આમંત્રિત/૩૧. સુજીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૩૧. સુજીત

ન્યૂયોર્કમાં ઉનાળાના દિવસો બહુ સારા લાગે છે. ગરમી હોય, તડકો હોય, પણ સહેજ છાંયડામાં જાઓ કે તરત હવાનો ખૂબ આલ્હાદક સ્પર્શ ત્વાચાને મળે. આ માણવા માટે કોઈ લોકો ક્યારેક બપોરે ખાસ બહાર નીકળે. જાણે ગરમી ને તડકાનો સાગર ઘુઘવતો હોય, ને લોકો કોઈ પરપોટાની અંદર શીતળતા માણી શકતા હોય. સાંજ તો જાણે સરસ જ હોય. વાતાવરણમાં ઠંડક થઈ જ જાય, ને પાર્કમાં ચાલવા જાઓ તો બહુ જ આનંદદાયક લાગે. હું અને દિવાન ઘણી વાર જઈએ છીએ. સચિન અને જૅકિને તો રિવરસાઇડ પાર્ક નીચે જ છે, ને ત્યાંથી હડસન નદી બહુ સરસ દેખાય, પણ એ બંને તો ન્યૂયોર્કના વિખ્યાત એવા સેન્ટ્રલ પાર્કમાં પણ જાય. સચિન તો કહે, એકસો ચોરસ એકરનો આવો વિશિષ્ટ પાર્ક આ શહેરની વચમાં હોય, તે કોઈ આધુનિક ચમત્કાર જ કહેવાય. એમાં ઝાડપાન, ફૂલો, તળાવો, કેડીઓ તો છે જ, પણ બાળકો માટે પ્રાણીગૃહ, ક્રિકેટ રમાય તેવું ગ્રાઉન્ડ વગેરે પણ છે. વળી, ઉનાળામાં ક્યાંક નૃત્ય ને સંગીતના કાર્યક્રમ ચાલતા હોય, શિયાળામાં બરફ પર સ્કેટિન્ગ. ઉપરાંત, નાટક માટે થિયેટર, જાઝ મ્યુઝિક માટે બૅન્ડશૅલ, ઑપૅરા માટે વિશાળ ચોગાન. કેટકેટલું છે સેન્ટ્રલ પાર્કની અંદર. “બધા જ કાર્યક્રમો પાછા ફ્રી હોય, પાપા, એટલે લાઈનો પણ બહુ લાંબી હોય. ક્યારેક તો કલાકો પહેલાં જઈને લાઈનમાં ઊભાં રહો, ને છેલ્લે વારો ના યે આવે. ભઇ, આ તો ન્યૂયોર્ક શહેર છે. અહીં તો એનું જ ધાર્યું થાય!”, સચિન કહેતો હતો, કે ખલિલને ત્યાંના પ્રસંગોમાં બે દિવસ બહુ બિઝી ગયા. એના અવાજ પરથી એ જરા થાકેલો લાગેલો. ત્યારે જરા શાંતિ પામવા, અને આનંદ મેળવવા, એ અને જૅકિ સેન્ટ્રલ પાર્કમાં ફરવા ગયેલાં. એના એક ખૂણામાં નાનું કાફે છે. ત્રણ કે ચાર નાનાં ટેબલ છે, બસ. ત્યાં કૉફી પીવા બેઠાં, તો બાજુમાં જ ત્રણ યુવાનો ટ્રમ્પેટ, ફ્લુટ અને ડ્રમ પર જાઝ સંગીત વગાડતા હતા. એમની સહજ ટૅલન્ટ જોઈને જ ખુશ થઈ જવાયું, સચિને કહ્યું હતું. સચિનની બહુ ઈચ્છા હતી, ને મારી પણ હતી, કે લિરૉયને અને ક્લિફર્ડને જમવા બોલાવીએ. એણે ફોન કરીને પૂછી જોયું કે ક્યારે આવશે, અને જમવામાં શું ફાવશે. કદાચ ઇન્ડિયન ખાવાનું ના ભાવતું હોય. પણ એ બંનેને તો ભાવતું હતું, એટલે માલતીબહેન પાસે બધું બનાવડાવી લેવાશે. એમને અને અમને બધાંને લંચ-ટાઇમે વધારે ફાવે તેમ હતું, તે સારું થયું. એ રીતે વધારે વખત સાથે રહી શકાય છે. અંજલિ અને માર્શલને બીજો પ્લાન હતો, એટલે એ બે બહાર હતાં. અમે પાંચ જણ હતાં - લિરૉય, ક્લિફર્ડ, સચિન, જૅકિ અને હું. બહુ સારું રહ્યું. જાતજાતની વાતો થઈ. ખાસ કરીને ક્લિફર્ડ અને જૅકિની વચ્ચે. લિરૉય