અરૂપસાગરે રૂપરતન/તાજગીભર્યા નિબંધો – ભોળાભાઈ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તાજગીભર્યા નિબંધો – ભોળાભાઈ પટેલ

આ લલિત નિબંધસંગ્રહના મને ગમી ગયેલા અનેક નિબંધોમાંથી એક ‘પાનખર પર્ણમંદિર અને ચંદ્ર કવિ’ કેવી રીતે રચાતો આવે છે તે જોઈએ :

આહવામાં પહાડી પર આવેલા ગેસ્ટહાઉસની અગાશી પરથી સવારના સૂર્યના અભિવાદનથી નિબંધ શરૂ થાય છે. નજર સામે પછી વ્રુક્ષો છે તેની વાત કરતાં નિબંધકાર પંખીલોકમાં પ્રવેશ કરે છે. મુક્ત પંખીઓની સાથે પગીની ઓરડીમાંના પાંજરાના પોપટની વાત કરતાં ‘પઢો રે પોપટ’ પદપંક્તિના સંદર્ભ સાથે ‘એક વન તેની (પોપટની) સામેચે, એક વન તેની અંદર’ જેવી પંક્તિ દ્વારા એ પંખીની ચેતના સાથે તદ્રૂપતાનો અનાયાસ બોધ કરાવે છે. નિબંધકારની નજર આકાશ ભણી જાય છે, જ્યાં વાદળ છે, એ જોતાં જોતાં તે નાકે અનુભવે છે હવામાંથી વહી આવતી સુક્કાં પાંદડાં અને ઘાસની એક ઓર્ગેનિક ગંધ. આ પાનખર નિબંધકારને લઈ જાય છે જાપાની કવિ બુસોના એક હાઈકુમાં જ્યાં પાનખર વિષે કહેવાયું છે કે તે રચે છે ‘ખરેલાં પાંદડાંઓનું પર્ણમંદિર’ હાઈકુ બુસોનું છે,પણ આ નિબંધકારનું (અને એમના દ્વારા આપણું) સંવેદન બની જાય છે. એ જ અગાશી પરથી રાતે વૈશાખી – પૂર્ણિમાના ચંદ્રને જોતાં બુદ્ધપૂર્ણિમાની યાદ પેલા જાપાની કવિ સાથે સંવાદિતા ધરાવે છે. તેમાં સહ્યાદ્રી – સાપુતારાની ટેકરીનો લૅન્ડસ્કેપ ભાળી જાય છે. ત્યાં નિબંધકાર કેવા ટ્રાન્ઝિસ્ટર શરૂ કરે. (આપણને થાય કે નિબંધકાર કેવા અરસિક છે – આવે વખતે ટ્રાન્ઝિસ્ટર વિસંવાદ જગાવે પણ ના – ) એ બજતાં ખીણમાં રેલાય છે ગીતો, સમાચારો, સિમ્ફનીઓ અને એ સાથે ખીણમાં રેલાય છે વીણા સહસ્રબુદ્ધેનો અભોગીનો આલાપ, નિબંધકાર કહે છે : એથી ‘વીણા સહસ્રબુદ્ધે ધન્ય થઈ ગઈ અને આહવાની આ ખીણ પણ’. ખરી વાત છે નિબંધકારની, આ ડાંગના આદિમ ધરાતલ પર આ ચાંદની રાતમાં જેનો આલાપ ગુંજરી ઊઠે, તે આલાપીને સાચે જ ધન્યતાનો બોધ થાય અને જ્યાં આ આલાપ રેલાયો તે ખીણને પણ ધન્યતાનો બોધ – એવી અપૂર્વ સ્વરમાધુરી વહેતાં. આવી ધન્યતાનો અનુભવ આ નિબંધના ભાવાક સુધી પહોંચી જાય છે. ત્યાં વળી, નિબંધકારને કાલે વધાઈથી આહવાને રસ્તે આવતાં જોયેલ ચાંદનીથી રસાયેલ વનનું સ્મરણ થાય છે,’ ચંદ્રને મેં પહાડે પહાડે, વને વને, વૃક્ષે વૃક્ષે, ડાળિયે ડાળિયે, વાંસના ઝુંડે ઝુંડે ટાંગ્યો હતો…….’ અને આ ચંદ્રચેતના નિબંધકારને ‘ડૉ. ઝિવાગો’ ફિલ્મમાં ડૉ. યુરી ઝિવાગોએ એક ટ્રેનની બારીમાંથી ચંદ્ર સાથે માંડેલી ગોઠડીનુ દ્રશ્ય યાદ અપાવે છે અને એ સાથે યાદ આવે છે ક્યોરાઈનું ચંદ્રકવિ વિષેનું જાપાની હાઈકુ અને અંતે બાશોના હાઈકુથી વિલીયમાન નિબંધ ક્યાંય સુધી આપણને પ્રસન્નતામાં નિમગ્ન રાખે છે.

