અનુબોધ/ગુજરાતી કવિતામાં નાવીન્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગુજરાતી કવિતામાં નાવીન્ય

કવિની પ્રતિભાનું ગૌરવ કરતાં સંસ્કૃતના આચાર્યોએ એમ કહ્યું હતું કે અપૂર્વ-વસ્તુનિર્માણ કરવાની કવિમાં શક્તિ હોય છે તે પ્રસિદ્ધ કાવ્યવસ્તુ લે તો પણ તેના આકાર શૈલી કે વિશ્વદર્શનમાં કશુંક અપૂર્વ કશુંક નૂતન તત્ત્વ તેની રચનામાં દાખલ થાય જ છે. એનો અર્થ એમ તાય કે દરેક સાચકલી રચનામાં કશુંક ને કશુંક નાવીન્ય પ્રગટ થાય છે જ. અને, એટલે જ, ગુજરાતી કવિતામાં નીવનતાની ઓળખ કરવા જતાં ખરેખર તો નાનામોટા અસંખ્ય કવિઓની રચનાનો ઉલ્લેખ આવશ્યક બની જાય. પણ અત્યારે એ સર્વની વાત કરવાનું શક્ય નથી. એટલે આપણી કવિતામાં અત્યંત ધ્યાન ખેંચતી થોડીક રચનાઓની જ ચર્ચા કરીશું. આ સંદર્ભમાં આપણે એ વાત સ્મરણમાં રાખવી જોઈએ કે આપણી મધ્યકાલીન કવિતા જૈન અને જૈનેતર બંને પરંપરાની કવિતા ઘણે અંશે પરંપરાબદ્ધ રહી છે. ધર્મ ભક્તિ અને ઉપદેશ એ જ એના મુખ્ય પ્રેરણાસ્રોત છે. સાહિત્યના શુદ્ધ સર્જનની દૃષ્ટિ કે વૃત્તિ એ સમયખંડમાં જવલ્લે જ જોવા મળે છે. કાવ્યવિષયો શૈલીઓ કે કથનવર્ણનની રીતિઓમાં ઘણુંખરું પરંપરાને વળગીને ચાલવાનું વલણ જૈન મુનિકવિઓમાં તેમ વૈષ્ણવ ભક્તકવિઓમાં દેખાય છે. આમ છતાં કાવ્યવિષયકની નવી રજૂઆતમાં કથનવર્ણનની વિગતોમાં કે નવી અલંકાર રચનામાં તેમની સર્જકતાના કોઈને કોઈ ચમત્કૃતિભર્યાં આવિષ્કારો જોવા મળે છે. પ્રસિદ્ધ જૈન કવિ જિનપદ્મસૂરિની રચના ‘સ્થૂલિભદ્રફાગુ’, રાજશેખરની ‘નેમિનાથ ફાગુ’, ચતુરભુજની ‘ભ્રમરગીતા’ કે અજ્ઞાત કવિની ‘વસંતવિલાસ’ જેવી રચનામાં કથનવર્ણનની વિગતો રચનાબંધ અને પ્રાસાનુપ્રાસ યજકસાંકળી જેવી પ્રયુક્તિઓ કોઈ ને કોઈ અભિનવ છટા પ્રગટ કરે છે. જૈનેતર પરંપરામાં નરસિંહ મીરાં અને દયારામનાં ભક્તિભાવનાં પદોમાં ય કશુંક નવીન તત્ત્વ મળે જ છે. નરસિંહની જ્ઞાનમૂલક રચનાઓમાં પરંપરાગત તત્ત્વવિચાર ગૂંથાયો હોવા છતાં તેની પ્રતિભા ભવ્યતાને સ્પર્શતી કાવ્યપંક્તિઓ રચી આપે છે. ‘મુજ અબળાને મોટી મીરાત બાઈ શામળો ઘરેણું મારું સાચું રે’ જેવી કોમળ નિર્વ્યાજ ભક્તિસંવેદના મીરાંનાં પદોમાં જોવા મળે છે. તો, ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ એવા ગોપીના ઉદ્‌ગારમાં દયારામની રમણીય ગરબીનો આહ્‌લાદક પરિચય મળે છે. ગોપીની કૃષ્ણભક્તિમાં નારીહૃદયનાં ગૂઢ ભાવસંચલનો ગૂંથાયાં છે. મધ્યકાળમાં પ્રેમાનંદ જેવા