ધૂળમાંની પગલીઓ/૧૬

From Ekatra Wiki
Revision as of 02:52, 22 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬

જળનોયે એક કેફ હોય છે. આદિમતાનો એમાં એક સ્વાદ હોય છે. જાણનારા એ જાણે છે ને માણનારા એ માણેય છે! મેઘ તો બાળપણથી જ મારો દોસ્ત, પણ મેઘદૂત મને મોડો મળ્યો, કિશોરવયમાં, ગૌરીના ગયા કેડે! ને એ મળ્યો ત્યારથી મારો કંઈક જન્મોનો જૂનો દોસ્ત હોય એવો બની રહ્યો. આષાઢ આવે ને ‘आषाढस्य प्रथमदिवसे’ નો ભાવ-લય મને ઘેરી વળે. ક્યાંક કોઈ અલકામાં, સપ્તતલ પ્રાસાદના ગવાક્ષે ઊભીને મારી પ્રતીક્ષા કરતી પેલી ગૌરી પ્રત્યક્ષ થાય, વીજળીને વાદળમાંથી કંડારેલી! મોતીની ઝાંયે ૨સેલી! એની સ્વચ્છ દૃષ્ટિ જ્યાં ઠરતી ત્યાં મઘમઘતાં પારિજાતની ઢગલીઓ જાણે રચી દેતી! જળથી લથબથ ધરતીની મીઠી સોડમમાં ગૌરીના મનનું કપૂર પણ મહેકતું વરતાય. ગૌરી કોઈ જૂઈની વેલની જેમ મારા મનના માંડવડે ઝૂમતી હોય. એની આંખોમાંથી હેતનાં આંસુની કળીઓ ગરતી જાય. મારી માટીમાં એના સ્પર્શે કોઈ સિતાર રણઝણી ઊઠે. મને બધું એવું તો મીઠું મીઠું ને મંજુલમધુર લાગે...! પણ આવો અનુભવ ચોક્કસ ક્યારથી થતો રહ્યો એની તિથિ હું તમને નહીં આપું! મને કોઈ વર્ષાઋતુને માણવા માટે બે જ ઇન્દ્રિયો પસંદ કરવાની કહે તો હું ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય પહેલી પસંદ કરું. વર્ષાની અમૃતધાર ઝીલતાં ઝીલતાં દૂર દૂરના અસ્પર્શ્ય એવા આકાશનેય હું જાણે મારી હથેળીમાં સ્પર્શતું અનુભવતો. જળનાં ટીપાં આકાશના પેલા તારાઓને મળીને આવ્યાં હોય એવાં ખુશનસીબ મને લાગતાં. હું કેટલીકવાર મેઘધનુષની ચઢતી કમાન પર થઈને ગૌરીના ગવાક્ષે પહોંચવાની રંગીન કલ્પનાયે કરી રહેતો. કિશોરવયે મેઘદૂતની મૈત્રી પછી અનેકવાર હું અશરીરિણી ગૌરીને કોઈ શ્વેત-શ્યામ વાદળના ગોટામાંથી શોધી કાઢવા -પકડવા પ્રયત્ન કરતો. અનેકવાર હું કાલિદાસની કાવ્યપંક્તિઓ બોલીને મરૂત અને મેઘ દ્વારા ગૌરીના મનોલોકમાં પહોંચવાને મથતો; પરંતુ ગૌરી કોઈ દૈવી પ્રકાશમૂર્તિ-શી નજીક છતાં દૂર દેખાતી. મુક્ત વેણી ધારણ કરેલી શ્વેત વસ્ત્રાવૃતા ગૌરી કોઈ પ્રતીક્ષાદીપની નિર્મળ જ્યોતિ-શી સ્થિરતયા ચમકતી મને દેખાતી; પરંતુ હું એની કિસલય-શી કોમળ કરાંગુલિને ગ્રહી શકતો ન હતો. હું અવારનવાર દૂર દૂરના ચંદ્રને જોઈને ખડકે ખડકે પછડાટો લેતા સમુદ્ર જેમ મારા ચેતન - ઉછાળને પ્રતીત કરતો. કાંઠો મંજૂર નથી ને કાંઠો ઉલ્લંઘાતોયે નથી! ગૌરી ક્યારેક અધરાતે મધરાતે, આષાઢી કે શ્રાવણી આકાશમાં ચંદ્ર જ્યારે શ્યામ અભ્રો આડે ઢંકાયેલો હશે, વૃક્ષવેલીઓ જ્યારે રહી ગયેલ વરસાદની મીઠી સ્મૃતિનાં મોતી ટપ ટપ ખેરવતી હશે ત્યારે મેઘના મદીલ લાવણ્યરસની સુડોળ પ્રતિમારૂપે અવતરીને કરકમલમાં સ્વર્ણિમ દીપથાળ લઈને મારા કાજે થઈને અભિસારે પધારતી હશે. એમ ન હોય તો શા માટે એ મારી નિકટતર આવતી હોય એવી સંવેદના મને થાય? શા માટે ગૌરીના અભિસારના ખ્યાલ માત્રે મારા આંતરમહેલની સૌ રજતઘંટડીઓ એકસામટી રણકી ઊઠે? શા માટે મારામાંનાં પાંચેય તત્વો – પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ – ઘૂંટાઈને પંચામૃતનો અપૂર્વ સ્વાદ આપતાં ઉલ્લસિત થાય? મને અનેકવાર એવું થતું રહ્યું છે કે કોઈ જાણે ગૌરીની ચેતનાની કલમ મારી ચેતનામાં રોપીને-બાંધીને જાદુઈ જળના ઇલમે કોઈ નિત્યનૂતન સાયુજ્યરસે એકાકાર કરીને જાણે કોળાવવાને મથે છે ને તેય આ વર્ષાની સર્જનાત્મક ઋતુમાં જ. ગૌરીની લોકોત્તર હયાતી અનેક રૂપે આ વર્ષામાં મને પ્રતીત થતી હોય છે : ગૌરી ક્યારેક નવસ્નાત મોગરાનાં લીલા પર્ણના ઉજાસમાં લાવણ્યની ટશરે પ્રગટતી હોય છે. ક્યારેક મેઘધનુષ્યની કમનીય કમાનમાં એની દૃષ્ટિની બંકિમ ભંગિમા મને વરતાય છે. ક્યારેક ઝરણાની રણઝણમાં ગૌરીનાં જ ઝાંઝરની ઝંકૃતિ વહી આવતી મને પમાય છે. ગૌરી મારી અંતઃશ્રુતિને, મારા અંતશ્ચક્ષુને પ્રત્યક્ષ થતી મારી સમગ્ર ચેતનામાં પુલકી ઊઠે છે, માટીમાંથી તૃણ પુલકી ઊઠે એમ. વર્ષા આવે છે અને ગૌરીની સ્મૃતિ બે કાંઠે ઊછળે છે. એનો અભાવ મારામાં ભરાઈ આવે છે, મારી આંખમાંથી એ ઊભરાઈ રહે છે. વર્ષાના સ્મરણ સાથે જ હોડીનું ને તેય કાગળની હોડીનું સ્મરણ ઊઘડી આવે છે. જાતભાતના, રંગબેરંગી નાનામોટા કાગળો એકઠાં કરી, તેમાંથી હોડીઓ તૈયાર કરી અમે વર્ષાનાં પાણી જ્યાં ભરાયાં હોય કે વહેતાં હેાય ત્યાં તે સર્વને તરતી મૂકતા. ક્યારેક આ રીતે હોડીઓ તરાવવામાં ગૌરી સામેલ થતી. આ તો કાગળની હોડીઓ, ગૌરી ને