ધ્વનિ/મારી સુષુમણાનો તાર

From Ekatra Wiki
Revision as of 03:30, 8 May 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૧. મારી સુષુમણાનો તાર

મારી સુષુમણાનો તાર
એનો કોણ બજવણહાર?
મારી ઝંખના અપાર!
નયણાંએ ભેદ નહિ જાણિયો હો જી.

ક્યારે રે ગાજે છે અનહદ વાદળાં,
ક્યારે જલ ઝણકાર,
ક્યારે રે મરદંગ ક્યારે ઘૂઘરા,
ક્યારે બીન રણકાર. —એનો૦

ઝીણો રે શબદ એને ઝીલવા
આવ્યા વાયુ આવ્યા ભાણ,
મનના તે સ્વામી આવ્યા ચંદ્રમા,
દિશાઓએ માંડ્યા કાન. —એનો૦

બોલે ને બોલે તે અદકો ટળવળે
જીવડો અદકો હોરાય,
ભવનો અંધાપો ક્યારે ભાંગશે,
અણદીઠ ક્યારે ઓળખાય?—એનો૦
૨-૯-૪૫