પણ હવે કેવી સરસ વાતો કરતો થઈ ગયો હતો. ઘણું વાંચતો થઈ ગયો હતો ને. એ તો સાથે એનો બૅન્જો લઈને આવેલો. જમ્યા પછી એની મેળે જ એ તાર પર સૂર વગાડવા લાગ્યો. થોડું કંઇક ગાયું પણ ખરું. શબ્દો બહુ ચોખ્ખા સંભળાય નહીં, એટલે લિરૉય પણ હસે ને અમે પણ હસીએ. પણ એ ટ્યુન બહુ ગમ્યા. જાણે સાથે નાચવાનું મન થઈ જાય. ત્યારે લિરૉયે સમજાવ્યું, કે આને બ્લુ-ગ્રાસ મ્યુઝીક કહે છે. વિલિયમ મનરો નામના મ્યુઝીશિયને, ૧૯૪૦ના દાયકામાં આ સ્ટાઇલ શરૂ કરેલી. અત્યારે પણ એ લોકપ્રિય ગણાય. “અમેરિકાનું એક પ્રકારનું લોક-સંગીત, એવી સાદી વ્યાખ્યા આપી શકાય”, લિરૉય બોલ્યો. પછી ક્લિફર્ડને શું સૂઝ્યું, તે એણે જૅકિને એક ફ્રેન્ચ ગીત ગાવા કહ્યું. જૅકિએ ના, ના, તો કર્યું, પણ પછી આગ્રહ કરવામાં લિરૉય પણ જોડાયો. જૅકિ સચિનની સામે જોઈ રહી, કે ‘તું ના પાડ ને આ લોકોને’; પણ જબરો સચિન, એણે તો ઊલટું જૅકિને એક ગીત યાદ કરાવ્યું, કે એ ગા. ઘણું શરમાતાં જૅકિએ કહ્યું, “સારું, ટ્રાય કરું છું.” ને પછી બહુ જ ધીમેથી, મધુરતાથી— “ઝે વૂ કે ગાલેરેસ દેવિયેનાઁ લે મિયેનોંસ, ઝે વૂ ક્વોઁ સ આપ્રેને, તુ એસ મોઁ સૂરિર — તુ એસ માઁ સૂરિર —” સચિન પણ છેલ્લી લાઈનમાં જૅકિ સાથે જોડાયેલો. અર્થ સમજાવતાં એણે કહ્યું, “હું ઈચ્છું છું કે તારી તકલીફો મારી બને, હું ઈચ્છું છું કે આપણે એકબીજાંને સમજીએ, તું જ મારું સ્મિત છે —.” ક્લિફર્ડે કહ્યું, “કેવું સરસ પ્રેમનું ગીત છે. ફ્રેન્ચ ભાષા બહુ જ મીઠી છે, નહીં?” જુદા જુદા દેશો અને પ્રદેશોમાં ફ્રેન્ચ ભાષા, બલ્કે કોઈ પણ ભાષા કેવી બદલાતી હોય છે, એ વિષે ક્લિફર્ડે થોડી વાત કરી. જેમકે, ફ્રેન્ચમાંથી અપભ્રંશ થઈને બનેલી ક્રેયોલ બોલી કરીબિયનમાંના કેટલાક ટાપુઓની મુખ્ય ભાષા છે, વગેરે. એ પરથી વાત ફંટાઈ, ને ક્લિફર્ડે હાર્લેમમાં આવેલા આફ્રીકન-અમેરિકન સાંસ્કૃતિક કેન્દ્રનો ઉલ્લેખ કર્યો. “હાર્લેમ હૉસ્પિટલની સામે જ છે. નવું સરસ બિલ્ડીન્ગ છે. એ ભાગ જોઈને ખ્યાલ પણ ના આવે કે આ હાર્લેમ હશે. એ કેન્દ્રમાં એક મ્યુઝિયમ પણ છે. ત્યાં સારાં પ્રદર્શન આવે છે. ક્રેયોલ બોલી અને તે તે સમાજ પરનું એક બહુ સરસ પ્રદર્શન મેં બેએક મહિના પહેલાં જોયેલું. સાથે અમુક સાંજે ત્યાનું મ્યુઝીક પણ હતું. આવતે મહિને વૅસ્ટર્ન ઇન્ડિયાના સીદી સમાજ વિષે એક પ્રદર્શન શરૂ થવાનું છે. મૂળ આફ્રીકાથી ઈન્ડિયા ગયેલા, અમુક બહાદુર સીદી કઈ રીતે આગેવાન બન્યા હતા, અથવા ત્યાંના રાજાઓના અંગત સલાહકાર બન્યા હતા, વગેરે બાબતો વિષે લખાણ અને ફોટા મૂકાશે. એ જોવા જવાનું મન હોય તો હું તમને લઈ જઈશ”, ક્લિફર્ડે સચિન અને જૅકિને કહ્યું. “ઓહ, ચોક્કસ”, જૅકિ બોલી. “અમે જરૂર