અપૂર્ણા વૈખરી મારી
અપૂર્ણા વૈખરી મારી, તારા પૂર્ણ સ્વરૂપને
સ્તવી કેમ શકે? તારી લીલામૂર્તિ અનુપને
ન્યાળતાં મૂઢ થૈ બેસે મૌનના ગહનાર્ણવે.
વસંતે પુષ્પનાં પાત્રે ઘૂંટાતી રંગની છટા,
પિકના ટહુકારોથી મ્હોરતી આમ્રની ઘટા;
અનભ્ર નભની શોભા, વર્ષાના ઘનગર્જને
જાગતાં સ્મરણો કેરી અનુભૂતિ વિયોગીની.
–સમાયે શી રીતે સિન્ધુ ભાવનો વાણીગાગરે?
તો યે અવ્યક્ત જે ર્હેતું રમી આત્મપ્રદેશમાં
દેખાતું દૃગને કાલે કાલે જે નવવેશમાં;
વાણીના ફલકે તેને લીલાર્થ લાવવા મથું
કિન્તુ વ્યર્થ, અડી પાની ને અડી ને ઊડી જતું.
અધૂરાં દર્શને તારા જાગે ઉરે ઊંડી વ્યથા,
અપૂર્ણા વૈખરી ગાતી વ્યથાની અધૂરી કથા.