આમંત્રિત/૨૧. જૅકિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૨૧. જૅકિ

શિયાળાની રાત થઈ આવેલી. બરફ પડશે, એમ લાગતું હતું. ઘેર પહોંચવું જોઈએ, જૅકિ અને સચિન જાણતાં હતાં, પણ ક્લિફર્ડ સાથે અગત્યની વાત ના થઈ જાય ત્યાં સુધી એ બંને જવાનાં નહતાં. ક્લિફર્ડ તો લિરૉય રહેતા હતા ત્યાં જ જવા માગતો હતો. સચિન સમજી શકતો હતો, કે એમ કરવાથી લિરૉય અંકલ બહુ ઝંખવાઈ જશે. એમની સાવ દુખિયારી અવસ્થા એ દીકરાને બતાવવા ના જ માગે ને. તેથી સચિને ક્લિફર્ડને સમજાવ્યો, કે રવિવારે સવારે ગ્રેટ કૅથિડ્રાલ પર મળવું જ વધારે સારું હતું. યાદ રાખીને સચિને એનો ફોન નંબર અને સરનામું લઈ લીધાં. કદાચ એ કૅથિડ્રાલ પર ના આવે, તો એને શોધવા તો જવાય. ક્લિફર્ડે ખાતરી આપી, કે એ સમયસર આવી જ જશે શુક્રવારે રાતથી બરફ શરૂ થયો જ. ચાર-પાંચ કલાક પડતો રહ્યો, અને સારો એવો ભેગો થઈ ગયો. શહેરનું સફાઈ-ખાતું રસ્તા પરથી બરફને સાફ કરવાનું શરૂ કરી દે. મોટરોને માટે બહુ જોખમ ના રહે, પણ બરફ ખસેડીને મૂકે ક્યાં? તો એના ઢગલા રસ્તાની કોરે, અને ફૂટપાથ પર થતા જાય. ચાલનારાંએ ઘણું સાચવવું પડે. હળવો પડેલો બરફ, સૂરજ ચઢે એટલે એના તડકામાં ઓગળવા માંડી જાય, પણ ઢગલા કરીને રખાયેલો બરફ તો થીજીને પથ્થર જેવો થઈ જાય, ને દિવસો સુધી રહે. જૅકિ અને સચિનને મળવાનું મન તો ઘણું હતું, પણ બંનેને લાગ્યું કે આવા દિવસે ઘેર રહેવું વધારે સારું હતું. રવિવારે સવારે તો મળવાનું જ હતું. કૅથિડ્રાલમાંના કૉન્સર્ટમાં જવાનું માંડી વાળવું પડ્યું હતું, કારણકે સુજીતને પણ આવવાનું, લિરૉયને મળવાનું, એના દીકરા સાથે ભેગો થતો જોવાનું ઘણું મન હતું. ઠંડી ખૂબ હતી, તે છતાં એ સાથે આવવા માગતા હતા. એમણે ઓવરકોટ સાથે, જૅકિએ આપેલું મફલર ખાસ યાદ રાખીને પહેર્યું હતું. હંગેરિયન કાફેમાં કૉફી લીધી ત્યારે થોડો ગરમાવો આવ્યો. ત્યાંથી કૅથિડ્રાલનાં આગલાં પગથિયાં દેખાતાં હતાં. જોયું કે ક્લિફર્ડ નક્કી કરેલા સમયથી પહેલાં આવી ગયો હતો. સચિને પાપાની સાથે એની ઓળખાણ કરાવી. “તારી આવી કૅરિયર વિષે જાણીને લિરૉય ખૂબ આનંદ પામશે, માય સન”, એમણે કહ્યું. લિરૉય બોલ્યો, “ફાધર ક્યારેય મને મળશે કે નહીં, એમ મેં ઘણી વાર વિચાર્યું, પણ એ જાણે સાવ ખોવાઈ જ ગયા હતા. આજે તમારાં બધાંને લીધે મને એ પાછા મળશે.” સચિન ભૂલ્યો નહતો કે એને પણ એના પાપા માટે એવું જ લાગતું રહેલું. ક્યારેય મળશે કે નહીં, સાવ ખોવાઈ ગયા હતા એના પાપા. એને પણ લાગતું હતું કે ક્લિફર્ડની જેમ, એ પોતે પણ જાણે એના પોતાના ફાધરને ફરી મળવાનો હતો. સુજીતને પણ એવા જ વિચાર આવતા હતા, કે એનો દીકરો