આમંત્રિત/૨૫. સુજીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૫. સુજીત

ન્યૂયોર્ક શહેરની દરેક ઋતુની વિશિષ્ટતા મને મારા રૂમની બારીમાંથી માણવા મળતી રહે છે. સચિને બહુ વિચારપૂર્વક આ રૂમ, એનો પોતાનો આરામદાયક રૂમ, મને આપી દીધો. દર સવારે આંખ ખુલે, ને પથારીમાં રહ્યે રહ્યે મને આકાશ દેખાય છે. આવું ભૂરું આકાશ ન્યૂયોર્કમાં જોવા મળે, તો પછી પોલ્યુશન બહુ નહીં જ હોય ને અહીં. આટલો વખત થઈ ગયો, પણ સચિન મારી સંભાળ લેતાં થાક્યો નથી. મને શું ગમશે, તે બાબતે વિચાર્યા કરે છે. ગયા અઠવાડિયે એણે દિવાનને અને શર્માજીને જમવા બોલાવી લીધા. એ બંને બહુ ખુશ થયા હતા. કહેતા હતા, કે “આમ આગ્રહ કરીને ઘેર બોલાવે એવા કેટલા રહ્યા છે આપણાં જીવનમાં, ખરુંને?” વળી, સચિન કહેતો હતો કે “આપણે અંકલ લિરૉયને ત્યાં જવાનું છે. ક્લિફર્ડનો ફોન આવ્યો હતો.” સચિને આગ્રહ તો કર્યો કે બંને અહીં જ આવે, પણ લિરૉય મને એને ત્યાં જવાનું કહેતો હતો. અમે બંને હાર્લેમની ખોલીઓમાં રહેતા હતા, ને માંડ માંડ દિવસો કાપતા હતા. એમાંથી મારા દીકરાએ મારી જિંદગી બચાવી. એટલું જ નહીં, એણે લિરૉયના દીકરા સાથે મેળવી આપીને એની પણ બચાવી આપી. “ફાધર સચિનનો ખૂબ આભાર માનવા માગે છે”, એમ ક્લિફર્ડે કહ્યું. આભારની કશી જરૂર નહતી સચિનને, પણ ક્લિફર્ડની સાથે વધારે દલીલ કર્યા વગર મને લિરૉયને મળવા લઈ ગયો. ફોનમાં ક્લિફર્ડેનું સરનામું આપેલું, “સોહા -મૅક્સ રૅસ્ટૉરાઁ” ખબર છે? બસ, એનાથી ક્રૉસમાં બિલ્ડીન્ગ છે.” “ઓહો, એકદમ નવું બિલ્ડીન્ગ છે. પણ એ તો કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રોફેસરો માટે નથી?”, સચિને પૂછેલું. “હા ખરું, પણ હવે અપાર્ટમેન્ટ ખાલી હોય તો બીજા પ્રોફેસરોને મળી શકે છે. હું નસીબદાર નીકળ્યો !”, ક્લિફર્ડે કહેલું. સંજોગો બદલાયા, અને લિરૉયનો દેખાવ પણ બદલાયેલો. અમે એને ગ્રાન્ડ કૅથિડ્રાલમાં જોયેલો એના કરતાં સ્વાસ્થ્ય સારું થયું હતું, મોઢા પર તાજગી હતી. વાળ સરખા કપાવેલા, કપડાં સારાં પહેરેલાં, કાંડા પર ઘડિયાળ, અને ગળામાં લટકતો ક્રૂસ. ક્લિફર્ડના પંદરમા માળ પરના અપાર્ટમેન્ટમાંથી તો આકાશથી યે વધારે વિસ્તાર દેખાતો હતો. ઉત્તરે જ્યોર્જ વૉશિન્ગ્ટન બ્રિજ, દક્ષિણે લાંબો બ્રૉડવે માર્ગ. લિરૉય મને ભેટીને એક આંગળી ચીંધીને કહે, “એ તરફ હાર્લૅમ છે, માય મૅન. માની શકાય છે?” ક્યાં હાર્લેમમાં અમારું પડી રહેવું, ને ક્યાં હાર્લેમને આટલે દૂરથી જોવું? “લિરૉય, બહુ સરસ અપાર્ટમેન્ટ છે તારા દીકરાનું.” “અરે, સુજી માય મૅન, બધું તારા દીકરાને લીધે જ.” લિરૉય ફરીથી સચિનને ભેટ્યો. એને માટે એક પ્રેઝન્ટ પણ લાવી રાખેલી બાપ-દીકરાએ. મોંઘી અને ફૅશનેબલ બ્રૂક્સ બ્રધર્સ દુકાનમાંથી ખરીદેલું મોંઘું શર્ટ હતું. સચિને ઘણી ના પાડી, પણ એ બંનેએ સચિનને છોડ્યો જ નહીં. “સચિનની મદદને કારણે મને મારી જિંદગી જ નહીં, મારી ડિગ્નિટિ પાછી મળી”, લિરૉયે કહ્યું. “હા, અંકલ, સચિને મને મારા ફાધર અપાવ્યા. આ તો ચમત્કાર જ કહેવાય. અને મારી મૉમ પણ મળવા આવી ગઈ. બંનેએ એકબીજાંને માફ કરી દીધાં. મૉમ તો ન્યૂજર્સીમાં જ રહેશે, ને ફાધર અહિંયાં, કારણકે એમને અહીં ઘણી ઓળખાણો છે, ચૅરિટિ વર્ક છે. પણ હવે અમે વખતોવખત, કુટુંબની જેમ મળી શકીશું.” “ઓહ, એમ કે?”, મને બહુ જ નવાઈ લાગી. જે સ્ત્રી એકના એક દીકરાને લઈને લિરૉયને તરછોડી ગઈ હતી, અને જેને લીધે લિરૉયને હાર્લમની ખોલીમાં રહીને દુઃખિયારું જીવન જીવવું પડ્યું હતું, તેને માફ કરી દીધી એણે? લિરૉય બોલ્યો, “સુજી, પોતાની ભૂલની માફી એણે પહેલાં માગી. ઘણી દુઃખી થતી હતી. અને ગમે તેમ તોયે, મારા ક્લિફની મધર છે. જે બની ગયું તેનો, ને મારે જે સહન કરવું પડ્યું એ માટે, હવે ગુસ્સો રાખીને ય શું? હું ય તે દારૂ ને ડ્રગ પર ચઢી ગયો હતો. વાંક મારો ય હતો જ ને. હવે બધાં માટે સુખનો સમય છે, માય મૅન.” હું ચૂપચાપ- સ્તબ્ધ થઈને જ વળી - સાંભળતો હતો. ને વિચારતો હતો કે લિરૉય શું મારી જ વાત કરતો હતો? મારી જિંદગી વિષે, અલબત્ત, એ જાણતો હતો, પણ બધી જ વિગતો એને ખબર નહતી. જે બનાવને લીધે મારી અધોગતિ થઈ, ને હું કુટુંબથી વિખૂટો થઈ ગયો, તે વિષે હું કદિ વાત કરી જ નથી શક્યો. લિરૉય પત્નીને માફ કરી શક્યો, એના દીકરાની માતાને. મારે તો દીકરો ને દીકરી બે છે. એમની માતાને હું માફ કેમ નથી કરી શકતો? ઇન્ડિયન છું, તેમ છતાં ક્ષમા આપવાના સિદ્ધાંતને અપનાવી કેમ નથી શકતો? મને સચિન તરફ જોયા વગર પણ ખબર પડતી હતી, કે એ પણ આ સાંભળીને વિચારે ચઢી જ ગયો હતો. એને થતું હશે, કે એણે એની મૉમને માફ ના કરી દેવી જોઈએ? ક્લિફર્ડ તો મહેમાનગીરીમાં પણ હોંશિયાર નીકળ્યો. એ તો છેક ‘લિટલ ઈન્ડિયા’ એરિયામાં જઈને સમોસાં લઈ આવેલો. સચિનને કહે, “અરે, મારી કૉલૅજથી બહુ દૂર નથી, તું જાણે છે ને?” એ કૉફી બનાવતો હતો એટલાંમાં લિરૉયે એક સિ.ડિ. ચાલુ કરી. ઇલેક્ટ્રિક ગિતાર પર ‘રેગે’ મ્યુઝિકના સૂર ધીમેથી વાગવા માંડ્યા. જાણે એમાંથી આર્ટિસ્ટના જીવની ઉદાસી ઘુંટાઈને આવતી હતી. લિરૉય કહે, “આ કોણ વગાડે છે, ખબર છે? આ ફ્રાન્કો છે. આટલો સરસ મ્યુઝિશિયન હતો, તે પણ એણે કોઈને કહેલું નહીં.” ઓહો ફ્રાન્કો? લાંબા જટિયા જેવા વાળ હતા, અને બોલ્યા-ચાલ્યા વગર લિરૉયની નજીકમાં ઊભો રહેતો હતો. એ જમૈકા ટાપુનો હતો, એ ખબર હતી, પણ ત્યાંના લાક્ષણિક ‘રેગે’ માં એ આવો ઍક્સ્પર્ટ હશે, તેની કોઈને ખબર નહતી. “એણે સિ.ડિ. બનાવેલી?”, મેં પૂછ્યું. સિ.ડિ. તો એણે અને મિત્રોએ મળીને બનાવેલી. એમાં એણે ગ્રૂપમાં વગાડેલું, અને એના એકલાના પણ બે ટ્યૂન હતા. “મને નાનો ભાઈ ગણીને મારું ધ્યાન રાખતો. ને અચાનક જતો રહ્યો મને છોડીને”, લિરૉયે કહ્યું. હું ને લિરૉય એ સૂર સાંભળતા, ફ્રાન્કોને યાદ કરતા બેસી રહ્યા. કદાચ અમને બંનેને ફ્રાન્કો જ નહીં, પણ હાર્લેમમાં સાથે ગાળેલા સહિયારા દિવસો યાદ આવતા હતા. બહારથી પડતી તકલીફો અને અંદર રહેલી ઉદાસી છતાં, અમારી મિત્રાચારીનો અમને કેટલો આધાર મળ્યો હતો, તે હવે સમજાતું હતું. હું ને સચિન ઘેર જવા નીકળ્યા ત્યારે સચિને જ કહ્યું, “પાપા, તમે લિરૉય અંકલને મળતા રહેજો. તમારે બંને માટે એ જરૂરી છે.” મને મનમાં થતું હતું, કે લિરૉય પાસેથી આજે હું બે વાત શીખ્યો. એક, આપણે કોઈને માફ કરીએ તો આપણને પણ માફી મળે છે. ને બીજું, કશા કામમાં નથી આવવાની, એવી લાગતી ઓળખાણ પણ ઊંડી મૈત્રી બની શકે છે. હજી તો હું લિરૉય સાથેની આ મુલાકાતને પહેલેથી છેલ્લે સુધી મનમાં ફેરવતો હતો, ત્યાં સચિને જણાવ્યું, કે રવિવારે રૉબર્ટ અને વામા ચ્હા માટે આવવાનાં છે. હું ચોંકી જ ગયો. હા, રૉબર્ટ સાથે શરૂઆતમાં મેં બે-ત્રણ વાર વાત કરી હતી, બધી મદદ માટે એનો આભાર માન્યો હતો, પણ મળવાનું મેં વિચાર્યું નહતું. એણે મારા પર ખૂબ જરૂરી ઉપકાર કર્યા, પણ હું એનો મિત્ર કઈ રીતે થાઉં? હું તો હંમેશાં એનો આભારી જ રહેવાનો. અને વામા. સુંદર, સ્ટાઇલિશ, સોફિસ્ટિકેટેડ વામા. મને જે ખૂબ ગમી ગયેલી તે વામા. એને મળવાનું મન થાય, પણ એને મળવું અઘરું