આવીશું, નહીં, સચિન? જઈશુંને? બહુ જ રસપ્રદ લાગે છે.” “આપણે બધાં જઈશું”, ક્લિફર્ડે કહ્યું. “તમે ગયા છો ત્યાં, ફાધર?” લિરૉયે બહુ હસતાં હસતાં જવાબ આપ્યો. “માય સન, હાર્લેમના સારા કહેવાય તેવા કોઈ એરિયામાં અમે ગયા જ નથી. ખરું કે નહીં, માય મૅન?”, એણે મને પણ જવાબમાં સમાવી દીધો ! પણ હું આ સંવાદ સાંભળીને સંતોષ પામતો હતો. ને મને થતું હતું, કે કેવી અજબગજબની વાતો લાગે છે જાણે. આ કશાની મને જાણ નથી, ને આ કશી વાતોમાં હું ભાગ પણ લઈ શકું નહીં. પણ છોકરાં કેટલાં હોંશિયાર છે, પોતાનાં ક્ષેત્ર ના હોય તોયે માહિતી હોય એમની પાસે, ને રસ પણ હોય. ધાર્યું હતું તેમ લિરૉય અને ક્લિફર્ડ નિરાંતે જ બેઠા. કલાકો જાણે ક્યાંયે જતા રહ્યા. એ બંને ગયા ત્યાં જ દિવાનનો ફોન આવ્યો. એ પાંચેક વાગ્યે શર્માજીની પાસે જવાના હતા. એમણે મને પણ સાથે જવાનું કહ્યું. મેં સચિનને પૂછીને દિવાનને હા કહી દીધી. “તમે તો મિત્રોમાં બહુ બિઝી રહો છો, હોં, પાપા”, સચિને મજાક કરી. હું જાણું, ને એ ય જાણે કે મારે આ બે ફ્રેન્ડ છે. ને ત્રીજો તે લિરૉય. બસ! પણ પૂરતા છે, ને બહુ નિરાંત લાગે છે મને એમની સાથે. બે-ત્રણ દિવસ પછી મેં સચિનને ફોન કરીને મળવા બોલાવ્યો. એ પહેલાં તો ચિંતા કરવા લાગ્યો, “શું થયું, તબિયત ઠીક નથી, પાપા?” મેં ખાતરી આપી કે એવું કાંઈ નથી. સચિન જરા વહેલો આવી શક્યો, એટલે ઘણા દિવસે અમને સાથે ચ્હા પીવાનો સમય મળ્યો. માલતીબહેને મારે માટે હાંડવો બનાવી રાખેલો. કહે, કે “ભાઈ, સવારે ચ્હા સાથે લેવો ગમશે.” તો લો, આ તો બપોરની ચ્હા માટે જ કામમાં આવી જવાનો. સચિનને તો મને શું થયું છે તે જાણવાની ઉતાવળ હતી. વાત એમ હતી, કે શર્માજી અને લોકેશ-શીલા ઈન્ડિયા જવાનાં હતાં. એમને માનિનીનાં અસ્થિ ગંગામાં પધરાવવાની ઈચ્છા હતી. હરદ્વાર જાય કે પ્રયાગરાજ, તે હજી વિચારણામાં હતું. લાગે છે કે દિલ્હીથી ટૅક્સી કરીને હરદ્વાર જવું સહેલું પડે. પછીથી એ ત્રણ બોધગયા જવાનું ધારતાં હતાં. “બહુ સારો પ્લાન છે, સચિન. એટલેકે, શર્માજીએ મને એમની સાથે ઈન્ડિયા જવાનો ઘણો આગ્રહ કર્યો છે. એમ તો દિવાનને પણ કહ્યું છે. એ જોકે નહીં જાય. એમને ઈન્ડિયા જવાની હવે ઈચ્છા જ નથી —” “પણ પાપા, છેક ઈન્ડિયા તમે એકલા જાઓ તે —” “અરે, એકલા ક્યાં છે? એ ત્રણ જણની સાથે જ હું હોઈશ.” “પણ પાપા, તમને કંાઈ થયું. તબિયત ઠીક ના રહી —” “જો સચિન, આમ જુએ તો શર્માજીની તબિયત વધારે નાજુક છે. અને એમનાં લોકેશ અને શીલાને એ ખબર છે, એટલે બધી સગવડ અને સાવધાની રાખવાનાં. વળી, શર્માજી મારાથી થોડા મોટા છે. એમની સંભાળ હું રાખતો રહેવાનો. બાબા, મારું દિલ ઘણું ઘવાયેલું, અને નબળું પડેલું, પણ તારી કાળજીને