દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/દહન

Revision as of 02:24, 7 May 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/દહન to User:દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/દહન without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો)
દહન

મેં તો એવી આગ લગાડી
સમદર સાથે બળ્યાં હિમાલય શિખરે થીજ્યાં પાણી
જોયો જેને નથી, ઝૂંપડાં જીરણ એનાં તોડ્યાં
ખોયું જેણે બધું, ખેતરે એને ખીલા ખોડ્યા
ખાલ ઉતરડી, રાન રઝળતાં પીછાં પીઠે ચોડ્યાં
ભૂખે સૂક્યાં લોહી એવાં, ઠળિયા જેવાં કાળજ
વગડે વ્હેર્યાં કરવત તણી
બળી ગયાં પથ્થર આંખોનાં પાણી
ભડકા તોલે જોખી લીધાં ચીસ થથરતા પડઘા
નિંભાડે ધરબ્યાં ગારાનાં અણઘડ લોંદા લડધાં
સૂમસામ રસ્તે લટકાવ્યાં ખંડેરોનાં મડદાં
ફેંકી પાસો, ફોડી ગાગર ચોકવચાળે
વણ ઢાંકી નીતરતી ખેંચી આણી
અને પછી તો
મેં જે આગ લગાડી
સમદર સાથે બળી ગયાં આંખોમાં થીજ્યાં પાણી