દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/વ્યાસોચ્છ્‌શ્વાસ : સમુદ્રને આહ્વાન

વ્યાસોચ્છ્વાસ : સમુદ્રને આહ્વાન (AADHUNIK GUJARATI KAVITA)

સમુદ્ર
તારી ફીણ ફીણ સળવળતી જીભે
મેં વાવેલા શબ્દ
પાછા લેવા આવ્યો છું

તારી સુકાતી જીભ
તાણીને અમળાયલાં ચીમળાયલાં ગંધાતાં આંતરડાં લગી
ઠેઠ ઊંડે સંતાડી રાખ તોય
મને મારા શબ્દ પાછા જોઈએ છે

બ્હીજે ના
નથી મારે બાંધવાં તારી જોડે વેર
કે નથી વિખેરી તને લૂંટવો
કે નથી સૂકવવો
કે નાથવો કે ખેંચી જવો આવે
મને તો જોઈએ છે
ખારાશમાં ઊગેલા હૂગેલા આથેલા ડૂબેલા કે તરતા
મારા શબ્દ

શબ્દ તો વનમાંય વાવ્યા હતા
સાગ સાલ દેવદાર આવળ બાવળ પીપળાની જોડાજોડ
ને ધાતુઝરતા પર્વતોમાં
લાખ ગૂગળ અગરૂ ગુંદર જેમ જમાવીને ઘટ્ટ
પલાશની પાંદડી ૫૨ વેર્યા હતા
હરણની થરકતી ખાલ પર
કબૂતરને પીછે ગરુડની પાંખે ગીધની ચાંચે
કમળ ફરતે ચકરાતા ભમરાના ગણગણાટ પર
સરોવરમાં ડેકાં દેતી માછલીને ઘેરતા કુંડાળા પર
વરસાદી સાંજે તગતગતા આગિયાની આંખમીંચ પર
કોઈ કોઈ શબ્દોને અમસ્તા જ
હવા પર પાણી ૫૨ ૫થા ૫૨ આગના ભડકા પર ઊંડા ખાડામાં
પાથરી રાખ્યા હતા
કે એમને ટેવ પડે
જો આસપાસમાં ચૈતન્યનો અણસાર પણ ન હોય
તોય જીવતા રહેવાની

કારણ કે હું જાણતો હતો
મારીય કલ્પના બહારનું અણધાર્યું અણવાર્યું
એવું તો ઘમસાણ ઊઠશે
ને ફેલાશે કે પછી તો
મોત આગળ મોત પાછળ
મોત ડાબે જમણે વચ્ચે
અજવાળામાં અંધારામાં
ઘરની ભીતર ઘરની બ્યરે
ઉંબરડે આળોટે મોત
આંગળીને આંટે પહેરેલું
નખની ધારે ચળકતું
ફૂલતાં બાવડેથી ભીંસ થઈ ઘે૨નારું
ભાલો થઈ ભચ્ચ તીર થઈ શૂમ્સ તલવાર થઈ ખચ્ચ ગદા થઈ ઘમ્મ
કંઈ કેટલી જાતના સ્ફોટથી
સકળને છિન્ન-વિચ્છિન્ન
શીવિશીર્ણ
અણુ ૫૨માણુથીય અલ્પ
છેવટે શૂન્ય કરી દેનારું
મોત
મને ખબર હતી કે આવશે

ત્યારે હાંફળાફાંફળા બની ગયા છતાંય
એને બિવડાવવા
સામે અરીસાની જેમ સકારે ખડા કરી દેવા
ખપશે મને હાથવગા શબ્દ
ડૂબેલા ફૂગેલા છાલઊખડ્યા ખારાશથી ઓકાવતા
આંધળાના હાથ જેવા અથડાતા
તને સોંપી રાખેલા શબ્દ
વગર દાંડીએ ગાજતાં નગારાં જેવા
વણમોગરીએ ગુંજતા ઘંટ જેવા
કાઠીથી ગાંઠ છોડ્યા પહેલાં જ ફફડતી ધુમાડી ધજા જેવા
ઘોડા જોડ્યા વિના જ દોડતા ૨થ જેવા
હાથમાં ઝાલ્યા મોર તણખાતાં ખાંડાં જેવા
ધનુષ્ય ૫૨ સાંધ્યા અગાઉ છૂટતાં તીર જેવા
મોં ખોલ્યા વિના જ
અચાનક પાનખરની અજાયબ ડાળે ખીચોખીચ

