ધ્વનિ/આડે ઊભાં સાગ શાલ્મલી

Revision as of 14:56, 6 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨ આડે ઊભાં સાગ શાલ્મલી

આડે ઊભાં સાગ શાલ્મલી
આડે ઊંચી ડુંગર-ધાર,
આડી મ્હેલાતુંની ભીતર
તેજ છુપાયાં અપરંપાર,
ખીણે પા પા પગલી કરનારાને
—તું વિણ સબ નિ:સાર.

ઉષાની કોમળ આંગળીએ
અંધારાનાં ઉઘડે ઉર,
વર્ષાની ઝરમર પગલીએ
પથ્થરમાંથી વાય કપૂર,
દખ્ખિણ દરિયાની લહરીએ
નાચે કોણ ન વન્ય મયૂર?

એક જ તારાં નેણ તણું નૂર,
એક જ તારું વેણ ખમીર;
ધડકંતા હૈયાનો એક જ
યાચું હું અણસાર લગીર,
ઝાઝું મુજથી જીરવાશે ના;
હૈયું મારું સાવ સગીર.

આડે ઉભાં સાગ શાલ્મલી
આડે ઊંચી ડુંગર-ધાર-,
આડી મ્હેલાતુંની ભીતર
તેજ છુપાયાં અપરંપાર,
ખીણે પા પા પગલી કરનારાને
- તું વિણ સબ નિ:સાર.
જાન્યુ. ૧૯૩૭