કથાલોક/નિવેદન

Revision as of 02:08, 17 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિવેદન

છેલ્લાં વીસેક વર્ષમાં નવલકથા વિશે લખાયેલ અવલોકનો, નિરીક્ષણો, નોંધો વગેરે અહીં એકઠાં કર્યાં છે. કેટલાંક પ્રાસંગિક લખાણોની પ્રાસંગિકતા યથાવત્ રહેવા દીધી છે. અહીં તહીં કોઈ ઉદાહરણ, ઉલ્લેખ, દલીલ વગેરે દોહરાયાં છે, એ મારી જાણ બહાર નથી. પણ એ પુનરાવર્તન પણ ઇરાદાપૂર્વક રહેવા જ દીધું છે. કલકત્તા ગુજરાતી સાહિત્ય મંડળને ઉપક્રમે નવલકથા વિશે આપેલાં ચાર વ્યાખ્યાનોનું દોહન આ ગ્રંથમાં એ સંસ્થાના સૌજન્યથી શામિલ કર્યું છે. એ સંસ્થાનો વિશેષ આભાર એટલા માટે માનું છું કે એ વ્યાખ્યાનો વડે નવલકથાવિચાર વધારે વ્યવસ્થિત કરવાની તક મળેલી. પશ્ચિમમાં તો નવલકથાવિચાર એટલો ગતિશીલ છે કે આ ગ્રંથ છપાઈને પ્રગટ થશે એટલા સમયગાળામાં પણ એમાંનો વિચાર થોડો પછાત યા ઝાંખો પડી ગયો હશે. અલબત્ત, એ જોઈને વધુમાં વધુ આનંદ આ લખનારને જ થશે. મારા ઉમંગી પ્રકાશકમિત્રો ધનજીભાઈ અને ભોગીલાલે આ ગ્રંથના નિર્માણ માટે હામ ભીડી એ બદલ એમનો ઋણી છું. કથારસિકોને આ ગ્રંથ ગમશે તો આ લેખન–પ્રકાશનસાહસ લેખે લાગશે.

ચન્દ્રલોક-બી
મા. મં. રોડ, મલબાર હિલ,
મુંબઈ-૬.
જુલાઈ ૧૯૬૮

ચુનીલાલ મડિયા