હું એમાં ઓછાં જ બેસી શકવાનાં હતાં? તેમ છતાં સદેહે નહીં તો અમારા પ્રતિનિધિઓ તરીકે ચણોઠી અને કચૂકાને અમે હોડીમાં હળવે હાથે પધરાવતાં. ચણોઠી જો ગૌરીની તો કચૂકો મારો! અમે પાણીમાં તરતી મૂકેલી હોડીને એકીટસે નીરખી રહેતાં. ક્યારેક તે આડીઅવળી ફંટાય, ક્યારેક તે અધવચ અટવાય તો ક્યારેક ફોગાઈને આપોઆપ ફસકી જાય ને એવું થતું ત્યારે અમે ચણોઠી ને કચૂકાને પાણીમાં ખેંચાઈ કે ખોવાઈ જતાં બચાવી લેવામાં મરણિયા સજાગતા દાખવતાં. પરંતુ અંગત રીતે કહું તો મારી સજાગતા અધકચરી નીકળી! ચણોઠી રહી ને ગૌરી ગઈ... મને જોકે આકંઠ ખાતરી છે કે ગૌરીના નાજુક હાથની સંકલ્પસુદઢ મુઠ્ઠીમાં મારો કચૂકો આજેય સ્વચ્છ સ્વચ્છ ચમકતો હશે! વર્ષાઋતુમાં સૌથી ભવ્ય કાર્યક્રમ તે જળક્રીડાનો, આકાશી સ્નાનલીલાનો! પ્રથમ વરસાદ આવું આવું થાય, ધૂળમાં ચકલીઓ નાહતી થાય ને અમને આખા શરીરે અળાઈઓની સખત ખંજવાળ ઊપડે. માને દર વખતની જેમ કહીએ, આ વખતે તો વરસાદમાં બરોબર નાહવું પડશે, તો જ અળાઈનું જોર ઘટશે ને તે મટશે. માયે અમારી ખંજવાળની પીડા જોઈ સકરુણ ચિત્તે હા ભણતી. આમ આગોતરા જામીન-શી આગોતરી મંજૂરી લઈ અમે વળી વળીને આકાશમાં ઘેરાતાં વાદળાંની વણજારને અવલોક્યા કરતા. ક્યારે વાદળાંની પોઠ અહીં ઠલવાય ને ક્યારે અમે એના પાણીમાં તનમનથી તરબોળ થઈએ! વરસાદ આવે કે અમે સદ્ય દિગ્વસન થઈને ઓટલેથી દેડકાની જેમ કૂદકો મારી ફળિયામાં પડીએ, શરીરે ધૂળ ચડાવીએ ને પછી ઘર ઘરનાં નેવે ઊભા રહી એને ધોતા જઈએ. જેમ આબુ પર અનેક 'પોઇન્ટ્સ' છે તેમ અમારાંયે નાહવાનાં અમુક ‘પોઇન્ટ્સ' પહેલેથી જ નક્કી રહેતાં. મંદિરના ધોધવે ક્યારે જવું ને પેલી ધર્મશાળાના ધોધવે ક્યારે જવું તેનો પણ કાર્યક્રમ સુયોજિત. ક્યારેક નેવામાં નાહતા જઈએ અને સાથે સાથે પેશાબની ધારો લડાવતા જઈએ. કઈ લાજશરમ નહીં, કે ભલાંભૂંડાંનાં નાગરિક ગણિત નહીં. પાણી ખુલ્લા માથે, બરડે, છાતીએ પડવા દેવું; પાણીની પોશ પર પોશ ભરી તે ગટગટાવવું; મોઢું પહોળું કરી આકાશમાંનું પાણી સીધું જ એમાં ઝીલવું; બીજાને પાણી છાંટવું અને બીજાના પાણીથી છંટાવું; કોગળા કરવા ને મોંમાં પાણી લઈ ફુવારાની જેમ હવામાં ફૂરૂર ફૂરૂર ઉડાડવું; પાણીના વહેળિયામાં ચત્તાપાટ સૂઈ જવું - આમ અનેક રીતે પાણી સાથે શરીર અને મનને ક્રીડામય રીતે બાંધવાનો મીઠો વ્યવહાર જારી રાખવો - આ જ અમારું તત્કાલીન એકમાત્ર આત્મકર્તવ્ય. અમે પાણી સાથે રમતાં બીજાયે અવનવીન ખેલ આચરતા. વરસાદ આવે ને અળસિયાં નીકળે. અમે તેને ડબીમાં પૂરીએ ને ઘેરથી વાંસળી લાવી (મહુવર તો ક્યાંથી મળે?) મદારીનો ખેલ ચલાવીએ. અળસિયું તે જ અમારે પનોતો નાગબાપો! વળી કોઈવાર અમે ધૂળના પાળા બાંધી કે ખાડા ખોદી તળાવ-કૂવા-નહેરો બાંધી વિવિધ પ્રકારે પાણી વાળીએ અને ભરીએ. કેટલીકવાર તો આ પાણીમાં કોઈ કીડીમકોડાયે દીવાસળીના ખાલી બાકસ કે સળી પર બેસાડીને તરવા-સહેલવા માટે ઉતારીએ. કેટલીકવાર કાદવનું શિવલિંગ બનાવી તેની આગળ રુદ્રી ભણવાનું અનુષ્ઠાન આચરીએ. ક્યારેક પાટિયા પર કાળી માટીનો પિંડ સ્થાપી, તેમાં કોડીની બે આંખો જડીને મેહુલાને – મેઘરાજાનો વરઘોડો પણ કાઢીએ, ને આખા ફળિયામાં મેઘરાજાને માથે લઈને ફેરવીએ. જ્યારે વરસાદ રહી જાય ત્યારે કોચમણીની રમત નીકળે. તીણો સળિયો લઈ ગામના એક છેડાથી બીજા છેડા સુધી અમારી મંડળી આ રમતના નિમિત્તે ઘૂમી વળે. અનેકવાર આ રમતમાં હું હારતો અને તેથી લંગડી લેવાની પદુડી મને મળતી અને લંગડી લેતાં પગ પડી જાય તો ઠોંસાની પ્રસાદીયે સાંપડતી. આ ઠોંસા વેઠાતા, પણ રમત છોડવી વેઠાતી નહોતી. પરંતુ આ વર્ષા જ્યારે ત્રણ-સાત દિવસની લાગટ હેલીમાં પરિણમતી ત્યારે અમે બરોબરના અકળાતા. ભીંતો ભીનીભદ્દ, ભેજની વિકૃત વાસ આવે. હવા હવાયેલી. દુણાયેલા દૂધ જેવું તેજ! નેવાંનો એકધારો ટપટપિયો સરકારી ટાઈપ-રાઈટર-શો અવાજ. ઘરમાં રહીશું તો આપણી અંદર આથો ચડી જશે એવું લાગે! આંખ વળી વળીને ઘરના માળામાંથી બહાર ડોકાય, ને વરસાદી ઠંડીથી ચંપાતી પાછી હઠે. ઘરમાં લીંપણમાં ઠેર ઠેર મંકોડાનાં દર ઊભરાતાં હોય. માખીઓનાં ટોળેટોળાં આમ તેમ બણબણતાં હોય. હીંચકાના સળિયા પર પણ માખો ચીપકીને બેઠી હોય. અદેખી માખીઓને કારણે ઊંઘને પણ જંપીને બેસવાનું (કે સૂવાનું? ) ન મળે! ક્યારેક તો થાય કે પાસે તોપ હોય તો એકાદ અગનગોળો ફેંકી આકાશમાં ઘેરી વળેલાં કોટડાંને રફેદફે કરી નાખીએ. આ હવાથી તો તોપનો ગોળેયે હવાઈ જાય! છેવટે ખોખામાં હવાયેલી દીવાસળીઓ પડી હોય એમ અમે ઘરમાં