આમંત્રિત/૨૯. ખલિલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૯. ખલિલ

કેવા સરસ દિવસો વીત્યા હતા ફ્રાન્સમાં. હજી તો એમને યાદ કરી કરીને આનંદ પામવાનો હતો, ને ત્યાં આ અણધાર્યા, આઘાતજનક સમાચાર. સચિનને ક્યાં ખાસ ઓળખાણ હતી માનિનીની સાથે? પણ એને લાગ્યું હતું કે સચિન એને મૈત્રી આપી શકશે, ને તો હજી કદાચ એ બચી જાત. સચિને ક્યારેય કોઈને આમ ગુમાવ્યાં નહતાં. મૉમનાં માતા-પિતા ક્યારે અવસાન પામ્યાં હશે, તે એ જાણતો નહતો. ને છાપાંમાં કોઈ મોટા માણસોના મૃત્યુના સમાચાર વાંચીને અંગત રીતે આઘાત ના લાગે. આ તો કોઈ પોતાની ઉંમરનું આમ જતું રહે - કંઇક નિર્દોષતા ને કંઇક મૂર્ખામીને કારણે, તે જાણીને એ બેચેન થઈ ગયો હતો. જૅકિ ક્યારની એની રાહ જોતી હતી, પણ સચિનનું ઉદાસ મોઢું જોઈને એણે કશું પૂછ્યું નહીં. એના વાળમાં હાથ ફેરવવા લાગી. થોડી વારે ઊઠીને પાણી લઈ આવી. “જૅકિ, તું ક્યારેય મને છોડીને જતી ના રહેતી.” જૅકિ સમજી તો નહીં, પણ કાંઈ બોલ્યા કે પૂછ્યા વગર, સચિનની સામે જરા સ્મિત આપીને માથું હલાવતી રહી. એક શ્વાસ લઈને સચિને એને માનિનીના સમાચાર આપ્યા. હવે જૅકિની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં. હૉસ્પિટલમાં એણે માનિનીને જોઈ હતી. એને માટે સહાનુભૂતિ જ થઈ હતી. પણ સહેજમાં એની જિંદગી પૂરી થઈ જશે, એવું તો કોઈએ માન્યું નહતું. બંને જણ હાથ પકડીને, કશી વાત કર્યા વગર, ઘણી વાર સુધી બાલ્કનિમાં બેસી રહ્યાં. સવારે સચિને ફોન ઉપાડ્યો, ને ખલિલ ખોટું ખોટું ઝગડવા લાગ્યો. “આવી ગયો કે નહીં? ક્યારે આવ્યો? આવીને એક ફોન પણ ના થયો તારાથી. જાણે તું જ એક બિઝી હોઈશ. ને છેક હવે એમ ના પૂછતો કે શું કામ છે.” “કેમ છે, દોસ્ત? અમે ગઈ કાલે જ આવ્યાં, ને મુસાફરીનો થાક બહુ લાગ્યો હતો. બોલ, ગુરુવારે મૅરૅજ લાયસન્સ બ્યુરો -માં કેટલા વાગ્યે મળવાનું છે?” ટેવ પ્રમાણે ખલિલ પાછો ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો, “આપણે સિટિ હૉલનાં આગલાં પગથિયાં પર સવારે બરાબર સાડા આઠ વાગ્યે મળીશું. રેહાના આવે ત્યારે આપણે ત્યાં આવી ગયા હોઈએ તે સારું.” ખલિલે આખી વાત સમજાવી. રેહાનાની નાની બહેન રૂહીને તો બહુ જ ઈચ્છા હતી હાજર રહેવાની. એ એકલી તો ન્યૂયોર્ક ક્યાંથી આવે? એટલે રેહાનાનાં મમ્મી-પપ્પા અને રૂહી આગલી રાતે આવીને રેહાનાની સાથે રહેવાનાં હતાં. “મારા