પાંચ ફૂલ કળી કાંટા કેરીઆંબલિયાદાડમબોરણસઅનનર્સિંગસોાતૂંબડા જેવા
એક જ શાખે બથંબથ્થા બાઝેલા શબ્દ
બોલતાંવેંત અર્થને ઉતારી નાગા ફરતા
જન્મતાં જ કામાતુર આંધળા થઈ પોતાની મા જીભને વળગી પડતા
અવતર્યા પહેલાં જ આથમેલા
મોતવટાળ શબ્દ
મોતની જોડે બાખડવા મારે સંતાડીને સંઘરી રાખવાના હતા

થોડા દીધા તને થોડા ભોંયને થોડા જંગલને થોડા પહાડને થોડા આકાશને
થોડા અંધારાને થોડા સૂનકા૨ને
હોંશ એવી કે
– આમ તો મોત વ્હાશે નહીં
ને મોતથી કંઈ બચશે નહીં –
તોય ઘડીભર મોતને ફોસલાવવાને
અમથાક ઠાહાહૈયા કરતાં કરતાં
ચલ ભંભોટિયે બેઠ બતાવું
ઊંચાં ઝાડે ઊગેલાં કમળ કે પાંચ પાંચ ડોડલે ડોલતા જવ
કે સો સો કણસે ઝૂકેલી સાળ
કે આખલાની જેમ ભાંભરતા કૂવા કે મેનાજાયા મરઘા કે ગાયજણ્યા સૂવર
બે માથાળાં બે પૂંછાળાં બે શિરનાળાં પાંચ પગાળાં જાનવર
મેળાના તંબૂમાં સસ્તી, ટિકિટે દેખાડવાને
જોરશોરથી ઢંઢેરો પીટવા ને પડદો ઊંચકી ખેલ દેખાડવા કામ લાગવાના
કુંવારીને પેટ પાક્યા અછડતા મેલેલા ભટકાળ શબ્દ
ભાતીગળ વેશ કોડીજડ્યા કેશકમખે સીવેલાં આભલાં
ને પોતડીએ ઉગવેલ ફૂમતાં
સરનામાં તો શું
દેશકાળ વગરના શબ્દ
મોત ભોળવાય તોય ઘડીભર જ
ચમકીને ગરજતાં વાદળાં ઘડીભર વિખેરાય પણ ને તડકો વેરાય
તોય આખરે વ૨સનારું વરસે જ
પહેલાં મહેકથી ભરપૂર છતાં છેક પૂર થઈ જળબંબાણ કરી દે એવું
મોત
આવશે જ એ મને જાણ હતી
અને એટલે જ ધૂળમાં સંતાડી રાખ્યા હતા શબ્દ ઢેફાં જેવા
ફોરાં પડે ભીની માટી હળવે હળવે પાકેલી પોચી છાલની જેમ ઊખડે
ફોલાતી જાય ને સબડાક છલાંગ મારતા દેડકાની જેવા
નવીનકોર ચામડીવાળા શબ્દ
તારાં પાણીમાંથી ઊછળતી આવતી માછલીની જેમ કરે ચારકોર કૂદાકૂદ
કિનારાની રેતીમાં લંબાવી
તડકે તપતાં શીખે મોઢાથી શ્વાસ લેતાં
ભોંયે સળવળતાં શીખે
બાકોરે ગકતાં
ઝાડે ચડતાં
ઘાસ ચાવતાં થડ મ્હોરતાં ફોતરાં છોલતાં ગરભ ચૂસતાં
આસમાનને અડવા ઊંચી ડાળે ચડી છેવટે ભૂસકો દેતાંક ઊડતાં શીખતા
ટેકરીએ તળેટીએ પર્વતે ખીણમાં રણમાં ચારે પગે દોડાદોડ કરતાં
કંઈક ઝાલવાને અજાણતાંક વાંસો તાણી ટટ્ટાર ચાલતા થતા
શબ્દ
મારે તારી અનેક અંધારી છીપોમાં
ઘાસની પત્તીમાં
પંખીનાં રૂંવાડે
હરણનાં ચાંદાંમાં
હવાની સુગંધમાં
ભમરના ગુંજનમાં
આગિયાની ઊડાઊડમાં
સાચવી રાખવાના હતા

સમુદ્ર
પાછા આપ મારા શબ્દ
કદાચ મોતની સામે હારી જશે મારા શબ્દ
ને તુંય બની રહીશ
બિડાતી આંખમાં જળવાયલી આખરી ખારી આછી ભીનાશ
અને એય સુકાઈ જાય તોય
અક્ષરમાં આંકેલ રહી જશે
બધુંય ઊડી ગયા પછી બચેલા ક્ષારની જેમ
એક નામ
સમુદ્ર