જાણે આજે નવેસરથી મળવાનો હતો. સચિનને ખબર હતી કે લિરૉય પાછળના રસ્તા પરના બારણામાંથી સીધા નીચે જતા રહેશે. ત્યાં જ રસોડું હતું, અને ખાવાનું તૈયાર થતું હતું. એ તરફ ગયા પછી, પહેલાં સચિન અને સુજીત અંદર ગયા. લિરૉય કામમાં લાગી ગયા હતા. જરાક નવરા થયા એટલે સચિન એમને બારણા પાસે લઈ ગયો. જૅકિ ત્યાં ક્લિફર્ડની સાથે ઊભી હતી. એમને જોતાંની સાથે, “ફાધર?”, ક્લિફર્ડ મોટેથી બોલ્યો. ત્યારે જ લિરૉયનું ધ્યાન ખેંચાયું. બોલનારા તરફ એ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. “કોણ? કોણ—” . આગળ બોલાયું નહીં. “આવ, લિરૉય, આ તારો દીકરો ક્લિફ છે,” સુજીતે કહ્યું. “માય બૉય?” ક્લિફર્ડ ફાધરને ભેટી પડ્યો, ત્યારે ફરી, “માય બૉય.” આ શબ્દોનું કેટલું રટણ કરશે ત્યારે મન સંતોષ પામશે. વલખતાં વલખતાં વીતી ગયેલા જીવનની કેટલી બધી વાતો એ બંનેએ કરવાની હતી. બાજુમાં ઊભાં ઊભાં સચિન અને સુજીતને લાગતું હતું, ‘કેવું સમાંતર બની રહ્યું છે અહીં. અમે બે જેમ મળ્યા તેમ જ આ બે મળી રહ્યા છે.’ લિરૉય સુજીતની પાસે આવી, એમને ભેટીને બોલ્યા, “સુજી માય મૅન, યૉર બૉય ફાઉન્ડ માય બૉય — થૅન્ક યુ, થૅન્ક યુ.” ક્લિફર્ડ કશી વાર કર્યા વગર, ત્યારે જ લિરૉયને પોતાને ત્યાં લઈ જવા માગતો હતો. “ઘેર બેસીને વાત કરીએ, ફાધર”, એ બોલ્યો. પછી સચિન અને જૅકિને કહ્યું, “આપણે નિરાંતે ફરી મળીશું જ. તમારો પૂરતો આભાર કઈ રીતે માનીશ, તે મારે વિચારવું પડશે. ઓહ ના, હવે એ માટે હું ફાધરની સલાહ લઈ શકીશ.” સુજીત એક ખુરશીમાં બેસી પડ્યા હતા. સચિન અને જૅકિની સામે હસીને કહ્યું, “હવે? હવે ઘેર જઈએ છીએ?” વિલિયમ સાથે લિરૉય અંકલ ઓળખાણ કરાવવાના હતા, તે તો ના બન્યું, પણ મળી તો લઈએ, એવું સચિન વિચારતો હતો. પાપાની સાથે જૅકિને બેસાડીને એ અંદર ગયો. વીસેક સ્વયંસેવકો એક બાજુ પર ખાવાનું ભરીને બૉક્સ તૈયાર કરી રહ્યા હતા. એક ઊંચો માણસ દેખરેખ રાખતો હોય તેવું લાગ્યું. એ જ વિલિયમ હોવો જોઈએ. સચિને લિરૉયનું નામ દઈને વાત શરૂ કરી. તરત વિલિયમે કહ્યું, કે હા, લિરૉયે જણાવ્યું હતું કે સચિન મળવા આવશે. સચિનને આ પ્રવૃત્તિ વિષે જાણવું હતું. તાત્કાલિક તો વિલિયમ પાસે ટૂંકમાં જ થોડી વિગત આપવાનો સમય હતો. તોયે એને જરા રોકીને સચિન જૅકિ અને સુજીતને બોલાવી આવ્યો. એમને માટે પણ, શહેરના જીવનના આ અંશ વિષે જાણવું જરૂરી હતું. વિલિયમે કહ્યું કે અહીં દર રોજ બસો જેટલા બૉક્સ તૈયાર થાય છે. અમેરિકાની આર્મિમાંથી રિટાયર્ડ થઈને, તેમજ ઘાયલ થઈને નીકળેલા જે સૈનિકોને જરૂર હોય તેમને લંચ પહોંચાડાય છે. આમ તો, શહેરમાં બીજાં આવાં કેન્દ્રોમાં