નવલકથાનો સાદો શ્વાસ!
નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે? આ ચિન્તા અને ચિકિત્સા આ લખનારે આજથી બાર વર્ષ પહેલાં, છેક ૧૯૫૫માં કરેલી. વડોદરા લેખકમિલનના અધિવેશનમાં ગુજરાતી નવલકથા અંગેનું આ નિરીક્ષણ અંગ્રેજી નવલકથાના અનુલક્ષમાં પણ કરી જોયેલું. એ નિરીક્ષણનો સૂર નિરાશાજનક હતો. એ અરસામાં ઉમાશંકર જોષીએ ‘સંસ્કૃતિ’માં આવો જ નિરાશાસૂચક ઉદ્ગાર કાઢેલો : ગુજરાતી નવલકથાને શું થવા બેઠું છે? હવે આજે ૧૯૬૭માં ખાસ્સાં બાર વર્ષ પછી પણ નવલકથાના નાભિશ્વાસની જ ચિંતા ને ચર્ચા કરીએ એ જરા વિચિત્ર જ નહિ, વિરોધાભાસી પણ લાગે. દરદીનો નાભિશ્વાસ કાંઈક બાર વર્ષ સુધી ન ચાલે. એટલે, એમ જ ઘટાવવું રહ્યું કે જેને આપણે નાભિશ્વાસ ગણતા હતા એ સાદો જ શ્વાસ હતો, નાભિશ્વાસ કે અંતિમ શ્વાસ જેવો ‘ઘરડકો’ નહોતો. એવું હોત તો તો અત્યારે આપણે ચર્ચાસભાને બદલે શોકસભા જ યોજવી પડી હોત. આપણી નવલકથાના સ્વાસ્થ્ય અંગે આમ વારંવાર આપણે ચિંતા દાખવતાં રહીએ છીએ એ હકીકત પોતે જ એ સાહિત્યપ્રકારની જીવન્તતાનો એક પુરાવો ન ગણાય? મૃત સાહિત્યસ્વરૂપની તો ચિંતા પણ કોણ કરે? હમણાં જ આપણે ગુજરાતી નવલકથાની જન્મશતાબ્દી ઊજવી છે. ‘કરણ ઘેલો’થી જન્મેલી આપણી નવલકથાનાં સો વર્ષ પૂરાં થયાં છે, પણ હજી સદ્ભાગ્યે એનાં સોએસો વર્ષ પૂરાં નથી થઈ ગયાં. આપણે વારેવારે એનું સરવૈયું કાઢવા પ્રેરાઈએ છીએ એ જ બતાવે છે કે આ ક્ષેત્રમાં પુષ્કળ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને ધમધોકાર ઉદ્યમ પોતે જ એક જીવન્તપણાનો સબૂત ગણાય. નવથકથાક્ષેત્રે ઘણીવાર ઘોડાપૂર જેવું જોવા મળે છે. આ સાહિત્યપ્રકારની અસાધારણ લોકપ્રિયતાને કારણે વારંવાર જુવાળ જેવું દેખાતું હોય છે, તેથી એની સંગીનતાનો તાગ લેવામાં જરા ‘થોભો અને રાહ જુઓ’ જેવી નીતિ સલાહભરી લાગે છે. તાબડતોબ સરવૈયું આંકી કાઢવામાં ભૂલથાપ થવાનો ભય છે. પેલાં ઘોડાપૂરમાંથી નિતર્યાં પાણી જેવું દર્શન થાય ત્યારે એની નિરીક્ષા વધારે શ્રદ્ધેય બનવા સંભવ છે. ગુજરાતી નવલકથાનો છેલ્લો દાયકો આવાં ઘોડાપૂર જેવો લાગે છે. એ જુવાળમાં જૂની તેમજ નવી પુષ્કળ કલમો જોવા મળે છે. તેથી જ એની સંગીનતાનો તાત્કાલિક તાગ લેવાનું મુશ્કેલ લાગે છે. આ માટે બાપડા વિવેચકોને દોષ દેવાથી કશું નહિ વળે. સત્ત્વશીલ કલમો વિવેચકોની સ્વીકૃતિ કે પ્રશંસાની રાહ જોવા ભાગ્યે જ થોભે. એને એવી ખેવના પણ ન હોવી ઘટે. આ ક્ષેત્રે ‘નીવડ્યે વખાણ’ની લોકોકિત વધારે શ્રદ્ધેય હોવાનું સ્વાનુભવે સમજાયું છે. જે નવલકથા એક-બે દાયકા પછી પણ પોતાની પ્રભાવકતા જાળવી રહે, બલકે વધારતી પણ રહે એ એની સંગીનતાનો નિર્દેશ ગણાય. પેલો જુવાળ, તાત્કાલિક લોકપ્રિયતાનો જુવાળ પણ, ઓસરી ગયા પછી નિતર્યાં પાણીના ઓવારેથી આવી કૃતિઓની નિરીક્ષા કરી શકાય. ઉપલક નજરે સાવ સહેલી જણાતી નવવકથાના લેખનમાં સંગીનતા દાખવવી એ સહેલી વાત નથી. વિવેચકો તો હંમેશાં દુરારાધ્ય જ નહિ, ઉદાસીન પણ રહેવાના. પણ આ ક્ષેત્રમાં બહોળો વાચકવર્ગ ઘણીવાર પરોક્ષ વિવેચકનું કામ કરતો હોય છે. અને નવલકથામાં પ્રાણ હોય તો આરૂઢ વિવેચકોએ પણ વહેલેમોડે એની નોંધ લેવી જ પડે છે. નવોદિત નવલકથાકારોને સ્વીકૃતિ માટે એકાદ-બે દાયકા સુધી રાહ જોવાનું કહું એ તો ક્રૂરતા જ ગણાય. છતાં આત્મનિર્ભર બનવાના અને પોતાની લેખિની અંગે આત્મશ્રદ્ધા કેળવવાની શીખ તો જરૂર આપીશ. હરેક સર્જકે આખરે તો પોતપોતાને તૂંબડે જ તરવાનું હોય છે. વિવેચનનું સ્થાન સર્જન પછી જ આવે છે. પ્રથમ નવલકથા સરજાય છે, પછી એનું વિવેચન થાય છે. આ ઘટનાક્રમ ભૂલવો ન જોઈએ. ગુજરાતી નવલકથાનો છેલ્લો દાયકો કથાના શહેરીકરણ માટે યાદગાર રહેશે. આગલો દાયકો જાનપદી કથાઓનો હતો, તો ચાલુ દાયકો નગરજીવનની રચનાઓનો જણાય છે. આ વર્ગીકરણ અલબત્ત, બહુ જાડું છે, એ હું જાણું છું અને નગરજીવનની કથાઓ નગરીય ચિત્રણોને કારણે જ ગ્રામીણ કથાઓ કરતાં ચડિયાતી છે એમ પણ ન કહી શકાય. મુખ્ય વાત તો કથાકારની સંવેદનશીલતાની છે. અને એ સંવેદનશીલતા આ દાયકા દરમિયાન નવાં નવાં સ્તરોને આંબતી જણાય છે. સર્જકના સંવેદનતંત્રના કેન્દ્રમાં ક્રમશઃ સમાજને બદલે વ્યક્તિની સ્થાપના થઈ રહી છે અને એ વ્યક્તિના પણ બહિર્જીવન કરતાં આંતરજીવનમાં આજનો કથાકાર વધારે રસ દાખવતો જણાય છે. કલ્પનોત્થ સર્જકતાને પાંગરવા માટેનો આ સાચો પ્રદેશ છે. તેથી જ, નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવી અમંગળ આગાહી કરવી ઉચિત ન ગણાય. આપણી નવલકથાનો શ્વાસ ચાલે છે, ઉચ્છ્વાસ પણ ચાલે છે અને બેઉ પ્રક્રિયાઓ સારી રીતે ચાલી રહી છે. એનું સ્વાસ્થ્ય કેવુંક સંગીન છે, એનો નિર્ણય પેલી નવી કલમોની હજી વધારે ફસલ ઊતરતાં સુધી અને પાણી નિતર્યાં બની રહે ત્યાં સુધી મુલતવી રાખીએ.
(સાહિત્ય સહકારી પ્રકાશન લિ. મુંબઈને ઉપક્રમે યોજાયેલી ચર્ચાસભાના પ્રમુખસ્થાનેથી કરેલાં નિરીક્ષણો, માર્ચ ૧૯૬૭)