આ એક જ નિબંધની રચનારીતિ દ્વારા સંગ્રહના નિબંધોની રચના પ્રક્રિયા જ નહિ, આ નિબંધોનાં ભાતપોત પણ પરખાય છે, પ્રાકૃતિક સૌંદર્યની સૂક્ષ્મ સંવેદનામાં સહજ રીતે ભળે છે નિબંધકારની ચેતનામાં સંચિત કાવ્યક્ષણો, નિબંધના આરંભથી એક ગતિનો આરંભ થાય છે અને ભાવક છેક સુધી એ ગત્યાત્મકતાનો અનુભવ કરે છે : યજ્ઞેશના નિબંધમાં ક્ષણો વહેતી રહે છે, જેમાં અતીત પણ વર્તમાનની આ ક્ષણો બની જાય છે.

નિબંધકાર પોતાનાં ભાવકને આ ક્ષણોનો અનુભવ ઇન્દ્રિયઘન ચિત્રો દ્વારા કરાવેછે. આ નિબંધો પંચેન્દ્રિયોનું આહલાદન કરે છે, કેમકે સ્વયં નિબંધકારે ‘પાંચ ઇન્દ્રિયથી પીપળાને પૂજ્યો છે’ એક નિબંધમાં સ્પેનિશ કવિ લોર્કાની ઉદ્ધૃત કરેલી પંક્તિ ‘પાંચ ઇન્દ્રિયના ખંજરથી હું ઘાયલ છું’ તે આ નિબંધકારની પણ હોઈ શકે, રૂપ રસ, શબદ, સ્પર્શ કે ઘ્રાણ – કોઈ એક ઇન્દ્રિયબોધના ધક્કાથી નિબંધ શરૂ થઈ જાય – લઈ જાય કોઈ અતીતમાં – જે આ ક્ષણે વર્તમાનરૂપે પ્રતિભાસિત થાય. ‘મનમાં હીંનગોળગઢનું વન’ નિબંધ અવતરે છે ‘પાકેલા ઘાસની ભેજ હૂંફભરી ગંધ નાકમાં થઈ મગજ સુધી પહોંચતાં’ – (માર્સેલ પ્રુસ્તની પ્રસિદ્ધ નવલકથા – ‘રિમેમ્બ્રન્સ ઓફ ધ થીંગ્ઝ પાસ્ટ’ એક એવા ગંધબોધની ક્ષણથી જ શરૂ થાય છે, જે પછી કથાનાયકનાં અતીતનાં સ્મરણોના સૂક્ષ્માતિસૂક્ષ્મ લોકમાં સહસ્રાધિક પૃષ્ઠો સુધી વ્યાપે છે.) ‘અપૂર્વ પૂર્વમેઘ’ નિબંધ સુખદ સુંવાળા શીતલ એવા સ્પર્શેન્દ્રિયના અને ઠંડી અને ભેજનાં ઘ્રાણેન્દ્રિયના બોધ સાથે શરૂ થઈ કાલિદાસના મેઘલોકમાં લઈ જાય છે.

‘પાંચ ઇન્દ્રિયોથી મેં પીપળાને પૂજ્યો છે’ નિબંધમાં પીપળાના રેખાચિત્ર સાથે જોડાયેલી – જડાયેલી સ્મૃતિઓની પ્રસ્તુતિ સઘન ઇન્દ્રિય –સંવેદ્ય કલ્પનો દ્વારા થાય છે, જેની સાથે કવિ ઉમાશંકરનું ‘મૃત્યુ ફળ’નું કલ્પન રેણાય જાય છે. એક નિબંધ ‘નાની મારી આંખ…’ દ્રશ્ય કલ્પનોથી ભરપુર છે, તો ‘ગાથા ગંધ સામ્રાજ્ઞીની’માં વિધવિધ ગંધોનું આખું વિશ્વ છે, (એમાંય આવી જાય છે અતીતની વાત.) અને છતાંય નિબંધકાર અંતે કહે છે – ગંધગાથાની કેટલીય કથાઓ હજી કહેવાની બાકી છે અને ગંધવતી આ પૃથ્વી પર ભ્રમણ કરતાં કરતાં કેટલીય ગંધકથાઓ રચાતી જ જાય છે.’

મુખ્ય વાત એ છે કે આ નિબંધકારની બધી ઇન્દ્રિયો સતેજ છે. એટલે જેમ આ ગંધલોક છે તેમ રંગલોક છે. પોતે જોયેલા રંગ ઉપરાંત કવિઓએ વર્ણવેલા રંગ, ચિત્રકારોએ ચીતરેલા રંગ – નિબંધકાર આ બધાં રંગ આપણી આંખોને અડાડી શક્યા છે.

કાન પણ કેટલા સરવા છે આ નિબંધકારના ? લોકસંગીતના સ્વરથી શાસ્ત્રીય રાગોના આભિજાત્યની એ અભિજ્ઞતા એ ધરાવે છે, માત્ર મનુષ્યશબ્દ સ્વર કે સૂર નહિ, પંખીઓના, તિર્યક યોનિના પણ સ્વર એ કાનમાં ઝિલાય છે,’આંખો પર પંખીઓની પાંખો’ આખો નિબંધ છે. એટલે કદાચ નિબંધકારે પોતાનાં આ સંગ્રહમાં જે નિબંધને પહેલું સ્થાન આપ્યું છે, તે એક આદિવાસી યુવકના મહુરી પાવાના સૂરોની વાત કરે છે ! આહવાની સાંજનું વર્ણન કરતાં લેખક જે ઉપમાન વાપરે છે, તે શાસ્ત્રીય રાગના પ્રભાવનું – ‘ભૂપાલીના આલાપ જેવી સાંજનો રક્ત શ્યામ ઘૂસર અંધકાર ગાઢ થતો જાય છે.’ પણ નિબંધમાં તો રડુભાઈના પાવાની લોકધૂનો વહાવતો સૂર ‘કશા અપરિચિત પ્રદેશમાં, મનની કુંવારી ભૂમિમાં યાત્રા’ કરાવે છે. શાસ્ત્રીય સંગીતની પીઠિકામાં લોકસંગીતના સ્વર અને શબ્દની અનુભૂતિની વાત. ‘આકાશમાં કોણે પકડ્યો મારો હાથ’ નિબંધમાં હેમુ ગઢવીને સંબોધીને આવતી ‘હેમુ હેમુ મારા બાપ, ખમૈયા કરો’ ઉક્તિ દ્વારા મર્મસ્પર્શી બની છે.

આ તો એક રીતે આ નિબંધોના પોતાની વાત છે, એના પટની વાત કરીએ, તો અહીં નિબંધકારના ‘વ્હાલકુડા’ ઉનાળાની અને શિયાળાની વાત છે, અનેક સવારો અને સાંજો છે. ઉમાશંકર જોશી, સુરેશ જોષી જેવી વિભૂતિઓનાં રેખાચિત્રો સાથે તદ્દન અદના, લગભગ અનામ આદમીનાં આલેખનો છે. નગર છે, નગરની શેરીઓ છે, ઘર છે, ઘરની બારી છે. પિતા છે અને તેમના પત્રો છે, અરે, તાવ જેવો તાવ પણ એક – બે નિબંધ આપી જાય છે, અહીં ભૂચિત્રણા છે, નભચિત્રણા છે, જળચિત્રણા છે.

‘આ ઉમાશંકર મારા જ છે’ નિબંધમાં નાની નાની ઘટનાઓ કે પ્રસંગો દ્વારા યજ્ઞેશની ચેતનામાં ઝિલાયેલા ઉમાશંકર છે. આપણામાંના દરેકના એક ઉમાશંકર છે, અહીં યજ્ઞેશના ઉમાશંકર છે. આવા નિબંધમાં નિબંધકારનો હું આત્મસ્થાપનામાં અજાણપણે ખોવાઈ જાય છે, પણ અહીં જે ‘હું’ છે, તેની ચેતના અત્યંત ગ્રહણશીલ છે. એ જ્યાં ત્યાંથી પામવા તત્પર છે. ખાસ તો જયારે ઉમાશંકર જોશી કે સુરેશ જોષી જેવા પુરોગામી કવિઓની સન્નિધિ મળે. એટલે અહીં એક યુવા પેઢીનો કવિસર્જક પોતાના પુરોગામી અને પ્રધાન કવિને કેવી રીતે નિકટ જઈ જુએ છે, તેની પ્રસંગો દ્વારા વાત છે. તેમાં ઓકટાવિયો પાઝની ચોપડીનો પ્રસંગ અત્યંત માર્મિક રીતે ઉમાશંકરના વ્યક્તિત્વને આગવા કોણથી રજૂ કરે છે – અથવા કહો કે ઉમાશંકરના એ સ્વ-ભાવને ઉદ્દઘાટિત કરે છે.