તરફથી તો મારે એક તું જ ત્યાં હાજર જોઈએ છે, દોસ્ત. ને સાક્ષી તરીકે પણ એક તું જ. બસ”, ખલિલે કહ્યું. એમની મૈત્રીમાં આ ખાસ પ્રસંગે બીજું કોઈ જરા પણ ભાગ પડાવે તે એને કે સચિનને જોઈતું નહતું. સહી-સિક્કા થઈ જાય પછી બધાં ખલિલનાં મા-બાપને ત્યાં લંચ લેવાનાં હતાં. સચિન તો આવશે જને, એમ ખલિલે માન્યું હતું, પણ સચિને સમજાવ્યું, કે “બંને કુટુંબો જ સાથે હોય, તે વધારે સારું છે. ને ઑફીસમાં આ અઠવાડિયે મારે વધારે કામ રહેવાનું છે.” માનિનીના સમાચારથી એ હજી બેચેન હતો. કોઈ ઉજવણીમાં ભાગ લઈ શકે તેમ નહતો. ને અત્યારે ખલિલને ઉદાસ કરે તેવા કોઈ સમાચાર આપવા માગતો નહતો. પછી તો ગુરુવારે સવારે જ બધાં ભેગાં થયાં. ન્યૂયોર્ક શહેરનો સિટિ હૉલ, એટલેકે મ્યુનિસિપાલિટિનૂં મકાન આવું મોટું, રાજમહેલ જેવું હશે, તેની રેહાનાનાં પૅરન્ટ્સને તો ખબર જ નહતી. આટલો મોટો ઘુમ્મટ, આટલા થાંભલા, પ્રવેશમાં આટલાં પહોળાં પગથિયાં, ને અંદર જાઓ કે તરત ગોળ ફરતે જતો દાદર. દીવાલ પર સળંગ કળાકૃતિઓ. સચિને જણાવ્યું કે આ ઘણી જૂની ઇમારત હતી. છેક ૧૮૧૧-૧૨માં ખુલેલી. પછીથી બહાર અને અંદર અમુક સમારકામ થતું ગયું, પણ એનો દેખાવ મૂળ પ્રમાણે જ રહ્યો છે. રૂહીએ તરત કહ્યું, “ખલિલભાઈ, તમારે કહ્યે અમે ના આવ્યાં હોત તો આ બધું જોવા પણ ના મળ્યું હોત ને.” આવા પ્રસંગે પણ બધાં ફૉર્મલ કપડાં પહેરે જ, એવું અમેરિકામાં જરૂરી નથી હોતું, પણ બંને મિત્રો એમના મોંઘા, ઘેરા બ્લુ સૂટ્સમાં સજ્જ હતા. જૅકિએ સચિન સાથે મજાક કરેલી, “જોજે, કોઈ તને પરણવા તૈયાર મૂરતિયો ના માની બેસે!” અને રેહાના? એણે સાવ સફેદને બદલે આછા બદામી રંગનો લાંબો ડ્રેસ પસંદ કર્યો હતો. એના પર સોનેરી અને મરૂન કિનાર ભરેલી હતી. રેહાનાને માટે તાજાં મરૂન ક્રિઝાન્થમમ ખલિલ પોતે જ લાવેલો, તે રેહાનાની મમ્મીએ એના વાળમાં ભરાવી આપ્યા. અને બ્રાઇડના તો હાથમાં પણ ફૂલ હોવાં જોઈએ, પછી ભલેને બ્રાઇડ કોઈ ધાર્મિક વિધિથી નહીં, પણ સહી કરીને લગ્ન કરવાની હોય. એ માટેનો ‘બુકે’-ગુચ્છ પણ ખલિલ જ લેતો આવેલો. કશુંક વિશિષ્ટ લાવવા માટે એણે વિચાર કરેલો, અને પછી રેહાનાને માટે એ ખાસ સફેદ અને આછાં ગુલાબી પિયોનિ ફૂલનો ગુચ્છ લઈ આવેલો. “સુંદર અને સુકોમળ, તારી જેમ”, એણે રેહાનાને કહ્યું, “અને સુગંધી, આ પ્રસંગની યાદની જેમ.” “ને હવે તું કવિ થવાનો કે શું?”, ત્યારે પણ રેહાના