પ્રેમઘટા ઝૂક આઈ
સંતો પ્રેમઘટા ઝૂક આઈ
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
મુદિત રહ્યું મન ન્હાઈ. —સંતો૦
મ્હેકી ઊઠી ઉરધરા, છવાઈ હર્ષ તણી હરિયાળી;
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
પ્રકટ પ્રેમગહરાઈ. —સંતો૦
ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
ભેદ ગયા ભૂંસાઈ. —સંતો૦