એવી જ રીતે સુરેશ જોષીની ચિત્રણા છે, આ સંગ્રહનો સૌથી દીર્ધ નિબંધ સુરેશ જોષી વિષે છે – ‘સુરેશ જોષી એટલે સુરેશભાઈ.’ નિબંધકાર સુરેશ જોષીને પોતાની જીવન કુંડળીને અસર કરતા ઘણો ગ્રહોમાં એક ગ્રહ’ માને છે. એટલું જ નહિ, એમના જતાં નિબંધકારને લાગે છે કે મારોય એક અંશ તેમની સાથે મરી ગયો છે.’ ઉમાશંકર જોશી વિશેના નિબંધમાં, તેમ અહીં પણ પોતાની વૈયક્તિક ચેતનામાં ઝિલાયેલા સુરેશ જોષી છે, એ બધા પ્રસંગો અહીં ભાવપૂર્વક અને ભાવુકતાપૂર્વક ચિત્રિત થતાં નિબંધ લાગણીપ્રવણ બની ગયો છે. કદાચ એને આવા નિબંધની ખૂબી તરીકે પણ પ્રમાણી શકાય.

આ નિબંધકારે સંગ્રહમાં એકાધિક વાર રવીન્દ્રનાથની પેલી જાણીતી પંક્તિઓ ‘કત અજાનારે જાનાઇલે તુમિ, કત ઘરે દિલે ઠાંઈ’નું સ્મરણ કર્યું છે અને એવી આ જીવનયાત્રામાં પરિચયમાં આવેલી વ્યક્તિઓનું ઓશિંગણ ભાવે સ્મરણ કર્યુ છે. મહુરી પાવો વગાડતો, પોતાની મસ્તીમાં રહેતો રડુભાઈ પાંડુભાઈ જો થોડો ખીલતો કે ખુલતો હોય તો તે આ નિબંધકારના સામી વ્યક્તિને જઈ ભેટવાના સહજ ગુણને લીધે પણ છે. એ મહુરી પાવાવાળા સાથે એની વહુનું પણ ભલે થોડી લીટીઓમાં જીવંત ચિત્રણ છે.

‘અદનો આદમી મેં ભાળ્યો’ નિબંધમાં ઘર અને ઘરવખરી બદલવાના ખિન્ન અવસાદભર્યા મનોભાવની ભૂમિકામાં અંકાતું હામિદનું રેખાચિત્ર ચીલાચાલુ રેખાચિત્રોથી કેટલું ભિન્ન છે ! હામિદ પણ લેખકને મિનિટે મિનિટની વાતમાં એક કઠિયાવાડી પાસે ભાષાની જે ‘જણસ’ છે, તે બતાવતો જઈ સ્વયંનું – અદના માનવીનું જીવનવૃત્ત કહેતો ગયો છે. એવી રીતે કાશ્મીરના શહેર શ્રીનગરના ચહેરા સાથે લેખકના ચિત્તમાં બીજા બેત્રણ ચેહરાઓ એકરૂપ થઈ ગયાં છે, તેમાં એક અજાણ્યો મુસલમાન યુવક છે, જેની ઠેલણગાડીને લેખજે જરા હાથ દીધેલો, તે થોડું પૂછતા જ ‘ઉખળવા – ઉકળવા’ લાગે છે અને પોતા વિષે કહેતો જાય છે. લેખક છેક એના ઘર સુધી જાય, એ લેખકની માનવપ્રીતિનું દ્યોતક છે. એવો છે કાશ્મીરી પંડિત છોકરો, જે આ અજાણ્યા લેખકને પોતાને ઘેર લઈ જાય છે, એક જ રાત્રિનો સહવાસ – પણ ‘કોઈ પ્રિયજન અચાનક ખોવાઈ જાય’ અને એની રાહ જોઈએ તેમ લેખક તેની રાહ જુએ છે. આવા સીધાસાદા લગતા ચહેરાઓની રેખામાં ‘વ્યક્તિત્વની રેખા’ લેખક ઓળખે છે અને ઓળખાવે છે. લેખક પોતાના પિતાના પત્રોમાંથી (‘બાપુજીના પત્રના ખોળામાં) પોતાના બાપુજીને નવી રીતે પામે છે, એ વાત પણ પ્રભાવક રીતે કહેવાઈ છે. બાપુજીના ખોળાને બદલે બાપુજીના પત્રનો ખોળો કહેવામાં જે ભાવસત્ય છે, તે વાચક સમજી જાય છે.

