો સામસામે બહુ હસતા. ફોન પર જૅકિને બહુ લાંબી વાત નહતી કરી. “મળીશું ત્યારે કહીશ”, સચિને કહ્યું હતું, પણ જૅકિને મળવાનું બની શકતું નહતું. એ કારણે સચિન મનમાં જરા નિરાશ થતો, તોયે પાપા કમ્ફર્ટેબલ છે, આનંદમાં છે, એ જોઈને એના જીવને શાંતિ પણ થતી. બહુ હેરાન થયા પાપા. પોતાના કુટુંબ તરફથી જ વધારે હેરાન થયા, ને એથી જ એમનું નસીબ પણ બગડ્યું. ભલે અજાણતાં, પણ એણે પોતે એમને હેરાન કર્યા, અંજલિએ એમને હેરાન કર્યા. પત્નીએ તો એમને દુઃખી કરવાની હદ ના રાખી. કાનૂની ફરમાન લઈ આવીને એમના પોતાના જ ઘરની બહાર ફગાવી દીધા. “એવો હક્ક એ લાવી જ ક્યાંથી?”, વિચારવા બેસતાં જ સચિન મૉમ પ્રત્યે રોષથી સળગી ઊઠતો. પાપા સાથે બધીયે વાતો કરતો, પણ કુટુંબ સાથેના ભૂતકાળની વાત ક્યારેય ના થતી. બંને જણ એ ટાળતા. બંનેમાંથી એકને પણ એ ઉખેળવામાં રસ નહતો. ધીરે ધીરે સુજીત સ્વસ્થ થતા જતા લાગ્યા. એમની નોકરીમાં સચિને રજા મૂકાવેલી, પણ તે હવે છોડી જ દેવાની હતી. “પાપા, હવે હું તમને કોઈ નોકરી નહીં કરવા દઉં, તમને કોઈ તકલીફ લેતા હું જોઈ નહીં શકું. બસ, તમે નિરાંતે રહો. આરામ કરો, વાંચો.” સચિનની રજા પૂરી થઈ ત્યાં સુધીમાં બે બહુ સારી વાત બની. સાંજે સાંજે સચિન સુજીતને નીચે ચાલવા લઈ જતો. મૅનહૅતનના એ રહેવાસી વિસ્તારની ગલીઓમાં બહુ ધમાલ ના રહેતી. ને પાંચેક મિનિટ પછી એક નાનો સરસ બાગ હતો. લોકો ત્યાં ફરવા જતા, છોકરાંઓ રમવા આવતાં. સુજીતને ગમતું ત્યાં જવાનું. એક દિવસ એક ઇન્ડિયન ભાઈની સાથે ઓળખાણ થઈ. એમનું નામ દિવાન હતું, એ વિધુર હતા, અને પોતાનાં દીકરા-વહુ સાથે રહેતા હતા. બન્યું પણ એવું કે એ સચિનની બાજુના જ મકાનમાં હતા. પછી તો સુજીત અને દિવાન અંકલને એકબીજાની સારી કંપની થઈ ગઈ. એમનાં મુકુલ અને રીટાએ સુજીત અને સચિનને એક વાર સાથે જમવા બોલાવી પણ લીધા. ને ત્યારે ખબર પડી કે રોજ સાંજે એમને ત્યાં રસોઈ કરવા એક બહેન આવે છે. પછી તો એ માલતીબહેનને પૂછ્યું, ને એમને બપોર સુધી સમય હતો, એટલે સચિનને ત્યાં પણ એમનું જવાનું નક્કી થઈ ગયું. સચિનને મનમાં બહુ નિરાંત થઈ ગઈ. હવે સોમથી શુક્ર, તેમજ જરૂર હોય તો શનિ-રવિમાં પણ, પાપાને પૌષ્ટિક, અને સ્વાદવાળું ખાવાનું ખાવા મળશે. “હાશ, હવે મારે કોઈના કાચા પ્રયત્નોનો ભોગ નહીં બનવું પડે”, સુજીતે દીકરાને ચિડાવ્યો. બાપ-દીકરો ફરી બહુ હસ્યા. એ પછી પણ સચિને પોતાની ઑફીસમાં એવી વ્યવસ્થા કરી દીધેલી કે સવારે ઘેર થોડું કામ કરીને ઑફીસે જાય, અને છએક વાગ્યા સુધીમાં પાછો આવી જાય. માલતીબહેન બારેક વાગ્યે આવે, રસોઈ અને થોડી સાફસૂફી કરી, બપોરે ત્રણેક વાગ્યે બાજુમાં દિવાન અંકલને ત્યાં જતાં રહે. જમ્યા પછી સુજીત જરા આડા પડે. ઊઠીને ચ્હા બનાવીને પીએ એટલાંમાં સચિન ઘેર આવી જાય. “નાના બાળકની જેમ મારી આટલી બધી દેખરેખ રાખવાની જરૂર નથી, બાબા”. પણ આટલું બોલતાંની સાથે સુજીત સભાન થયા, ને “સૉરિ સચિન, સૉરિ”, કહેવા લાગ્યા. “ના, પાપા, એવું બીલકુલ ના બોલો. તમે મને જે રીતે બોલાવશો તે મને ગમશે. તમારો સ્નેહ મળતો રહે, એ જ જોઈએ છે મારે.” આટલું પાપાની સાથે રહેતો હતો, છતાં સચિન શનિ-રવિની રાહ જોતો. ત્યારે તો સવારથી જ સાથે, છૂટાં પડવાનું જ નહીં. એણે નિયમ જ કરી લીધો હતો કે શનિવારે આખો દિવસ ઘેર જ રહેવાનું. સુજીતના કહેવાથી શનિવારે સાંજે બહાર જવા જેટલી છૂટ સચિને પોતાને આપેલી. જૅકિ સાથે ઓળખાણ થયા પછી લગભગ દર શનિવારે એને મળવાનું ગોઠવાતું. આજે શનિવાર તો હતો, પણ મુકુલ, રીટા અને દિવાન અંકલ સાથે ક્યાંક જવું જ પડે એમ હતું. એ લોકોનાં કોઈ ખાસ ઓળખીતાંને ત્યાં મોટી પાર્ટી હતી, ને દિવાન અંકલનું કહેવું હતું કે સુજીતભાઈને ગમશે. “તને ય ગમશે, સચિન. નવી ઓળખાણો થશે”, એમણે કહેલું. એ ત્રણેનો બહુ આગ્રહ થયો, ને પાપાને પણ જવાનું મન હોય એમ લાગ્યું, એટલે સચિન પોતાના પ્લાન વિષે કાંઈ બોલ્યો નહીં. જૅકિ બહુ સારી અને ઠરેલ છોકરી છે, એ ચોક્કસ સમજશે કે મારી મજબૂરી હતી, સચિને મનમાં કહ્યું.