લીધે એ હવે સ્વસ્થ છે, આનંદમાં છે. શર્માજીએ પણ આઘાત સહન કર્યા છે - પત્નીને ગુમાવવાનો, પૌત્રીને ગુમાવવાનો. એ આઘાત હજી રુઝાયા નથી. મારી કંપની હશે, તો એ એકલા નહીં પડે, અને મન જોવા-ફરવામાં પરોવાતું જશે.” સચિન હજી કોઈ બીજી દલીલ શોધતો હતો, ત્યારે મેં કહ્યું, “મને ઈન્ડિયા ગયે કેટલાં વર્ષો થયાં. તું દોઢ કે બે વર્ષનો હતો ત્યારે તને લઈને ગયેલાં. મારે ફરી એ શહેરમાં તો જવું જ નથી. એક વખત ત્યાં મા-બાપનું ઘર હતું, પણ તે તો ક્યારનું તારા નાના કાકાએ પચાવી પાડ્યું. ઈન્ડિયામાં મારા ભૂતકાળનો એક લિસોટો પણ નથી રહ્યો. પણ આ સંગાથ છે તો છેલ્લે એક વાર જઈ આવું. આવી તક ફરી મને ક્યાંથી મળવાની?” એ વખતે મને લાગ્યું કે સચિન જાણે જરા ઝંખવાઈ ગયો હતો. ઓહ, કદાચ એણે વિચાર્યું પણ હોય કે એ જૅકિને પોંડિચેરી લઈ જાય ત્યારે મને પણ સાથે લઈ જશે. પછી અમે બધાં ચેન્નાઈ જઈશું. જોકે મારે ચેન્નાઈ હવે જવું જ નથી. પણ એ બિચારો પોતે કંઇક નક્કી કરે, ને મને આ વિચાર જણાવે તે પહેલાં શર્માજી સાથે ઈન્ડિયા જવાની વાત આવી, તેથી સચિનને જરા પસ્તાવો થતો લાગે છે. એના મનમાં કદાચ એમ પણ થતું હોય કે હવે એ મને કહે કે ‘પાપા, મેં તમને અમારી સાથે લઈ જવાનું વિચારેલું જ’, તો કદાચ હું એમ માની લઈશ કે હવે બનાવીને કહે છે. સચિનનો બહુ જીવ બળતો લાગતો હતો. એને સાંત્વન મળે તે માટે મેં તરત કહ્યું, “તું નિરાશ ના થતો, બાબા. તું કહીશ ત્યાં હું જઈશ તારી સાથે. હજી બીજો ઘણો યે સમય આપણને સાથે ગાળવા મળવાનો છે.” મનમાં તો મને ખબર, અને કદાચ સચિનને પણ ખબર, કે કેટલો સમય છે તે કોઈ જ જાણી કે કહી ના શકે. છતાં, આશા તો બધાં જ રાખતાં હોય. એનાથી જ સાંત્વન પણ પામતાં જ હોય છે ને બધાં. સાથે જ મારા મનમાં વિચાર ચાલતા હતા - આવી સાવ જુદી, ભૂતકાળના જાણીતા કોઈ સંદર્ભો વગરની, જગ્યાઓએ હું નિરાંત પામીશ. ઈન્ડિયા જવાના વિચારે જે અચકાટ મેં વર્ષોથી અનુભવ્યો છે, તે જાણે હરદ્વાર અને બોધગયા જવાની શક્યતાથી ક્યાંયે અલોપ થઈ ગયો લાગે છે. હરદ્વારમાં ગંગા જેવી મહાનદી પાસે બેસવા મળશે. ભીડથી દૂર કોઈક શાંત તટ શોધી લેવો પડશે. અને બોધગયામાં બૌદ્ધ પ્રથા પ્રમાણેનું કૈંક ચિંતન, લોકેશ અને શીલાને કારણે, સાંભળવા અને સમજવા મળશે તો એનાથી મને મારાં બાકીનાં વર્ષોમાં સહાય જ થશે. મને તો આ મુસાફરીમાંથી શાંતિ મળશે જ, પણ શર્માજીને હું મદદરૂપ થઈ શકીશ, તે કારણે મનમાં ઘણો સંતોષ પણ થાય છે. મારા મનમાં આશાનો સંચાર થયો હતો. વીતેલાં વર્ષોની અધકચરી યાદોને પધરાવી દઉં કોઈ ધસમસતા પ્રવાહમાં, અને જાતે તણાઈ ગયા વગર, તટ પર રહીને હવે ઘડું થોડી પ્રફુલ્લ નવી યાદો - બાકી રહેલા સમયને ટકાવવાને માટે.