એને ચિડાવ્યા વગર રહી શકી નહતી! મૅરેજ લાયસન્સ બ્યુરોના કમરાની બહાર બીજાં બે યુગલ આવી ગયેલાં હતાં. ખલિલ અને રેહાનાનો વારો ત્રીજો હશે. ખલિલ ખુશ થયો, કે બહુ વાર નહીં થાય. “સારંુ થયું ને આપણે નવ વાગતાં પહેલાં આવી ગયાં?”, એણે કહ્યું. એ પછી તો ધીરે ધીરે કરતાં બીજાં દસેક યુગલો આવતાં ગયેલાં. ખલિલ અને રેહાનાનો વારો આવ્યો ત્યારે સાક્ષી તરીકે અંદર બે જણ જઈ શકે. નક્કી એમ થયું હતું, કે સચિન તો ખરો જ, અને બીજાં રેહાનાનાં મમ્મી જશે. અરજી-ફૉર્મ ભરીને તૈયાર હતાં, અને ઓળખ-પત્ર તરીકે ડ્રાયવર-લાયસન્સ સાથે રાખેલાં હતાં. વિધિમાં તો અરસપરસ લગ્ન માટેની મરજી દર્શાવવાની હતી. તે પછી મોટા ચોપડામાં બંનેએ સહી કરી, બંને સાક્ષીઓએ સહી કરી, અને સિક્કો મરાઈને એમનું મૅરેજ-સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું. સચિન બહાર જવા માંડ્યો, કે જેથી ખલિલ અને રેહાનાને પરણી ગયા પછીની પહેલી મિનિટે પ્રાઇવસી મળે. બહાર આવ્યાં ત્યારે બંનેનાં મોઢાં પર ઊંડા પ્રેમ અને સુખનો ભાવ જોઈ શકાતો હતો. સચિને ખલિલને ભેટીને અભિનંદન આપ્યાં. રૂહી તો દોડીને રેહાનાને વળગી પડી હતી. એનાં મમ્મી સ્મિત સાથે આંખો લુછતાં હતાં, અને પપ્પા ખલિલનો હાથ હલાવતા હતા. એ પણ સમજ્યા હતા કે એમનાં દીકરી અને નૂતન જમાઈએ આ રીતે લગ્ન કરીને બહુ ડહાપણ અને મૅચ્યૉરિટી દર્શાવ્યાં હતાં. સચિને રેહાનાને કહ્યું, “તને બેવડી શુભેચ્છાઓ - વર્ષગાંઠની અને લગ્નની. પણ તું આજથી જ તારા વર પર રુવાબ કરવા માંડજે, હોં. નહીં તો એ ઘરમાં બૉસ બની બેસશે.” “અલ્યા, તું મારો મિત્ર છે, કે એનો?”, ખલિલે સચિનને રમતિયાળો ધબ્બો માર્યો. પછી સચિને બધાંને એ પહોળાં, ઐતિહાસિક આગલાં પગથિયાં પર ઊભાં રાખીને ઘણા ફોટા પાડ્યા. આખા કુટુંબના, ફક્ત રૂહી સાથે, ફક્ત મા-બાપ સાથે, અને કેવળ ખલિલ સાથે. રેહાના અને ખલિલ -એ બે જણના તો, જુદા જુદા પોઝમાં, સારા એવા લઈ લીધા. ખલિલે આગ્રહપૂર્વક એનો અને સચિનનો પણ એક પડાવ્યો. વળી એક રેહાના સાથે ત્રણ જણનો પણ લીધો. રૂહીએ જ લીધા એ બધા. કહે, “હા, હા, મને આવડે છે.” છૂટાં પડતી વખતે, સચિન સાથે નથી જતો જાણીને પૅરન્ટ્સ જરા નવાઈ પામ્યાં હતાં. ખલિલ નિરાશ થયો હતો, પણ એણે માન્યું હતું કે સચિનને જરૂર કામ હશે. એનાં પોતાનાં પૅરન્ટ્સ એમને ઘેર દીકરા અને નૂતન વહુની રાહ જોતાં હતાં, એટલે નજીકમાં એકાદ કૉફી પીવા પણ બેસાય તેમ નહતું. “કાલે લંચમાં મળીશું, ટાઇમ ખાલી રાખજે”, ખલિલે સચિનને કહી દીધું. સચિન સીધો પાપાને મળવા જતો રહ્યો હતો. કદાચ એમની સાથે વાતો કરીને કૈંક સાંત્વન મળશે, એમ એને લાગતું હતું. માલતીબેન ખુશ થઈ ગયાં, કે આજે સચિનભાઈને ગરમ ગરમ રોટલી ખવડાવી શકશે. અંજલિ પણ હતી. “અરે વાહ, સિસ. આજે તું ઘરમાં છે ને કાંઈ”, સચિને કહ્યું. માનિની અને શર્માજીની વાત તો તરત નીકળી જ. બધાંને જ જાણે મન ખાલી કરવાની જરૂર હતી. એ વાત ઘુમરાયા જ કરતી હતી - ફરી ફરી સુજીત વિચારે, આવું કંઇક અંજલિને થયું હોત તો?; અને અંજલિ વિચારે, આવું કંઇક મને થયું હોત તો? ત્રણેય વિચારતાં હતાં, આ જમાનામાં, મઝા કરવાના ખોટા ખ્યાલોને કારણે, કેટકેટલી યુવાન છોકરીઓ આવું પરિણામ પામતી હશે? “ઓહ, તમને ફોટા બતાવું”, સદ્ભાગ્યે એને એકદમ યાદ આવ્યું. ખાસ તો ખલિલ અને રેહાનાના ફોટા પાપાને અને અંજલિને બતાવ્યા. માલતીબેન કહે, “અરે, મને તો બતાવો.” ખલિલ અને રેહાનાને એમણે જોયેલાં. અંજલિને તો બધા જ ફોટા જોવા હતા. એ પાપાની સામે ફોન રાખીને જલદી ફોટા ફેરવતી ગઈ. “પાપા, રેહાનાનાં પૅરન્ટ્સને જોઈને એ બંને યાદ આવે છે?”, સચિને પૂછ્યું. પણ સુજીતને આટલાં વર્ષે હવે એમનાં મોઢાં યાદ નહતાં. “રૂહી તો કાંઈ બહુ શોખથી તૈયાર થઈ છે ને”, અંજલિએ નોંધ્યું. “પણ રેહાના બહુ સરસ લાગે છે. અમે સાથે જ જૅક્સન હાઇટ્સની ઇન્ડિયન દુકાનમાંથી, ઝીણા સરસ ભરતવાળો, આ લાંબો ડ્રેસ પસંદ કરેલો. એને સાવ સફેદ, એકદમ વૅસ્ટર્ન બ્રાઇડ જેવો નહતો જોઈતો. થોડો ઇન્ડિયન ‘ટચ’ હોય તો જ ગમે ને આપણને.” ખરેખર જ સચિન જરા હળવો થઈ શક્યો હતો. ખલિલનાં લગ્નની આનંદની વાતો કરીને એનો સહજ આનંદ પણ પાછો આવવા લાગેલો. “અરે. પાપા”, સચિને કહ્યું, “રૉબર્ટ અંકલ પૂછતા હતા કે ક્યારે એમને ઘેર જઈશું? કહેતા હતા કે વામા આન્ટીએ તો આપણને કાલે જ જવાનું આમંત્રણ આપ્યું છે. હા કહી દઉંને?” સુજીતને એકદમ શ્વાસ લેવામાં વાર લાગી. સહેજ વાર શાંત રહી પછી એ બોલ્યા, “ના, બાબા, હમણાં નથી જવું. હજી મન નથી થતું કોઈને મળવાનું. દિવાન અને શર્માજી બરાબર છે, અને લિરૉય પણ ખરો. બીજાં કોઈને મળવા માટે જાણે મારે બહુ પ્રયત્ન કરવા પડે છે.” એ સૂવા ઊઠ્યા ત્યારે, સચિન સમજી ગયો કે અંદર જઈને એક વધારાની દવા લેવી પડશે પાપાને. ‘કોઈ પણ કારણસર એમને રૉબર્ટ અંકલ અને વામા આન્ટીને મળવાની ઈચ્છા ના હોય, તો નહીં. કોઈ જાતનું દબાણ કરવું નથી મારે.’ બીજે દિવસે લંચમાં સચિન અને ખલિલ મળ્યા ત્યારે આનંદની વધારે વાતો થઈ. કુટુંબમાં બધાં ખૂબ ખુશ હતાં. પહેલાં આવાં લગ્ન પ્રત્યે એમનો વિરોધ હશે, પણ હવે તો ચારેય પૅરન્ટ્સ સંતોષ પામતાં હતાં, કે એમનાં સંતાન આવી સમજણ અને ઉદારતા ધરાવે છે. ખલિલનાં મમ્મીએ, ખાસ યાદ કરીને, સચિનને માટે લગ્ન નિમિત્તની મીઠાઈ મોકલી હતી. “તું આવ્યો હોત તો બધાંને બહુ ગમ્યું હોત, દોસ્ત”, ખલિલ બોલ્યો. “અરે, હજી તો તમારા બે પ્રસંગો બાકી છે ને, ત્યારે બધાં મળશે.”, સચિને કહ્યું. “બરાબર. પણ તું શું વિચારે છે? તને ય હવે રોજ સવારે ઊઠીને, સૌથી પહેલાં જૅકિનું મોઢું જોવાનું મન નથી થતું?” “થાય છે જ ને. પણ હમણાં તો હું એને ત્યાં છું જ ને. મારા રૂમમાંથી બહાર નીકળું કે પહેલાં એ જ દેખાય છે ને. આ સિવાય, હજી મારે પાપાને સંભાળવાના છે. અંજલિ હમણાં તો એમની સાથે છે, પણ ધારો કે એ ને માર્શલ ક્યાંક બીજે રહેવા જવાનું વિચારે તો? પાપા એમની સાથે જઈ જ શકે, પણ ધારો કે એમને બીજે ના જવું હોય તો? હજી આવા પ્રશ્નો છે ત્યાં સુધી હું અને જૅકિ લગ્નનું નથી વિચારતાં. સાથે જ છીએ ને. ને ઉતાવળ છે જ ક્યાં? શારીરિક ભલે નથી, પણ મન અને હૃદયથી અમે ખૂબ નજીક છીએ, ખલિલ. તું સમજી શકે છે ને, કે આવી મૈત્રી બહુ થતી નથી હોતી. મારે તો જેમ તું છે તેમ હવે જૅકિ પણ છે. મને જેમ તારો આધાર છે તેમ હવે એનો પણ છે.” “તું બહુ ખ્યાલ રાખે છે બધાંનો. અચ્છા સાંભળ, ઘેર જે બે પ્રસંગો થવાના છે, એમાં અંકલને ચોક્કસ લેતો આવજે. જૅકિ તો જાણે હશે જ. તમે બધાં હશો તો જ મારે માટે પ્રસંગ સંપૂર્ણ બનશે, જાણે છે ને?” “હું પાપા સાથે વાત કરીશ. એમને જો ઈચ્છા નહીં હોય તો હું પરાણે નહીં લાવી શકું. ને જૅકિ ગરબામાં આવશે, કદાચ બીજે દિવસે નહીં આવે. એ કોઈને ઓળખે નહીં, અને કદાચ એને પણ મન ના હોય. પણ સાંભળ, ખલિલ, તને એક વાત કરવાની છે. તારાં લગ્ન પહેલાં તારો મૂડ નહતો બગાડવો. જો, તને માનિની યાદ છે? મેં તને વાત કરી હતી એના આધુનિક પ્રકારના ‘હુમલા’ની. એ વખતે તો આપણે હસ્યા હતા. હવે એની વાત ઉદાસ કરે તેવી બની ગઈ છે.” માનિનીના અકાળ અવસાનની વાત કહીને અને સાંભળીને, કેટલોક સમય ચૂપ રહ્યા પછી બંને ઊભા થયા ત્યારે બહુ લાગણીથી ભેટ્યા, અને કશા શબ્દો વગર જ એકબીજાને આધાર આપી રહ્યા.