પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સમય અને સર્જકતા

Revision as of 04:14, 28 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમય અને સર્જકતા


લૉંજાઇનસનો પ્રબંધ મુખ્યત્વે વાગભિવ્યક્તિની આંતરિક તપાસને અનુલક્ષે છે. પણ વાગભિવ્યક્તિને વિશાળ માનવજીવન સાથે જે સંબંધ છે એ એમના લક્ષ બહાર નથી. અસાધારણ માટેનો આદર માનવપ્રકૃતિમાં જ છે જેવાં વ્યાપક જીવનસંદર્ભને ઉપસાવતાં નિરીક્ષણો એમણે પ્રસંગોપાત્ત કરેલાં છે એ આ પૂર્વેની ચર્ચામાં આપણે જોઈ ગયા છીએ. આવો એક મુદ્દો એમણે પ્રબંધના અંતભાગમાં ચર્ચ્યો છે. એ મુદ્દો છે કઈ જાતની દેશસ્થિતિ, સમાજસ્થિતિ સર્જકતાને પોષક છે એ વિશેનો. લૉંજાઇનસના સમયમાં સર્જકતાનાં વળતાં પાણી હતાં. એ સમયે એવા લેખકો-વક્તાઓ જરૂર હતા જે જાહેરજીવન માટેની યોગ્યતા ધરાવતા હતા. એમનામાં તીવ્ર બુદ્ધિ ને સુસજ્જતા, ભાષાની મનોરમતા તેમજ શ્રોતામાં બૌદ્ધિક પ્રતીતિ જન્માવવાની શક્તિ હતી, પરંતુ ખરેખરી ઉચ્ચ કે લોકોત્તર પ્રતિભા ધરાવતા પુરુષો ભાગ્યે જ હતા. કેટલાક લોકો એ વખતના સરમુખત્યારશાહી રાજ્યશાસનને આને માટે જવાબદાર લેખતા હતા. તેમની દૃષ્ટિએ આ પ્રકારના રાજ્યશાસનમાં લોકોને પહેલેથી જ નીતિનિયમોથી ભરેલા દાસત્વના પાઠ ભણવા મળતા હોય છે અને તેથી એમના વિચારો બાલ્યાવસ્થામાં જ રહે છે. તેઓ, ભલે ઊંચી કોટિના પણ કેવળ પ્રશસ્તિગાયકો – વૈતાલિકો બનીને રહે છે. મહાન પ્રતિભાની ધાત્રી તો લોકશાહી છે. લોકશાહીનું સ્વતંત્રતાનું વાતાવરણ આશાઓને જગવે છે, કલ્પનાને મોકળું મેદાન આપે છે અને સ્પર્ધાને તક આપી ચિત્તની શક્તિઓને ધારદાર અને ઉજ્જ્વળ બનાવે છે. લૉંજાઇનસ આ વિચારણા સાથે સંમત થતા નથી. તેઓ ટકોર કરે છે કે પોતે જે યુગમાં જીવે છે તેની સાથે વાંધો પાડવાનું સરળ છે ને એ માણસનો સ્વભાવ પણ છે. એમને તો એ યુગના એકચક્રી શાસનમાં પ્રવર્તતું શાંતિનું વાતાવરણ (જેમાં કોઈ પડકાર નથી હોતો) મહાન પ્રતિભાના હ્રાસ માટે જવાબદાર હોવા વિશે શંકા છે. એમને પ્રતિભાના હ્રાસ માટે જવાબદાર તત્ત્વ લોકોના અંતરમાં પડેલું દેખાય છે. એ કહે છે કે આ યુગમાં લોકો લાલસાઓથી ઘેરાયેલા છે, સુખવાદી બની ગયા છે અને પૈસા પાછળ દોટ મૂકી રહ્યા છે. પૈસા પાછળની આ દોટ એની સાથે અનેક અનિષ્ટો લાવે છે – આડંબર, દંભ, મિથ્યાભિમાન, ઉદ્ધતાઈ, નિરંકુશતા વગેરે. લાલચનો માર્યો માણસ પરહિંસા કરે છે, બીજાનું ઓળવવા ષડ્‌યંત્રો રચે છે. આમ, આ યુગમાં માણસ પોતાના અમર્ત્ય અંશને બદલે મર્ત્ય અંશનો મહિમા કરતો થયો છે. જેમ લાંચ લીધેલી હોય એ ન્યાયાધીશ સ્વતંત્ર નથી રહેતો અને સાચો ચુકાદો નથી આપી શકતો તેમ ભ્રષ્ટ અને પતિત માણસ પણ તટસ્થતાથી ને નિષ્પક્ષતાથી વિચારી નથી શકતો. પરિણામે મહાનતાનો આદર્શ ક્ષીણ થાય છે, સમાજને એનું આકર્ષણ રહેતું નથી અને એ સર્વનાશને આરે આવીને ઊભો રહે છે. ટૂંકમાં, લૉંજાઇનસની દૃષ્ટિએ સુખવાદીપણું જ મહાન પ્રતિભાના હ્રાસ માટે જવાબદાર છે. એ તો એમ કહેવા સુધી પણ જાય છે કે માણસ સ્વતંત્ર હોય એના કરતાં એ પરાધીન હોય એ કદાચ વધારે સારું છે, કેમ કે માણસની વાસનાઓને નિરંકુશ રીતે છૂટી મૂકી દેવામાં આવે તો એ પાંજરામાં રહેલા પશુને છૂટો મૂકી દેવા જેવું થશે. આવો માણસ પોતાનાં દુષ્કર્મોથી જગતને સળગાવી મૂકશે. માણસની વાસનાઓ પર તો અંકુશ હોય એ જ જરૂરી છે. લૉંજાઇનસની આ વિચારણામાંથી કોઈએ એવું તારવ્યું છે કે એમને પ્રબુદ્ધ સરમુખત્યારશાહીમાં વધુ વિશ્વાસ છે. પણ આવી તારવણી કરવાનું યોગ્ય લાગતું નથી, કેમ કે લૉંજાઇનસે વિચારવા માટે મૂકેલો આ મુદ્દો છે. એમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે નિશ્ચિત રૂપે મૂક્યો નથી, એક તર્ક રૂપે, એક બીજા પક્ષ તરીકે મૂક્યો છે એવું દેખાય છે. ચર્ચાના અંતે ‘આપણે કોયડાને વણઊકલ્યો છોડીએ’ એવો ઉદ્‌ગાર એ કરે છે એ એમ જ બતાવે કે પ્રશ્નને એમણે ખુલ્લો છોડ્યો છે. એમાં બન્ને પક્ષે હજુ દલીલો થઈ શકે એવું માન્યું છે. એ જે હોય તે. આ ચર્ચામાંથી લૉંજાઇનસ પ્રજાની ને સર્જકોની મહાનતા માટે નૈતિક મૂલ્યોને કેવાં અનિવાર્ય લેખે છે એ ફલિત થાય છે ને એમનામાં કોરી સાહિત્યનિષ્ઠા નથી, ઊંડી જીવનનિષ્ઠા પણ છે એનું સુભગ દર્શન આપણને થાય છે.