હું સ્વપ્નમાંથી જાગતો
ઊંડાં જલે કરીને નિમજ્જન ઉપર ધીરે આવતો.
હું સ્વપ્નમાંથી જાગતો.
પાંપણ ખૂલે,
અંધાર ચોગમ એકલો અંધાર છે.
મંડાઈ રે'તી મીટ ક્ષણભર,
ત્યાં નિબિડ તમસેથી કૈં આકાર પ્રગટે છે અચર,
ના કૈં ગતિ.
પણ સ્વપ્નમાંથી જેમ હું જાગ્રતિમહીં આવેલ તેમ જ
એમની આ સૃષ્ટિ પણ થાતી છતી.
અણજાણ, મૂંગાં, ને અપાર્થિવ જેહનો
આભાસ ઉરને ક્ષુબ્ધકર રે'તો બની
તે સર્વની
જાણે વિસાર્યાં સર્વની ધીમે ફરી ઓળખ થતી.
શાન્તિ છે સર્વત્ર શાન્તિ નિતાન્ત, ને
મન માહરું ય પ્રશાન્ત છે.
પડખું ફરી પાંપણ જરા ઢાળી રહું છું, ત્યાંહિ તો
નિર્ભ્રાન્ત હું
મુજને જ કોઈ સૃષ્ટિમાંહે અવર નિરખું મ્હાલતો.
હ્યાં તેજ છાયા છે નિરાળાં,
જિંદગી, અનુભૂતિ પણ:
રે સ્મરણમાં આવી રહે ક્ષણ પૂર્વની જાગ્રત સ્થિતિ:
એ જાગ્રતિ?
આંહિથી જે લાગતી
કો સ્વપ્નની મીઠી ક્ષણો જાણે વીતી.
આંહિથી ન્યાળું, જતું પેલું સરી:
ને ત્યાં થકી ન્યાળું, યદા તો
આંહિની રે'તી હયાતી ના જરી.
એ છેદના પણ મર્મ શો,
રે ઉભયની અનુભૂતિની સાક્ષી સમો,
હું એક બસ
બાકી રહું અવશેષમાં.
અવશેષમાં હું એકલો જ રહી જતો.
ને એટલે તો
પુનઃ આ સંસારનું સર્જન કરી
હું થી વળી હું રીઝતો.
૨૯-૧૨-૪૮