કોથળા પર અહીંતહીં પડી રહીએ પણ ચેન કેમ વળે? છેવટે જાગીને ક્યાંકથી કોલસો ઉઠાવી લાવી લીંપણમાં આડાઅવળા રેલવે-પાટા દોરીએ. દીવાસળીનાં ખાલી ખોખાંની ગાડી કે પિતાજીએ જાત્રાથી લાવી દીધેલ લાકડાની આગગાડી તેના પર ચલાવીએ. જન્માષ્ટમીએ ખરીદી આણેલી વ્હિસલ રુઆબભેર વગાડીને અમે ગાડી ઉપાડીએ. આ ગાડી ચલાવવામાં ગૌરી હતી ત્યારે તો એય જોડાતી...છૂફભૂક્...છૂફભૂક્...ગાડી ચાલે. મનગમતાં મહેમાનને લઈ આવે અને મનગમતાં સ્ટેશને જ રોકાય. બપોરનો નાસ્તાયે તે ખેંચી લાવે અને હું તથા ગૌરી સાથે બેસીને એ જમીએ. ક્યારેક અમને એમ થાય, આ૫ણી આ બેની મહેફિલમાં ભગવાનને બોલાવીએ. એટલે અમારી ગાડી છૂફભૂક્ છૂફભૂક્ કરતીક ઊપડે સીધી ભગવાન પાસે. એમને લઈને એ સલામત પાછી આવે. અમને રુચે એટલો સમય ભગવાનને અમારી જોડે રમવા દઈએ ને પછી અમે એની સાથે રમતાં થાકીએ-કંટાળીએ ત્યારે એને અમારા તરફથી ટિકિટ કઢાવી આપીને અમારા ભારખાના દ્વારા પાછો વિદાય કરીએ! કેટલીકવાર એ ભગવાન અમને બેને છોડીને જવાની હઠપૂર્વક ના પાડે પણ અમે એવા શિસ્તભંગને કંઈ ચલાવી લઈએ? અમે એકને બદલે બે એન્જિન જોડીને તેને પરાણે તેના ઘેર પારસલની જેમ મોકલીને જંપતાં. પણ પછી તો ગૌરી ગઈ, એમ ગિરધારીયે ગયા અને સાથે બાલ્ય પણ. અત્યારે ધસમસતાં પાણી વહી ગયા કેડે એણે જ આંકેલી ભેંકાર ભેખડોની હસ્તી આ માટીમાં બચી છે. કાંઠે આમતેમ થોડાં ઝાડ જરૂર છે; પણ એય ખર્ચા પાનવાળાં. મારો અંદરનો ધખારો કે તાપ સમાવે એટલો છાંયડો નથી એ બાપડાં કને! આજે તો જળની માછલડીને ઝાંઝવામાં તરવાનું નિર્માણ છે. ભલે બાપુ, ભલે! અમે ચોમાસાના દિવસ તહેવારોથી ગણતા! આ દિવાસો, આ રાખડીપૂનમ, આ શીતળા સાતમ, આ જન્માષ્ટમી, આ દશેરા, આ શરદપૂનમ – એ રીતે. શીતળાસાતમની ઠંડી બાસુંદી, જન્માષ્ટમીની બરફી ને પંચાજીરી, શ્રાદ્ધના દિવસોની ખીર અને લાડુ, શરદપૂનમનાં દૂધપૌંઆ – આમ અનેક રીતે આ અમારું ચોમાસું સ્વાદિષ્ટ-મિષ્ટ બનતું. અમે ચોમાસામાં રસ્તામાં આવતા વહેળાઓ વટાવવાની, લીલાંછમ ખેતરો ખૂંદવાની અને ભર્યા તળાવના કાંઠા પર ટહેલવાની મજા વળી વળીને લેતા. એક ગામથી બીજે ગામ અંગ્રેજી નિશાળે જવાનું. છત્રી કે રેઇનકોટની સાહ્યબી તો ક્યાંથી હોય અમારી કને? ભણવાની