નગર, શેરી, ઘરનાં નિબંધોમાં સ્વાભાવિકયતા અતીતરાગ ડોકાય. આ નગર મુખ્યત્વે રાજકોટ છે, આ શેરી રાજકોટની ધોબી શેરી છે. (એવી એક શેરી પોરબંદરની શૈશવસ્મૃતિઓથી રચાઈ છે ‘કોડીના રસ્તે’માં) પણ આ નગર કે ઘર અનેક નિબંધોમાં ઝાંકે છે. લલિતનિબંધ સાથે અતીતરાગ, કંઈ નહીં તો ગુજરાતી ભાષામાં અભિન્નપણે જોડાયેલો છે. એ શેરીમાં જવાતું નથી ભલે, પણ લેખક કહે છે – ‘એક શેરી જીવે છે મારામાં’ એ પછી દલેદલ ખુલે છે, સ્મરણોના અજવાળામાં. આપણને જયંતિ દલાલની ‘શહેરની શેરી’ યાદ આવે. આ બન્ને નિબંધોને સરખાવી શકાય. યજ્ઞેશના નિબંધમાં વ્યક્તિત્વંજકતતાને કારણે એ શેરી આત્મીય બની જાય છે. ‘મારી બધી યાત્રા જ્યાં પૂરી થાય.. ધરતીનો જ્યાં છેડો આવે તે ઘર.’ (પંચપટરાણીની સેવામાં ઘરકામ’) માં એક રવિવારે ઘરને કેવળ નૈકટ્યથી સાન્નિધ્ય આપે છે, તે સહજ કહેવાય છે.

આપણા લલિત નિબંધોમાં ઋતુઓની વાત વારંવાર આવે છે, કારણ કે ઘણા નિબંધોનું પ્રેરક કે તત્કાલ પ્રયોજન વર્તમાનપત્રમાં સ્તંભ લખવો તે છે. એટલે બદલાતી ઋતુઓ એક સર્વસામાન્ય વિષય બને છે. જોકે યજ્ઞેશે વસંતરાગ આલાપ્યો નથી કે વર્ષાની અવિરામ ધારાઓની બહુ વાત નથી કરી. તેમણે પોતાને પ્રિય ઉનાળાની વાત કરી છે. કાલિદાસને પણ ગ્રીષ્મ પ્રિય છે. શાકુન્તલના પ્રથમ ત્રણ અંકનો ઘટના કાલ તપોવનમાં માલિની કાંઠેની ગ્રીષ્મઋતુ છે. એ ઋતુમાં જ કદાચ દુષ્યન્ત – શાકુન્તલા નો પ્રેમ પાંગરતો હતો. યજ્ઞેશે ઉનાળા આગળ બે વિશેષણ ‘વ્હાલકુડો’ અને ‘મારો‘ લગાડી ઉનાળાપ્રેમની તીવ્રતાની વ્યંજકતા અવશ્ય ઘટાડી દીધી છે. ‘ઉનાળો’ અને ‘ગ્રીષ્મ’ એવી બે સંજ્ઞાઓ સાથે રાખી આ બે શબ્દો પોતે કેવો જુદોજુદો ભાવબોધ જગાડે છે તેની વાત પછી કવિ કાલિદાસના ગ્રીષ્મવર્ણનની સહારે વિસ્તારે છે. ઉનાળાની વાત કરતાં વળી શૈશવના દિવસોમાં ખોવાવાની તક લેખક ઝડપે છે. એવી રીતે શિયાળા (‘શરીર સંકરતો મનને ઉખેળતો શિયાળો’)માં પણ અતીતરાગ છે. પછી લેખક અમદાવાદની શિયાળુ સાંજે બ.ક.ઠા અને જીવનાનંદદાસની કવિતામાં રહેલી રહસ્યમયી સૃષ્ટિનો અર્થ શોધવાની મથામણ કરે છે. એની તરત પછીના નિબંધ ‘राधे गृहं प्रापय’ માં પણ શિયાળાની વાત છે. કવિતાને સહારે જ એ નિબંધ ટકી જાય છે.

