મર્મર/વળાવીને આવું

From Ekatra Wiki
Revision as of 02:49, 15 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વળાવીને આવું

વળાવીને આવું શિશુ-શિશુજનેતા; ઘર મહીં
બધે કેવી શાંતિ! ઘડી પૂરવનું ક્ષુબ્ધ ભવન
તીણા મીઠા બાલસ્વરથી, ઊભું શું રોકી શ્વસન!
પડ્યું છે ખૂણામાં શિશુનું પ્રિય એ પારણું, અને
મનસ્વી ટોળીનાં શિશુ સમ પડેલાં રમકડાં;
અરે છેલ્લે એનાં બદલી દૂર ફેંકેલ કપડાં
પડ્યાં પેલા ખૂણે; ભીંત પર લીલાની જ લિપિના
લખ્યા લીટા જોઉં, પડી ય હજી તો પેન્સિલ કને.

થતું જાણેઃ ભેદી નરી નીરવતા આ ભવનની
મને ઓચિંતા એ પરિચિત સ્વરો કાન પડશે,
છુપાયેલું જાણે શિશુ કહીંક તે ‘કૂકડી કૂક'
કરી સંતાવાને બદલ ઢૂંઢવા બ્હાર સરશે,
અને જાણે સદ્ય સ્મિતથી કરશે વિસ્મયમૂક.