ચોપડીઓ મીણિયા કાપડમાં વીંટળાયેલી વરસાદથી જળવાય તોયે ઘણું. અનેકવાર અમે વરસાદથી ભીંજાઈએ ને એવાં ભીનાં કપડે જ આખો દિવસ નિશાળમાં કાઢીએ. સાંજે ઘેર પાછાં ફરીએ. અમને ઠંડી લાગી જતાં અવારનવાર શરદી થતી. છીંકો આવે ને માથું ભારે થાય ત્યારે ઘરે મા બાજરીના લોટમાં ઘી-ગોળ ને સુંઠ-ગંઠોડા નાખીને ગરમાગરમ રાબ (ભડકી) કરી આપતી. અને ત્યારે માના હેતની જે હૂંફ ને તાજગી રાબમાં ઊતરેલી અમે ચિત્તમાં અનુભવતાં તે આજેય સુદઢપણે અંકિત છે. ચોમાસામાં અમારા વૈષ્ણવ મંદિરમાં હિંડોળાનો ભારે મહિમા. આસોપાલવ, ફૂલ, શાકભાજી, જરી-રેશમ એમ વિવિધ પ્રકારે આ હિંડોળા ભરાતા. પિતાજીની એમાં બારીક દેખરેખ અને દોરવણી, ખાસ્સા પાંચસાત કલાકે હિંડોળા ભરાઈ રહે. એ ભરવાનીયે મજા અનોખી હતી. કોઈકવાર હિંડોળા ભરવાનું કેટલુંક પ્રાથમિક કામ અમને ટાબરિયાંને સોંપી વડીલો જરા આઘાપાછા થતા ને ત્યારે અમારામાંથી કોઈ ફાંકેબાજ છોકરો ઠાકોરજીને ઠેકાણે પોતે જ હિંડોળા પર ચડી બેસી પાંચદસ ઠેલાં મારી લેતો. અમે સભય આ સાહસકર્મ નિહાળી રહેતા પણ હરફેય નીકળે શાનો? મને એની જેમ હિંડોળે હીંચવાની ઈચ્છા તો ઊગતી પણ પાપનો ને પિતાજીના પ્રકોપનો ખ્યાલ મારી એ ઈચ્છા દાબી દેતો. એ દબાવેલી ઇચ્છા ઘરે હીંચકા પર ઝૂલતાં પ્રસ્ફોટ પામતી. હું કૃષ્ણની અદાથી વાંસળી હોઠ પર રાખીને હિંડોળા પર વિરાજતો ને તેવામાં જો ગૌરી આવતી તો તે મન ભરીને મને ઝુલાવીને રહેતી! અમેય ઘરે કેટલીયવાર ઠાકોરજીના હિંડોળાની રમત રમતાં. પિત્તળના લાલજીને હિંડોળામાં પધરાવીએ પણ એ વારંવાર ઊથલી પડે. અમને— ગૌરીને અને મને – એથી અત્યંત માઠું લાગતું. એકાદવાર તો ગૌરીએ ગુસ્સે થઈ લાલજીને એક લપડાક પણ લગાવી દીધેલી એમ કહીને કે – 'ખબર નથી પડતી આમ બેસો છો તે! હમણાં ઊથલીને નીચે ભોંય પર પડ્યા હોત તો લમણું રંગાઈ જાત!' પણ લાલજી અસલી ધાતુના, ગૌરીનું કહ્યું ન જ માન્યા. છેવટે અમે બેયે સર્વાનુમતે આ રમત પૂરતું એમને ગેરલાયક ઠેરવ્યા અને પદભ્રષ્ટ કર્યા! આજે ગૌરી નથી, અમારા એ લાલજી નથી, તો એ ચંદ્રકાન્ત પણ છે? આજે એ વરસાદ પણ ક્યાં છે? આજે પગ છે પણ પેલાં નમણાં પગલાં નથી જે વર્ષાભીની માટીમાં કાકપદની કળાએ કે મોરની કળાએ ઊઘડે.