ઋતુની જેમ સવાર, બપોર અને સાંજ અને એ સમયની નિબંધકારની મનોમુદ્રાઓના અનેક લલિતનિબંધો આપણી પાસે છે. તેમાં કાકાસાહેબનું ‘મધ્યાહ્નનું કાવ્ય’ અનન્ય છે. આ સંગ્રહનો છેલ્લો આખો નિબંધ ‘શરની જેમ સવારથી સાંજ પસાર થતી શરીરમાંથી’નો તો વિષય જ છે સવાર બપોર અને સાંજ. થોડી સાંજે વ્યક્ત કરતી સંકેતસંજ્ઞાઓથી થયેલું સાંજનું આલેખન વિશિષ્ટ બને છે. એ તથ્યાત્મક વર્ણનમાં ઉમેરાય છે એક ભાવાત્મક સહસંવેદન વનલતા સેન, ઊર્મિલા અને પેનીલોપી જેવી કાવ્યનાયિકાઓના નિર્દેશથી. નિબંધ એની વર્ણનાત્મકતાને અતિક્રમી જાય છે.

સંગ્રહમાં કેટલાક મન:સ્થિતિઓના નિબંધ છે. જેનો ઉપાડ પણ સુરેશ જોષીની શૈલીથી થાય. પણ એ ટેક ઓફ લીધા પછી તરત જ આ નિબંધકાર પોતાની મુદ્રા અંકિત કરે છે : ‘હમણાં હમણાંથી ક્યાંય સોરવાતું નથી – ઉખડેલા ઉખડેલા રહેવાય છે. કારણકે કંઈ નથી….. (‘આનંદવિષાદને ઝોલે’).

‘અરૂપસાગરે રૂપરતન’ એક વિજ્ઞાનીએ લખેલી ગદ્યકવિતા છે, જેમાં પૃથ્વીની ઉત્ક્રાંતિથી શરૂ થઈ આજની સંસ્કૃતિ સુધીની વાત કે સૂર્યના ધધકતા ગોળમાંથી છૂટી પડેલી ધરતી ફરતાં બનતા સાગરો અને સાગરજનિત જીવોની વાત કરતાં નિબંધકારની ભાષા લોચમયી બની ગઈ છે – ‘અનંત એકરૂપ વાયુરૂપ વિશ્વમાં પૃથ્વી ચઢે છે. રૂપાકારને ચાકડે. તે ફુત્કારે છે, મહાજ્વાળામાં સળગે છે, ધૂંધવાય છે, ફદફદે છે, સીઝે છે, ઠરે છે, છમકરા મારતી વરસે છે… તરબોળ તૃપ્ત થાય છે, જળ બની હલબલે છે, હિલોળાય છે, ઊછળે છે સમુદ્રોમાં. સમુદ્રે રહે છે ઓઘાન. એ જણે છે અમીબા, શંખ, કોડી, છીપ, મત્સ્ય, કચ્છપ.’ આમ એક વિજ્ઞાનીનો જે માત્ર ઉત્ક્રાંતિ ઇતિહાસ હોત, તે અહીં છે ગદ્યકવિતા.

આપણા આજના ઘણા નિબંધો કાવ્યગંધી બને છે. કવિતાની કોટીએ પહોંચવામાં નિબંધના લાલિત્યનું ચરમરૂપ પ્રકટ થતું હોય તેમ કેટલાક નિબંધકારોથી સમીક્ષકોના વલણ સમજાય છે. પણ એ લપસણી ભૂમિથી નિબંધકારે સાવધ રહેવાનું છે. નિબંધ ‘લિરિક્લ’ હોય એનો વાંધો નહિ, પણ નિબંધના લેબાસમાં આવતું કશુંક કાવ્યાભાસી એ નથી કવિતા કે એ નથી નિબંધ.

યજ્ઞેશ કવિ છે, એમને માટે લલિતનિબંધના ક્ષેત્રે પ્રવેશતાં આ જોખમ ડગલે ને પગલે છે. પરંતુ આ નિબંધોમાં ભાગ્યે જ એવી જોખમની ક્ષણો આવી હશે. એમના નિબંધ નિબંધ રહે છે, છેક સુધી, એટલું જ નહિ એમાં રચયિતાની આગવી છાપ પણ અનુભવાય છે.

અમદાવાદ
૨૮-૧૨-૧૯૯૬


-ભોળાભાઈ પટેલ