બરફનાં પંખી/વેઇટિંગ રુમ

Revision as of 13:35, 13 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વેઈટિંગ રૂમ

સાંજ પડ્યે
આખ્ખું યે શહેર
રંગબેરંગી પોશાક પહેરીને
ફુગ્ગાની જેમ ઊડતું હોય છે
ત્યારે
હું મારા ઓરડાની
સફેદ ભીંત ઉપર
દિવસ પૂરો થયાનો
લાલ લીટો કરું છું.
બા હસે છે.
ક્યારેક બાપુજી ફરિયાદ કરે છે કે
આ છોકરાએ તો
ઘરની ભીંતો બગાડી નાખી છે!

શું થાય?
હતો છું હોઈશ ના
મચ્છરભર્યા અંધકારમાં
મારા અક્ષર દેખાય છે
પણ હું નથી દેખાતો

ક્યારેક
મારી ધ્રૂજતી આંગળીઓ
કવિતા લખવા જાય પણ
પેનમાંથી શબ્દને બદલે
શાહીનું ટીપું પડે છતાં ટીપાંને
શબ્દ કહેવો પડે
એવી તો લાચારી!
ક્યાંકથી
ફ્યુઝ ઊડી ગયો છે
એમ કહેવામાં
અંધકારનો અનાદર
એટલે જીભને ફેવીકોલ લગાડીને
બેસી પડ્યો છું.
બારીના કથ્થાઈ રંગના
પરદાઓ હલ્યા કરે
ભલે.
રાખોડી રંગની શેરીઓમાં
આરતીની જેમ
માણસો ફર્યા કરે
ભલે.
કોઈ હીરાકિરી કરે
ભલે.
જિંદગી એટલે કસાઈવાડે જતી ગાય
ભલે.
આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર જઈ આવ્યો
ભલે.
કેન્સરની દવા શોધાઈ
ભલે.
છગનલાલને નોબલ પ્રાઈઝ મળ્યું
ભલે.
આ ગતિ વગરના સિલિંગ ફેનો,
બંધ પડેલા રેક્રિઝરેટરો,
અટકી પડેલી લોકલ ટ્રેઇનો,
વરાળની જેમ ઊડતાં પંખીઓ,
રઝળી પડતા મુસાફરો
અને લાઈટ વગરની ટ્યુબલાઈટો વચ્ચે
હસવાની વાત છે કે
કૂકડો ઈંડું મૂકે છે
એક હરિજનને
ઉધરસ ખાવાના ગુન્હા બદલ
પેટ્રોલ છાંટીને
જીવતો બાળી નાખ્યાના
સમાચાર વાંચીને થાય છે કે
માણસ ખૂબ સરસ રીતે
નિર્દયતા આચરી શકે છે.
આમેય
મારી સજ્જનતાના વિકાસમાં
દુર્જનો સૌથી વધારે સક્રિય હોય છે.
આવ્યું......
આવ્યું......
આવ્યું......
શું?
બગાસું
હત્તારી!
બારી બહારના લીમડા પાસેથી
પસાર થતા
વીજળીના તાર ઉપર
કાગડાનું ઊંધે માથે
લટકતું શબ જોઈને અરેરાટી છૂટે કે
મૂવો કાગડોયે ફ્યુઝની જેમ ઊડી ગયો?
હવે
કાબરબાઈને
કોણ કહેશે કે,
“ઠાગાઠૈયા કરું છું.
ચાંચુડી ઘડાવું છું.
જાવ, કાબરબાઈ!
કાલ સવારે આવું છું”
કાબરબાઈ ખોટું ખોટું હસે
કાબરબાઈ ઊડવાનો ઢોંગ કરે
કાબરબાઈ એટલે
પાદરમાં ઢોળાઈ ગયેલાં
તળાવ કાંઠે
પાન વગરના ઝાડ કનેથી
છાંયો ચરતી
કાબરચીતરી ગાય તાકતી આંખ
આંખમાં પાંખ
પાંખમાં આભ
આભમાં ઝાંખ
ઝાંખમાં રાખ
રાખનો દરિયો ઘૂઘવે
માછીડા હોડી હંકાર!
રાખનો દરિયો ઘૂઘવે
આ બધું શું લખાય છે?
એક શબ્દનું
બીજા શબ્દ તરફ થતું
નિરર્થક અર્થાતર.
આવી કઢંગી
અર્થાંતર પ્રક્રિયામાં શહીદ થયેલા
મારા પૂર્વસૂરિઓને
હું વંદન કરું છું.
કાબરબાઈને મન
વિશ્વ એટલે રડવાની ઉત્તમ સગવડ.
કાબરબાઈ રડ્યા કરે.
મર્યા કરે.
શું થાય?
જીવવું હોય તો જીવો.
નહીંતર જાવ તેલ લેવા.
અહીં તો
આકાશમાં પોપટને બદલે
જેટ ફાઈટરો ઊડે છે.
ને પીંછાની જેમ
ખરે છે.
અણુંબોબ.
ભલે.
સાંજ ઢળે છે.
ગાયોનું ધણ પાછું વળે છે.
મચ્છરભર્યું અંધારું ઊતરતું જાય છે.
ફળિયામાં ઝીણી ઝીણી
વાતો થાય છે ને
હું
મારા ઓરડાની સફેદ ભીંત ઉપર
દિવસ પૂરો થયાનો
લાલ લીટો દોરું છું.
બા હસે છે.
ક્યારેક બાપુજી ફરિયાદ કરે છે કે
આ છોકરાએ તો
ઘરની ભીંતો બગાડી નાખી છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***