પણ છે. શું કરવા સચિને આવી હોંશ કરી હશે? જોકે એને તો ક્યાંથી ખ્યાલ પણ હોય, કે મારા ભાંગ્યાતૂટ્યા ભૂતકાળ સાથે વામા ઘણી જોડાયેલી છે. હવે જો આ મુલાકાત કૅન્સલ કરવા કહું, તો સચિન પૂછવાનો કે કેમ? એ પ્રશ્નનો જવાબ આપવા કરતાં તો રૉબર્ટ અને વામાને એક વાર મળી લેવું સારું. બંને અભિજાત છે, ને કોઈ રીતે મારે ઝંખવાઈ જવું પડે તેવું કરવાનાં નથી. અરે હા, સચિન કહેતો હતો, કે એ જૅકિની ઓળખાણ એમની સાથે કરવા માગે છે. જૅકિ તો ઘણી વામા જેવી છે. મેં વામા માટે વાપર્યાં એ વિશેષણો જૅકિને પણ લાગુ પડે છે - સુંદર, સ્ટાઇલિશ, સોફિસ્ટિકેટેડ. ઉપરાંત, બંને બુદ્ધિશાળી છે. વામા તો કદાચ ફ્રેન્ચ બોલતી પણ હશે. બંનેને તરત જ ફાવી જવાનું એકમેકની સાથે. અરે, એ ચારેયને ઘણું ગમી જવાનું એકમેકની કંપનીમાં. ભલે ત્યારે. પછીના મારા ચાર દિવસ ઉચાટમાં ગયા. એક વખતે હું વામાને વિનંતી કરતો, કે ‘કેટલા બધા દિવસ થઈ ગયા, હવે પ્લીઝ, આપણે મળીએ.’ ને વચમાં આટલાં વર્ષો નીકળી ગયાં છે ત્યારે હવે એને મળતાં મને જાણે અચકાટ થાય છે! એ વખતે મારી સારી કૅરિયર હતી, ને અમે મિત્રો હતાં. હવે હું નિરર્થક હયાતીવાળો જીવ છું. હવે કોઈને ય મળીને મારે શું વાત કરવાની? મારું મન ઘુંટાતું રહ્યું હતું, ને હૃદય ભારે થતું રહ્યું હતું. નર્વસ લાગ્યા કરતું હતું, પણ મેં સચિનને જાણવા દીધું નહતું.. રવિવારે જૅકિ લંચ ટાઇમથી આવી ગયેલી. માર્શલ માટે રૂમ સરખો કરવામાં એ સચિનને મદદ કરતી હતી. સચિન કાંઈ એનાં બધાં કપડાં, બધી વસ્તુઓ લઈને નહતો જવાનો. અંજલિ ને માર્શલ અહીં કેટલું રહેશે? એ બંને બીજે જાય પછી સચિન પાછો અહીં આવી જ જવાનો ને. લિરૉય અને ક્લિફર્ડે ભેટ આપેલું શર્ટ જોઈને જૅકિ બોલેલી, “ઓહો, સરસ ફ્રેન્ચ બ્લ્યુ રંગનું છેને.” “અરે, હવે સચિનને ફ્રેન્ચ ના હોય તેવું કશું ગમતું જ નથી”, મેં સચિને ચિડાવતાં કહેલું, ને અમે ત્રણે હસેલાં, જોકે સચિન જરા શરમાયેલો ! વામા અને રૉબર્ટને મેં ઘણા વખતે જોયાં, પણ લાગ્યું કે બીલકુલ બદલાયાં નહતાં. કદાચ રૉબર્ટના વાળ કાન પર સહેજ ‘ગ્રે’ થવા માંડ્યા હોય. એનાથી તો એ વધારે હૅન્ડસમ લાગતો હતો. ને વામા? આ ઉંમર પણ એને શોભતી હતી. એમની દીકરી ઇફિજૅનાયાને નહતાં લાવ્યંા. “મોટાં સાથે એ કંટાળે, ને અમને બેસવા ના દે નિરાંતે”, રૉબર્ટે મારી સાથે