થઈને બસોથી અનેકગણા વધારે આવા સૈનિકો હશે, પણ અમે એક સૈનિક-કેન્દ્રમાં મદદ આપી શકીએ છીએ. આ સિવાય, દર રવિવારે અહીં બીજા બસો - ક્યારેક અઢીસો - ઘર વગરના, ‘હોમલેસ’ લોકોને અમે ગરમ, તાજું બનાવેલું જમાડીએ છીએ. “એટલા બધા હોમલેસ લોકો આવે?”, જૅકિએ પૂછૃયું. “હા. અને આ તો પાછું એક જ કેન્દ્ર છે. શહેરમાં બીજાં ઘણાં કેન્દ્ર છે, જ્યાં હોમલેસ લોકો જમવાનું પામે છે. ન્યૂયોર્ક શહેરમાં હોમલેસની સંખ્યા શું હશે, તે કલ્પી શકો છો?” એમનાં અનુમાન ખોટાં પડતાં હતાં. વિલિયમે જે આંકડો કહ્યો તે આઘાતજનક હતો. એણે કહ્યું, “શહેરમાં સિત્તેર હજાર જેટલા હોમલેસ લોકો છે. પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પણ ખરાં. ઘણી વાર આખાં કુટુંબો જ આ હાલતમાં હોય. એમાંનાં ચારેક હજાર જણ તો રોજ રાતે રસ્તા પર, મકાનોનાં બારણાંની બહાર, ભૂગર્ભ-રેલના પ્લૅટફૉર્મ પર પડ્યાં રહેતાં હોય છે, પણ બાકીનાં લગભગ બધાં જણ શહેરથી ચલાવાતાં શેલ્ટરમાં જતાં હોય છે. અમુક એવાં પણ શેલ્ટર છે, જ્યાં હોમલેસ લોકો દિવસનો સમય વીતાવી શકે. ત્યાં ન્હાવા માટે પણ વ્યવસ્થા હોય. વળી, બધાંને કોઈ પ્રવૃત્તિ પણ કરાવે. બધાં સાથે જમે, વાતો કરે, એકબીજાંને ઓળખતાં થાય. ક્યારેક કોઈને માટે નોકરીનું પણ ગોઠવાઈ જાય.” સુજીતના મનમાં એના પોતાના અનુભવની યાદો ધસી આવી. એ પોતે પણ દુઃખિયારો હતો ત્યારે દૈવી સહાયથી જ એને પણ આવી જગ્યા મળી ગઈ હતી, જ્યાં એ આનંદ અને શાંતિ પામી શક્યો હતો. “એ ‘માનવીય કેન્દ્ર’ ને કારણે જ હું જીવતો રહી શક્યો છું, એમાં કોઈ શંકા નથી”, સુજીતે મનોમન કહ્યું. વિલિયમે કહેવું પડ્યું, “જુઓ, હમણાં તો હું કામમાં છું. મારો ફોન નંબર રાખો. આપણે ફરી મળીએ. ત્યારે હું તમને કહીશ કે મદદરૂપ થવું હોય તો કઈ કઈ રીતે થઈ શકાય છે. બરાબર?” જૅકિ, સચિન અને સુજીતને એમ જ લાગ્યું કે આ ન્યૂયોર્કની નહીં, કોઈ પછાત દેશના એક ગામની વાત થતી હતી. આટલી હદ સુધીનો પ્રોબ્લૅમ છે અહીં? બલ્કે અમેરિકાના દરેકે દરેક શહેરમાં ઓછેવત્તે અંશે હોમલેસ લોકો છે, તેવું વિલિયમે આપેલી પત્રિકામાંથી જોવા મળ્યું. “આપણે ક્યારેક રસ્તા પર, કે સબ-વેની આસપાસ કૈંક સામાન લઈને બેઠેલા, હોમલેસ હોય તેવા એકાદ એકાદ જણને જોતાં હોઈએ છીએ, પણ એવાં આટલી સંખ્યામાં હશે, તેવું ક્યારેય જાણ્યું નહતું”, સુજીતે કહ્યું. “સુખી લોકોએ જાત સિવાયની બાબતો પણ જાણવી જોઈએ, નહીં? બીજાંઓ માટે સમજણ અને સહાનુભૂતિ કેળવવાની કેટલી જરૂર છે, તે સમજવાનો પ્રયત્ન દરેક જણ કરે તો આખા સમાજને મદદ થાય”, સચિન બોલ્યો. જૅકિના મનમાં કશુંક સ્પષ્ટ થઈ આવેલું. જ્યારે