અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બળતાં પાણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બળતાં પાણી

ઉમાશંકર જોશી

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

૭-૫-૧૯૩૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૦૦)



ઉમાશંકર જોશી • બળતાં પાણી • કવિના સ્વમુખે કાવ્યપઠન:

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d083d634621_59073592


આસ્વાદ: બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

આસ્વાદ: સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા