ધ્વનિ/રહસ્યઘન અંધકાર

Revision as of 01:38, 5 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રહસ્યઘન અંધકાર

નાની મારી કુટિરમહીં માટી તણી દીવડીનાં
આછાં તેજે મધુરપ લહી'તી બધી જંદગીની,
ને માન્યું'તું અધુરપ કશી યે નથી, હું પ્રપૂર્ણ .

ત્યાં લાગી કો જરિક સરખી ફૂંક, દીવી બુઝાઈઃ
છાઈ મારાં સ્ફુરિત બનિયાં લોચને ધૂમ્રલેખા :
ને ઝીણી કો જલન સહ ત્યાંથી ઝરે અંધકાર.
 
એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે!
દીવા તેજે નયન બનિયા અંધ, તે અંધકારે
ન્યાળે છે કો નિરાળું અમિત કરુણાથી ભરેલું રહસ્ય.

૨-૫-૪૬