પણ લગ્ન થશે ત્યારે ખાસ કશો ખર્ચો નથી કરવો, પણ આવી કોઈ જગ્યાએ હવેથી નિયમિત રીતે દાન કરતાં રહેવું છે. એણે સચિનની સામે જોયું. એ જૅકિની સામે જોઈને સંમતિમાં માથું હલાવતો હતો. ફરીથી બંનેએ એકસરખો જ વિચાર કર્યો હતો. બંનેએ લંચ પાપાની સાથે ઘેર જ લેવાનું રાખ્યું હતું. સાંજે ખલિલ અને રેહાનાને મળવા જવાનું હતું. ખલિલને તો એમની સાથે ગ્રાન્ડ કૅથિડ્રાલમાં જવાનું, એ દાન-કેન્દ્ર વિષે જાણવાનું ઘણું મન હતું, પણ એને અને રેહાનાને ન્યૂજર્સી જવું પડે તેમ હતું. બંનેનાં પૅરન્ટ્સ સાથે બેસીને લગ્નના પ્રસંગો માટેની વાતચિત કરવાની હતી. આજે રેહાના ફ્રી પણ હતી. ન્યૂયોર્ક શહેરની અંદર જાહેર વાહનોની ઘણી સગવડ કહેવાય. બસો અને સબ-વે લઈને બધે જવાય. શહેરની બહાર જવા માટે પણ અનેક બસ અને ટ્રેન મળે. રસ્તા પર જુઓ તો લાખો ગાડીઓનો ધસારો હોય. આવા ટ્રાફિકમાં ફસાતાં ફસાતાં જવા કરતાં ટ્રેન લેવી સારી. ખલિલ અને રેહાના બંનેનાં ઘર માટે એક જ ટ્રેન લેવાની, અને એક જ સ્ટેશને ઊતરવાનું. રેહાનાના પપ્પા લેવા આવવાના હતા. બંને કુટુંબો સાથે જમવાનાં હતાં. એની નાની બહેન રુહી તો ક્યારની પોતાનાં વસ્ત્રો માટે પ્લાનિન્ગ કરવા માંડી હતી. એને આજે ખબર પડશે, કે કેવી સાદાઈ ઈચ્છતાં હતાં એનાં બહેન ને બનેવી. રેહાનાએ ખલિલને કહ્યું, “તું મક્કમ રહેજે, હોં.” “અરે, તું બરાબરની મારી ઝાંસીની રાણી છે ને. બધાં શસ્ત્રો તું જ ઉગામજે !” ઘેર પહોંચીને જમી લીધા પછી બધાં નવરાં હતાં. ખલિલ ને રેહાના ન્યૂયોર્કમાં પાછાં આવે પછી સચિનને ફોન કરવાનાં હતાં. પાપા સૂવા જતા જ હતા, ને એમનો ફોન વાગ્યો. દિવાનનો ફોન છે, કહીને એમણે ઉપાડ્યો. કેમ છો, કહ્યા પછી પાપા ચૂપચાપ સાંભળતા રહ્યા. એમનું મોઢું ગંભીર થઈ ગયું. એક-બે વાર ‘અરેરે, અરેરે’ બોલ્યા. “તો શર્માજીને ફોન કરાય ખરો? ક્યારે કરું? તમે મળવા જવાના છો? તો ચાલો, આપણે પાંચેક વાગ્યે નીકળીને જઈ આવીએ. હા, સારું.” “પાપા, શું થયું? એ તો કહો.” “સચિન, શર્માજીની માનિની યાદ છે ને? એ બહુ માંદી છે, ને હૉસ્પિટલમાં છે.” “ઓહો? થયું છે શું એને? આમ તો હૅલ્ધિ જ લાગે છે.” “જે થયું છે તે એની જીવવાની રીતને લીધે છે, એમ દિવાને કહ્યું. શરીરમાં બધે ઈન્ફેક્ષન છે, હાઈ ફીવર છે, ને લીવર પર પણ અસર પહોંચી છે. કદાચ ફેફસાં પણ —” સચિનને બરાબર યાદ હતું કે માનિની અને એનાં ફ્રેન્ડ્સ સારી એવી સિગારેટ ફૂંકતાં હતાં, અને ડ્રિન્ક્સ - કદાચ રોજે રોજ, અને ખાસ કશું ખાતાં ક્યાં હતાં? “માનિની કઈ હૉસ્પિટલમાં છે એ દિવાન અંકલે કહ્યું?”, સચિને પૂછ્યું. “માનિની કોણ છે?”, જૅકિએ પ્રશ્ન કર્યો.