અનુબોધ/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય : અનુબોધ

આ ‘અનુબોધ’ (મે, ૨૦૦૦) પ્રમોદકુમાર પટેલ (૧૯૩૩-૧૯૯૬)નું એમના અવસાન પછીનું વિવેચન-પુસ્તક છે. વિવિધ સામયિકો તથા અધ્યયનગ્રંથોમાં, લેખકની હયાતીમાં પ્રગટ થયેલા, પણ ગ્રંથરૂપે ન પ્રગટેલા લેખો એમના પુત્ર યોગેશ પટેલે, બે વિભાગમાં ગોઠવીને, આ પુસ્તકરૂપે મૂક્યા છે. પહેલા વિભાગમાં ગુજરાતી કવિતા, કવિઓ તેમજ થોડાક ગદ્યકારો અંગેના ઈતિહાસલક્ષી પ્રવાહદર્શનના આઠ લેખો છે. આ દીર્ઘ લેખોમાં પ્રમોદકુમારનું વિશ્લેષણમૂલક પણ પ્રાસાદિક વિવેચન છે. તે તે સમયની ને તે તે સર્જકોની સર્જકતાનાં ઘણાં માર્મિક સ્થાનો એમણે ચીંધી આપ્યાં છે. જૂના અભ્યાસીઓને તૃપ્ત કરે ને નવા અભ્યાસીઓને માર્ગદર્શનરૂપ નીવડે એવું વિવેચન અહીં વાંચવા મળશે. બીજો વિભાગ મધ્યકાલીન, અર્વાચીન, આધુનિક કાળની કેટલીક મહત્ત્વની કૃતિઓ વિશે ગ્રંથસમીક્ષારૂપ લખાણોનો છે. ‘મીરાંનાં પદો’થી લઈને ‘જટાયુ’(સિતાંશુ યશશ્ચંદ્ર) સુધીના કૃતિફલકમાં પ્રમોદભાઈની રુચિ પ્રવર્તી છે. છેલ્લો, ‘પર્ણજ્યોતિના ઉજાસમાં’ લેખ, પોતાના જીવનમાં પ્રેરક બનેલાં પુસ્તકો અંગેની કેફિયતરૂપ છે પણ એમાંય, મહત્ત્વના ઉત્તમ ગ્રંથોનો આસ્વાદ તો પ્રગટે છે.

—રમણ સોની