કવિલોકમાં/અજ્ઞાત ખજાનાની ભાળ
ભક્તકવિ પ્રીતમદાસનાં શ્રીકૃષ્ણભક્તિનાં પદો : સંપા. ડૉ. અશ્વિનભાઈ ડું. પટેલ, પ્રકા. સદ્વિચાર પરિવાર, અમદાવાદ, ૧૯૮૯
અઢારમી સદીના કવિ પ્રીતમદાસ જ્ઞાનવૈરાગ્યના કવિ તરીકે વિશેષ જાણીતા છે. અશ્વિનભાઈ પટેલના સંશોધન મુજબ મૂળ રામાનંદી સંપ્રદાયમાં દીક્ષિત થયેલા પ્રીતમદાસ જીવનના ઉત્તરાર્ધમાં સંદેસર ગામમાં સ્થિર થઈ પુષ્ટિમાર્ગીય કીર્તનભક્તિને પંથે વળ્યા અને તેનું પરિણામ તે તેમનાં કૃષ્ણભક્તિનાં વિપુલ પદો. આ ગ્રંથમાં આ વિષયનાં ચૂંટીને મૂકેલાં ૬૬૧ ગુજરાતી પદો ને ચાળીસેક હિંદી સંગ્રહાયાં છે. જેમાંના પોણા ભાગનાં પદો આ પૂર્વે પ્રકાશિત થયેલાં નથી. આ સંગ્રહની વિશેષતા એમાં છે કે અશ્વિનભાઈએ અનેક હસ્તપ્રતોમાંથી શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આ પદો આપ્યાં છે. ઉપયોગી પાઠાંતરો નોંધ્યાં છે અને શબ્દાર્થ પણ આપ્યા છે. પાઠપસંદગી અને શબ્દાર્થ પરત્વે વિદ્વાનોને અહીંતહીં કંઈક સુધારવાસૂચવવા જેવું લાગે પણ એકંદરે સંતોષકારક કામ થયાની છાપ પડે છે. પ્રીતમદાસ વિશેના પોતાના અધ્યયનને અશ્વિનભાઈ જહેમતપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે એ ઘણી અભિનંદનીય ઘટના છે. મધ્યકાળનો આપણો સમૃદ્ધ સાહિત્યવારસો આવા ઘણા અભ્યાસીઓની રાહ જોઈ રહ્યો છે. સંપાદકે પદોને કીર્તન ભક્તિની પરિપાટી અનુસાર ‘શ્રી કૃષ્ણજન્મવધાઈનાં પદો' વગેરે ૨૧ વિભાગોમાં વર્ગીકૃત કરીને મૂક્યાં છે. કેટલાંક પદો એક યા બીજા વર્ગમાં જઈ શકાય તેવાં હોય જ, તેથી આ વર્ગીકરણને અતિ ચુસ્ત લેખવું ન જોઈએ, એક સગવડ તરીકે સ્વીકારવું જોઈએ, પણ બેએક સ્થાને સરતચૂક થયેલી જણાય છે. બાળલીલાનાં ક્રમાંક ૩૩થી ૪૭નાં પદો, અનંતરાય રાવળે બતાવ્યું છે તેમ. ઉદ્ધવપ્રસંગનાં પદો છે. એને બાળલીલાનાં પદોમાં સ્થાન ન જ હોય. એ જ રીતે વેણુનાદનાં ક્રમાંક ૧૪૧થી ૧૬૭ સુધીનાંમાંથી ઘણાં પદો વધારે યોગ્ય રીતે રાસલીલાનાં પદો લેખી શકાય તેમ છે. પ્રીતમદાસનાં આ પદોમાં એમના ઉજ્જ્વળ કવિત્વનો સુખદ પરિચય થાય છે. એમને મધ્યકાલીન પદકવિતાનાં સઘળાં ઓજારો - લયઢાળ, રાગ, પ્રાસ, વર્ણસગાઈ, અલંકાર વગેરે બરાબર હસ્તગત થયેલાં છે. ભાવ અને ભાષાની ઘણી છટાઓ પણ અહીં ધ્યાન ખેંચે છે. સંપાદકે બતાવ્યા મુજબ અષ્ટછાપ કવિઓનાં પદોનો પ્રીતમદાસ પર અહીંતહીં પડેલો સીધો પ્રભાવ અને કૃષ્ણભક્તિની ગુજરાતી કવિતાની લાંબી પરંપરાનો એમને મળેલો લાભ ગણનામાં લીધા પછી પણ પ્રીતમદાસને આપણે મધ્યકાળના એક અગત્યના કવિ લેખવા જ પડે. ભાવ, પદાવલિ, છંદ બધામાં સફાઈ અને સૌષ્ઠવ એ એમનો પ્રધાન ગુણ છે. પણ અશ્વિનભાઈ પટેલે એમને બીજી હરોળના કવિ ગણવામાં આવે છે તે વિશે ફરિયાદ કરી નરસિંહ, મીરાં ને દયારામની સાથે પ્રથમ પંક્તિમાં મૂકવાની ભારપૂર્વક જિકર કરી છે એની સાથે સંમત થઈ શકાય એવું લાગતું નથી. પ્રીતમદાસ બહુધા કથનવર્ણનને આશ્રયે ભાવપ્રકટન કરવા તાકે છે. એમાં કૃષ્ણલીલાપ્રસંગોના ઉલ્લેખો અને રૂપવર્ણનો સતત ગૂંથાતાં રહે છે. મીરાં ને દયારામની કવિતામાં છે તેવું અંગત ઊર્મિનું આલેખન નથી, કૃષ્ણ સાથેનો અપરોક્ષ સંવાદ નથી. મીરાંની કલ્પનસમૃદ્ધિ નથી કે દયારામની માનવીયતા નથી. અલંકારો છે પણ એ બહુધા રૂઢ, પરંપરાગત અલંકારો છે. અશ્વિનભાઈએ પોતાના અભ્યાસમાં અલંકારરચનાઓ વિશે વીગતે વાત કરી છે પણ એમનો પ્રયત્ન પ્રીતમદાસની અલંકારશક્તિને ઊંચી કોટિની સ્થાપવામાં નિષ્ફળ રહે છે. એમના આ પ્રયત્નમાં અલંકારની સમજણના દોષો છે તે જુદી જ વાત છે. એમણે નિર્દેશ્યું છે તે ખરું છે કે વિષયવાસનાનું આરોપણ થઈ શકે તેવી પ્રેમક્રીડાકેલિઓથી પ્રીતમદાસ અળગા રહ્યા છે, એટલેકે પ્રકટ શૃંગારરસ એમણે ગાયો નથી. કૃષ્ણભક્તિગાનમાં એમણે એક વૈરાગી તરીકે કંઈક મર્યાદા સ્વીકારી છે. પણ આથી એમનાં આ પદો ભાવોત્કટતાની બાબતમાં ઊણાં ઊતરે છે. કાવ્યરસિકોને એ ઊણપ ખાસ દેખાશે. દયારામને નામે પ્રચલિત ગોપી-વાંસલડીના સંવાદનાં બે પદો પ્રીતમદાસનાં છે એવું સં.૧૮૫૯ની હસ્તપ્રતના આધાર સાથે શ્રી પટેલ સ્થાપી આપે છે. એટલે આપણે એ સ્વીકારવું જ રહ્યું. પરંતુ આ જાતનાં ચાતુર્યનાં ને સંવાદાત્મક પ્રકારનાં પદો પ્રીતમદાસમાં વિરલ છે. આ બે સિવાયનાં વાંસળીના કોઈ પદમાં વાંસળીને સંબોધન નથી! દયારામનાં ઘણાંબધાં પદો કોઈ પાત્રના ઉદ્ગાર રૂપે ને કોઈ ને કોઈને સંબોધન રૂપે છે. પણ દયારામ પૂર્વે આવું ક્યાંય જરા પણ ન હોય એમ કેમ કહી શકાય? ગ્રંથમાં પરિશિષ્ટ રૂપે અહીં સંગૃહીત નહીં કરવામાં આવેલાં ગુજરાતી અને હિંદી પદોની પ્રથમ પંક્તિની યાદી આપી સંપાદકે સંશોધકની સાચી દૃષ્ટિ બતાવી છે. સંપાદકે પ્રીતમદાસ અને એમની કવિતા વિશે બે-ત્રણ ટુકડે ને વિસ્તારથી લખ્યું છે તે સંકલિત અને સઘન કરી શકાયું હોત તો વાંચનારને વધુ સુગમ રહેત, વધારે અસરકારક પણ બનત. મધ્યકાલીન સાહિત્યના હજુ સુધી અજ્ઞાત રહેલા એક ખજાનાની ભાળ આપતો આ સંપાદકશ્રમ ધન્યવાદનો અધિકારી છે. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૦
* <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૯૦
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***