અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેન ઠાકર `મેહુલ' /આંગણું, પરસાળ ને
Revision as of 09:18, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આંગણું, પરસાળ ને|સુરેન ઠાકર `મેહુલ'}} <poem> આંગણું, પરસાળ ને ઉંબ...")
આંગણું, પરસાળ ને
સુરેન ઠાકર `મેહુલ'
આંગણું, પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં!
ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.
એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.
ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં!
એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
એ પછીથી મોરનાં પીંછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં
(ગીતિકા, સંપા. સુરેશ દલાલ, પૃ. ૨૦૨)