મર્મર/ધીંગો ધોરી

Revision as of 01:58, 15 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધીંગો ધોરી

ધીંગો ધોરી ગયો, ગયો ભારતના રથનો
સાચો કણબી ગયો ક્ષેત્રનો પુરુષારથનો
પથિક ગયો અક્લાન્ત રાષ્ટ્રના સમુદયપથનો
સમર પડ્યું ભેંકાર, વિના ગરજન સમરથનાં.

હતો સિંહ તું વજ્રદંષ્ટ્ર ને દિલનો ઉમદા,
હતો ભીમ અન્યાયશિરે ર્હેતો તોળી ગદા,
હતો સૂર્ય તું પ્રખર તેજ ને દાહ ભરેલો
હતો ચંદ્ર તું દીપ્ત સુધાનો કુમ્ભ રસેલો.

પોચટદિલ ગુજરાત તણો તું વજ્રવિચારી;
સુખસેવી ગુજરાત તણો સેવાવ્રતધારી;
વહેવારુ ગુજરાત તણો આદર્શવિહારી;
ને ગાંડી ગુજરાત તણો ડ્હાપણભંડારી.

ગયો ગયો સરદાર સો ટકા દિલનો સાચો
કરુણાનો ભંડાર, ગાંધીનો ચેલો પાકો.