પ્રતિભાસંપન્ન કવિએ પરંપરાગત આખ્યાનસ્વરૂપને જે રીતે વિકસાવ્યું, અને વિભિન્ન રસોની માવજત કરી તેમાં ગુજરાતની સંસ્કારિતાને જે રીતે રજૂ કરી તે સાચે જ એક વિરલ નોંધપાત્ર ઘટના છે. ‘નળાખ્યાન’માં દમયંતીનું ચરિત્રનિર્માણ, ‘સુદામાચરિત્ર’માં ભક્ત સુદામાનું માનસચિત્રણ, અને કુંવરબાઈના હૃદયજીવનને ગહન સ્તરેથી સ્પર્શે છે. જાણીતા વિવેચક નવલરામે નોંધ્યું છે તેમ, જગત અને ભગતની જીવનરીતિ વચ્ચે જે મૂળગત વિરોધ રહ્યો છે તેને જ રસબીજ તરીકે સ્વીકારીને પ્રેમાનંદે પોતાની કવિતાના જુદા જુદા રસો વિકસાવ્યા છે. આથી ભિન્ન જ્ઞાનમાર્ગી કવિઓમાં અખાએ ખેડેલું છપ્પારૂપ પણ આગવી એવી સાહિત્યિક સંપત્તિ છે. એમાં એક બાજુ પરંપરાપ્રાપ્ત અદ્વૈતવિચારનું વિશોધિત રૂપ છે. બીજી બાજુ સમકાલીન ગુજરાતના પ્રજાજીવનમાં વ્યાપેલાં અંધશ્રદ્ધા અજ્ઞાન અને દંભી આચારવિચાર પર ભારે વ્યંગકટાક્ષ છે. આ સિવાય અસંખ્ય સંતકવિઓ ભક્તો અને કથાસર્જકોમાં પ્રસંગેપ્રસંગે હૃદ્ય રમણીય અંશો મળી રહેવાના. પણ આપણી કવિતાનાં નૂતનરૂપો અને નૂતન તત્ત્વોનો વધુ સમૃદ્ધ આવિર્ભાવ તો અર્વાચીન સમયમાં જોવા મળે છે. પશ્ચિમની સંસ્કૃતિ અને સાહિત્યના પ્રભાવ નીચે આપણા પ્રજાજીવનમાં જે આમૂલ પરિવર્તન આરંભાયું તે સાથે આપણા સાહિત્યમાં ય અપૂર્વ આકરો અને વિષયો સ્વીકાર પામતા ગયા. એની સૌથી પહેલી અને ઘેરી અસર આપણી કવિતામાં જોવા મળી. પશ્ચિમના રોમેન્ટિક કવિઓ વડર્‌ઝવર્થ શેલી આદિની કવિતા અને કાવ્યભાવના એ સમયે ઘણી પ્રભાવક બની. સંસ્કૃત કવિતાને અભિમત રસલક્ષી કવિતાની ફરી પ્રતિષ્ઠા થઈ. નર્મદ દલપતરામે નવા યુગના વિષયો અને વિચારો પોતાની કવિતામાં ગૂંથી લેવાનું વલણ દાખવ્યું. પણ એમાં રસની સૂક્ષ્મતા અને ગહરાઈ ઓછાં જ હતાં. કવિતાના પ્રાણવાન અને રસલક્ષી ઉન્મેષો સાક્ષરયુગની કાવ્યપ્રવૃત્તિમાં પ્રગટ થયા. કાન્તે સૉનેટ પ્રકારની અને બીજી છંદોબદ્ધ રચનાઓ આપી અને ‘સાગર અને શશી’ જેવું અતિમનોહર ગીતકાવ્ય પણ આપ્યું, પણ તેમની કવિપ્રતિભાનો વધુ સાચકલો અને વધુ શ્રદ્ધેય આવિષ્કાર તો ખંડકાવ્યમાં થયો. ‘અતિજ્ઞાન’ ‘વસંત વિજય’ અને ‘ચક્રવાકમિથુન’ જેવી રચનાઓમાં કાન્તનો ગહન આધ્યાત્મિક સંઘર્ષ અનોખું કાવ્યસ્વરૂપ લે છે. એમાં પાશ્ચાત્ય ટ્રેજેડીનું કરુણતત્ત્વ અવતર્યું છે. તે સાથે તેને સૌષ્ઠવભર્યો રચનાબંધ મળ્યો છે. કલાપીએ અંગત પ્રણયના સંઘર્ષની ઉત્કટ પણ નિર્વ્યાજ રચનાઓથી ગુજરાતના તરુણ હૃદયને ભીંજવ્યું પણ તેમની વિશેષતા સૂફીવાદની પ્રેરણા ઝીલતી ગઝલોમાં પ્રત્યક્ષ થાય છે. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ જેવી ગઝલ આપણી કવિતાનો સાચે જ એક વિલક્ષણ ઉદ્‌ગાર છે. ‘કલાન્ત કવિ’ અને ‘સૌંદર્યલહરી’ જેવી કવિ બાળાશંકરની દીર્ઘરચનાઓને ય અહીં નોંધવી ઘટે. શક્તિપૂજાની દીક્ષા પામેલા આ કવિએ ભગવતી ચિતિનું અલૌકિક શૃંગારમય ચિત્રણ કર્યું છે તે અર્વાચીન ભારતીય કવિતામાં કદાચ સાવ અનોખી ભાત પાડે છે. સાક્ષરયુગના અન્ય કવિઓમાં બળવંતરાય અને ન્હાનાલાલની કાવ્યપ્રવૃત્તિ એટલી જ બલકે એથી ય વધુ ધ્યાન ખેંચે છે. એ પૈકી બળવંતરાયે વિચારપ્રધાન કવિતાનો આદર્શ રજૂ કર્યો અને તે સાથે વાસ્તવદર્શનની તેમ તેના નિરૂપણની દૃષ્ટિ પણ બદલાઈ. પ્રણયપ્રકૃતિ જેવા પ્રચલિત કાવ્યવિષયોને પણ નવી ચેતનાથી તેમણે સ્પશર્યા. ‘પ્રેમની ઉષા’ જૂથનાં પ્રણયવિષયક સૉનેટો તેમ ‘નારાદર્શન’ જેવા પ્રકૃતિવિષયક સૉનેટનો અહીં ઉલ્લેખ કરી શકાય. પણ, આથી વિશેષ, વૃદ્ધાવસ્થાને વિષય કરતાં સૉનેટો અહીં ઉલ્લેખ કરી શકાય. પણ, આથી વિશેષ, વૃદ્ધાવસ્થાને વિષય કરતાં સૉનેટો ઘણાં નોખાં છે. ન્હાનાલાલ પોતાની કવિતામાં પ્રાચીન જીવનની ભાવનાઓ અને મૂલ્યોની પ્રતિષ્ઠા કરે છે તે સાથે સુકુમાર ભાવોર્મિ અને તેજસ્વી કલ્પનાના યોગે મનોહર કાવ્ય નિપજાવે છે. કેટલાક સંદર્ભે તેમની સર્જકકલ્પના વૈશ્વિક ચિત્રોની રેખા આંકી ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. પણ તેમની પ્રતિભાનું અતિ વિલક્ષણ આવિષ્કાર તે ‘પિતૃતપર્ણ’ છે. પશ્ચિમમાંથી આવેલા કરુણપ્રશસ્તિ સ્વરૂપને તેમણે અસાધારણ ગૌરવ અને અર્થસમૃદ્ધિ અર્પ્યાં છે. ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ – ગાંધીયુગના બે પ્રમુખ કવિઓની પ્રતિભા આગવી આગવી ભૂમિકાએથી ગતિ કરતી ને વિકસતી રહી છે. ઉમાશંકરમાં તો તેમની કવિ તરીકેની કારકિર્દીના આરંભથી અંત સુધી સામાજિક સાંસ્કૃતિક ચેતના પ્રગટતી રહી છે, અને આ સદીનો માનવ્યવાદ તેમાં ઘૂંટાતો રહ્યો છે. ‘વિશ્વશાંતિ’થી ‘પંખીલોક’ સુધીના તેમના કાવ્યવિસ્તારમાં માનવપ્રેમ અને માનવશ્રેય કેન્દ્રસ્થાને રહ્યાં છે. ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં ગ્રંથસ્થ કૃતિઓમાં પ્રાચીન પુરાણવસ્તુ નવા યુગના મૂલ્ય સાથે રજૂ થઈ છે. ‘મંથરા’ જેવી કૃતિ તેમનો પદ્યનાટકની દિશાનો એક વિશેષ નોંધપાત્ર પ્રયોગ છે. સુંદરમ્‌ની કવિતામાં સામાજિક વિષમતાને બોધ આરંભની રચનાઓમાં મળે છે, પણ આરંભકાળથી જ પરમ અધ્યાત્મતત્ત્વ માટેની જિજ્ઞાસા અને ખોજ છતાં થાય છે. ઘટના તો એવો આકાર લે છે કે શ્રી અરવિંદ અને શ્રીમાતાજીના પૂર્ણ યોગના માર્ગે સુંદરમ્‌ વળે છે તે સાથે તેમની સમગ્ર સર્જનચિંતનની પ્રવૃત્તિ શ્રી અરવિંદના દર્શનથી સઘન રીતે પ્રભાવિત થાય છે. ‘વસુધા’ ‘યાત્રા’ ‘વરદા’ અને ‘મુદિતા’ ની કવિતામાં આધ્યાત્મિક ચિંતનનો જે તંતુ પાંગર્યો છે તેમાં વિશ્વજનની રૂપ નારીશક્તિની આરાધના ય જોડાઈ ચૂકી છે. ‘આવ ધરા!’ અને ‘મધ્યરાત્રિ’ જેવી તેમની રચનાઓ તેમાંના વિલક્ષણ દર્શનને કારણે ગુજરાતીમાં જ નહિ, બીજી ભારતીય કવિતાઓમાં ય નોખી તરી આવતી લાગશે. જ્યાં સુધી કવિતામાં નવીન આવિષ્કારોનો પ્રશ્ન છે, પાંચમાં છઠ્ઠાં દાયકાથી આરંભાતા નવા પ્રવાહમાં વિશેષતઃ આધુનિકતાવાદના પ્રભાવ નીચે રચાતા પ્રવાહમાં ઘણા વૈચિત્ર્યસભર આવિષ્કારો જોવા મળશે. પ્રહ્‌લાદની ઐન્દ્રિયિક ગુણો પ્રગટ કરતી રચનાઓ, રાજેન્દ્ર શાહની એથી ભિન્ન કોટિની સૌંદર્યલક્ષી રચનાઓ, નિરંજનની ઉત્તરકળાની ‘પ્રવાલદ્વીપ’ની રચનાઓ, પ્રિયકાન્તનાં મસ્તીસભર પ્રણયગીતો, હસમુખની નગરજીવનની વિષમતા અને અમાનુષિતા રજૂ કરતી ધારદાર વ્યંગભરી રચનાઓ અને નલિનની કોમળ માવજતભરી કંડારણીવાળી પ્રવાહી રચનાઓ એવા સર્વ આવિષ્કારોમાં, અલબત્ત, અમુક પ્રયોગવૃત્તિ છે, તો એ પ્રયોગવૃત્તિ સંયત અને સીમાઓનું ઉલ્લંઘન કરતાં પણ આભિજાત્ય સાચવે છે. આ કવિઓમાં સશક્ત તાઝગીભર્યાં કલ્પનો અને પ્રતીકોની માવજત છે. પણ છઠ્ઠા દાયકામાં આધુનિકતાવાદી વલણો બળવત્તર બન્યાં તે સાથે કવિતાના આકાર અને અભિવ્યક્તિમાં પ્રગલ્ભ પ્રયોગો થયા. પ્રતીકવાદ, કલ્પનવાદ અસ્તિત્વવાદ અને અતિવાસ્તવવાદ જેવી વિચારધારાઓ તરુણ કવિની સંવેદનશીલતા અને કળાદૃષ્ટિ મૂળથી જ બદલી નાંખતી દેખાશે. મણિલાલ રાવજી ગુલામ મોહમ્મદ શેખ સિતાંશુ લાભશંકર રમેશ પારેખ અનિલ જોષી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ મનોજ ખંડેરિયા આદિલ હરીશ મીનાશ્રુ યજ્ઞેશ દવે જયદેવ શુકલ નીતિન મહેતા ભરત નાયક આદિ બે ત્રણ કવિપેઢીઓ કવિતાનાં અવનવાં રૂપો લઈને આવી છે. એમાં જોકે છઠ્ઠા સાતમા દાયકાનાં સંક્ષોભક તત્ત્વો ઠીકઠીક આછરી ગયાં છે, પણ તે સાથે પ્રચ્છન્નપણે સંવેદનાની રેખાઓ કે કલ્પનોપ્રતીકોની રચનામાં અનુકરણ પણ વધ્યું છે. આજની ગુજરાતી કવિતા મોટા નવપ્રસ્થાનની રાહ જુએ છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> * * *