શેકહૅન્ડ કરતાં કહ્યું. “કેમ છો, સુજીત? મૅનહૅતનમાં કેટલી સરસ જગ્યાએ રહો છો તમે ને સચિન.”, વામાએ જરા વિવેકથી કહ્યું. હાથમાંનો બૉક્સ એણે જૅકિને આપ્યો. કહે, “એક ખાસ ગ્રીક મીઠાઈ છે. એને ‘ફિનિકિયા’ કહે છે. સ્વાદમાં માવાની મીઠાઈ જેવી લાગશે.” એ અને જૅકિ તો જાણે પહેલેથી જ ઓળખતાં ના હોય, તેમ વાત કરવા માંડી ગયાં. વામા, મેં ધાર્યું હતું તેમ, ફ્રેન્ચ બોલતી જ હતી. બંનેની સ્ટાઇલ બહુ સરખી છે, એમ રૉબર્ટ અને સચિને પણ કહ્યું. સચિન ઘણાં વર્ષો પછી વામાને મળ્યો. “આન્ટી, તમે મને એક વાર વર્ષગાંઠ પર ઘડિયાળ ભેટ આપેલી. એ મારી સૌથી પહેલી કાંડા-ઘડિયાળ હતી.” “ને હવે તો ફૅન્સી રોલેક્સ પહેરતો થઈ ગયો છું ને કાંઈ! ”, વામાએ ભાવથી કહ્યું. ઘણી વાર સુધી તો એ ચારેય જણ ઊભાં ઊભાં વાતોમાં પરોવાઈ ગયાં. યુરોપની વાત, ન્યૂયોર્કની વાત, ઑફીસની વાત, કોઈ સારા નાટકની વાત, રોઝ હૉલમાંના જાઝ પ્રોગ્રામની વાત. વાહ, એમની પ્રવૃત્તિઓ પણ કેવી સરખી છે. મેં ધાર્યું હતું તેમ જ, આ કશામાં મારાથી ભાગ લેવાય તેમ નહતું. સચિનને, એ મોટો થઈ ગયો હોય એમ વાત કરતો જોઈને મને બહુ સંતોષ થતો હતો. એની પોતાની જિંદગી કેવી સરસ વિકસી હતી. છેવટે મેં જ કહ્યું કે “ચાલો, હવે બેસો, અને ચ્હા પીતાં પીતાં વાત કરો.” સાથે ખાવા માટે માલતીબહેને નમકપારા અને શક્કરપારા બનાવી મૂકેલા. વામા અને રૉબર્ટને ઇન્ડિયન ખાવાનાની ટેવ છે, તે મને યાદ હતું, પણ મને એમ કે આવો ઘરનો નાસ્તો બહુ ના ખાધો હોય. બંનેને પારા એટલા ભાવ્યા, કે જૅકિએ બાકીના બધા એમને માટે પૅક કરી દીધા. બેએક કલાક આનંદમાં ગયા. “ફરી ચોક્કસ મળીશું”, બધાંએ એકબીજાંને કહ્યું. “સુજીત, હવે તમે અમારે ત્યાં આવજો. ઇફી - ઇફિજૅનાયા - પણ મળશે”, વામા બોલી. મને મનમાં સારું તો લાગ્યું જ, કે રૉબર્ટ અને વામાને આમ ઘેર આમંત્રિત કર્યાં હતાં. ફોન સચિને કર્યો, પણ મારો વિચાર કરીને, એટલે હું જ યજમાન કહેવાઉં. બધાં ગયાં - સચિન જૅકિને થોડે સુધી મૂકવા ગયો. ઘર ખાલી પડ્યું પછી શરીરને થાક જણાયો. શ્વાસ વધી ગયેલા, ધબકારા ઝડપી થઈ ગયેલા. મને બહુ બેચેની થવા માંડેલી. મેં વધારે ડોઝમાં દવા લઈ લીધી, ને સચિન પાછો આવે તે પહેલાં સૂવા જતો રહ્યો. મારી આશા હતી કે સવારે સારું થઈ ગયું હશે, ને એટલે મારે સચિનને આ કશું કહેવું નહીં પડે.